છવ્વીસ ઘર અને હું – વીનેશ અંતાણી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2012માંથી સાભાર.]

નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં છવ્વીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. એ બધાં જ ઘરમાંથી હું અત્યારના મને અલગ તારવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એ ઘરોની સાથે વીતી ગયેલો હું મને એકત્ર કરીને અત્યારના મારામાં સમ્મિલિત કરી શકતો નથી. જે ઘરમાં જે વખતે રહેતો હતો તે વખતનો હું જાણે સાવ ભિન્ન છું. એ ઘરોમાં મારું બનતા જવું બનતું રહ્યું હતું, તેમ છતાં એમાંનો દરેક હું અલગ એકમ છું. ચહેરો બદલાતો રહ્યો છે, કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. સંવેદનો બદલાયાં છે. તે દરેક વખતનાં આનંદ અને પીડાઓ જુદાં છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. તે-તે વખતનો હું હજી પણ મારાં એ બધાં જ ઘરમાં વસું છું.

એક ઘર હતું, જેમાં હું પહેલી વાર ચાલતો અને બોલતો થયો હતો. એક ઘરમાં મેં પાટીમાં પહેલો અક્ષર પાડ્યો હતો. એક ઘરમાં મેં પહેલી વાર દાઢી કરી હતી. એ ઘર હતું, જેમાં મને છોકરીઓની ગંધ આવવાની શરૂઆત થઈ હતી. એક ઘરમાં મને મળેલો પ્રથમ પ્રેમપત્ર ક્યાં સંતાડવો તેની મૂંઝવણ થઈ હતી. મારા સૂવાના રૂમમાં પ્રથમ વાર કોઈ સ્ત્રીનાં વસ્ત્રોનો સળવળાટ સંભળાયો હતો. એ જ ઘરમાં મારું પ્રથમ સંતાન જન્મ્યું હતું ને એ જ ઘરમાંથી મારા પિતાજીએ વિદાય લીધી હતી. ફાનસની જગ્યાએ વીજળીના દીવા થયા હતા. એક પતરાના છાપરાવાળું ઘર હતું અને હું એમાં ઉનાળાના સખત તાપમાં ધખતો રહ્યો હતો. અમે પહેલીવાર ઘરનું ઘર ખરીદ્યું ત્યારે અમારા ગજવામાં ફૂટી કોડીય નહોતી, છતાં અમે સંજોગોને સાનુકૂળ બનાવીને તે ઘર ખરીદી શક્યાં હતાં. એક ઘરમાં હું રહેતો હતો અને બહાર મારી સુરક્ષા માટે તહેનાત સંત્રીઓ ખડેપગે ઊભા રહેતા હતા.

એ બધાં જ ઘરનાં સરનામાં જુદાં જુદાં છે. પ્રકાશક-મિત્ર ભગતભાઈ શેઠે એક વાર કહ્યું હતું : ‘ભૈ સા’બ, તમારાં સરનામાં અને ફોન નંબર લખવા માટે તો મારે અલગ ડાયરી રાખવી પડશે….’ એ સરનામે મારી ટપાલ આવી છે, મિત્રો અને પરિવારજનો મળવા આવ્યાં છે. મને ઘણી વાર લાગે છે કે તેમાંનાં ઘણાં સરનામે હજી પણ મારી ટપાલ આવતી હશે, માત્ર હવે ત્યાં રહેનાર તે ટપાલ ખોલ્યા વિના ફાડી નાખતાં હશે. એટલું બધું બદલાતું રહ્યું છે કે કશું પણ ‘રિ-ડાયરેક્ટ’ કરાવવાની શક્યતા રહી નથી. કેટલાં બધાં ટપાલી, ધોબી, છાપાં નાખવાવાળા, કામવાળીઓ, પડોશીઓ, પાનવાળા, કરિયાણાવાળા. ઘરોની ભીંતો પર ચીપકી બેઠેલી કેટલીય ગરોળીઓ અને ઘરના ખૂણાઓમાંથી સંભળાતા રહેતા કંસારીઓના કણસાટ…. કેટલી બધી ગલીઓ, કેટલાય વળાંક, કેટલાય ખૂણા, કેટલીય ભરપૂર રાતો ને કેટલીય સૂની-ભેંકાર ઘડીઓ….. કેટલાંય ઘર છોડતી વખતે અમે જૂની ચીજોને ત્યાં જ છોડી દીધી છે. અમારા ગયા પછી ખાલી થઈ ગયેલા ઘરમાં છાપાંના ડૂચા ઊડતા રહ્યા હશે.

દરેક નવા ઘરમાં પ્રવેશતાંની સાથે અમે પણ ત્યાં અમારાથી અગાઉ રહી ગયેલી વ્યક્તિઓએ છોડી દીધેલી ચીજો ઉસરડી છે. એ જ ઘરના જૂના ઝાડુથી ઘરને નવેસરથી સાફ કરવાનું શરૂ કર્યું છે. નવા ઘરમાં આરંભના દિવસોમાં એવું લાગતું. જાણે તેમાં રહી ગયેલી વ્યક્તિઓના શ્વાસોચ્છવાસ સંભળાય છે. પછી એમના જીવવાની ઉપર અમારું જીવવું ગોઠવાતું જતું. એ ઘર અમને પણ ઓળખવા માંડતું અને છતાં, એ સતત કોઈ થડકા સાથે જીવતું હોય એવું લાગતું, જાણે એને ડર હોય – અમે પણ એને કોઈ પણ ઘડીએ એકલું છોડીને ચાલ્યા જઈશું. હવે સમજાય છે, દરેક ઘરને પણ પોતાના ડર હોય છે, પોતાની આશંકાઓ હોય છે અને પોતાનો પ્રેમ હોય છે. ઘર તમને કશું કહેશે નહીં, એ તો બોલે પણ નહીં – માત્ર આપણે ઘરને સાંભળવાનું હોય છે – એના નિસાસા, એનાં હાસ્યો, એના ઉચ્છવાસો અને એની ખામોશીમાં છુપાયેલાં કેટલાંક રહસ્યો…. એનું ભરેલું હોવું અને એનું ખાલી હોવું…. આપણે કોઈ ઘરના સાક્ષી બની શકતા નથી. માત્ર ઘર જ આપણા હોવાપણાના એક ટુકડાનું સાક્ષી બનીને મૂંગું ઊભું રહે છે.

મેં કેટલાં બધાં ઘરોના બારણાં ઉઘાડ્યાં છે અને વાસ્યાં છે. વહેલી સવારે હું તે ઘરોમાં ગયો છું ને મોડી રાતે હું તે ઘરોમાંથી બહાર નીકળ્યો છું. મેં થોડા સમય માટે બંધ કર્યું હોય તો જાણે તે ઘરને ખબર રહેતી કે હું પાછો આવીશ. હું જ્યાં હોઉં ત્યાં મારા બંધ ઘરને યાદ કરતો રહું. બંધ ઘરની નીરવતા. પરદા પાછળથી આવતા આછા અજવાળામાં દેખાતી ધૂંધળી છાયાઓ, ફર્નિચર પર ઢાંકેલાં કપડાંના સળો, બારીના છજ્જા પર બેઠેલાં કબૂતરોનું ઘટર….ઘૂં…. જરા ખુલ્લા રહી ગયેલા નળમાંથી ટપકતા પાણીનાં ટીપાં, ઊંઘું વાળી દીધેલું માટલું, ચુપચાપ તાક્યા કરતા દીવાલો પરના ફોટા, નિરર્થક ખસ્યા કરતા ઘડિયાળના કાંટા…. તેવા દરેક સમયે મને લાગે છે કે મારું ઘર મારી વાટ જુએ છે. પછી ઘેર પાછો આવું ત્યારે એ પાળેલી બિલાડીની જેમ મારા પગ સાથે ઘસાયા કરે…. તે ક્ષણે મને ઘેર પાછા આવી જવું એટલે શું એ વાત પણ સમજાવા લાગે.

મારા નાનપણના ઘરના બારી વિનાના એક ઓરડામાં નળિયાંવાળી છતમાંથી ચાંદરણાં પડતાં. હું અંધારા ઓરડામાં ચાદરણાના લાંબા લિસોટા નીચે મારી આંખ ગોઠવી દેતો-ને મને લાગતું એક આખેઆખો સૂરજ મેં ઝીલી લીધો છે. બા-બાપુજીએ લીંપેલા આંગણામાં બેસીને ફાનસના અજવાળામાં અમે રાતનું ભોજન લેતાં. એક આંગણામાં લીમડો હતો. હું તેની નીચે ખાટલો નાંખીને સૂતો રહેતો. બેસતા ઉનાળાની લહેરખીની સાથે લીમડાના મોરની સુગંધ પ્રસરી જતી. ઊંઘમાં જ મારા ઉપર પાકી લિંબોળી ટપાક દઈને પડતી ને હું ઝબકીને જાગી જતો. મધરાતનો સૂનકાર મારા કાનમાં તમરાંના અવાજની જેમ ત્રમત્રમ કરવા લાગતો. ભુજમાં નાગરની વંડીના વિશાળ ચોગાનમાં સૂતો હોઉં ત્યારે બાજુમાં જ આવેલી ટૉકીઝમાંથી રાતના છેલ્લા શૉનાં અંતિમ દશ્યોના અવાજ સંભળાતા. સામે આવેલાં આંબલીનાં બે ઘટાદાર ઝાડ રાતના અંધારામાં પ્રેત જેવાં ભાસતાં. એ સાંજે જ છોકરીને ગામની બહાર એકાન્ત જગ્યામાં મળ્યો હોઉં તે જાણે રાતના સન્નાટાનો લાભ લઈ મારા ખાટલાની ઈસ પર અદશ્ય બેસી જતી અને અમે હોઠ ઉઘાડ્યા વિના, દિવસનું પહેલું અજવાળું થાય ત્યાં સુધી, વાતો કર્યા કરતાં.

હાઈ-વેની બાજુમાં આવેલા વડોદરાના ઘરમાં આખી રાત સડક પર પસાર થતાં ભારે વાહનોનો અવાજ સંભળાતો રહેતો. બારી પાસે જ મહોરેલી રાતરાણીની સુગંધ, પારિજાતનાં ફૂલોનું પાછલી રાતે ચુપચાપ ખરતા રહેવું. મુંબઈના આરંભના દિવસોમાં હું મુલુંડમાં રહેતો હતો ત્યારે એક મધરાત પછી ઊંઘ ઊડી ગઈ હતી. મેં ઉપરના માળે આવેલા ફલેટની બારી ખોલી હતી. ઊંચા ઊંચા મકાનોની વચ્ચેથી મહાનગરના આકાશના ટુકડામાં પાછલી રાતનો ઝાંખો ચન્દ્ર દેખાઈ ગયો હતો. તે ક્ષણે જ અચાનક કોઈ અકળ પીડા જાગી ઊઠી હતી. પછી ઓશીકા પર માથું દાબીને ખુલ્લી આંખે સૂતો રહ્યો હતો – લાગ્યું હતું, હું નીચે આવેલા પાતાળમાં જોઈ રહ્યો છું અને મારા વીતેલા દિવસોની કેટલીય ઘટનાઓ તે જ વખતે બની રહી છે…. નેપિયન-સી રોડ પર બારમા માળે આવેલા ફલૅટની બારી ઉઘાડું ને સમુદ્રની ખારી હવાની ગંધ મારા ઘરમાં આવી જતી. ઘાટકોપરના અવાવરુ ઘરના બાથરૂમમાં કાનખજૂરા ગટરમાંથી બહાર આવી જતાં. ચંડીગઢના ઘરની બાલ્કનીમાં ઊભો રહેતો અને સામે આવેલી શિવાલિક પહાડીઓ દેખાતી. નીચે સંત્રીઓના તંબૂ પવનની થપાટોમાં ફફડતા રહેતા. વસ્ત્રાપુરમાં નવમા માળની નીચે રાતે દૂધનાં કેન ઊતરતાં હોય તેના અવાજો સંભળાયા કરે છે. હૈદરાબાદના ઘરની પાછળ એક લાંબું ખેતર છે, એનો માલિક એ ખેતર ન વેચવાની હઠ લઈને બેઠો છે. બ્રેકનેલના ઘરમાં ઈંગ્લૅન્ડની વિદેશી ઠંડીનાં ચોસલાં અને ઘરમાં પાથરેલી જૂની કાર્પેટમાંથી ઊઠતી ગંધ. લાંબા પડછાયા અને ઉષ્ણતા વિનાનો તડકો – અને પોતાના દેશમાં ન હોવાની ખોતરતી રહેતી પીડા. કેટલાંય ઘરની છત પર વરસાદની ધાર ટકરાતી સાંભળી છે, નળિયાં ચૂવતાં ત્યારે તેની નીચે વાસણો ગોઠવી દીધાં છે, ધધૂડા નીચે નાગોધડંગ ઊભો રહ્યો છું. ઘરમાંથી કેટલાંયને વિદાય આપી છે અને પછી ઉદાસ મને ઘેર પાછો આવીને ડામચિયા પર ઊંઘમૂધ સૂઈ ગયો છું.

અમે કોઈ ઘરનું ઓછામાં ઓછું માસિક ભાડું કચ્છના નખત્રાણા ગામમાં પાંચેક રૂપિયા ભર્યું હશે, વધારેમાં વધારે ભાડું બ્રેકનેલમાં, હૂંડિયામણના દર પ્રમાણે, ઓગણપચાસ હજાર રૂપિયા ભર્યું છે. હવે જ્યારે હું મારાં ભૂતકાળનાં ઘરો વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે ઘરની બાબતમાં અમે હંમેશાં નસીબદાર રહ્યાં છીએ. ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ અમને ઘર સામેથી મળ્યાં છે. ભુજ કાયમ માટે છોડીને અમદાવાદ આવ્યાં તો એક સહકાર્યકર્તાએ એના વિદેશમાં વસતા સગાનો બંગલો સચવાય તે હેતુથી અમને એમ ને એમ વાપરવા આપી દીધો. મુંબઈ જવાનું થયું ત્યારે તો સૌથી મોટો પડકાર ઘર મળવાનો હતો. મુંબઈમાં વસતા મિત્રોએ મદદ કરવાની બધી તૈયારી બતાવી, છતાં ભાડે ઘર મેળવી આપવા માટે લાચારી વ્યક્ત કરી હતી. તે વખતે મેં વાર્તાકાર નેમ મોતાને પત્ર લખ્યો હતો. એમણે મને એટલું જ જણાવ્યું, ‘મુંબઈ પહોંચીને મને જણાવો.’ મળવાં ગયાં તો કહે – ‘લો, આ મારા ફલૅટની ચાવી, મને જરૂર પડશે ત્યારે રાતોરાત ખાલી કરવો પડશે !’ ઘાટકોપરમાં રહેતો હતો તે ઘર ખરેખર રાતોરાત ખાલી કરવું પડે તેવા સંજોગ ઊભા થયા. હું જેમની સાથે રહેતો હતો તે અમારા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલની દીકરી એમની સાથે રહેવા આવવાની હતી. તે સમયે બીજું ઘર ન મળે ત્યાં સુધી મારે આકાશવાણીના ઑડિટોરિયમમાં રાતવાસા કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પણ મને તરત જ એન્ટોપહિલમાં ઘર મળી ગયું હતું – રાતોરાત. હું મુંબઈથી બદલી લઈને વડોદરા જવા માગતો હતો. મારું કુટુંબ વડોદરામાં હતું, છતાં મને નહીં, જમ્મુ-કાશ્મીરના એક ભાઈને વડોદરા મોકલ્યા. ભારે વ્યથિત હતો તે જ વખતે મને નેપિયન-સી રોડ વિસ્તારમાં, દરિયાની બરાબર સામે, સરકારી ફલેટ મળ્યો – બારમા માળે. હું તે વખતના મારા સ્ટેશન ડાયરેક્ટર પાસે ગયો અને કહ્યું : ‘ભલે મને ઊંડામાં ઊંડી ખાઈમાં ફેંકવામાં આવે, હું બારમા માળની ઊંચાઈ પર પહોંચીશ !’

નાનપણના ગામ નખત્રાણાના એક ઘરની સામે અંબાજીનું મંદિર હતું. એ ઘરના ઓરડા બાજુ બાજુમાં નહોતા, અલગ-અલગ સામસામે હતા. ત્યાં બે આંગણાં હતાં. હું લગભગ ચાલીસ વરસ પછી તે ઘર જોવા ગયો ત્યારે એની ડેલી બંધ હતી. હું ડેલીની સામે કેટલીય વાર ઊભો રહ્યો હતો. ડેલી ખોલીને અંદર જવાની ઈચ્છા માંડમાંડ રોકી હતી. હવે તે ઘર મારું નહોતું. બીજા લોકો તેમાં રહેતાં હતાં તે સત્ય સુધી મારાથી પહોંચી જ શકાયું નહોતું. વડોદરા ગયો હોઉં ત્યારે ત્યાંના મારા ઘરના રસ્તે પહોંચ્યા પછી તરત જ પાછો વળી આવ્યો છું. જૂના ઘર પાસે જતાં ડર લાગે છે, કદાચ તે હવે મને ઓળખશે નહીં અને હું જે ઘરને મારી ભીતર સાચવતો આવ્યો છું તે જ ઘર જો મને પારકો ગણે તો મારાથી સહન નહીં થાય. મારે સમજી જવું જોઈએ – અને છતાં હું સમજવા તૈયાર નથી – જે હવે મારું નથી તે મારું નથી. ભુજનું મારું નાગરની વંડીનું ઘર ધરતીકંપ પછી તોડી નાખવામાં આવ્યું છે. હવે હું તેને કદી જોઈ શકવાનો નથી. એક વાર ગૂગલ સર્ચ કરીને બ્રેકનેલમાં આવેલું અમારું ઘર કોમ્પ્યૂટર પર જોયું હતું. એ જ ઘર – 30, ડ્રાયડેન, બ્રેકનેલ, ઘરનું બારણું બંધ હતું. તે સિવાય બહારથી બધું જેવું હતું તેવું જ દેખાયું હતું. લાંબી બારી પાસે ઊગેલું બદામી રંગનાં પાંદડાંવાળું લાંબું વૃક્ષ પણ ત્યાં જ હતું. અમે કોમ્પ્યૂટરમાં દેખાતા તે ઘરનો ડોરબેલ મારી શકીએ તેમ નહોતાં, નહીં તો ડોરબેલ વગાડ્યો હોત. વધારેમાં વધારે શું થયું હોત, કોઈ વિદેશીએ દરવાજો ખોલ્યો હોત અને અમે અમારું નામ બોલીને પૂછી લીધું હોત – અહીં રહે છે ? એણે ના પાડી હોત, અમે સૉરી કહીને ત્યાંથી પાછલા પગે ખસી ગયાં હોત.

બ્રેકનેલના ઘરનો માલિક અંગ્રેજ નહોતો. એ જર્મન હતો. એનું નામ ક્રિસ્ટોફર હતું. એ થોડાં વરસો ઈંગ્લૅન્ડમાં રહ્યો ત્યારે એણે એ મકાન ખરીદ્યું હતું. પાછો જર્મની ચાલ્યો ગયો, પણ ઘર રાખ્યું. ઘર ભાડે આપતી એજન્સી દ્વારા મારા પુત્રોએ તે ઘર ભાડે લીધું હતું. ક્રિસ્ટોફર એની ઘરવખરીની બધી જ ચીજો ત્યાં મૂકી ગયો હતો. અમે માત્ર સૂટકેસમાં અમારાં કપડાં લઈને ગયાં હતાં અને તે ઘર છોડ્યું ત્યારે સૂટકેસ ઉપાડીને બહાર આવી ગયાં હતાં. તે ઘરનું બધું ફર્નિચર ક્રિસ્ટોફરે જાતે બનાવ્યું હતું. એ કારીગર હતો અને સંગીત-ચિત્રોનો રસિયો હતો. માળિયામાંથી એણે દોરેલાં ચિત્રો નીકળ્યાં હતાં. મધ્યમ કદના કબાટ જેવડાં બે સ્પીકર હતાં. જર્મનીના લોકસંગીતની ઢગલાબંધ એલ.પી. રેકોર્ડઝ હતી. અમે તે ઘરમાં ક્રિસ્ટોફરની પ્લેટ્સમાં જમતાં અને ક્રિસ્ટોફરની પથારીમાં સૂતાં. તે ઘરમાં દરેક ક્ષણે જાણે ક્રિસ્ટોફર પણ અમારી સાથે જ જીવ્યો હતો. એ એનાં સુતારી કામનાં સાધનો આંગણમાં બનાવેલી લાકડાની હટમાં મૂકી ગયો હતો. એ પણ કદાચ એક સૂટકેસ લઈને જ એના ઘરમાંથી ચાલ્યો ગયો હતો. તમે ફક્ત ઘરધણીના મકાનમાં જ રહેતાં ન હો, એની જ બધી ઘરવખરીની સાથે પણ રહેતાં હો ત્યારે બહુ વિચિત્ર લાગણી થયા કરે છે – તમે મકાનનું જ ભાડું નથી ભરતા, મકાનમાલિકની દરેકેદરેક ચીજનું પણ ભાડું આપી રહ્યા છો. ઘર એવું ને એવું અકબંધ હોય, છતાં એમાં એનો માલિક નહીં, ભાડૂત રહેતાં હોય. એ એક વાર પાંચ-છ દિવસ માટે જર્મનીથી બ્રેકનેલ આવ્યો હતો, પોતાના જ ઘરમાં અમારી રજા લઈને મહેમાનની જેમ રહ્યો હતો. અમારી સાથે એના પોતાના જ ડાઈનિંગ ટેબલ પર જમવા બેસતો ત્યારે એ શેકેલો પાપડ દાળમાં બોળીને ખાતો હતો. સિગારેટ પીવા માટે બહાર જતો અને ઘરમાં પાછા આવતી વખતે હોઠ સામે હાથ હલાવીને ક્યાંય ધુમાડો રહી ગયો હોય તો તેને ઉડાડી નાખવાનો પ્રયત્ન કરતો.

એ ઘરમાં જવા માટે અમારે વિઝા લેવો પડતો હતો. મારું પહેલું ઘર મારા દાદાનું હતું, પછી મારા પિતાજીના ઘરમાં રહ્યો, અમારાં પોતાનાં ઘરમાં રહ્યાં – અને પછી ઈંગ્લૅન્ડ ગયાં ત્યારે દીકરાઓના નામે ભાડે લેવાયેલા ઘરમાં ગયાં હતાં. એ ઘરમાં પણ અમારી સાથે ઘણું બન્યું હતું. પહેલા પૌત્રનો પહેલો જન્મદિવસ ત્યાં ઊજવ્યો હતો. બીજો દીકરો પરણ્યો પછી એની પત્ની એ ઘરમાં અમારા જીવનમાં આવી હતી. પૌત્રી ત્રણ મહિના વહેલી જન્મી ત્યાર પછીની ચિંતા અને દોડાદોડીનો સમય તે ઘરમાં વીત્યો હતો. તે ઘરના કોર્ટયાર્ડમાં ઊગેલાં વિશાળ વૃક્ષો પરથી પાનખરમાં ખરેલાં પાંદડાંની સફાઈ કરી હતી. દર ગુરુવારે કચરો લેવા આવતી ટ્રકમાં ઠાલવવા માટે ગાર્બેજની ટ્રોલી ખેંચી હતી. બારણામાંથી દરરોજ ટપાલ અંદર ફેંકાતી ત્યારે ઈન્ડિયાથી કોઈની ટપાલ હશે તેવું ધારીને હોંશભેર દોડતાં. ગ્રીષ્મની રાતે નવ વાગે પણ સૂરજ આથમ્યો ન હોય ત્યારે વિચાર આવી જતો- ઈન્ડિયામાં રહેતાં અમારાં પરિચિતો અત્યારે મધરાતની શાંતિમાં ઘસઘસાટ ઊંઘતાં હશે. એ ઘરમાં ભારત અચાનક ‘ઈન્ડિયા’ બની ગયું હતું.

હવે બધું જ સંકેલાઈને બે ઘરમાં સમેટાઈ ગયું છે. એક વસ્ત્રાપુર, અમદાવાદમાં અને બીજું હૈદરાબાદના અત્તાપુર વિસ્તારમાં. રેલવેથી આવતાં-જતાં બંને ઘર વચ્ચે પચ્ચીસેક કલાકનું અંતર છે, છતાં અમે બંને ઘરમાં સમાંતરે રહીએ છીએ. અમદાવાદના ઘરમાં હોઉં ત્યારે હૈદરાબાદનું ઘર મારી ભીતર હોય છે અને હૈદરાબાદના ઘરમાં હોઉં ત્યારે અંદરથી અમદાવાદના ઘરમાં જ રહેતો હોઉં છું.

લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું છે અને બીજી જ ક્ષણે લાગે છે, કશું જ પૂરું થયું નથી. ક્યારેક હું જેમાં રહ્યો તે છવ્વીસે છવ્વીસ ઘર મારી સ્મૃતિમાં એકીસાથે ઝિંકાય છે ને મને ભય લાગે છે – હું એ બધાંનો ભાર સહન કરી શકીશ નહીં. પછી સમજાય છે કે મારો ભય પાયા વિનાનો છે. ભાર ઘરનો હોતો નથી, વીતેલા સમયનો હોય છે. ઘર તો આપણને પોતાની અંદર સ્નેહથી સમાવી લે છે. ઘર આપણાથી છૂટું પડતું નથી, આપણે જ ઘરને છોડીને ચાલ્યા જઈએ છીએ. મને ઘણીવાર વિચાર આવે છે કે જો મને મારું જીવવું જીવવા જેવું લાગ્યું હોય તો મારાં બધાં જ ઘરોને લીધે. એ ઘરોને લીધે મારે ક્યાંય બહાર રહેવું પડ્યું નથી. હું સદા ભીતર રહી શક્યો છું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ – ભાણદેવ
કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી Next »   

8 પ્રતિભાવો : છવ્વીસ ઘર અને હું – વીનેશ અંતાણી

 1. દિવ્યમ અન્તાણી says:

  વાહ વિનેશ કાકા. ખુબ સરસ. આપણા જેવા વતનથી દુર રહેતા લોકો માટે જુની યાદો તાજી કરાવી આપી. ભુજની નાગર વન્ડી ની તો વાત જ અલગ છે. ખુબ ખુબ આભાર. જય હાટકેશ.

 2. Bhumika says:

  ખુબ જ સરસ! ઘર ને લઇ ને ઉમદા વિચાર ની રજુઆત.

 3. ખુબ સરસ,ઘરમા આપણિ સ્મ્રુતિ ઓ સચવાયેલેી હોય ચે

 4. dr. arvind panchal says:

  બહુ જ મઝાનો લેખ !

 5. Yogini joshi says:

  આમ જુવો તો મકાન એત્લે ઇત ને સેમેન્ત નુ ચન્તર જ્ પન આપ્નિ લાગ્નિ જ એ મકાન ને આપ્ના મા જિવ્તુ કરિ દે ચે.
  સુર્ય પન એજ, ચન્દ્ર પન એજ્ પન ઘ્રર બદ્લાતા જ એનિ શિત્લ્તા ને હુઉફ્ફ બદ્લાય ચે.
  i can easily connect myself with this article as i will b moving into my new house n busy packin my memories wid this house, coz u can leave behind ur bags but cant afford to leave the special moments spent in happiness n sorrow. this construction of bricks n cement is d only witness of ur love n pain.

  thnx a lot mrugeshbhai, really nice article.

 6. MUKESH JOSHI says:

  કેટલી સરસ વાતો સહજ ભાવે લઆઈ છ્હે . બહુ જ મજા પડી. સચ્ચઈ નો શબ્દ બહુ અસરકારક હોય છ્હે

 7. Bharat says:

  વાહ….! શું સુંદર રજુઆત કરી છે….! જ્યારે જ્યારે મેં ઘર બદલ્યું છે, એ સમયનાં મારા આંતરમનનાં તરંગોનો તમે હુબહુ ચિતાર આપ્યો છે. ઘર બદલતી વેળાએ જુનાં ઘર સાથે કાંઈક અદ્ર્શ્ય નાતો બંધાઈ ગયો હોય અને નવાં ઘરને આવકારવામાં મન હજુ ઢચુપચુ હોય. એમાંય જો જુનાં ઘરનો સામાન પેક કરતી વખતે જો કોઇક લાંબાં સમયથી ભુલાઈ ગયેલી વસ્તુ મળી આવે, તો તો એ આપણને અચુક ભુતકાળમાં ખેંચી જાય. કેટલાક ‘અવશેષો’ તો રડાવી પણ જાય…! ખાલી ઘરમાં ઉડતો કચરો અને સામાન-માણસો વીનાનું ઘર ખાવા દોડે. ભેંકાર દિવાલો કૃશકાય-વિધવા-નિરાધાર ડોસીમાં જેવી ભાસે. અને છેલ્લે આપણે સંસાર ના નિયમ-પરિવર્તનને સાચો ઠેરવવા એક ઊંડો નિસાસો નાંખીને નીકળી જઈએ.

 8. Kalidas V. Patel {Vagosana} says:

  વીનેશભાઈ,
  પૃથ્વીનો છેડો ઘર … એ અમથું કીધું હશે ?
  ઘર જોડે પણ એટેચમેન્ટ થઈ જતું હોય છે, અને તેથી જ ઘર બદલતાં એક ટિસ ઉઠતી હોયછે .. દિલો-દિમાગમાં !
  સરસ લેખ. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.