વૅકેશનની એ મજા ગઈ….! – તુષાર શુક્લ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘આંખોમાં પગલી ગુલાલની’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વૅકેશન નામનો આનંદ ઉત્સવ હવે નથી રહ્યો, પણ હજી ભુલાતો પણ નથી. બાળપણ, કિશોરાવસ્થા અને કૉલેજકાળના દિવસોમાં વૅકેશનનો અનેરો મહિમા હતો. ભણતરનો થાક નહોતો તોય વૅકેશન આરામનો ઉત્સવ ગણાતું. ઉનાળાની ગરમીમાં બપોરના સમયે અલસતાનો આનંદ માણવાની મજા ભુલાય તેમ નથી. પહેલાં ગરમી વધુ પડતી હતી કે હવે વધુ પડે છે એની ચર્ચા અસ્થાને છે. સવાલ સહનશક્તિનો છે. મનઃસ્થિતિનો છે. એરકંડિશનર્સની ઓળખ વગરના એ દિવસોમાં લીમડાને પોતાનું વ્યક્તિત્વ હતું. મૉરને એની સુગંધ હતી. શિરીષની સુવાસ ઉનાળાનો વૈભવ હતી. બોરસલ્લી અને લીંબોળીને પોતાના સ્વાદ હતા. ગુલમ્હોરનાં ફૂલો હજી કવિતા નહોતાં બન્યાં ત્યારે પણ એની છાંટદાર પાંખડીના સ્વાદની ખટાશ માણતા હતા. ગરમાળો પીળાં ઝુમ્મરની ઉપમા નહોતી સૂઝાડતો પણ ગમતો તો હતો જ. વૃક્ષોનો છાંયો આંગણાની ને રસ્તાની સમૃદ્ધિ હતો. પગ ઉઘાડા હતા પણ ડામરના રસ્તાની બંને બાજુ ધૂળિયો મારગ સાચા અર્થમાં ‘ફૂટપાથ’ હતો.

બજારમાં કેરી આવે એ જોવાનો આનંદ હતો. ઘરમાં ‘મરવા’નું આગમન થાય ને કાંદા-કેરીની કચૂંબર થાય એ ભોજનના ભાણાનું ઐશ્વર્ય હતું. ગૂંદા-ગરમર ને કેરડાંની રાહ જોવાતી. એ ખીચડી-ભાખરીનો સ્વાદ બદલી દેતાં. કાચી કેરી ઘેર પધરાવાતી, એને પાકતી જોવાનો આનંદ અવર્ણનીય હતો. એ દિવસોમાં ચાખવા કરતાં જોવાથી ય સંતોષ મળતો. ત્યારે ‘વીન્ડો’ વગરની દુકાનો હતી, પણ ‘વીન્ડો શોપીંગ’નો આનંદ તો હતો જ. સ્પર્શીને પોતાનું કરી લેવાની ઈચ્છા પર સંયમનો પહેરો હતો. કોઈની પાસે સારી ચીજ જોઈને ય રાજી થઈ શકાતું.

સરસ સપનાં આવતાં. સપનાંમાં સુખી થઈ શકાતું. મમ્મીની વાર્તામાં ચાંદામામાને ત્યાં હરણનું બચ્ચું પહોંચી જતું. ચાંદામામાના મહેલમાં કેટલા બધા ઓરડા ! અને એમાં વૈભવ શેનો ? એક ઓરડામાં મીઠાઈઓ, એકમાં બિસ્કિટ, એકમાં ચોકલેટ, એકમાં જાત જાતનાં રમકડાં, એકમાં રંગબેરંગી કપડાં, એકમાં વાર્તાની ચોપડીઓ, એકમાં બૂટ ચંપલ, એકમાં તો નાની સાયકલો પણ ખરી…. જે જે અહીં નહોતું તે બધું ત્યાં હતું. એટલે જ ચાંદાને ‘મામા’ કહ્યો છે. ત્યાં જે હોય તે બધું ભાણેજડાંનું ! અને એ જ સિદ્ધાંત પ્રમાણે મોસાળમાં પણ બધી વાતે ભાણાભાઈ પહેલા ! હરણના બચ્ચાને ચાંદામામાને ત્યાં ખૂબ મજા આવતી. પણ પછી એને મમ્મી યાદ આવી ! આટલી બધી સગવડ વચ્ચે ય મમ્મી ના ભુલાઈ એનું અમને પણ આશ્ચર્ય નહોતું થયું. સાધન સગવડની ગેરહાજરી ચાલશે, મમ્મીની હાજરી તો જોઈએ જ. માંગેલી વસ્તુ ન મળવાનું, અને લાવી ન શકવાનું દુઃખ બંને કાંઠે વહેતું. ને એટલે જ એ સહ્ય પણ રહેતું. પરિણામે, વસ્તુઓના વિકલ્પ શોધતા શીખ્યા. જાતે બનાવતાં શીખ્યા. કલ્પનાશક્તિ વિકસી. માન્યતાઓનું વિશ્વ રંગીન બની ગયું. મમ્મી માનતા માને, બાળકો માન્યતાઓમાં રાચે.

બાળકો ગરમીથી બચવા ઘરમાં રહે. એક કે બે ઓરડાનું ઘર નાનું તો હશે જ, પણ લાગતું નહોતું. આજે બધા જ ખંડને એની ઉપયોગિતા પ્રમાણે નામ છે. તે વખતે રસોડું જ શયનખંડ પણ બની જતું, ને માળિયામાં અભ્યાસખંડ રચાતો. અને આખું ઘર રમતનું મેદાન પણ ગણાતું. નદી કે પહાડ રમી શકાતું. ગમે ત્યાં ચઢાય. ગમે ત્યાં કુદાય. બપોરના સમયે બારીમાં બેસવાની મજા. ઓછા ટ્રાફિકવાળા રસ્તા ને આંગણમાં ડોલતું બદામનું ઝાડ. હમણાં ઘણા સમય પછી પાછી વાનરટોળી શહેરમાં દેખાઈ છે. તે સમયે એને પકડવા પાંજરા મુકાતાં ! શેરીના કૂતરાને ચીપીઆથી પકડતા કે ઝેરી લાડવા ખવડાવતા… એમને બચાવી ને ભગાડી દેવા આખી બાળટોળી સક્રિય રહેતી.

ઉનાળાની રજાઓ માળિયામાં માણનારા ઘણા હશે. હવેના બાંધકામના સ્થપતિઓએ માળિયાં દૂર કર્યા છે. અભેરાઈ પણ નથી રહી. હવે વસ્તુઓનો સંગ્રહ કરવાનો રિવાજ નથી. ઘઉં ભરાતા નથી. તેલના ડબ્બા ને તુવેરની દાળ ને મસાલા ય જરૂર પ્રમાણે આવે છે. એટલે માળિયાં ય નકામાં થઈ ગયાં. અસલ તો ભંગારવાળા નિરાશ થતા. સામાનને વર્ષોનાં વર્ષો લાગતાં. ભંગારવાળાના હાથમાં જઈને પાછી આવેલી વસ્તુઓ માળિયામાં રાજ કરતી. એ બધી વસ્તુ સાથે સ્મૃતિનું ય અનુસંધાન રહેતું. વૅકેશનમાં માળિયામાં રમવા બેસનારા આ વસ્તુઓનો વૈભવ પણ આનંદતા. જૂની વસ્તુ સાથે ‘જડ્યાનો’ રોમાંચ જોડાયેલો રહેતો. ઉપયોગમાં લઈને ભૂલી ગયા હોઈએ તેવી વસ્તુઓ પાછી હાથમાં લેવાનો આનંદ અનેરો હતો. આ માળિયાં વૅકેશન માણવાનું આદર્શ સ્થાન હતું. ઘરનાંને છોકરાંની, ને છોકરાંને ઘરનાની અડચણ જોઈએ નહિ. બેઉને નિરાંત. માળિયામાં કેરી પાકવા મૂકી હોય તો વળી વિશેષ લાભ. ઉનાળાના વૅકેશનની સૌથી મહત્વની વાત એ કે એમાં લેસન ના હોય. વાર્ષિક પરીક્ષા પૂરી કરી હોય. હજી પરિણામ આવ્યું ન હોય. જૂના ચોપડા દફતરમાં મુકાઈ ગયા હોય. ભણવાની કોઈ ફિકર નહિ. હા, ક્યારેક વળી પુસ્તકાલયમાં સભ્ય થવું પડે. ને ત્યાં જ બેસીને કે ઘેર લાવીને પુસ્તકો વાંચવાનાં રહેતાં. કોઈક વડીલ વળી પૂછે ય ખરા કે શું વાંચ્યું ? કોઈક વળી વાંચેલાં પુસ્તકોની યાદી પણ રખાવે. કેટલાક ઉત્સાહી વડીલ, અંગ્રેજી છાપામાંથી એક ફકરો લખવાનું સોંપે. તો કોઈક વળી શબ્દકોશમાંથી દરરોજ દસ અંગ્રેજી શબ્દો પાકા કરાવે. આ સિવાય ભણતરનો ભાર નહિ. મનોરંજનમાં વાર્તા વાંચવી, રમવું-રેડિયો નહિ. ફિલ્મ નહિ. વડીલો એકાદ ફિલ્મ જોવા લઈ જાય તો લઈ જાય. એ પણ સો ગળણે ગાળીને – ને એમની પસંદની. બહાર જમવાનો પ્રશ્ન જ નહિ. ઘેર જે બને તે ઝાપટવાનું. ડાયેટિંગ હતું નહિ ને કસરત મળી રહેતી, એટલે વાંધો ય નહોતો આવતો.

ઉનાળાની સાંજ સર્વોત્તમ સમય. આઈસ્ક્રીમનો વિકલ્પ બરફના ગોળા હતા. ઘરમાં ફ્રીજ નહોતાં એટલે બરફ લાવવાની તક શોધાતી. શરબતના શીશા કોઈક ઘેર રહેતા. ફાલસા અને કેરીનું શરબત બને એની મજા માણતા. ઉનાળાની રાતે ધાબે સૂવા જતા. ધાબે પાણી છંટાતું ને પથારીઓ ઠંડી થવા પાથરી દેવાતી. મોડે સુધી વાતો થતી. તારાની ઓળખ ન આવડે તો ય આનંદ તો આવતો જ. ઉનાળાની રજાઓ પિત્રાઈ ને માસિયાઈ ભાઈબહેનો સાથે મણાતી. ત્યારે નાના કુટુંબનો રિવાજ નહિ એટલે ઘરમાં જ ચાર-પાંચ ભાઈબહેન હોય ને બીજા મામા-ફોઈના આવે. બધાં સરખેસરખાં હોય. સરખું જમે. તોફાન પણ ‘સરખાં’ કરે ! ઝઘડા ય થાય ! રડવું ય આવે. ભાણેજ – ભત્રીજાને કહેવાય નહિ એટલે પોતાનાને માર પડે ! પણ સરવાળે વૅકેશનમાં મજા પડે !

વૅકેશન એ સમૂહજીવનની તાલીમ છે. પોતાનું ગમતું, પોતાનું ધાર્યું ન ય થાય. અન્યના ગમા-અણગમાને ય સ્વીકારવા પડે. જે છે એમાંથી આનંદ શોધી લેવાનો, અને સહુ સાથે વહેંચીને માણવાનો. ફરિયાદ હોય તો ય ન સંભળાય એવું બને. કજિયાખોર, ઝઘડાળુ, સ્વાર્થી, ઈર્ષાળુ, રોતલ કે બીકણની છાપ ન પડે એ રીતે સહુ સાથે રહેતાં શીખવાની આ તાલીમશાળા છે. વૅકેશન એ સર્જનાત્મક દ્રષ્ટિકોણ ખીલવે છે. કલ્પનાશક્તિ વિલસાવે છે. વૅકેશન એ સમજાવે છે કે સુખ સાધનમાં નથી, જીવનમાં છે. જીવન જીવવાની દષ્ટિમાં છે. શૈલીમાં છે. જે નથી એના કરતાં જે છે એનો મહિમા કરવામાં છે. અને સહુથી વધુ તો ઉનાળાની રજાઓ છે, માબાપ અને બાળકના સંબંધને સમૃદ્ધ બનાવનારી. એ માટે માબાપે ખાસ આયોજન કરવું રહ્યું. આ આયોજનમાં પૈસો મહત્વનો છે જ નહિ.

બાળક સાથે વીતાવવાનો પૂરતો સમય ફાળવવો એ આ વૅકેશનની અપેક્ષા છે. પૈસા આપીને છૂટી જવાથી માતૃત્વ કે પિતૃત્વ સિદ્ધ નથી થતું. બાળકને એના મિત્રો સાથે પ્રવાસમાં ધકેલી દેવું બસ નથી. એના PC માં નવી ગેઈમ્સ ઉમેરવી પૂરતું નથી. માબાપની રુચિના જુદા જુદા વર્ગોમાં ફરજિયાત હાજરી પુરાવવી યોગ્ય નથી. આ રજાઓ, બાળકને માત્ર લેવા-મૂકવા જવાની ફરજ બજાવવા નહિ, બાળકની સાથે સમય આનંદવા માટે છે. બાળઉછેર જવાબદારી માત્ર નથી, આનંદ પણ છે. બાળકો જાતે તો બધું જાણી જ લે છે, પણ માબાપની સાથે જે જુવે છે ને જાણે છે એ કદી ભૂલતાં નથી. બાળકોને માબાપની હાજરીની નહિ, એમના સાનિધ્યની ઈચ્છા હોય છે. એમની સ્મૃતિમાં આવા પ્રસંગો માબાપની સુગંધ બનીને મ્હોરે છે. ડ્રાઈવર સાથે ગાડીમાં ફરવામાં, ને પિતાની આંગળીએ ચાલવાના આનંદમાં ફેર છે. બાળકની આ જરૂરિયાતને માબાપે સમજવી જોઈએ. આ વૅકેશનના દિવસો માબાપ બનવાની તાલીમ શિબિરના દિવસો છે.

[ કુલ પાન : 168. (પાકું પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નિશ્ચે કરો રામનું નામ – નરભાદાસ
બહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ Next »   

13 પ્રતિભાવો : વૅકેશનની એ મજા ગઈ….! – તુષાર શુક્લ

 1. RAMESHBHAI SHAH says:

  THANKS TO TUSHAR FOR OUR REVIVING OUR CHILDHOOD MASTI
  AND AT 67 AGE TO BE CHILD OF 7
  I HOPE THIS WILL RESTORE FUN IN MY PRESENT
  RAMESHBHAI SHAH

 2. kalpana desai says:

  માબાપો માટે કેટલું બધું લખાય છે! કેમ સુધરતાં નહિ હોય? આવું વાંચીને પણ એમને એમનું બાળપણ યાદ આવે તો સારું.પહેલાંની કે હમણાંની વાત ન કરીએ તો પણ મૂળ
  મુદ્દો સાથે સમય વિતાવવાનો છે.છે કોઇ પાસે? સરસ લેખ.
  કલ્પના દેસાઈ

  • vijay says:

   માબાપો માટે કેટલું બધું લખાય છે! કેમ સુધરતાં નહિ હોય?
   >> એમને પણ સુધરવુ છે. પણ મોટી તકલીફ છે, ગુલામી.
   Slavery of Money stops them to do what they want to do.

   વિજય

 3. Renuka Dave says:

  Very Nice article..! Its remind so many joyful days of my vacation at ‘Mama ne gher..!’

 4. Atyare hu pan unala nu vacation nathi mani sakto fari e divso yaad aavi gaya

 5. geeta says:

  It’s too good,
  ye dolat bhi lelo ye sohrat bhi lelo, bhali chhin lo mujse meri javani magar mujko lauta do bachpan sa sawan vo kagaj ki kasti vo baris ka pani…

 6. Kavita says:

  I remember my vacation time. Last day of school and we would start packing to go to “Mama ne ghare” next day. Yes, we were spending our vacation with cousins and had our share of fight with each other, but bond we created with each other at that time still remains and keeps us together even in these days.

 7. V vani says:

  Great artical i have read after so long. Keep it up Tusharbhai

 8. gira vyas thaker says:

  ખુબ જ સરસ !!

 9. daxa p. makwana says:

  ખરે ખર ગુજરાતીભાષા ની મજા જ કંઇક ઓર છે. વેકેશન નો સાચો અર્થ અડધું પૂરું થયા પછી પડી પણ જગ્યા ત્યાર થી સવાર. મારા પપ્પા પણ પસ્તી માંથી જૂની વાર્તા ની ચોપડી લાવતા અને અમે બધા ભાઈ-બહેન વાંચતા અને એનો આનંદ જ કઈ ઓર હતો અત્યારે મારા બાળકો બસ કાર્ટૂન જ અને ટી.વ. પણ આજથી જ એ બધું ઓછુ કરાવી દઈશ . ખુબજ સુંદર લેખ વાંચી ને મારું બાળપણ અને ગામડા નું તાદ્રશ્ય ચિત્ર મનમાં ઉપસી આવ્યું..ખુબ ખુબ આભાર અને અભિનંદન…….

 10. dineshbhai bhatt .vapi says:

  ભાઈ તુષાર ભાઈ શુક્લ ખુબ સ્રરસ લેખ છે

  બાળકની સાથે સમય આનંદવા માટે છે. બાળઉછેર જવાબદારી માત્ર નથી, આનંદ પણ છે. બાળકો જાતે તો બધું જાણી જ લે છે, પણ માબાપની સાથે જે જુવે છે ને જાણે છે એ કદી ભૂલતાં નથી. બાળકોને માબાપની હાજરીની નહિ, એમના સાનિધ્યની ઈચ્છા હોય છે. એમની સ્મૃતિમાં આવા પ્રસંગો માબાપની સુગંધ બનીને મ્હોરે છે. ડ્રાઈવર સાથે ગાડીમાં ફરવામાં, ને પિતાની આંગળીએ ચાલવાના આનંદમાં ફેર છે. બાળકની આ જરૂરિયાતને માબાપે સમજવી જોઈએ. આ વૅકેશનના દિવસો માબાપ બનવાની તાલીમ શિબિરના દિવસો છે. બહુ સ્રરસ

  દિનેશ ભટ ના નમસ્કાર

 11. gita kansara says:

  બાલપનના સ્મરન તાજા થયા.
  બહુજ સરસ લેખ્.

 12. shailesh pujara says:

  આયા હૈ મૂઝે ફિર યાદ વો ઝાલિમ્.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.