કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી

[ ગુર્જર બાળવાર્તાવૈભવ શ્રેણીના ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન યશવન્તભાઈ મહેતા અને શ્રદ્ધાબહેન ત્રિવેદીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

ઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. માણસો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા. અત્યારે છે તેટલાં શહેરો પણ વસેલાં ન હતાં. માણસો નાનાં-નાનાં ગામડાંઓમાં રહેતાં હતાં.

વખતપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામના રાજાનું નામ વખતસિંહ હતું. તે સમયે બાજુબાજુમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યના જુદાજુદા રાજા હતા. તે વખતના રાજાઓ પોતાની હદમાંથી બીજા રાજ્યની હદમાં દહીં, દૂધ, ઘી જેવી વસ્તુઓ જવા દેતા નહીં. વખતપુર ગામમાં વખતચંદ નામે એક વેપારી રહેતો હતો. તે સમયના વેપારી ખાસ દુકાન જેવું રાખતા ન હતા અને એક કોથળામાં જુદી-જુદી વસ્તુઓ ભરીને લઈ જતા અને આજુબાજુનાં ગામોમાં જઈને વેચતા હતા. આ રીતે વેપારી માલ વેચવા જાય, તેને ‘કોથળે ગામ જવા નીકળ્યો’ એમ કહેવાતું હતું.

વખતચંદ પોતાની સાથે કોથળામાં સૂંઠ, મરી, લસણ, ખાંડ અને બીજી પરચૂરણ વસ્તુઓ ભરીને બાજુનાં મનપુર અને ધનપુર ગામે વેચવા નીકળ્યો. તે મનપુર ગામથી વેપાર કરીને ધનપુર ગામે પહોંચ્યો, ત્યારે સાંજ પડી ગઈ હતી. તેથી ત્યાંથી આગળ જવાનું તેણે માંડી વાળ્યું, કારણ કે રાતના સમયે રસ્તામાં ચોર, લૂંટારાની બીક રહેતી હતી. વખતચંદે મનપુર અને ધનપુર ગામે વેપાર કરીને તેના બદલામાં બધા પાસેથી ઘી લીધું હતું. તે વખતે વસ્તુના બદલામાં વસ્તુ આપવાનું ચલણ હતું. પૈસાની લેવડદેવડ બહુ જ ઓછી થતી હતી. વળી, વખતચંદને પોતાની દીકરી માટે ઘીની જરૂર હતી, એટલે તેણે બધેથી ઘી જ લીધું હતું. આ ઘી તેણે એક પવાલીમાં ભરીને તેને ઢાંકણાથી ઢાંક્યું હતું. તે ગામની બહાર આવેલી ધર્મશાળામાં ગયો. બીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર આવેલા ગૌતમપુર ગામે જવાનું તેણે નક્કી કર્યું. તે ગામ મોટું હતું, તેથી ત્યાં ઘરાકી મળશે એવો તેને વિશ્વાસ હતો. તેણે ધર્મશાળાના રખેવાળ પાસે ભોજન તૈયાર કરાવ્યું ને જમ્યો. પછી થોડી વાર તેની સાથે તેણે વાતો કરી. શિયાળાનો સમય હતો, ઠંડીનું પ્રમાણ ઠીક-ઠીક હતું, એટલે થોડી વાર તાપણું કરીને તાપ્યું ને પછી તે સૂઈ ગયો.

મોડી રાતે એક બિલાડી ખોરાકની શોધમાં ભટકતી-ભટકતી વખતચંદ સૂતો હતો ત્યાં આવી. તેણે આજુબાજુ નજર ફેરવી તો વખતચંદે મૂકેલો કોથળો તેની નજરે ચડ્યો. બિલાડી તો પોતાના આગલા પગના પંજા વડે કોથળાનું મોં પહોળું કરીને કોથળામાં પેસી ગઈ. બહાર ઠંડી ઘણી હતી. અહીં તેને ઠંડી સામે હૂંફ મળી એટલે ભૂખી હતી, છતાં તે કોથળાની અંદર પડી રહી. પરોઢિયું થયું ત્યાં તો બિલાડીની ઊંઘ ઊડી ગઈ. ઊડી જ જાયને ? આટલી રાતે તેને કશું ખાવાનું મળ્યું ન હતું. ઠંડીમાં ઠૂંઠવાઈને તે કોથળામાં સૂઈ રહી હતી. પરંતુ હવે બિલાડીના પેટમાં બિલાડાં બોલવા માંડ્યાં હતાં. બિલાડી કોથળામાં સળવળી ત્યાં તો કોથળામાંથી ઘીની મીઠી સુગંધ તેના નાક સુધી આવી. આમેય બિલાડીને ઘી તો ખૂબ જ ભાવે. તેણે પોતાની આંખો બરાબર ખોલીને કોથળામાં જોયું, તો પિત્તળનાં ત્રણ વાસણ હતાં. તેણે એક વાસણ ઉઘાડીને જોયું તો પવાલીમાં ઘી નજરે ચડ્યું. બીજાં વાસણોમાં પણ ઘી ભર્યું હતું, પરંતુ બિલાડી તો જે પહેલાં નજરે ચડ્યું તે ઘી ચપચપ ખાવા માંડી. તેને તો ખૂબ મજા પડી ગઈ. થોડી વારમાં તો તે ઘણું ઘી ખાઈ ગઈ. પછી કોથળામાં જ સૂઈ ગઈ.

સવાર પડ્યું ત્યાં વખતચંદ જાગ્યો અને પ્રાતઃકર્મ પતાવ્યું અને કોથળો ખભે નાખી ચાલવા જતો હતો, ત્યાં તો ધનપુરના રાજાનો એક સેવક તે ધર્મશાળામાં આવ્યો. તે દરરોજ વહેલી સવારમાં ધર્મશાળાએ આવતો અને જે કોઈ માણસ ધનપુરથી બહારગામ જતો હોય, તેની પાસેનો સામાન તપાસતો અને જો તે માણસ પાસેથી કોઈ મનાઈ કરી હોય તેવી વસ્તુ નીકળે, તો તેને રાજા પાસે લઈ જતો. રાજા આવી રીતે પોતાના ગામમાંથી ખાવાની વસ્તુ કે મનાઈ કરી હોય તેવી વસ્તુ બહારગામ લઈ જનારને શિક્ષા કરતો. રાજસેવકે વખતચંદને રસ્તામાં જ અટકાવ્યો અને પૂછ્યું :
‘કોથળામાં શું ભર્યું છે ? ચાલ, બતાવ.’
વખતચંદ મૂંઝાયો. તેને થયું કે, મરાયા. જેવો આ રાજસેવક કોથળામાંના વાસણમાં ઘી જોશે કે, તરત જ મને તો જેલભેગો કરશે. તેણે રાજસેવકને ગરીબડા અવાજે કહ્યું, ‘હું તો વેપાર કરવા નીકળ્યો છું. કોથળામાં મારા વેપારની વસ્તુઓ છે. બીજું કશું નથી.’
‘મારે કશું સાંભળવું નથી. કોથળો ખોલીને મને બતાવ.’ રાજસેવકે કડકાઈથી કહ્યું. વખતચંદ વધુ મૂંઝાયો ને જરા અચકાયો, એટલે રાજસેવકે ઉતાવળા થઈને કોથળાનું મોઢું ઉઘાડ્યું.

હવે પેલી બિલાડી આખી રાત કોથળામાં રહીરહીને ખૂબ મૂંઝાઈ હતી અને કેવી રીતે બહાર નીકળવું તેના જ વિચારમાં હતી, ત્યાં તો અચાનક કોથળાનું મોઢું ખૂલ્યું. બિલાડી તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, કોથળામાંથી બહાર કૂદી અને મ્યાઉં-મ્યાઉં બોલતી ઝડપથી નાઠી અને રાજસેવકની પાસેથી જ પસાર થઈ ગઈ. પેલો રાજસેવક બિલાડી પોતાના આડી ઊતરે તેને અપશુકન માનતો હતો, એટલે તેણે તો તરત જ કોથળામાં જોવાનું માંડી વાળ્યું અને કોથળો નીચે મૂકીને વખતચંદને પૂછ્યું :
‘આ શું કર્યું ? તેં તો કોથળામાંથી બિલાડું કાઢ્યું ! તું કોથળામાં બિલાડાં રાખીને ફરે છે ? જા, જા, જલદી ચાલતો થા. મને તો તેં અપશુકન કરાવ્યાં. હવે સવારમાં બીજા કોઈને અપશુકન કરાવતો નહીં.’ આમ કહીને રાજસેવક ચાલતો થયો.

કોથળામાંથી બિલાડુ નીકળવાની વખતચંદને નવાઈ લાગી કે, પોતાના કોથળામાં બિલાડું ક્યાંથી આવી ગયું, પરંતુ ત્યાં રાહ જોવા કે વિચાર કરવા ઊભા રહેવાથી કદાચ મુશ્કેલી થાય, તેથી તે કશું પણ બોલ્યા વગર પોતાનો કોથળો ઉપાડીને ત્યાંથી જલદી-જલદી પોતાના ગામ તરફ ચાલતો થયો. તેણે પોતાના મનમાં તે બિલાડીનો ખૂબ-ખૂબ આભાર માન્યો, કારણ કે બિલાડીના કારણે જ પોતે સજામાંથી બચી ગયો અને પોતાનું ઘી પણ સલામત રહ્યું.

તો આ છે કોથળામાંથી બિલાડું નીકળ્યાની વાર્તા.

[ કુલ પાન : 152. કિંમત રૂ. 100. ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous છવ્વીસ ઘર અને હું – વીનેશ અંતાણી
શું થયું ? – આશા વીરેન્દ્ર Next »   

6 પ્રતિભાવો : કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી

 1. સુન્દર બાલવાર્તા

 2. jayshrimevada says:

  વર્તા ખુબ્જ સરિ ચ્હે

 3. ganpat parmar says:

  પ્રભુલાલ દોશિ સાહેબ નિ ઘનિ વારતા વાચિ પન કોથલામાથિ બિલાદુ ….મજા આવિ.વારતા બદલ ધન્યવાદ….

 4. Jyoti Thakkar says:

  very good, sari lagi.

 5. Amee says:

  Too good…….

 6. jayesh says:

  very good and wonderful stori

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.