- ReadGujarati.com - http://www.readgujarati.com -

વાર્તાલાપ – સંકલિત

[1] ફેવરીટ ડાયલોગ ! – ઝલક પાઠક

[ રીડગુજરાતીનો ઉદ્દેશ નવોદિત સર્જકોને એક માધ્યમ પૂરું પાડવાનો છે. આ હેતુ અંતર્ગત પ્રસ્તુત થયેલી આ કૃતિ સુરત નિવાસી યુવાસર્જક ઝલકબેનનો લેખન ક્ષેત્રે પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જન ક્ષેત્રો તેઓ સતત વિકસતા રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે znp26@yahoo.in સંપર્ક કરી શકો છો.-તંત્રી.]

‘અરે ! તેં મગમાં આટલું બધું પાણી ઝીંકી દીધું ? આટલા વર્ષોથી રસોઈ કરે છે અને સાવ આવી ભૂલો કરે છે ? કાલે સવારે તારા સાસરે જઈને આવું કરીશ તો કંઈ તારી સાસુ ચલાવી નહીં લે….’ વસુંધરાબેન એમની દીકરી રીતુ ઉપર ચીડાઈને બોલી રહ્યાં હતાં. રીતુ સમજી ગઈ કે માર્ચની આખર તારીખો ચાલી રહી હોવાને કારણે એની એકાઉન્ટન્ટ મમ્મી થોડું સ્ટ્રેસમાં છે. અત્યારે એની સામે બોલવાં કરતાં શાંત રહેવું સારું. એથી જ તો એણે હસતાં-હસતાં મમ્મીનાં ગાલ પકડીને કહ્યું :
‘અરે મોમ…. જસ્ટ ચીલ યાર…., થોડીવાર ઉકળશે એટલે આપમેળે બરાબર થઈ જશે. તું શાંતીથી બેસ. હું તારા માટે મસ્ત કડક કૉફી બનાવું છું. અને રહી વાત સાસરે જવાની તો વૅલ… એને હજી ઘણીવાર છે.

‘મેં તને કેટલીયવાર કહ્યું છે કે આ તારા ચીલ-બીલ બોલવા પ્રત્યે મને નફરત છે અને ગમેતેમ તોય હું તારી મા છું, તારી યાર નથી. અહીંયા હું છું તો બધું ચલાવી લઉં છું, તારી સાસુ નહીં ચલાવી લે. મને ખબર છે કે તારી સાસુ રોજ તને કહેશે કે “તારી મા એ તને કંઈ શીખવ્યું જ નથી….”’ વસુંધરાબહેન અકળાઈ ઉઠ્યાં.
‘અરે મારી વહાલી મમ્મુડી…., જો મારી સાસુ એવું કહેશે તો હું પેલી ગોપીવહુની જેમ દયામણું મોઢું કરીને કહીશ કે ઓ મમ્મીજી… મારી મમ્મીએ તો મને શીખવવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ હું રહી અબુધ, તે શીખી ન શકી.’ રીતુની મજાકભરી વાતો સાંભળીને એનો નાનો ભાઈ વ્યોમ પણ ખડખડાટ હસી પડ્યો.
‘આ રીયલલાઇફ છે…. કોઈ ટીવી સિરિયલ નથી. સમજ જરા…. તું ક્યારે મોટી થઈશ ? કેટલીવાર કીધું છે તને કે થોડી ઠરેલ થા. પરંતુ તું સાંભળે તો તો તારું નામ જ બદલી નાંખવુ પડે !’
‘એમ કંઈ સ્વભાવ થોડો બદલાઈ જાય. અને મમ્મી, તું જ તો કહે છે કે માણસનો સ્વભાવ તો મસાણ સુધી સાથ આપે.’
‘બસ, તું દલીલો જ કર્યાં કર. એમાંથી ઊંચી જ ન આવતી ! તારી સાસુ આવશે ત્યારે એની સામે આવી દલીલો કરીશ તો એ તને બરાબર ખંખેરશે. એવે ટાણે તને સમજાશે કે હું તને કેમ ટોકતી હતી. એવું થાય ત્યારે મને કહેવા ના આવતી.’
‘લે, એમ કંઈ થોડું હોય. આજકાલની કોઈ સાસુ એવી ના હોય. તું ખાલીખોટી મને ડરાવ નહીં. જ્યારે વ્યોમની વાઈફ આવશે ત્યારે તું શું એની જોડે આવું વર્તન થોડું કરીશ ?’ વસુંધરાબહેન કંઈ બોલે એ પહેલાં રીતુએ ડ્રૉઇંગરૂમમાં આવીને અખબારમાં માથું ખોસીને બેઠેલા એના પપ્પાનેય ચર્ચામાં આવરી લીધાં.

‘આ જુઓ, તમારી વાઈફ મને બહુ હેરાન કરેછે…. સમજાવો એને…’ રીતુએ આગવી અદાથી પપ્પાને ફરિયાદ કરી.
‘અરે વસુ, તું ક્યાં આ મહામાયા જોડે લપ કરે છે.’ અખબાર સંકેલીને રીતુ તરફ ફરતાં નમનભાઈ બોલ્યાં : ‘ચાલ અહીંયા આવી જા અને મારી જોડે બેસ ને વાતો કર…’
‘હા મને ખબર જ છે તમારી બાપ-દીકરીની મીલી-ભગત. હું એને કંઈ કહું ત્યારે તમે એનું જ ઉપરાણું લઈ લો છો. તમે જ એને ચઢાવી મારી છે…..’ નમનભાઈ હંમેશની જેમ શાંતિથી સાંભળતા રહ્યા. એમને ખબર હતી કે હવે સુકાન એમની તરફ ફરી ગયુ6 છે. રીતુ અને વ્યોમ એકબીજા સામે જોઈને મલકાઈ રહ્યાં હતાં અને મનોમન વિચારી રહ્યાં હતાં કે હવે પપ્પાની ખેર નથી.

એટલામાં તો ફોનની રિંગ વાગી.
રીતુ એ ફોન ઉપાડ્યો અને સામે છેડે અમેરિકા રહેતા નાનીમા જોડે વાતો કરવા લાગી. મજાક કરતાં-કરતાં એણે એનાં નાનીમાને પણ ફરિયાદ કરી કે, ‘તમારી આ વસુ મને બહુ હેરાન કરે છે. સાસુના નામથી ડરાવે-ધમકાવે છે.’ નાનીમા એની વાત સાનમાં સમજી ગયા એટલે એમણે રીતુને કહ્યું : ‘તું સ્પીકર ઑન કર અને પછી જો આજે હું એને કેવી ધમકાવું છું.’
‘કેમ લી, વસુડી ? મારી છોડી ને કેમ ધમકાવે છે ?’
નાનીમાના ફોનની વાત સાંભળીને ઠંડા અવાજે વસુંધરાબહેન બોલ્યાં : ‘અરે એ તો કામ જ એવા કરે એટલે ધમકાવવું જ પડે ને ! બાય ધ વે, તમે એનો પક્ષ ના લેશો. આ ઉંમરે હું હતી ત્યારે તમેય મને આમ જ ધમકાવતા હતા અને પપ્પાજી જો મારો પક્ષ લે તો તમે એમનેય નહોતા છોડતાં.’

રીતુ મનોમન વિચારી રહી કે પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ મમ્મીઓના ડાયલોગ બદલાયાં નહીં ! એ તો હજીયે હંમેશાં એમ જ કહેશે કે, ‘સાસરે જઈને મારું નામ ડુબાડીશ અને લોકો કહેશે કે મમ્મીએ કશું શિખવ્યું નહીં….’ લાગે છે કે આ બધી મમ્મીઓનો ફેવરીટ ડાયલોગ હશે !
.

[2] દીકરીના જન્મ દિવસે પિતાનો પત્ર – રમેશ ઠક્કર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી રમેશભાઈનો (ખેડબ્રહ્મા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક કરી શકો છો.]

ચિ. ઝલક,
જન્મદિન મુબારક.

ઓગણત્રીસમી માર્ચ તારો જન્મદિવસ છે. જગતમાં ઘણી દીકરીઓના જન્મદિવસ કોઈ ને કોઈ તારીખે આવતા હશે. દરેક માતા કે પિતા એ નિમિત્તે જાતજાતની અને હોંશભેર ઉજવણી પણ કરતા હોય છે. આ દિવસે ઘરના, પરિચિતો તેમજ મિત્રો તરફથી ‘હેપી બર્થ ડે’ કે ‘જન્મદિન મુબારક’ના સંદેશા પણ મળે છે. મિઠાઈ કે ચોકલેટ વહેંચાય છે. ખમતીધર મા-બાપો ‘કેક’ મંગાવે છે. મોંઘીદાટ બર્થ ડે પાર્ટી પણ યોજે છે. આ તમામમાં સંતાન પ્રત્યેનો પ્રેમ અને વ્હાલ જ છલકાતાં હોય છે.

તારો જન્મદિવસ પણ આપણે આ પરંપરાગત રીતોથી ઉજવીએ છીએ પરંતુ આ વખતે તારા જન્મદિવસે એક પિતા તરીકે મેં આ પત્ર લખવાનું વિચાર્યું છે. એવું કહેવાય છે કે શબ્દોની અભિવ્યક્તિ દ્વારા માણસ પોતાની લાગણીઓને ખૂબ જ અસરકારક રીતે વ્યક્ત કરી શકતો હોય છે. મૂળભૂત રીતે હું શબ્દનો ઉપાસક છું. તારા જન્મથી પહેલાં એટલે કે વર્ષોથી હું શબ્દના સહારે જીવતો આવ્યો છું. દુનિયામાં અનેક જગ્યાએથી હું હતાશ થયો છું. પીછેહઠના ભાવો અનુભવ્યા છે. પરંતુ શબ્દની દુનિયામાં હંમેશાં મારું સન્માન થયું છે. મને હંમેશાં શાંતિનો અનુભવ થયો છે. એટલે જ તને જન્મદિવસે કહેવાનું મન થાય છે કે દુનિયામાં સંગત કરવાનું મન થાય તો શબ્દથી વધીને બીજી કોઈ પસંદગી ના હોઈ શકે.

તારા જન્મ અગાઉ અમારી જિંદગીમાં સંઘર્ષો હતાં, મુશ્કેલીઓ હતી. અનેક પ્રકારના અભાવો હતા. તારું આગમન અમારી શુષ્ક જિંદગીમાં સાચે જ ચેતનવંતુ સાબિત થયું છે. તને હવે પંદરમું વર્ષ બેસવાનું છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આટલી ઉંમરે સંતાનને મિત્ર ગણવાનું રહે છે. એ હિસાબે અત્યારે આ બધું હું પિતા તરીકે, વડીલ તરીકેના મારા અધિકારથી નહીં પણ આપણી સંસ્કૃતિમાં જે કહેવાયું છે એ સનાતન સત્યની રીતે કહું છું. કેમ કે મને સનાતન મુલ્યોમાં રસ છે. આપણી ભવ્ય સંસ્કૃતિ, ધર્મદર્શન અને આપણા મુલ્યવાન ગ્રંથોમાં મને શ્રદ્ધા છે. મને હંમેશાં એમાંથી જીવન જીવવાનું બળ પ્રાપ્ત થયું છે. આશા રાખું છું કે તું પણ આજના જમાનામાં જેની બોલબાલા છે એવા શોર્ટકટને બદલે આપણી સંસ્કૃતિના ચિરંતન મૂલ્યોમાં વિશ્વાસ રાખીશ. મને ચોક્કસ વિશ્વાસ છે કે જિંદગીના પડકારરૂપ તબક્કે તને આ બધામાંથી જીવન જીવવાની પ્રેરણા મળશે.

આપણે ત્યાં દીકરીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે. ‘દીકરી વ્હાલનો દરિયો’ એમ જ્યારે બોલાય છે ત્યારે હંમેશા મારી આંખો ભીની થઈ જાય છે. ભગવાન રામ અને સીતાનું જીવન સંપૂર્ણ અને પ્રેરણાદાયક ગણાય છે પરંતુ દીકરીના માતાપિતા થવાનું સદભાગ્ય એમને મળ્યું ન હતું. કદાચ રામના જીવનમાં જો દીકરી હોત તો અગ્નિપરીક્ષા પછીના સમયે સીતામાતાને જે સધિયારો મળ્યો હોત એની વાત લખતાં વાલ્મીકિ કે તુલસીદાસજીની કલમમાંથી ચોક્કસ અશ્રુઓ સરી પડ્યાં હોત. જવાહરલાલ નેહરુને સંતાનમાં ફક્ત દીકરી ઈન્દિરા હતી. નહેરૂ એક મૌલિક લેખક હતા. ‘ઈન્દુ ને…’ એમ કહીને પિતા તરીકે એમણે પોતાની દીકરીને જે લખ્યું છે એ એક ઉત્તમ પિતાના વાત્સલ્ય સમાન શબ્દો છે. નહેરૂએ પુત્રીને જગત અને દેશનો ઈતિહાસ, લોકો અને માનવજાતનો અભ્યાસ કરવા શીખામણ આપી હતી. હું પણ તને જન્મદિવસે ખાસ આગ્રહ કરું છું કે શક્ય હોય તો પુસ્તકો ને મિત્ર બનાવજે. પુસ્તકોમાં જીવન દર્શન હોય છે. પુસ્તકો માણસને નિરાશ નથી કરતાં. ઉત્તમ પુસ્તકો થકી માણસ ઘડાય છે. માણસમાં રહેલી અસાધારણ શક્તિઓ બહાર આવે છે. આપણી ભાષાના સમર્થ કવિ ‘કલાપી’ કહે છે : ‘ભળીશ નહીં મિત્રો સ્વજનો બાળક થકી, જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી…’

ટી.વી. ઉપર કે સિનેમાના પરદે અથવા કોઈક સાહિત્યિક કૃતિમાં જ્યારે ‘કન્યા વિદાય’ની વાત રજુ થાય છે ત્યારે મારું મન ગમગીન થઈ જાય છે. કદાચ જગતના તમામ પિતાઓ માટે આ અનુભવ એક સરખો હશે. દીકરી અને ખાસ કરીને પિતા વચ્ચેનો સંબંધ અનોખો હોય છે. દીકરીનો સ્વભાવ અને દેખાવ જો તેના પિતા જેવો હોય તો એ પિતા ભાગ્યશાળી ગણાય છે. દીકરી એ ઘરનું આંગણું છે, તુલસીનો ક્યારો છે, ખળખળ વહેતું ઝરણું છે. ખડકાળ રસ્તા જેવી જિંદગીમાં તેનું સંગીત આપણી જીવનસફરને વધારે આનંદદાયક બનાવે છે. દીકરો મિલકતમાં ભાગ માગે છે, બદલામાં મા-બાપના ભાગલા કરી તેમને સાચવવાની બાબતે અવનવા પેંતરા કરે છે. જ્યારે દીકરી હરહંમેશ માતાપિતાની પડખે રહે છે. પોતાના પિતાની નાની અમથી તકલીફની પણ એ કાળજી રાખે છે, સંભાળ રાખે છે. બિમાર બાપને દીકરી અચુક યાદ દેવડાવે છે : ‘પપ્પા, તમે દવા લીધી ?’ ત્યારે પિતાનું અડધું દર્દ એમને એમ દૂર થઈ જાય છે. આવી દીકરીને વિદાય કરવા માટે મન મક્કમ રાખવું પડે છે. કવિ અનિલ જોષીને ‘કન્યાવિદાય’ નામનું અદ્દભુત ગીત લખ્યું છે. આ કાવ્ય હું ક્યારેય એકસાથે હંમેશાં નથી વાંચી શકતો. આપણી ભાષાની આ ઉત્તમ રચનાની શરૂઆતની પંક્તિઓમાં દીકરીની વિદાયથી સુમસામ ભાસતા આંગણાની અને ખુશીઓની વિદાયનું હૃદયગમ આલેખન થયું છે :

‘સમી સાંજનો ઢોલ ઢબુકતો,
જાન ઉઘલતી મ્હાલે
કેસરીયાળો સાફો ઘરનું
ફળિયું લઈને ચાલે.’

આ ગીતમાં કદાચ જૂની અને પરંપરાગત કન્યાવિદાયની વાત લખાઈ છે. પરંતુ એમાં રહેલું શાશ્વત દર્શન આજના માહોલમાં પણ એટલું જ સાચું છે. હું જાણું છું કે દીકરીઓ હવે દીકરાઓની સમોવડી અને કદાચ એમનાથી પણ આગળ નીકળી ગયેલી જોવા મળે છે. હવેનો જમાનો દીકરીઓનો ગણી શકાય. આજે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ પોતાનું સ્થાન જમાવતી જાય છે ત્યારે સ્પર્ધાની આ દુનિયામાં શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના સંપર્ક અને સેવન થકી સતત પ્રગતિ કરતા રહેવું પણ જરૂરી છે. તું નસીબદાર છે કે તને જન્મતાની સાથે જ સુંદર ઘર, શહેર, આધુનિક શાળાઓ અને સુખસગવડો પ્રાપ્ત થયાં છે. સામાન્ય ધંધો કરનારા મારા માતા-પિતા અને ભાઈ-ભાડુંથી ઉભરાતું અમારું ઘર અમારા શૈશવકાળમાં કેવળ અભાવો ધરાવતું હતું. સતત મુશ્કેલીઓ હતી. અમને મળતી ભૌતિક સગવડો મર્યાદિત હતી. તું એકલી છે પરંતુ મારા મતે આ સ્થિતિ એના કરતાં પણ વધારે પડકારરૂપ ગણી શકાય કેમ કે અમે જે કંઈ પ્રગતિ કરતા, તુલનાત્મક રીતે એ વધુ જ દેખાતી. તારા કિસ્સામાં તું તનતોડ મહેનત કરીશ તો જ તારા વખાણ થશે. તારે એક પરંપરા નિભાવવાની છે અને આધુનિક સ્પર્ધાત્મક જગતમાં તારી જાતને પૂરવાર કરવાની છે. મને શ્રદ્ધા છે કે આ બાબત તારા માટે મુશ્કેલ નથી, તો પણ એમાં બેદરકાર રહેવાનું ચલાવી ન શકાય એવું છે.

જન્મદિવસની ઉજવણી કે તેનું મહત્વ માનવજીવનમાં અનેરું હોય છે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આપણે ત્યાં ધામધૂમથી ઉજવાય છે. ‘બર્થ ડે’ માં દુન્યવી રીતે ધામધુમ કે મોંઘીદાટ ગીફટ કે શુભેચ્છા પ્રતિકોની આપ-લે પણ જરૂરી હોય છે. પરંતુ મારી દષ્ટિએ દરેક જન્મદિવસે માણસે કોઈ ને કોઈ પ્રતિજ્ઞા કરવી જોઈએ – સારું જીવન જીવવાની, વધારે ને વધારે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી આત્માને ઉન્નત કરવાની, વડીલોનું સન્માન કરવાની, માનવસેવાની વગેરે વગેરે…. અને એ રીતે પોતાની જિંદગીને હંમેશાં ઉર્ધ્વગતિએ જીવવાનો સંકલ્પ કરતા રહેવું જોઈએ. અને એ રીતે ભાવિ જિંદગીનું તબક્કાવાર આયોજન પણ કરતાં રહેવું જોઈએ.

અમારી જિંદગીમાં તારું આગમન વસંતના સંચાર સમું હતું. તારા નાનકડાં પગલાં કે કાલીઘેલી ભાષા થકી અમારા જીવનની કેટલીય કઠીનતાઓ ઓગળી ગઈ છે. તારા કલરવ કે તારી નિર્દોષ રમત થકી ઉજ્જ્ડ એવા અમારા જીવનના બગીચામાં નવી તાજગી પ્રસરી હતી. તારા વિકસવાની સાથે અમારો પણ વિકાસ થતો અમે અનુભવ્યો છે. એક નાનકડું અસ્તિત્વ આપણી નજર સામે જ ઉછરતું રહી, આપણા જીવનમાં નવસંચાર પ્રસરાવતું રહે એ અનુભૂતિ જ રોમાંચકારી છે. આજના તારા જન્મદિવસે એક પિતા તરીકે મારા આ શબ્દોમાં કોઈ શિખામણ નથી. મેં અનુભવેલી કઠોર ગરીબી કે અભાવોની વાતો થકી તને નિરાશ કરવાનો આશય નથી. મને મળેલી સફળતાઓ કે મારી આવડતની કંઈ આત્મશ્લાઘા નથી. હું તારો પિતા છું અને એક પિતાને મન પોતાનું બાળક પોતાનાથી સવાયું સાબિત થાય એવી હંમેશા ખેવના થાય છે. આશા છે કે અહીં રજૂ કરેલા મારા વિચારો તને જીવન જીવવામાં મદદરૂપ થશે. ફરીથી એકવાર જન્મદિનની શુભેચ્છા સહ.

-અસ્તુ.
પપ્પાના સ્નેહવંદન.