વિરાજનાં લગ્ન – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ માર્ચ-2012માંથી સાભાર.]

‘પિકચર પરફેક્ટ’ વિરાજ વિચારી રહી. એ સાંજે ઓફિસેથી આવીને ડ્રોઈંગરૂમમાં આમ આરામખુરશીમાં પુસ્તક લઈને બેઠી હોય. પપ્પા પેપર લઈને સેટી પર અને મમ્મી શાક સમારતી આનંદનો ગરબો બોલતી હોય. અમુક ક્ષણો સમયના પ્રવાહમાં વહેતાં થીજી જતી હોય છે. એને સાચવવા કોઈ કેમેરાની જરૂર નથી હોતી. આ એક એવું દ્રશ્ય હતું જે વર્ષોથી રોજ ભજવાતું હતું. એ, પપ્પા, મમ્મી ને આ ડ્રોઈંગ હોલ.

પણ હવે ક્યાં સુધી ? હજુ જાણે મનાતું નથી કે આ દશ્ય પર ક્યારેય પડદો પડી શકે. લગભગ બધી ફ્રેન્ડઝ- માલિની-સુપ્રિયા-ગીરા- પરણી ગઈ. બધાના ઘેર એકબેએકબે બાળકો. બીજું શું ? હવે એ પણ કંડારાયેલી કેડી પર ચાલવા જઈ રહી હતી. લગ્ન કરવાં ન કરવાં વિશેના તર્કવિતર્કો, સલાહસૂચનો, અભિપ્રાયો બધું પાછળ છૂટી ગયું હતું.
‘પરણી જા. પહેલાં બે વર્ષ તો સારાં જ જશે. બાકીનું પછી જોયું જશે.’ માલિની. કેટલાક પ્રશ્નો ખૂંચતા ને કેટલાંક હૃદયસોંસરવાં ઊતરી જતા.
‘જીવવા માટે એક સાથીની જરૂર હોય છે બેટા. તને પણ વહેલીમોડી પડશે જ.’ પપ્પા.
‘તમારી ફેમિલીમાં દર પેઢીએ એક વ્યક્તિ કુંવારી હોય છે. ગઈ પેઢીએ વિરાજનાં પ્રતિમાફોઈ, એ પહેલાં તમારા અશોકકાકા ને હવે કદાચ વિરાજ….’ વિનયમામા બોલ્યા ત્યારે પપ્પાએ એમને આંગળીના ઈશારાથી ચૂપ રહેવાનું સૂચવ્યું હતું. વિરાજને પહેલેથી પ્રતિમાફોઈ બહુ ગમતાં. એમના પ્રભાવ અને રુઆબની દીવાલની લગોલગ વહેતા સ્નેહના ઝરણાની માત્ર વિરાજને જ ખબર હતી.

વરસેક પહેલાં વિરાજે જ્યારે આઠમો છોકરો જોઈને ના પાડી ત્યારે મમ્મીનો ગુસ્સો આસમાને હતો.
‘તો શું તારે પણ તારી ફોઈની જેમ વાંઢા રહેવું છે ? આ જોબ, આ મેડિટેશન… ઉંમર વટાવ્યા પછી એકલતા પૂરવાના કોઈ ઉપાય કામ નહીં લાગે. તારી ઉંમરે હું બે બાળકોની મા….’ મમ્મીનો વાકપ્રવાહ એક વાર શરૂ થયા પછી અસ્ખલિત વહેતો. એને પહેલેથી વિરાજની પ્રતિમાફોઈ સાથેની આત્મીયતા કઠતી. વિરાજ ફોઈના પગલે જશે તેવો ભય એને હંમેશાં પીડતો.
‘…..પ્રતિમાબેનને તો પગના સાંધાની પીડા શરૂ થઈ છે. પરણ્યાં નહીં ને આખી જિંદગી વેડફી મારી. મેડિટેશનને, સ્કૂલને, યાત્રાઓને…..’ મમ્મી.
‘એમાં જિંદગી વેડફી થોડી કહેવાય ? જીવે છે એમની રીતે સ્વતંત્ર રીતે….’ વિરાજ.
‘આખું જીવન એણે સ્કૂલને સમર્પિત કર્યું…’ પપ્પા.
‘એ તો પાછલી જિંદગીમાં ખબર પડે કે કેવી એકલતા લાગે છે. સ્કૂલનું કરેલું સમર્પણ શું કામ આવવાનું ? કોઈ બે ઘડી પાસે બેસનારું કે ખબરઅંતર પૂછનારુંય નહીં…. કહી દઉં છું આ વિરાજની આવી જ હાલત થશે, નહીં પરણે તો પાંત્રીસ તો થયાં. ઓલી રઘુભાઈની નીતાની જેમ છેવટે લાકડે માકડું…..’ મમ્મી.
‘પણ એવું શા માટે ? હું ક્યાં પરણ્યા વિના ઝૂરી રહી છું….’ વિરાજ.
‘જાણે મને ખબર નહીં પડતી હોય ! ઘણી વાર કેવી સૂનમૂન બેઠી હોય છે જાણે….’ મમ્મી.
‘એ તો એનો સ્વભાવ છે.’ પપ્પા.

છેલ્લા પાંચ વર્ષથી દર છ મહિને આવું યુદ્ધ થતું. મમ્મી તરફથી તલવારો ને ભાલા ફેંકાતાં. મોટે ભાગે પપ્પાની પીછેહઠ અને વિરાજના શાંત પ્રતિભાવોથી હારીને મમ્મી અંતે ‘નસીબ તમારાં’ કહીને મેદાન છોડી દેતી. બાકીનો ગુસ્સો એ દિવસે રસોડામાં શાકના વઘારમાં ઓગળતો. વિરાજ એ દિવસ પૂરતું મમ્મીનો સામનો કરવાનું ટાળતી. ધીમે ધીમે કોલાહલ શમી જતો અંદરનો અને બહારનો પણ.
‘બેટા તારે પરણવું તો છે ને-’ કલાકેક પછી મમ્મીની ગેરહાજરીમાં પપ્પા હેતાળ સ્વરે વિરાજ પાસે આવીને બોલતા.
‘હા પણ…’
‘તારા સર્કલમાં તને કોઈ ગમતું હોય….’
‘મને કોઈ નથી ગમતું. એટલે આમ એવી રીતે નહીં….’

ચારેક વાર મળ્યા પછી દેવવ્રત સાથે આમ ગોઠવાઈ જશે એવી તો કલ્પના જ નહીં. બસ હવે લગ્નને ત્રણ દિવસની વાર. વિરાજનાં લગ્ન. એનાં પોતાનાં લગ્ન. ક્યારેક એટલો ગભરાટ થતો કે વાત ન પૂછો. ને ક્યારેક એવી સ્થિતપ્રજ્ઞતા જાણે એનાં નહીં કોઈ બીજાનાં લગ્ન થઈ રહ્યાં હોય !
‘ફૂલવાળા સાથે વાત થઈ પપ્પા ?’ વિરાજનો ભાઈ ઉમંગ ગોગલ્સ ઉતારતો મેઈન ડોરમાંથી પ્રવેશ્યો ત્યારે વિરાજ ઝબકી. ઉમંગ એના કુટુંબ સાથે બે દિવસ પહેલાં જ અમેરિકાથી આવ્યો હતો.
‘ક્યારની કહું છું ફૂલવાળાને ફોન કરો પણ એમના પેટનું પાણીએ…’ મમ્મીનો આનંદનો ગરબો પૂરો થઈ ગયો હતો.
‘વિરાજફીઆ સ્ટોરી કહોને…’ ઉમંગનો નાનો દીકરો આવીને વિરાજનો હાથ ખેંચતો બોલ્યો.
‘હેં હા બેટા એક…. એક હતી સિન્ડ્રેલા….’ વિરાજ હળવેથી એનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચતા બોલી.
‘વિરાજબેન, કરિયાણાની દુકાનમાંથી ફોન છે.’ નોકર નટુ.
‘દીદી, તમારી જોબ ટ્રાન્સફરનું કામ….’ ઉમંગ.
‘એ તો ક્યારનુંય અઠવાડિયું થયું…’ વિરાજ.
‘દીદી પાર્લરવાળી સાથે વાત થઈ ગઈ ?’ ઉમંગની પત્ની માયા હાથ પર ક્રીમનો મસાજ કરતી બહાર આવી.
‘હા, મારી ફ્રેન્ડે એક જગ્યાએ નક્કી કર્યું છે.’ વિરાજ.
‘પણ નો સિમ્પલિસિટી હોં. તમારા પોતાનાં મેરેજ છે. ફુલ મેકઅપ, હેરસ્ટાઈલ જોઈએ. અમારા મેરેજમાં સીધાંસાદાં આવી ગયાં હતાં એવું નહીં ચાલે…’ માયા સેટી પર બેસતાં બોલી.
‘હા હા એવું જ…. હું કિચનમાં જરા રસોયા અને રાતના મેનુ વિશે વાત કરી આવું.’ કહેતી વિરાજ ઊભી થઈ.
‘ફીઆ સ્ટોરી…’
‘હા બેટા કહું…’ કહેતી એ કિચન તરફ જતાં બેડરૂમ પાસેથી પસાર થઈ.

‘દેખાવમાંય કંઈ કાઢી નાખવા જેવો નથી.’
‘એમ કહોને પાંત્રીસ વર્ષેય મેળ પડ્યો…’
‘ગ્રહો. બીજું શું ?’
‘ગઈ કાલની દાળ તો જાણે ખારી ઊસ….’ બેડરૂમમાંથી સંભળાતાં હંસા આન્ટી, મુક્તામાસીના ઝીણાઝીણા સંવાદોની ખારાશને ભેદતી એ કિચનમાં ગઈ.
‘દીદી પ્રતિમાફોઈ આવ્યાં છે….’ ઉમંગનો ડ્રોઈંગહોલમાંથી અવાજ.
‘તો મીરાંબાઈ સંસાર માંડી રહ્યાં છે એમ…..’ પ્રતિમાફોઈ લગેજ સાથે ઘરમાં પ્રવેશ્યાં ત્યારે એમનો લાક્ષણિક બુલંદ અવાજ આખા ઘરમાં પડઘાયો.
‘આવો ફોઈ…’ વિરાજ એમને ભેટી.
‘માય બ્લુ-આઈઝ ગર્લ’ કહેતાં એમણે વિરાજના વાંસા પર હૂંફાળો હાથ મૂક્યો.
‘પગે કેમ છે ફોઈ ?’
‘એકદમ ઓલ રાઈટ…. પણ તારી જોબ ટ્રાન્સફરનું થઈ ગયુંને પહેલાં એ વાત કર…. ધેટ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ..’ ફોઈએ એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.
‘એકદમ પાકે પાયે થઈ ગયું. ટ્રાન્સફર ઓર્ડર પણ આવી ગયો…’
‘અને કેટલા દિવસથી ઊંઘી નથી છોડી ? તારી આંખો તો જો…..થાય થાય સ્ટ્રેસને કારણે…’ ફોઈ.
‘દીદી બી.પી.નું ઈન્સ્ટ્રુમેન્ટ ક્યાં મૂક્યું છે પપ્પાને જરા….’ ઉમંગ.
‘કેમ વધારે લાગે છે ? હજી સવારે તો…. આવું ફોઈ…’ વિરાજ.
‘ફીઆ સિન્ડ્રેલા…’
‘બેટા આવીને કહું…..’ કહેતી એ અંદર ગઈ.

રાત્રિબેઠક વીખરાયા પછી પોતાના રૂમમાં સૂવા જતી વિરાજ મમ્મીના ઉગ્ર સ્વરો સાંભળી બેડરૂમ પાસે અટકી ગઈ.
‘નથી આપવાની કોઈને મારી વિરાજ સિવાય…’ મમ્મી.
‘જરા ધીમે બોલ. એ મારો ભાઈ જ છે. ક્યાં પારકો ને આવતા મહિને એની દીકરી પરણે છે…’ પપ્પા.
‘મારી વિરાજ પણ ત્રણ દિવસ પછી પરણે છે….’ મમ્મીએ ડૂસકું દબાવ્યું.
‘હા પણ થોડું જતું કરવાનું… આપણે મોટાં…’ પપ્પા.
‘બધું જતું કાયમ મોટાંએ જ કરવાનું ? હું પરણી ત્યારે મેં પહેર્યો હતો એ નેકલેસ મારી વિરાજ નાની હતી ત્યારથી એને બહુ વહાલો છે. ના, એના સિવાય કોઈને નહીં….’ મમ્મી.
‘એવું બાલિશ ન બનાય. અને એમણે શ્રુતિને લગ્નમાં આપવા માટે સામેથી માગ્યો છે. ના ન પડાય. એવું હોય તો વિરાજને પૂછી જો. એ ના નહીં પાડે.’ પપ્પા.
‘નથી પૂછવું વિરાજને. ખબર છે એ ના નહીં પાડે. દીકરી તમારી જ છે ને દાનેશ્વરી….. એને ગમતી વસ્તુ છે એટલે. બાકી એને ક્યાં પડી છે ઘરેણાંની ? કાયમ બુઠ્ઠી ફરતી હોય છે….. અને એમનેય માગતાં વિચાર નહીં આવ્યો હોય ? આપણી દીકરી એમની દીકરી નથી તે લગ્નટાણે માંગી લીધું ? લો આ રહી વિરાજ…’ મમ્મી બેડરૂમનું બારણું અંદરથી બંધ કરીને સ્ટોપર વાસતી વિરાજને જોતાં બોલી.
‘બેટા વિરાજ, હું એમ કહું છું….’ પપ્પા.
‘હા મેં સાંભળ્યું પપ્પા. નેકલેસ એમને આપી દોને. શ્રુતિ પરણે છે ને ભલે એ પહેરતી. મારે નથી જોઈતો. મારે ક્યાં…’ વિરાજ ધીમે સાદે બોલી.
‘હું પણ એમ જ કહું છું પણ તારી મમ્મી….’ પપ્પા.
‘કરો તમારે જે કરવું હોય તે, એ લોકો બહાર જ બેઠા છે. આપી દો લઈને…’ મમ્મી નેકલેસ મૂકેલું પાઉચ પથારી પર જરા જોરથી મૂકીને બહાર ગઈ.
‘મોટા ભાઈ જરા બહાર આવો તો….’ બહારથી વિનયમામાનો અવાજ સંભળાયો.
‘હા આવું…. વિરાજ બેટા આ જરા વાર સાચવજે….’ કહેતાં પપ્પા બહાર ગયા.

વિરાજ પાઉચ સામે જોઈ રહી. પછી ધીરેથી એમાંથી નેકલેસ કાઢ્યો. માણેક અને મોતી જડેલ પ્રાચીન કલાકૃતિ જેવા નેકલેસ સામે ધારીને જોઈ રહી. એને પાંચ વર્ષની ચણિયાચોળી પહેરીને દોડાદોડ કરતી વિરાજ દેખાઈ… ‘મમ્મી મને આપ, મને આપ… મારે નેકલેસ પહેરવો છે….’ મમ્મી તિજોરીમાંથી ચાંદીની ડબીમાં રૂમાં સાચવીને મૂકેલ નેકલેસ કાઢે એટલે એ એની આગળપાછળ કૂદવા લાગતી. મમ્મી એને સાચવીને પહેરાવતી. ‘જો સાચવજે હોં અને થોડી વાર અરીસામાં જોઈને પાછો આપી દે જે હોં બેટા….’ વિરાજ નેકલેસ પહેરીને આમતેમ ફરીને અરીસામાં પોતાને જોયા કરતી.
‘તને પહેલેથી બહુ ગમે છે નહીં બેટા ? કંઈ નહિ, એવું હશે તો લગ્ન પતે એટલે સોની પાસે આવો જ બીજો બનાવડાવીશું. ચિંતા ન કરતી બેટા….’ પપ્પાના અવાજથી વિરાજ ચમકી. પછી નેકલેસ પાછો પાઉચમાં મૂકી પપ્પાને આપતાં કહે :
‘ના ના એવું કશું નથી. લો સાચવીને વીણાકાકી ને અત્યારે જ આપી દો એટલે ચિંતા નહીં.’

લગ્નની આગળના ત્રણ દિવસો સરકી ગયા. ગ્રહશાંતિ, માંડવો, ગણેશસ્થાપન, મેંદી અને સંગીતસંધ્યા સંપન્ન થયાં. લગ્નની આગલી રાત્રે મહેમાનોની વિદાય પછી વિરાજે ડ્રોઈંગ હોલની પંખાની સ્વિચ બંધ કરી. આંગળી સ્વિચ પરથી ઉઠાવ્યા પછી ક્યાંય સુધી એ સ્વિચ સામે જોઈ રહી. આંગળીઓના સ્પર્શથી મેલી થયેલી સ્વિચ અને એની આંગળી કેટલાં વર્ષોથી એકબીજાને ઓળખતાં હતાં ?
‘ગઈ કાલે જ છોકરાઓએ મારી સાથે શરત મારી હતી. વિરાજદીદી વિદાય વખતે રોશે કે નહીં ? મેં કહ્યું નહીં રોવે….’ પ્રતિમાફોઈના ભારે અવાજથી વિરાજ એકદમ ફરીને એમની સામે જોવા લાગી.
‘રોઈશ ?’
‘ખબર નહીં.’
‘તારે શું વાતચીત થઈ હતી એ મિ. દેવવ્રત સાથે ? ફોનમાં સાંભળવાની બહુ મજા ન આવી.’
‘બસ ખાસ નહીં. પાંત્રીસ વર્ષે ફેવરિટ કલર કયો એવું બધું તો પૂછવાનું હોય નહીં. એના કામ વિશે, મારી જોબ વિશે….’
‘એ કેમ વાંઢો રહ્યો ચાલીસ વર્ષ સુધી…’
‘બસ એને પણ એવું જ હતું મારા જેવું. થોડું ગમે ન ગમે પછી થોડો વખત પરણવું જ નથી એવું બધું કરીને…’
‘હમઅઅ… એ શેમાં…’
‘વર્લ્ડ બેન્કમાં છે. કુટુંબમાં ખાસ કોઈ નથી. હું જ જન્માક્ષર મેળવવા ગઈ હતી. ત્રીસ ગુણાંક અને નાડીદોષ- મંગળ નથી, આમ તો બધું બરાબર લાગે છે પછી તો….’
‘નેકલેસ વીણાને આપી દીધો ?’
‘હેં હા. આપી દીધો. શ્રુતિને એનાં મેરેજના શોપિંગમાં મને સાથે લઈ જવી હતી, પણ મારે તો મેરેજ પછી બે દિવસ પછી દિલ્હી જવાનું થશે એટલે….’
‘શ્રુતિનાં લગ્ન પંદર દિવસ પહેલાં ફોક થઈ ગયાં છે…’
‘હેં… અમને તો….’
‘મને પણ આજે સવારે જ ખબર પડી…’ પછી કોઈ કંઈ બોલ્યું નહીં. વિરાજને રાત્રે શ્રુતિ પેલો નેકલેસ પહેરીને દેવવ્રત સાથે પરણી રહી હોય એવું કંઈક ઝાંખું સ્વપ્ન દેખાયું.

પરોઢિયે ચાર વાગ્યે એની આંખ ઊઘડી ગઈ. રૂમમાં ચારેકોર એની નજર ફરવા લાગી. પપ્પા, મમ્મી, આ ઘર અને વિચારો…. નથી કરવાં બસ આજે લગ્ન. ઊભી થઈને ડાયનિંગ ટેબલ સુધી આવી ત્યાં સુધીમાં તો આખું ઘર જાણે એને પરાણે વીંટળાઈ વળ્યું. ટેબલ પર મમ્મી, પપ્પાની બી.પી., ડાયાબિટીસની દવાઓ, મમ્મીની કમરે શેક કરવાની ગુલાબી કોથળી, કરિયાણું, નાસ્તાના ડબા, ખુરશીઓ, ફ્રિજ-વોશિંગ મશીન-સૌને જાણે અચાનક આંખો આવી ગઈ હતી. અભિમન્યુના ચક્રવ્યૂહના કોઠાની જેમ એક એક પગલું વીંધતી એ વોશબેસિન તરફ જવા લાગી. બાજુમાં ઉમંગના બેડરૂમમાં ચહલપહલ, ગુસપુસ માયાનો ઝીણો અવાજ…’
‘છોકરાઓને હમણાં ઉઠાડવા નથી. મોડા તૈયાર કરીશું…. આમનેય પાંત્રીસ વર્ષે શી ખબર શું રહી જતું’તું. એકાદ વર્ષ પછી કર્યું હોત તો મારી ટ્રેઈનિંગ પતી જાત. માંડ સારી જોબ મળી છે. હવે મમ્મી, પપ્પાની બધી ચિંતા આપણને જ…. વીણાકાકીએ છેવટે પેલો નેકલેસ પચાવી જ પાડ્યો. આમેય આપણા ભાગે ક્યાં…’
‘શઅઅઅ…. અત્યારે આ બધું….’ ઉમંગ.

વિરાજ ઝડપભેર વોશબેસિન પાસે પહોંચી ગઈ. બ્રશ અને પેસ્ટ હાથમાં લઈને એણે સહેજ વાર આંખો મીંચી દીધી. શિયાળામાં સાલું ન સાંભળવું હોય તોય બધું કાન સુધી ક્લિયરલી પહોંચી જાય છે. એણે પોતાના રૂમમાં જઈને કબાટ ખોલ્યો. ઉપરના ખાનામાં ચોપડીઓની વચ્ચે અંદરની દીવાલ પર વર્ષોથી ચોંટાડેલું બારમા ધોરણનું સમયપત્રક. કોણ જાણે કેમ ત્યાં રહી ગયું હશે ? કબાટ બંધ કરતાં હેન્ડલ પર મૂકેલ જમણા હાથની પહેલી આંગળી પર પહેરેલી મમ્મીની વીંટી. આખા ઘર, શરીર, આત્મા પર પાંત્રીસ વર્ષની યાદોની જાણે ઝીણી કતરણ. નાહવા જતાં પહેલાં ખૂણામાંથી ઘર ઝાપટવાનું કપડું લીધું. આદતવશ. પછી પાછું મૂકી દીધું. આ વર્ષો જૂની ટેવોને વળી ક્યા ઉકરડે નાખવી ? સાત વાગ્યા સુધીમાં તો ઘર અવાજોથી ઊભરાઈ ગયું. ઉમંગનો નાનકો અચાનક દોડતો આવી આંખો પહોળી કરીને કહે,
‘ફીઆ તમારું વોશિંગ મશીન તો વોક પણ કરે છે….’
‘આ શું કહે છે….’ પપ્પા.
‘એ તો વોશિંગ મશીનમાં ઓવરલોડ થઈ ગયો હશે એટલે જરા જગ્યા પરથી ખસી ગયું હશે…’ મમ્મી.
‘સારું છે વ્હીલની નીચે ઘોડી છે. નહીંતર અત્યાર સુધીમાં ચાલતું ચાલતું ડ્રોઈંગ હોલમાં પહોંચી ગયું હોત…’ ઉમંગ નહાઈને બાથરૂમમાંથી બહાર નીકળતાં બોલ્યો.
‘અવાજેય બહુ કરે છે. પેલા નરસિંહ મહેતાએ કેટલી વાર કહ્યું પણ એમને ક્યાં કંઈ… બધું બસ કાં તો વિરાજે કરવાનું કાં તો મારે. અને હવે તો બસ હું જ….’ મમ્મી.
‘પણ આટલો ઓવરલોડ ન કરતી હોય તો. બે વાર ધોવાય અને ગઈ કાલે રસોઈનો કેટલો બગાડ થયો હતો ? કાલનું બધું એમનું એમ પડ્યું છે. હવે આજે સાંજે મહારાજને વ્યવસ્થિત સૂચના આપજો. બગાડ ન કરતા….’ ક્યારેય મોટેથી ન બોલતી વિરાજ આટલું બધું જરા ઊંચા સાદે બોલી એટલે આજુબાજુમાં સૌ અવાચક થઈ એકબીજા સામે જોવા લાગ્યા. વિરાજ છોભીલી પડી બીજી તરફ જોવા લાગી. મમ્મી થોડી વાર સ્થિર ઊભી રહી. પછી મૃણાલ પાસે આવી ભરેલી આંખો સાથે ત્રુટક સ્વરમાં કહે :
‘તું જવાની છે એટલે…. બધો ગુસ્સો વોશિંગ મશીન મમ્મી રસોઈ પર… હું શું નથી જાણતી આપણા ત્રણેય પર શું વીતી રહી છે ? તું છે ત્યાં સુધી બધું….. પછી કંઈ નહીં. ઘર જાણે ખાવા ધાશે. તારા રૂમમાં જવા તો જાણે પગ જ….’
‘બસ મમ્મી’ વિરાજે મમ્મીની પીઠ પર હાથ પસવાર્યો, ‘મમ્મી હસ્તમેળાપ એક વાગ્યાનો છે. અત્યારે આ બધું… હજી બધાને તૈયાર થવાનું છે. વિરાજની પાર્લરવાળી આવતી જ હશે.’ ઉમંગ.

ઘરમાંથી નીકળતાં પહેલાં દેવઘરને પગે લાગીને વિરાજ મમ્મી-પપ્પાના રૂમમાં ગઈ. એણે આંખોથી આખા રૂમને પ્રેમથી પસવાર્યો. ત્યાં તિજોરીની ચાવી જમીન પર પડેલી દેખાઈ. ક્યાંક આડીઅવળી થઈ જશે વિચારી બીજું કંઈ સૂઝ્યું નહીં એટલે ચાવીનો ચાંદીનો ઝૂડો કેડે ખોસી દીધો. પપ્પાનું આ મહિનાનું પેન્શન…. કોણ લાવશે ? પછી ઉમંગનું ‘દીદી જલદી’ સંભળાતાં એ ઝડપભેર બહાર નીકળી ગઈ. પણ એની જાણ બહાર એનું આખું ઘર સરસામાન સહિત એના પાનેતરના જરદોશી જરીકામમાં મઢાઈને લગ્નની ચોરી સુધી ચાલી આવ્યું હતું. મમ્મી, પપ્પા, દવાઓ, ઉમંગ, માયા, સિન્ડ્રેલાની સ્ટોરી, શેક કરવાની ગુલાબી કોથળી, શ્રુતિનાં લગ્ન, પેલો નેકલેસ, કરિયાણું, વોશિંગ મશીન ને પપ્પાનું પેન્શન…. એને આંખો બંધ કરી દીધી. પોપચાંમાં લાલ, ગુલાબી, કથ્થાઈ, ભૂરા રંગો ઊમટ્યા.
‘દીદી તિજોરીની ચાવી જોઈતી હતી. ક્યાંય દેખાતી નથી. ક્યાં હશે કંઈ…’ કાનમાં માયાના ધીમા અવાજથી લગ્નની ચોરીમાં બેઠેલી વિરાજ ચમકી. એણે ત્વરાથી કેડે ખોસેલો ચાવીનો ઝૂડો માયાને આપી દીધો. બ્રાહ્મણના મંત્રોચ્ચાર અને લગ્નગીતોના સૂરો એકબીજામાં ભળીને જુગલબંદી રચી રહ્યાં હતાં. ‘લાખોપતિ રે સાજન બેઠું માંડવડે….’

‘ચાવીની સાથે ચિંતાઓ પણ આપી દેવી હતીને ? થાક હળવો થઈ જાત….’
હેં કોણ ? વિરાજે બાજુમાં બેઠેલા દેવવ્રત સામે જોયું. ઓહ. થોડી ક્ષણો માટે દેવવ્રતનાં ચશ્માંની આંખોની પેલે પારના પ્રવાહોમાં એના વિચારો તણાઈને દૂર વહી ગયા. સામેથી વીણાકાકી વિરાજના કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ બોલવા આવી રહ્યાં હતાં. વિરાજ થોડી વાર એમના ગળામાં ચમકતા પેલા નેકલેસ સામે જોઈ રહી. પછી ફરી દેવવ્રતની ચશ્માંમઢી આંખો સામે જોવા લાગી.
.

[તંત્રીનોંધ : પચ્ચીસ વર્ષને બદલે પાંત્રીસ વર્ષે થતાં લગ્નની આસપાસનો માહોલ કેવો હોય છે, તેનું ચિત્રણ આ વાર્તામાં સુપેરે પ્રગટ થયું છે. પાંત્રીસ વર્ષે લગ્ન કરતી કન્યાનાં મનમાં ચિંતાઓ અને જવાબદારીનું ભાન વિશેષ પ્રમાણમાં હોય છે આથી તેને પપ્પાનાં પેન્શનથી લઈને નાનામોટાં અનેક ઘરકામની ચિંતા સતાવે છે. બીજી તરફ, જે સમાજ એને જલ્દી લગ્ન કરવા માટે ઉકસાવતો હતો એ જ સમાજ લગ્ન વખતે ‘મેળ પડી ગયો ખરો…’ કહીને જાણે ઠંડુ પાણી રેડી દે છે. સમાજની નજરમાં પચ્ચીસ વર્ષે થતાં લગ્ન એ હકીકતે ‘લગ્ન’ કહેવાય છે, જ્યારે પાંત્રીસ વર્ષે થતાં લગ્ન એ ‘ગોઠવણ’ બનીને રહી જાય છે. આ ‘ગોઠવણ’ની વિધિમાં આવેલા લોકો અંદરોઅંદર વાતો કરે છે કે : ‘આમનેય પાંત્રીસ વર્ષે શી ખબર શું રહી જતું’તું. એકાદ વર્ષ પછી કર્યું હોત તો મારી ટ્રેઈનિંગ પતી જાત. માંડ સારી જોબ મળી છે…’ નેકલેસ તો એના ગળામાં શોભે છે જેના લગ્ન નાની ઉંમરે થતાં હોય ! વિરાજને વળી નેકલેસની શું જરૂર ?! એક પછી એક, એમ ધીમે ધીમે બધું જ વિરાજના હાથમાંથી સરકતું જાય છે…. છેલ્લે ચાવીનો ઝૂડો પણ લઈ લેવામાં આવે છે. હવે કશું જ એનું નથી – આ પીડા ખૂબ સુક્ષ્મ રીતે આ કથામાં આલેખાઈ છે.]

Leave a Reply to k Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “વિરાજનાં લગ્ન – પૂજા તત્સત્”

Copy Protected by Chetan's WP-Copyprotect.