- ReadGujarati.com - http://www.readgujarati.com -

શાની આ સજા ? – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

આજે સુશીને જોવા આવવાનાં છે. બની-ઠનીને સુશી બેઠી છે. આજે તે ખરેખર સુંદર લાગતી હતી.
‘આપણી સુશીને એ લોકો પસંદ કરશે ને ?’
‘કેમ નહીં ? સુશીમાં શી કમી છે ? દીવો લઈને શોધવા જાય, તોયે આવી છોકરી ન મળે.’ ફોઈએ વહાલથી સુશીને ઓવારણાં લીધાં.
‘પરંતુ…..’ બોલતાં બોલતાં ભાઈ વચ્ચેથી જ અટકી ગયો. એનો ચહેરો ઉદાસ થઈ ગયો, મન ખિન્ન થઈ ગયું.

ફોઈની નજર સામેના ભાભીના ફોટા પર ગઈ. તુરત ઊભાં થતાં બોલ્યાં : ‘લાવ દીવાનખાનામાંથી આ ફોટો ખસેડી લઈએ. નાહક કોઈ પૂછપરછ કરશે.’ ભાઈની આંખ સામે આખીયે ઘટના ફરી છતી થઈ ગઈ. ગયા વરસે ફુઆ વાત નક્કી કરી ઠેઠ મુંબઈથી કોઈને જોવા લઈ આવેલાં. પણ માનો ફોટો જોઈ ચોંકીને પૂછેલું :
‘આ કોણ ?…. સુશીની મા ?….. ક્યાંક જોયાં લાગે છે…. છાપામાં….’ અને પછી વાત ત્યાં જ તૂટી પડેલી. માનો ફોટો ખસેડાતો જોઈ ભાઈનું કાળજું કપાઈ જતું હતું. એ બોલ્યા વિના રહી ન શક્યો :
‘શુભ કાર્યમાં તો લોકો માના આશીર્વાદ લે છે.’
‘બધી ભાગ્યની વિડંબના છે !’
‘ના ફોઈ ! અમે ભાઈ-બહેન સમાજનો અભિશાપ વેંઢારીએ છીએ. કોઈ અપરાધ વિના સમાજ અમને બહિષ્કૃત ગણે છે.’ સુશીનેય યાદ આવ્યા પાછલા દિવસો, જ્યારે પોતે પપ્પાને ત્યાં રહેતાં. પડોશની કમુ ભાઈ સાથે બહુ જ હળી ગયેલી. આવીને ભાઈ પાસે ભણતી, રમતી. પણ પછી એકાએક આવતી સાવ બંધ થઈ ગઈ.

‘કાં હવે નથી આવતી ?’
‘મા ના કહે છે. તમે બધાં ખરાબ લોક છો.’
સુશી હજી પોતાની ખરાબી શોધવા મથતી હતી, ત્યાં કમુની મા સામેથી બરાડી, ‘ખબરદાર, મારી દીકરીને બોલાવી તો ! તારા ભાઈને કહેજે કે ભણાવવાની જરૂર નથી. જેવો બાપ તેવો બેટો !’ ત્યારથી સદાય હસમુખો રહેતો મારો ભાઈ ઉદાસ રહે છે. નાનીનાની વાતોમાં ઉશેકરાઈ જાય છે. હવે તો બંને ફોઈ-ફુઆને ત્યાં રહે છે. પરંતુ અહીં પણ પાછલી વાત નીકળતાં…..

ખરેખર, મા બહુ યાદ આવે છે. સવારે ઊઠીને તુલસીમાં પાણી રેડતી. ઘીનો દીવો કરતી. ઘર કેવું સાફ રાખતી ! કેવું સારું-સારું કરીને ખવડાવતી ! પહેલાં તો માને અને પપ્પાને ઘણું સારું બનતું. પણ પછી છાસવારે કજિયા થતા. પપ્પા માને ધબેડતા. સુશી રડતી માને વળગી પડતી. ભાઈ ઉત્તેજિત થઈને મા સાથે વાત કરતો, જે સુશી ઝાઝું સમજતી નહીં….

ફોઈએ સુશીને તંદ્રામાંથી જગાડી. મહેમાનો આવી ગયા હતા. આગતા-સ્વાગતા થઈ. છોકરાની મા બોલકી હતી, ‘આ તો બહાર જોવાનું ગોઠવતા હતા પણ મેં કહ્યું કે જેની સાથે જીવનનો સંબંધ બાંધવાનો તેનું ઘર જોઈએ; રહેણીકરણી જોઈએ. સારી રીતે જાણીએ-સમજીએ. નાની ચીજ ખરીદવા જઈએ છીએ તોય કેટલી ફેરવી-ફેરવી જોઈ-તપાસીને લઈએ છીએ !’ અને બધાં સામે જોઈને હસી.
‘હા, તો બેટા, તારું નામ શું ?’
‘સુશીલા.’
‘સુશીલા કેવા ?’
‘સુશીલા ભટ્ટ.’
‘તમે કલોલના ?’
જવાબમાં ડોકું ધૂણ્યું.
‘સાત-આઠ વરસ પહેલાં કલોલનો પેલો જમના ભટ્ટ કાંડ છાપામાં બહુ આવતો. તમારો કોઈ સંબંધ એમની સાથે ?’ સુશી થોડી ગભરાઈ. એણે ફોઈ સામે જોયું. ફોઈ ઝટઝટ બોલી પડ્યાં :
‘એ તો ત્યારે બહુ નાની.’
‘તને તારાં મા-બાપની યાદ છે ?’
ફોઈએ જ વચ્ચે બોલી દીધું : ‘કેમ નહીં ? મોટર અકસ્માતમાં બંને માર્યાં ગયાં, ત્યારે એ 13ની અને ભાઈ 18નો.’
‘અમને અનાથનો કોઈ વાંધો નથી. ઘર ખાનદાન જોઈએ.’

આ બધો વખત ભાઈ સળવળ થયા કરતો હતો. હવે એનાથી ન રહેવાયું.
‘માફ કરજો, મુરબ્બી ! ખાનદાનની તમારી વ્યાખ્યાની મને ખબર નથી. પણ અમે અનાથ નથી. જમના ભટ્ટ અમારી મા. પપ્પા અમારા જીવે છે. આજીવન કારાવાસ ભોગવે છે. માની એમણે હત્યા કરેલી. પણ એમને તો એક વાર સજા થઈ. અમને વગર ગુનાએ આમ શું કામ વારે ઘડીએ દંડ દેવાઈ રહ્યો છે ?….’ જોવા આવનારાઓ વિદાય થયા ત્યારે ફોઈ ધૂંઆપૂંઆ હતાં. ભાઈ બહેનના માથે પ્રેમથી હાથ ફેરવતો હતો.

(શ્રી માયા પ્રધાનની હિંદી વાર્તાને આધારે.)