શું થયું ? – આશા વીરેન્દ્ર

[ ‘નવનીત સમર્પણ’ સામાયિક ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ નંબર પર +91 2632 251719 સંપર્ક કરી શકો છો.]

એણે સ્કૂટી સ્ટેન્ડ પર ચઢાવીને પાર્ક કર્યું. સખત ગરમી છે, અકળાવી નાખે એવી. આખા ને આખા નિચોવી નાખે એવી. દુપટ્ટાના છેડાથી એણે ચહેરા પરનો પરસેવો લૂછ્યો. માને ખબર પડી ગઈ હશે કે હું આવી ગઈ ! ઓટલા આગળ આવીને ઊભી જ રહી હશે. અરે, માને એકલીને જ નહીં આખા મહોલ્લાને ખબર પડી જાય કે નિરાલીબેનની પધરામણી થઈ છે. ખબર તો પડે જ ને ? આવું ખખડપાંચમ, એન્ટિક પીસ જેવું સ્કૂટી ચાલે એના કરતાં અવાજ વધારે કરે. પણ તોય જેમ લૂલો-લંગડો દીકરોય જનેતાને રાજકુંવર જેવો લાગે એમ નિરાલીને પોતાની કમાણીમાંથી ખરીદેલું આ સ્કૂટી પવનપાવડી જેવું લાગતું, બાકી મિહિર પણ મજાક કરતા કે રાજામહારાજા દરબારમાં તશરીફ લાવે એ પહેલાં છડીદાર છડી પોકારે એવું તારા સ્કૂટીનું છે. એ છડીદાર તારા શાળાપ્રવેશ પહેલાં ખબર આપી દે કે ‘નિરાલીસાહેબાં તશરીફ લા રહી હૈ….’ આ હમણાંથી વાતે વાતે મિહિર કેમ યાદ આવી જાય છે ? ને જો પોતે યાદ ન કરે, તો કોઈને કોઈ તો પૂછવાવાળું નીકળે જ નીકળે, શું ખબર મિહિરના ? અરે ભઈ, મિહિરના ખબર એને જઈને પૂછો, મને શા માટે પૂછો છો ?

ઘર તરફ નજર કરી તો મા ઊભી જ હતી. પોતાના આવવાના સમયે દરરોજ આ જ રીતે જાણે ફ્રેમમાં મઢી દીધી હોય એમ મા એક જ પોઝમાં, થાંભલાને અઢેલીને ઊભી રહેતી. ઘરમાં દાખલ થતી વખતે નિરાલી એટલી ઝડપથી ચાલી જાણે માને એણે જોઈ જ નથી. પોતાના રૂમમાં જઈ એણે હાથમાંના ચોપડા ટેબલ પર પછાડ્યા. ત્યાં જ પાછળ મા આવી પહોંચી :
‘શું થયું પછી ?’
‘મા, હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી કે તેં શરૂ કર્યું. જરાક શાંતિથી શ્વાસ લેવા દઈશ ?’

મા છોભીલી પડી ગઈ. પોતાનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય એમ જરા માથું ઢાળીને ઘડીક ઊભી ને પછી રસોડા તરફ ચાલી ગઈ. બેઠક ખંડમાં આવીને નિરાલી પંખો ખોલીને સોફા પર બેઠી ત્યાં મા પાણીનો ગ્લાસ લઈને આવી. ગ્લાસ લેતાં નિરાલીએ માના ચહેરા સામે જોયું. રોજ એ સ્કૂલેથી આવે ત્યારે ખીલી ઊઠેલો લાગતો એ ચહેરો આજે ફિક્કો લાગ્યો. મા સાથે આવી રીતે વાત કરવા બદલ પસ્તાવો થતો હોય એમ તેણે મા સામે જોઈને સ્મિત કર્યું. એનો હાથ પકડીને એણે માને કહ્યું, ‘બેસને !’ મા ચાવી દીધેલ પૂતળાની માફક તરત જ બેસી ગઈ. જાણે કશુંક ચાવતી હોય એમ ધીમે ધીમે નિરાલી પાણીનો એક ઘૂંટડો ગળે ઉતારતી હતી. કદાચ, મનોમન ગોઠવતી હતી કે માને શું અને કેવી રીતે કહેવું ? પછી એણે કહ્યું :
‘આજે તો આખો દિવસ બહુ કામ પહોંચ્યું. અમારાથી મળી નથી શકાયું.’
‘હં’ ફકત એટલું જ કહીને મા પાણીનો ગ્લાસ મૂકવા અંદર ચાલી ગઈ.

કશું બોલી નહીં, માને ખરાબ લાગ્યું લાગે છે. તે ન લાગે ? હું આવી તોછડાઈથી એની સાથે વર્તું તો ? બિચારી, સવારે હું ઘરમાંથી નીકળું ત્યારથી મારા પાછા ફરવાની અને સાંજ પડવાની રાહ જોતી હોય. નિરાલી આવશે અને સૂમસામ ઘરમાં જીવ આવશે. નિરાલી સ્કૂલની અને મિહિરની કંઈ કંઈ વાતો કરશે. એને બદલે હું આમ….? એને એકાએક મા માટે હેત ઊભરાઈ આવ્યું. રસોડામાં જઈ, માને ગળે હાથ વીંટાળી, લાડ કરતાં એ પૂછવા લાગી,
‘આજે શું જમાડીશ મા ?’
‘તારે જે ખાવું હોય તે. સૂપ ને પુલાવ બનાવું ?’
‘એક્સલેન્ટ આઈડિયા ! મા, તને કેવી રીતે ખબર પડી જાય છે કે મને શું ખાવાનું મન થયું છે ?’ નિરાલી માના હાવભાવનું ઝીણી નજરે નિરીક્ષણ કરી રહી હતી. જરાય લાગ્યું નહીં કે પોતે બતાવેલી અકળામણથી એ નારાજ હોય. એ છે જ એવી. પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એનો જરા સરખોય અણસાર ન આવવા દે.
‘મા, તું ચોખા પલાળ અને મને શાક આપી દે. હું પુલાવ માટે શાક સમારી આપું.’
‘ના, તું રહેવા દે. આખો દિવસ માથાફોડ કરી કરીને થાકી ગઈ હોઈશ….’ મા કહેતી રહી ને નિરાલીએ પ્લેટમાં શાક કાઢવા માંડ્યું, ‘જો મા, આટલું બસ ?’

શાક સમારતાં સમારતાં એ વિચારે ચઢી. હમણાં હમણાં એ ચીડકણી થઈ ગઈ હતી. નાની, નજીવી વાતમાં ગુસ્સો અને છણકો થઈ જતો. આવો તો એનો સ્વભાવ નહોતો. શોભા તો એની જીગરજાન. એની પરેય વાતે વાતે એ કેવી તતડી ઊઠતી ! રવિવારે નિરાલીને ફુરસદે મળી શકાય એમ કરીને શોભા કેટલા વખત પછી ઘરે આવી હતી. અઠવાડિયા પછી એનો જન્મદિવસ આવે છે એ વાત નીકળતાં શોભાએ કહ્યું હતું :
‘નિરાલી, આજ-કાલ કરતાં તને પાંત્રીસમું બેસવાનું. આપણા બેચમાંથી અમે બધાં બે બે છોકરાંઓની મા…’
‘મને ખબર છે, વર્ષા, અનિતા, નંદિની આ બધાંને કેટલાં છોકરાં છે તે. આ સિવાય બીજી કંઈ વાત કરવાની છે ?’
‘તું ભલે ગુસ્સો કરે પણ મારાથી તો બોલ્યા વગર રહેવાશે જ નહીં. વાત સાવ હાથમાંથી નીકળી જાય એ પહેલાં તું મિહિર સાથે ગોઠવાઈ જા, ઠેકાણે પડી જા. એને એક દીકરી છે એ વાત સાચી, પણ દરેકે જીવનમાં કંઈ ને કંઈ બાંધ-છોડ તો કરવી જ પડે.’
‘થેન્કયુ ફોર યોર એડવાઈઝ. બોલ બીજું કંઈ ?’ એ વખતે ભલે એણે વાત વચ્ચેથી કાપી નાખી પણ શોભા કંઈ છોડે એમ નહોતી. જ્યારે ફોન કરે ત્યારે એનો પહેલો સવાલ,
‘નિરુ, શું થયું ?’
‘કેમ શું થવાનું હતું ?’
‘જો, એમ વાત ટાળવાની કોશિશ ન કર. તું ભલે ન કહે, હું બધું સમજું છું. તું માને લીધે અટકે છે. પણ, થોડું તારી પોતાની જિંદગી માટે પણ વિચાર. મા કંઈ કાયમ માટે…..’
‘શોભા પ્લીઝ, મારે આ બાબતમાં કંઈ નથી સાંભળવું.’
‘નથી સાંભળવું કહી દીધું એટલે શું મારે નહીં બોલવાનું ? હું તો બોલીશ, સત્તર વાર બોલીશ,’ શોભાનો લાગણીભીનો કંઠ રૂંધાઈ જતો, ‘સમજ, જરા સમજ. નહીંતર પસ્તાવાનો વારો આવશે. કોઈનાં મા-બાપ આખી જિંદગી નથી બેસી રહેવાનાં. તું એક વાર મિહિર સાથે જોડાવાનું નક્કી કર. મા માટે કોઈ ને કોઈ રસ્તો નીકળી રહેશે.’ મા પણ એમ જ કહેતી, ‘હું હવે કેટલાં વરસ કાઢવાની ? તું ઘર વસાવીને ઠેકાણે પડે તો મારા જીવનેય શાંતિ.’

મા જ્યારે આવું બધું બોલતી ત્યારે નિરાલીની નજર જળોની જેમ એના ચહેરા પર ચોંટી જતી. વારંવાર પટપટ થતી માની આંખો, એના આછું આછું ધ્રૂજતા હોઠ, એના થરકતા ગાલ, અરે, ચહેરા પરની એકએક રેખા ચાડી ખાતી કે નિરાલી પોતાનાથી છૂટી પડી જશે એવી આશંકાનો કેટલો જબરજસ્ત ઓથાર એના મન પર હતો !
‘મા હું વિચાર કરીને જવાબ આપીશ.’
‘ક્યાં સુધી વિચાર્યા કરીશ ? હું લાકડાં ભેગી થાઉં ત્યાં સુધી ?’ ક્યારેક મા અતિશય અકળાઈ જતી. આવી અકળાયેલી, મૂંઝાયેલી માનો સામનો નિરાલીએ આજ સુધી ક્યારેય નહોતો કર્યો. આવી પરિસ્થિતિમાં શું કરવું એ એને સમજાતું નહીં અને એટલે જ વિના કારણે એને મા પર ગુસ્સો આવી જતો. એકાએક જ એ માથી ઉબાઈ જવા માંડી હતી, એને માની એલર્જી થવા લાગી હતી. બસ, ઘરે પગ મૂકું ત્યારથી આ એક જ વ્યક્તિને જોવાની, એક જ જગ્યાએ ઊભી રહેલી મા, એક જ ઢબે પહેરેલો સાડલો, એક જ રીતે પાંથી પાડીને ઓળેલું માથું, એક જ જૂની પુરાણી ફ્રેમનાં ચશ્માં-વર્ષોથી માને આવી જ જોઈ હતી. કોઈ ફેરફાર નહીં. કોઈ નવીનતા નહીં.

એ એકદમ ચોંકી ઊઠતી. આ કેવા વિચિત્ર વિચારો એને ઘેરી વળે છે આજકાલ ? દુનિયામાં જે સૌથી પ્રિય છે એ માથી જ કંટાળો આવે છે ? મારા અને મિહિરના મતભેદમાં આ ભલીભોળી માને શા માટે સંડોવું છું ? એ અને મિહિર છ-સાત વર્ષથી એક જ શાળામાં સાથે નોકરી કરી રહ્યાં હતાં. બીજા શિક્ષકો સાથે હતો એવો ને એટલો જ સંબંધ એને મિહિર સાથે પણ હતો. એમાં કશું વિશેષ નહોતું. પણ ત્રણેક વર્ષ પહેલાં મિહિરની પત્નીએ બે વર્ષની દીકરીને મૂકીને વિદાય લીધી ત્યાર પછી આ બે વચ્ચેના સંબંધનાં સમીકરણો ધીમે ધીમે બદલાવા લાગ્યાં હતાં. ‘મા છે ત્યાં સુધી હું એને એકલી છોડીને ક્યાંય જવાની નથી’ એવો નિરાલીનો સંકલ્પ ડગુમગુ થવા લાગ્યો હતો. એની રગેરગને ઓળખતી માથી આ વાત ક્યાં સુધી છાની રહે ? ઉપર ઉપરથી તો માએ ખૂબ રાજીપો બતાવ્યો પણ નિરાલી સમજી શકી હતી કે માના મન પર આ વાત નેતરના કોરડાની જેમ વીંઝાઈ હતી. એટલે જ મા, શોભા કે અન્ય શિક્ષકમિત્રો જ્યારે શું થયું ? એમ પૂછતાં ત્યારે એને શરીર પર ધગધગતો સળિયો ચંપાતો હોય એવું લાગતું અને પછી અંદર ને અંદર ભભૂકતો જ્વાળામુખી ફાટે ત્યારે એની અડફેટે મા ચઢી જતી.

તે દિવસે તો એ સ્કૂલે જવા નીકળતી જ હતી ત્યાં મા એને ખેંચીને બાપુના ફોટા પાસે લઈ ગઈ હતી. દદડતી આંખે માએ કહ્યું હતું : ‘ખબર છે, કાલે તારા બાપુએ સપનામાં આવીને મને ઠપકો આપ્યો, ‘દીકરીને આટલું સમજાવી નથી શકતી ? કે પછી…..’ આ પછી કહીને ભલે એ આગળ કંઈ ન બોલ્યા, પણ હું સમજી ગઈ કે એમને શું કહેવું હતું. ને મારે આવો આરોપ મારા માથે નથી મઢવો. આજે તારા બાપુએ કહ્યું, ‘કાલ ઊઠીને આખો સમાજ મારી સામે આંગળી ચીંધશે.’ છેલ્લે માએ પોતાનું અમોઘ શસ્ત્ર અજમાવીને સોગંદ આપતાં કહ્યું હતું, ‘આજે આ વાતનો નિર્ણય થવો જ જોઈએ. તમારે જ્યારે જ્યાં મળવું હોય, ત્યાં મળીને નક્કી કરો. બાકી આજે જો તું જવાબ લીધા વગર આવી છે તો….’
‘બસ મા, આગળ બોલવાની જરૂર નથી.’ કહેતાં નિરાલીએ ચોપડા ઉપાડ્યા, સ્કૂટીની ચાવી લીધી અને ચંપલ પહેર્યાં ત્યારે એના ચપોચપ ભિડાયેલા હોઠ પરથી માને લાગ્યું કે આજે તો ચોક્કસ ફેંસલો આવી જ જશે. કાં તો ઈસ પાર કે પછી ઉસ પાર. પોતે ખરેખર શેમાં ખુશ છે, ઈસ પારમાં કે ઉસ પારમાં ? – માને કંઈ સમજાતું નહોતું.

આ બાબતમાં નિરાલી તો ચોખવટથી કશી વાત ન કરતી પણ શોભા મા સુધી બધી બાતમી પહોંચાડતી. મિહિરને નિરાલી એટલી તો પસંદ પડી ગઈ હતી કે એનાથી અલગ રહીને હવે પછીનું જીવન વિતાવવું એને વસમું લાગતું હતું. વળી છૂટી-છવાયી મુલાકાતો દરમિયાન એની દીકરી અમોલી તો નિરાલી આન્ટીની આશિક જ બની ગઈ હતી. અહીં સુધી સાવ સીધેસીધી લાગતી વાત ત્યાં આવીને હંમેશાં ગૂંચવાઈ જતી હતી જ્યાં નિરાલી લગ્ન પછી માને સાથે રાખવાનું કહેતી. જોગર્સ પાર્કમાં કે દરિયાકિનારે ભાવી જીવનનાં રંગીન સપનાં જોતાં બેઠેલાં બંને જણ હંમેશાં માના નામની ચર્ચા અને મિલન સમાપ્ત કરી ઊંચા જીવે છૂટાં પડતાં. કેટલાય વખતથી આમ ને આમ ચાલતું ને એક ડગલુંય આગળ ન વધાતું. નિરાલીની દલીલ હંમેશાં એવી રહેતી કે હું તમારી દીકરી સાથે રહી શકું તો તમને મારી મા કેમ નડે છે ? પરંતુ મિહિર આ રીતે નિરાલી સાથે જોડાવાના પક્ષમાં નહોતો. આ માટે એની પાસે ઘણાં કારણો હતાં, પણ સરવાળે એટલું કે આ મુદ્દાને લીધે બંનેનાં મનમાં ગાંઠ પડી ગઈ હતી. ઘરમાં બેસી રહેલી મા કોણ જાણે ક્યાંથી અને શી રીતે નિરાલી અને મિહિરની વચ્ચે આવીને ઊભી રહી જતી. આમ, આખી વાતમાં તદ્દન નિર્દોષ હોવાં છતાં હવે નિરાલીને મા નડવા લાગી હતી.

નિરાલીના ગયા પછી કંઈ કેટલાયે વિચારોના બોજ મન પર લઈ મા ઘરકામમાં જીવ પરોવવાનો પ્રયત્ન કરવા લાગી. રસોડાનાં કામકાજમાંથી પરવારું એટલે આજે તો નિરાલીના ચોપડાનો કબાટ ગોઠવવો છે, એના પલંગની ચાદર બદલવાની છે, એનાં કપડાંને પછી ઈસ્ત્રી કરી રાખું તો એને એટલી નિરાંત. આખો દિવસ નિરાલી, નિરાલી ને નિરાલી. એના સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. આવું થોડું ચાલે ? હવે તો એના વગર રહેવાની ટેવ પાડવી પડશે. આ તો ઠીક છે, એ આટલાં વર્ષો મારી સાથે રહી, બાકી દીકરીઓ તો સાસરવાસી જ હોયને ? મિહિર સાથે એ ખુશ રહે એટલે બસ. મારે બીજું શું જોઈએ ? વાસણ માંજી રહેલા હાથ થંભી ગયા. બીજું કશું નથી જોઈતું ? ખરેખર ? નિરાલી ક્યાંય ન જાય, મારી પાસે જ રહે, એવું નથી જોઈતું ? સાચું બોલ, સાચું બોલ…. એણે બન્ને હાથ કાન પર દાબ્યા. ના, ના, નથી જોઈતું. એકલી રહીશ વળી, ન કેમ રહેવાય ? મંદિરે જઈશ, મંડળોમાં જોડાઈશ, કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીશ. દિવસ તો પસાર થઈ જાય. એમાં શું ?

સ્કૂટી ખખડ્યું, નિરાલી આવી. સ્કૂટર સ્ટેન્ડ પર ચઢાવતાં એણે નજર કરી. મા ઊભી હતી. પણ રોજની મા અને આજની મામાં કેમ આટલો બધો ફરક લાગતો હતો ? મા એકાએક વાંકી વળી ગઈ હોય, ઘરડી થઈ ગઈ હોય એવી લાગતી હતી કે પછી એ માત્ર ભ્રમ હતો ? ઘરમાં દાખલ થતાં પહેલાં એ થાંભલાને અઢેલીને ઊભેલી મા પાસે ગઈ. વહાલથી માને ગળે વીંટળાઈ ને પછી ઘરમાં ગઈ. રૂમમાં ચોપડા મૂકીને પાછી આવી, પંખો કર્યો, સોફા પર બેઠી. મા પાણી લાવી, સામેના સોફા પર બેઠી, પણ કશું પૂછ્યું નહીં.
‘મા, આજે સવાલ નથી કરવો, “શું થયું” ?’
‘જવાબ તારા મોઢા પર જ દેખાય છે, પછી પૂછવાની શું જરૂર ? જોને, તું કેટલી ખુશ છે ?’ નિરાલી ઊઠી. માના સોફા પર એની પડખે બેઠી :
‘તું પણ ખુશને મા ? આજે બધું નક્કી થઈ ગયું.’ માના ખોળામાં માથું મૂકતાં એણે કહ્યું.
‘નક્કી થઈ ગયું ? હા…શ, હું આ દિવસની જ રાહ જોતી હતી.’ નિરાલીના વાળમાં ટપક, ટપક કરતાં બે…ચાર બુંદ પડ્યાં.
‘ચાલ ઊભી થા, મને જરા રસોડામાં જવા દે તો !’ આંસુથી ભીંજાયેલો માનો અવાજ સંભળાયો. એક પ્લેટમાં મા પેંડા લઈને આવી. નિરાલીના મોંમાં એણે પેંડો મૂક્યો.
‘તું મીઠું મોં નહીં કરે મા ? લે, આ મારા તરફથી.’ એણે માને પેંડો ખવડાવ્યો.

જમીપરવારી, રસોડામાં ઢાંકોઢૂંબો કરી મા બહાર આવી ત્યારે નિરાલી કબાટમાંથી કપડાં કાઢીને બેગમાં ગોઠવી રહી હતી. આ જોઈને માને આંચકો લાગ્યો.
‘શું કરે છે નિરાલી ?’
‘કેમ વળી, તૈયારી તો કરવી પડશે ને ?’
‘પણ…. પણ આટલું જલદી ? ક્યારનું નક્કી કર્યું ?’
‘કાલનું…..’
‘કાલ ને કાલ ? એટલી બધી શી ઉતાવળ હતી ?’
‘મા, તને ભલે ન હોય તોય મને તો ઉતાવળ હતી.’
છે ને આજ-કાલની છોકરીઓ ! નહીં કંઈ લાજ-શરમ કે નહીં સંકોચ. આટલી ઉતાવળ ફાટી જતી’તી તો ના, ના શું કામ કર્યા કરતી’તી ? એમ પણ નહીં વિચારતી હોય કે આમ એકાએક માને છોડીને જતી રહીશ તો એની પર શું વીતશે ? એને મિહિરને ઘરે જવાનો આટલો બધો અભરખો હોય તો હુંયે શું કામ એને ચોંટી રહું ? વહેલીમોડી જવાની તો હતી જ. તો ભલેને, કાલે જ જતી. મનને સમજાવવાના આટલા પ્રયત્નો કરવા છતાં માને ઓછું તો આવ્યું જ.
‘નક્કી કરતાં પહેલાં મને જરા વાત તો કરવી’તી કે કાલનું જ નક્કી કરે છે !’
‘એમાં તને શું પૂછું મા ? તેં જ તો કહ્યું’તું કે આજે જવાબ લઈને જ આવજે.’

બેગની ચેઈન બંધ કરતાં નિરાલીએ કહ્યું : ‘વળી આમાં તારે તો કશું કરવાનું છે નહીં, જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. ને મા, બધું કંઈ કાલે જ મારી સાથે નહીં લઈ જાઉં. આ તો જરૂર પૂરતું જ. પછી ઘર ક્યાં ભાગી જવાનું છે ? જેમ જરૂર પડશે એમ લઈ જવાશે.’
‘ભલે, તમને બંનેને જે ઠીક લાગ્યું એ ખરું. પણ તારું બધું તૈયાર થઈ ગયું હોય તો ચાલ, છેલ્લે છેલ્લે જરા શાંતિથી બેસીએ,’ બોલતાં બોલતાં માનું ગળું રુંધાઈ ગયું.
‘શાંતિ ક્યાંથી મા ? હજી તો કેટલી તૈયારી બાકી છે ! તારાં કપડાં, દવાઓ, તારા ઠાકોરજી બધું સાથે નહીં લેવું પડે ?’
‘મારું ? મારું બધું શા માટે ?’ આશ્ચર્યથી માનું મોં ખુલ્લું રહી ગયું, ‘મિહિર…. મિહિર માની ગયા ?’
‘ના મા, મિહિર કોઈ રીતે માનવા તૈયાર નહોતા. એ સંબંધ પર આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું પણ એની સાથે આટલો સમય વિતાવ્યા પછી, આટલા નજીક આવ્યા પછી સ્કૂલમાં રોજ ઊઠીને એમનો સામનો કરવો મારે માટે શક્ય નહોતો. તો વળી બીજી બાજુ મને ઘર પણ ગૂંગળાવતું હતું. તું ને હું, હું ને તું. ઘરમાં હરીફરીને માત્ર આપણે બે. ઘરની હવા પણ અવાવરું ગંધાતી હતી. એક બંધિયારપણું મારી છાતીએ ચઢી બેસતું ને મને નિરાંતે શ્વાસ લેવા નહોતું દેતું. વળી તારેય રાતના ઉજાગરા કરીને બાપુનો ઠપકો સાંભળવો પડતો હતો. બહુ વિચાર્યું કે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું ? ને એક સરસ મજાનો ઉપાય મળ્યો પણ ખરો.’
‘તું શું કહેવા માગે છે, મને કંઈ સમજાતું નથી. મેં તને સોગંદ આપીને કહ્યું હતું કે….’ નિરાલીએ આગળ વધીને માનો હાથ પકડી લીધો.
‘મા, મેં પણ મારી જાતને સોગંદ આપેલા છે કે તને એકલીને મૂકીને ક્યાંય નહીં જાઉં. તારા સોગંદ પાળવા હું મારી જાતને તો શી રીતે છેતરી શકું ? એટલે જ એક સરસ મજાના વાનપ્રસ્થાશ્રમમાં જઈને બધું નક્કી કરી આવી.’
‘અરે પણ છોકરી, મને ઘરડાંઘરમાં મૂકી આવીશ તો તું શું કરીશ ? તને એ લોકો થોડા જ રાખશે ?’
‘રાખશે મા, એ લોકોને કોમ્પ્યુટર જાણતા હોય એવા કલાર્કની જરૂર હતી. મેં ત્યાં નોકરી સ્વીકારી લીધી છે. સ્કૂલની મારી જવાબદારી પૂરી કરીને પછી હું આશ્રમના કામમાં જોડાઈ જઈશ. બસ, પછી તો તું, હું ને મારું સ્કૂટી, ત્રણે સાથે ને સાથે. વળી કોઈ એવું પૂછવાય નહીં આવે કે શું થયું ? કેમને મા ?’

નિરાલીએ પરાણે હસવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો આંખમાં અત્યાર સુધી સંઘરી રાખેલાં આંસુ ટપકી પડ્યાં. માની આંખોય વરસી રહી હતી અને જાણે નિરાલીને પૂછી રહી હતી, શું થયું ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી
સરખી છે – કિરીટ ગોસ્વામી Next »   

14 પ્રતિભાવો : શું થયું ? – આશા વીરેન્દ્ર

 1. Nobody says:

  Nirali is a brave person. I wish I had guts like her.

 2. A heart touching sensible story.the mother’ conflict has been described nicely

 3. Nikul H.Thaker says:

  ખરેખર હદયસ્પર્શી વાર્તા છે. ખુબ જ સુંદર.

 4. Sandhya Bhatt says:

  સ્ત્રીના મનોભાવોને વ્ય્ક્ત કરતી વાસ્તવિક અને તો ય વાર્તા.

 5. hetal dahyalal jadav says:

  સાચે, જ ખુબ જ સરસ અને હ્રદયસ્પરશેી વાર્તા !!!!!!

 6. tiajoshi says:

  આવી દિકરીયુ પણ દુનિયા મા હોય છે જે બુઢી મા ખાતર પોતાની પસન્દગી ને પણ છોડી દેય છે. ધન્ય છે એવી માતાઓ જેમને ત્યા આવી દિકરીયુ છે….

 7. ami says:

  Mihir lost the gem. If Nirali is ready to be mother of his child why he couldn’t accept her mother who is alone and old. Man’s world never change. How manay girls want to help their parents but couldn’t even for few days just because of this closed indian mind. I remember one of my friend even if she visit her parenta after three years for 3 weeks, her husband wishes to spend half time with his family. How does husband think that with this kind of behaviour how she is going to give true love to him and his family. May God Bless Nirali and she will get true man somewhere in her life to stand by. If not, she will surley get lots of love from God and God’s people.

  • jigar says:

   its jst a story….do nt cnnect it wid real lyf..i kno i dont have a right to.advise u..sorry if u.get heart…

 8. Deshdaaz says:

  Moral of the story : Women have advanced with time. Men are still to catch up! And yes, Mihir is a moron! Mihir is a moron 🙂

 9. Mona says:

  Excellent Story! I do agree with Deshdaaz…

 10. jigar parmar says:

  a grt story…and nirali took wise decision…bt vry hard to take….

 11. Urvi says:

  Nirali’s decision is right.If u love someone u should love their parents too either they r of man or woman.If man expects that her wife loves n take care of his family members than its his duty too take responsibility of wife’s parents too specifically when there is single parent.
  Mihir is selfish n fool guy n not suitable person for Nirali.

  Story is nr reality.

 12. komal says:

  Nice story……heart touching story.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.