બહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

મારી એક લાંબી વાર્તા ‘અંકુર’માં એવી વાત આવે છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલ એક માણસનો જુવાનજોધ મોટો દીકરો એની પહેલી નોકરીમાં હાજર થવા જતો હોય છે ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ દીકરા ઉપર સ્વાભાવિક જ માતાપિતાએ મોટી મોટી આશાઓ બાંધી હોય છે. સમાચાર સાંભળતાં જ વૃદ્ધો પર આકાશ તૂટી પડે છે. અને છતાં એ જીવે છે. જિંદગી જીવવા માટે ફરી નોકરી કરવાનું શરૂ કરે છે. બીજો એક દીકરો છે, પણ એ નાનો છે. એના વિશે તો બાપે ક્યારેય કશો વિચાર પણ કર્યો નથી. એને કાયમ સામાન્ય જ ગણ્યો છે. મોટા દીકરા ઉપર જ બધો દારોમદાર બાંધ્યો હતો. એ જ હોશિયાર હતો, ઘરનો મોભ હતો. મોભ તૂટી પડ્યો. જિંદગી ખળભળી ગઈ. છતાં એનો નાશ ન થયો. એ વેરાન ન થઈ ગઈ.

જિંદગીનો છોડ એક સદાબહાર લીલોછોયો છોડ છે. એને ક્યારે નવો અંકુર ફૂટશે, ક્યાંથી ફૂટશે એ કોઈ જાણતું નથી. જે દીકરા ઉપર બાપે મદાર રાખ્યો હતો એને મૃત્યુ ઉપાડી ગયું. પણ જેને સામાન્ય ગણ્યો હતો એ ધીમે ધીમે ખીલી ઊઠ્યો. માણસમાત્રની જિંદગીમાં એક યા બીજા રૂપે બનતી આ કથા છે. બધાની જિંદગીમાં મોભી દીકરા મૃત્યુ પામતા નથી, બધાની જિંદગીમાં એવું દુઃખ આવી પડતું નથી, બધાની જિંદગીમાં નહિ ધારેલ દીકરો પાણીદાર નીકળતો નથી; પરંતુ બધાની જિંદગીમાં, એક નહિ તો બીજી રીતે, ધાર્યું ન હોય એવું તો બન્યા જ કરે છે. ધાર્યું હોય એવું બનતું નથી ને ધાર્યું જ ન હોય એવું બની જાય છે. આળખી રાખ્યું હોય એ ભૂંસાઈ જાય છે અને જેનો વિચાર પણ ન કર્યો હોય એવું અચાનક બની જાય છે.

એટલે જ, જિંદગીનો નકશો અગાઉથી તૈયાર કરી શકાતો નથી અને એવો નકશો તૈયાર કરવો પણ ન જોઈએ, કારણ કે નકશા પ્રમાણેની જિંદગી શક્ય નથી. ધરતી ઉપરથી મોટામાં મોટી ઈમારત માટેના નકશાઓ તૈયાર કરી શકાય છે અને એ પ્રમાણે ઈમારત પણ બનાવી શકાય છે, પરંતુ બાહોશમાં બાહોશ અને નિષ્ણાતમાં નિષ્ણાત વ્યક્તિ પણ પોતાની જિંદગીની ઈમારત પોતે વિચારી કાઢેલ નકશા પ્રમાણે તૈયાર કરી શકતી નથી. દુનિયા આખીની પ્રદક્ષિણા કરવી હોય કે અવકાશી સફર કરવી હોય તો એ માટેની રૂપરેખા તૈયાર કરી શકાય છે. માત્ર જિંદગીની સફરની કોઈ ચોક્કસ રૂપરેખા તૈયાર કરી શકાતી નથી. જિંદગી એક એવું રહસ્યમય, રોમેન્ટિક, અદ્દભુત, અસાધારણ નાટક છે કે તેમાં બીજી પળે શું બનશે તે કોઈ જાણતું નથી. ‘પ્રબીન-સાગર’માં આ વિષય ઉપર એક સુંદર સવૈયો છે :

સીત હરી દિન એક નિસાચર,
………….. લંક લહી દિન ઐસો હી આયો;
એક દિનાં દમયંતી તજી નલ,
………….. એક દિનાં ફીર હી સુખ પાયો.
એક દિનાં બન પાંડવ કે,
………….. અરુ, એક દિનાં શિરછત્ર ધરાયો;
સોચ પ્રબીન કરો ન કછુ
………….. કિરતાર યહી બિધિ ખેલ રચાયો.

જિંદગીના વળાંકોને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. જે બનાવ બને છે એ બનાવની પાછળ છુપાયેલ બનાવને માણસ જોઈ શકતો નથી. સીતાજીનું હરણ કરીને લંકા લઈ જનાર રાવણને ખબર પણ નહિ હોય કે એક દિવસ એને માત્ર લંકા જ નહિ, પણ પોતાનો જીવ પણ ખોવો પડશે. નળ રાજા પર એટલી આપદા પડી કે પોતાની પ્રિય પત્નીને પણ છોડી દેવી પડી, પાંડવોને વનમાં ભટકવું પડ્યું, પણ સમયનું ચક્ર ફર્યું અને એ જ નળ રાજા કે એ જ પાંડવોના માથે રાજછત્ર શોભવા લાગ્યું. એટલે, કોઈ વ્યક્તિએ જિંદગીને પોતાની સમજણમાં કેદ કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ.

દિવસે દિવસે આપણે સૌ સભ્ય માનવીઓ વધુ ને વધુ સલામતી શોધતા થયા છીએ. પક્ષીઓ માળા બાંધે છે અને પ્રાણીઓ રહેવા માટે ગુફાઓ પસંદ કરે છે એ પણ એક રીતે સલામતીની જ શોધ છે. સલામતી શોધવી એ જ જીવમાત્રની મૂળભૂત વૃત્તિ છે, પરંતુ કોઈ પણ કુદરતી વૃત્તિનો અતિરેક નુકશાન કરે છે. વધારે પડતાં આહાર, નિદ્રા, ભય કે મૈથુન નુકશાન કરે છે એ જ રીતે વધારે પડતી સલામતી પણ વિકાસને કુંઠિત કરે છે, વ્યક્તિને પંગુ અને નિર્બળ બનાવી દે છે. અને ખાસ તો એ કે, વ્યક્તિના ગમે તેટલા પ્રયત્નો છતાં પણ એવી ચુસ્ત સલામતી ક્યારેય મળી શકતી નથી. જિંદગીનું સ્વરૂપ જ એવું છે કે તેને કોઈ ગણતરીમાં બાંધી શકાતું નથી. બધી જ ગણતરીઓ પછી પણ બનાવો એ ગણતરી પ્રમાણે જ બનશે એમ કોઈ કહી શકતું નથી. એનું કારણ એ છે કે, ગણતરી કરનાર જિંદગીના વ્યાપને કે અગાધ ઊંડાણને સમજી શકતો નથી. જે વ્યક્તિ ગણતરી કરે છે તે માત્ર સત્યના એક અંશને જ જોઈ શકે છે. ધંધામાં આવેલી ખોટથી આઘાત પામીને આપઘાત કરનાર, પ્રેમમાં નિષ્ફળતા મળતાં જ જીવનથી કંટાળી જનાર, કૅન્સર જેવા અસાધ્ય રોગનું નામ સાંભળતાં જ હિંમત હારીને સામેથી મૃત્યુના ખાડામાં કૂદી પડનાર, બેકારીથી કંટાળીને જીવાદોરી ટૂંકાવવા તૈયાર થનાર, ઉપરાઉપરી નિષ્ફળતાઓ મળતાં સફળતા માટેની આશા કાયમ માટે છોડી દેનાર માણસો સત્યની માત્ર એક જ બાજુ જોઈ શકતા હોય છે. એમના વિચારની પરિસીમા બહાર પણ કશુંક હોઈ શકે છે એમ માનવા તેઓ તૈયાર નથી હોતા. પરંતુ એમના વિચારની સીમા બહાર તો ઘણું જ હોઈ શકે છે.

ધંધામાં આવેલી ખોટ ગમે ત્યારે નફામાં પલટાઈ શકે છે. જે પ્રેમ માટે માણસ જીવ કાઢી દેવા તૈયાર થાય છે એ પ્રેમ તરકટી પણ હોઈ શકે છે અથવા તો સંજોગો બદલાતાં તેમાં નિષ્ફળતાના બદલે સફળતા પણ મળી શકે છે. બેકારી અને નિરાશાનું પણ એવું જ છે. સમય અને સંજોગો તેમાં ગમે ત્યારે પલટા લાવી શકે છે. ખાડામાં ફસાઈ ગયેલું વાહન કાયમ ખાડામાં જ ફસાયેલું રહેતું નથી. આફતમાં સપડાઈ ગયેલ વ્યક્તિ કાયમ આફતમાં સપડાયેલી રહેતી નથી. બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો તો જરૂર હોય જ છે. – અને સૌથી અગત્યની વાત તો એ છે કે એવો રસ્તો દેખાતો ન હોય છતાં રસ્તો હોય જ છે. આજે જે રોગનો કોઈ ઈલાજ ન હોય એનો ઈલાજ કાલે મળી પણ આવે છે. માણસની ગણતરીમાં એક પાયાની ખામી એ છે કે, જે માર્ગે એ વિચારતો હોય ત્યાંથી અલગ ફંટાઈને ક્યારેય વિચારી શકતો નથી. એટલે તો ભલભલા વૈજ્ઞાનિકો અને વિચારો પણ ભૂલો કરતા હોય છે. આજના વિચારકો કે વૈજ્ઞાનિકોને જે બિલકુલ દેખાતું ન હોય તે પછીની પેઢીને અચાનક જ મળી આવે છે. આજની એન્ટિબાયોટિક દવાઓ વિશે ગઈ સદીમાં કોણ વિચારી શકતું હતું, કે ચંદ્ર ઉપર માનવી સદેહે જઈ શકે એવું કોણ માની શકતું હતું ? સળગી શકે એવા ખનિજ તેલ વિશે અગાઉ પણ માણસો જાણતા હતા. માર્કોપોલોએ એના પ્રવાસવર્ણનમાં એનો ઉલ્લેખ કર્યો છે, પણ એનો ઉપયોગ વાહનો ચલાવવામાં કે વિમાનો ઉડાડવામાં થઈ શકે એમ કોણ જાણતું હતું ? વાહનો ચલાવવા માટે તો માણસ પાડા, બળદ, હાથી, કૂતરાં, રેઈનડિયર કે ઘોડા વિશે જ વિચારી શકતો હતો. ઘોડા કે બળદ વિના ચાલતાં વાહનોની વાત તો તદ્દન નવી, માની પણ ન શકાય તેવી હતી.

એટલે, ક્યારેય જિંદગીને આપણા વિચારોની મર્યાદામાં ન બાંધી દેવી. આપણી ગણતરીઓથી એને માપવાની કોશિશ ક્યારેય ન કરવી. આમ બની ગયું, માટે હવે પછી પણ આમ જ બનશે એવાં તારણો ક્યારેય ન કાઢવાં. એના બદલે જે કાંઈ સામે આવે એને સ્વીકારીને જીવવાની અને એમાંથી નવું શીખવાની કોશિશ કરવી અને છતાં આપણે શીખ્યા હોઈએ કે જાણતા હોઈએ એ જ સાચું છે એમ પણ ક્યારેય ન માનવું, કારણ કે બિલકુલ સાચી વાત પણ જ્દુઆ સંદર્ભમાં અને જુદા સંજોગોમાં જુદી રીતે સાચી હોઈ શકે છે. આ બાબતમાં રાલ્ફ, સોકમાને કહેલી એક વાત કાયમ યાદ રાખવા જેવી છે : ‘જહાજના જુદા જુદા ભાગોને સમુદ્રમાં મૂકવામાં આવે તો તે ચોક્કસ ડૂબી જાય. એન્જિન ડૂબી જાય, લોખંડનાં પતરાં ડૂબી જાય; અરે લોખંડના નાના ખીલા પણ ડૂબી જાય. પરંતુ જો એમને એકસાથે એક જ એકમમાં બાંધવામાં આવે તો તે તરતા રહી શકે.’

જિંદગી વિશે આપણે જ્યારે ગણતરી કરવા બેસીએ છીએ ત્યારે આવી જ ભૂલ કરીએ છીએ. દરેક અલગ અલગ ભાગનો આપણે અલગ રીતે વિચાર કરીએ છીએ અને દરેક ભાગ એવો દેખાતો હોવાથી તે ડૂબી જ જશે એમ આપણે માનીએ છીએ. પરંતુ બીજા સાથે જોડાઈ જવાથી એમાં કેવા અજબ ફેરફારો થઈ જશે તે આપણે જાણતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં નિરાશા અને નિષ્ફળતાના પ્રસંગો આવે છે. એવું બને ત્યારે એકાદ ખીલાનો કે પતરાનો વિચાર કરવાને બદલે કે એ બાબતમાં ચોક્કસ પ્રકારની ગણતરીઓ કરવાને બદલે, જિંદગીના આખા જહાજનો વિચાર કરવો જોઈએ અને આપણી ગણતરીઓ ભલે સાચી લાગતી હોય, છતાં જહાજ જ્યાં સુધી આખું હશે ત્યાં સુધી ડૂબવાનું નથી એવી શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે છેવટનું સત્ય તો એ જ છે.

[ કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “બહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.