[ પ્રતિવર્ષ યોજાતા અસ્મિતાપર્વનો અહેવાલ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. આ વર્ષથી આ અહેવાલ એક સળંગ લેખને બદલે ચૂંટેલા વક્તવ્ય જુદા જુદા લેખો રૂપે અમુક સમયાંતરે મુકવાનું નક્કી કર્યું છે જેથી સૌ વાચકમિત્રોને વાંચનમાં સરળતા રહે. મહુવા ખાતે તાજેતરમાં યોજાયેલ ‘અસ્મિતાપર્વ : 15’માં શ્રી જયભાઈ વસાવડાએ આપેલ વક્તવ્ય ‘યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય’નું આ શાબ્દિક રૂપાંતર છે જે અત્રે પ્રથમ પ્રસ્તુત છે. આપ તેમનો આ નંબર પર +91 9825437373 અથવા આ સરનામે jayvaz@gmail.com સંપર્ક કરી શકો છો. આજે એક જ લેખ આપવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી. ]
પૂજ્ય બાપુ અને સૌ સૃહદો.
મને અહીં આવવાનો બહુ આનંદ છે. જાણે સ્મૃતિઓ તાજી થઈ ગઈ. કાજલબેન, શરદભાઈ… બધા રંગરંગીન વક્તાઓ અને રંગીન સંચાલક અહીં બેઠા છે. થોડા વર્ષો પહેલાં શ્રી હરીશકાકાના આમંત્રણથી સીનેમા પર વાત કરવા આવ્યો હતો. એ સમયે પણ આવો જ સરસ મજાનો માહોલ જામેલો. બહુ મજા પડી હતી.
1951માં એક માણસ કે જે પાછળથી યુવાનોમાં બહુ લોકપ્રિય થયો હતો અને ક્રાંતિકારી બન્યો હતો, યુવાનોના ટી-શર્ટ પર એનું નામ છપાતું – એ માણસ મેડીકલમાં ભણતો હતો અને ત્રીજા વર્ષે એને એમ થયું કે મેં મારી આસપાસનો પ્રદેશ તો મેં જોયો જ નહીં. એકાદ વર્ષ ભણવાનું કૂદાવી નાખું અને મોટરસાઈકલ લઈને નીકળું તો ખબર પડે કે દુનિયા કેવી છે અને આસપાસના પ્રદેશો કેવા છે. એ પછી તે માણસ નીકળ્યો અને એના પરથી સરસ મજાના પુસ્તકો અને ફિલ્મો બની જેને ‘મોટરસાઈકલ ડાયરીઝ’ કહે છે. 8000 કિ.મી.નો એણે મિત્ર સાથે પ્રવાસ કર્યો. કોઈએ એને પૂછ્યું : ‘શું કામ આ બધા પ્રવાસો ખેડ્યા ?’ – વ્યક્તિગત રીતે મને એમ લાગ્યું છે કે આ પ્રવાસો ‘કન્યાવિદાય’ જેવા છે. કન્યાની વિદાય થતી હોય ત્યારે એને વિદાયની જેટલી પીડા હોય એટલો નવા જીવનનો રોમાંચ પણ હોય. એ 8000 કિ.મીનો પ્રવાસ કરનારે કહ્યું કે દરેક પ્રદેશની સરહદ પર હું ઊભો રહું ત્યારે મને એવું લાગે છે કે ભવિષ્યમાં મારે જે નવા પ્રદેશોની સફર કરવાની છે તે જો હું નહીં કરું તો મારા ભૂતકાળની હું સરસ મજાની સ્મૃતિઓ કેવી રીતે બનાવીશ ? જ્યારે હું જીવનમાં આગળ વધીશ ત્યારે મારી ભૂતકાળની સુખદ સ્મૃતિઓ કેમ બનશે ? રોમાંચ-થ્રીલિંગ મોમેન્ટ મારી પાસે કેમ થશે ?
અહીં મારી પાસે અસ્મિતાપર્વના વ્યાખ્યાનની મોમેન્ટ્સ છે એટલે આજે હું યાદ કરું છું કે આ યુવા ચેતનાની વાત છે. કશુંક ખેડેલું હતું એની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. કાકાસાહેબ કાલેલકર એવું કહી ગયા છે કે દુનિયામાં બધી જ વસ્તુઓનો ક્ષય થાય છે – આ વૃક્ષો, ઈલેકટ્રીસીટી… બધું જ… મહેલો-હવેલીઓ-માણસનું શરીર વગેરે… પરંતુ એક વાતનો ક્ષય નથી થતો અને એ વાત છે સ્મૃતિઓની. તે અમાપ છે. એ વધતી જ રહેશે. આપણે સ્મૃતિઓના જળમાં ધીરે ધીરે આચમની લેવાની હોય, છબછબિયાં કરવાનાં હોય, ગાલ પર એના થોડાક છાંટા ઊડાડવાના હોય, એની અંદર માથાબોળ બેઠા રહેવાનું ન હોય. હવે, અહીંથી મારા વિષયની શરૂઆત થાય છે…. આપણું મોટાભાગનું સાહિત્ય, આપણા મોટાભાગના સાહિત્યસર્જકો અને આપણો મોટાભાગનો આખો સમાજ સ્મૃતિઓના જળની અંદર જ દુર્યોધનની જેમ આખેઆખો બેસી ગયો છે. બહાર જ નથી નીકળતો ! બધાને એવી જ જિંદગી એટલી બધી રોમાંચક લાગે છે કે ઓહોહો….. ‘અમારો જે જમાનો હતો….’ અત્યારે આ બધાનું ધ્રુવવાક્ય છે કે મારોય એક જમાનો હતો, કોણ માનશે ? બલ્કે એ આખા ગુજરાતના સાહિત્યસર્જકોનું ધ્રુવવાક્ય છે. અમારા જેવા થોડાક અહીં બેઠેલાઓએ એમાં ખાતર પાડ્યું છે અને કહ્યું છે કે આજનોય જમાનો છે એને કોણ ચાહશે ? બધા જ લોકો ‘અમારો એક જમાનો હતો’ એની જ ચર્ચા કરતા રહેશે તો આજના જમાનાને કોણ ચાહશે ?
મોટાભાગના આપણા સર્જકો બાળકમાંથી સીધેસીધા વૃદ્ધ થઈ જતાં હોય છે અને સમાજને પણ આ ટેવ પાડી દેવામાં આવી છે. તેથી જવાની શું ચેતના છે, એડલ્ટહુડ શું ચીજ છે એ એમને ખ્યાલ જ નથી આવતો. બધા એવું કહે છે કે આ ટીવીમાં આવું બતાવે છે તો કુમળા માનસનું શું થશે ? અરે પણ, એમ નહીં બતાવે તો પુખ્તવયનાનું શું થશે એ તો ખ્યાલ કરો ! આવું નહીં બતાવે તો અમે ક્યાં જઈશું ? અમારે ફક્ત આસ્થા ચેનલની અંદર આવતા કીર્તનો જ જોયા કરવાનાં ? M. TVમાં આવતા માઈકલ જેકસનને જોવાનો જ નહીં ? મહારાષ્ટ્રના સંસ્કૃતિમંત્રીએ ‘પ્રેમપાર્ક’ બનાવેલો, એ પછી તો એમાં બધા વડીલો જતાં થઈ ગયા એટલે એનું નામ ‘નાના-નાની’ પાર્ક પડી ગયું ! એમાં લવર્સને તો જગ્યા જ નહીં !
આપણે વૃદ્ધાશ્રમોમાં જોઈએ છીએ કે ત્યાં મોટાભાગના લોકો જીવનથી થાકી-હારીને, કંટાળીને, રિજેક્ટ થઈને બેઠા હોય છે. એમાં પાછા મારા જેવા કો’કને બોલાવીને પછી એમ કહે કે હવે તમે આ લોકોને ‘મૃત્યુ એટલે શું’ એ વિશે કહો. અરે ભાઈ, મોલ એટલે શું એ વાત કરો, મલ્ટિપ્લેક્સ એટલે શું એ વાત કરો. એમને કાશી-મથુરા લઈ જવાને બદલે એવી કોઈ જગ્યાએ લઈ જાઓ જ્યાં મોટો જલસો થતો હોય. એમને અહીં સરસ મજાના નૃત્ય-સંગીત-નાટકના આ પર્વમાં લાવીને બેસાડો. પરંતુ આ વાત કોઈ નહીં કહે. લોકોને તો ટિકિટ કેમ વહેલી ફાટે એમાં જ રસ ! યુવાચેતના એટલે લોકો એમ સમજતાં હશે કે જેના માથે વાળ ધોળા થઈ ગયા છે એની સાથે મારે નિસ્બત જ નહીં હોય ! મારું કહેવાનું એવું બિલકુલ નથી. આ ઓડિયન્સની અંદર એક એવો યુવાન બેઠો છે જેણે મને યુવાનીની નવી વ્યાખ્યા આપી છે અને એ છે આ નગીનદાસ સંઘવી. એમણે મને એવી વ્યાખ્યા આપી છે કે : ‘જેને એક મહિનામાં એક નવો વિચાર ન આવતો હોય એ માણસ યુવાન નથી.’ યૌવન એટલે જ પરિવર્તન. યુવાચેતનાની વાત અમારા જેવા લોકો કરતાં હોય તો એમ માનતાં નહીં કે અમારા માટે જ કરતા હોય છે, એમાં વડીલો પણ સામેલ છે. સિનિયર-સિટીઝનને લોકો ધક્કા મારી દે છે કે તમે અહીંથી આઘા જાઓ….તમે પિકચરના પોસ્ટર સામે ઊભા રહો મા…. તમે પાણીપૂરીની રેંકડીથી દૂર હટો… અરે ભાઈ, એને હજી પાણીપૂરી ખાઈ લેવા દો, એને જલેબી ખાઈ લેવા દો. ધક્કા મારો મા.
હું યુવાચેતના કોને કહું ? યુવાચેતના વિશે મને એક સરસ વાત યાદ આવે છે. જર્મનીનો આ કિસ્સો છે. આર્મીની અંદર સોલ્જર ભરતી થવા આવ્યો. એના એન્ટ્રીફોર્મમાં કાગળીયાં તપાસતા અધિકારીએ પૂછ્યું કે ‘ઊંમર ?’ એટલે સોલ્જરે કહ્યું કે એકવીસ વર્ષ. સામે ઊપરી અધિકારી હતો. એણે કાગળ જોઈને એમ કહ્યું કે ‘જન્મ તારીખના દાખલા મુજબ બાવીસ તો પૂરાં થઈ ગયા છે તો કેમ ઓછી ઉંમર બનાવો છો ?’ સોલ્જરે કહ્યું કે ‘ગયું આખુ વર્ષ હું ખુબ બિમાર હતો. પહેલાં તાવ આવેલો અને પછી ફેકચર થયેલું ને એવું બધું થયેલું એટલે કે ગયું આખું વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હતો અને જે વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હોઉં એ મારી ઉંમરમાં થોડું ઊમેરાય ?’ – આ યુવાચેતના છે. મને યાદ છે કે ગ્રીસનું હું એક પુસ્તક વાંચતો હતો એમાં લખ્યું હતું કે એક જમાનામાં શ્રદ્ધાંજલિઓ લખવામાં ન આવતી. ‘કોણે શું કર્યું’ એના આટલા લાંબા અને રસિક પરિચયો નહોતાં આપવામાં આવતાં. એક જ સવાલ પૂછવામાં આવતો કે ‘Did he or she lived with passion ?’ આ જે વ્યક્તિ જતી રહી એ શું પેશનથી જીવી હતી ? ઝનૂન-મહોબ્બત કે લહેરથી જીવી હતી ? તો બસ વાત પૂરી થઈ ગઈ ! એ જ એની અંજલિ… અને જો ના પાડે તો તમે ગમે એટલી કથા કરો… જે માણસે જિંદગીમાં કોઈ ભૂલ કરી જ નથી એ તો જીવ્યો જ ક્યાંથી કહેવાય ? બહાર ન નીકળે એ જ એવું કરી શકે કે ભૂલ ન થાય. ઠેકડો મારે એ તો પડેય ખરો. એ તો ઢીલો થાયે ખરો.
આ ‘Passion’ એટલે શું ? આમાં કોઈ અંગ્રેજી શબ્દના ખેલની વાત નથી. આ બધું એક જ છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર જુદી જુદી રીતે બધે વ્યક્ત થતો હોય છે તો સામાજિક નિસ્બત એ પણ યુવાચેતનાનો એક ભાગ છે અને નારી-સંવેદના એ પણ યુવાચેતનાનો જ એક ભાગ છે. બધું જ યુવાચેતનાનો ભાગ છે. પેશન એટલે બીજું કશું જ નહિ, ‘मुमकिन से थोडा आगे जाना |’ તમારાથી જે શક્ય છે એનાથી થોડું આગળ જવાનો તમે પ્રયત્ન કરો અને થોડો અંદરથી તમારી જાતને તમે ધક્કો મારો એ છે યુવાચેતના ! બીજી વાત એ છે કે આમાં સાહિત્ય પણ ભેગું જોડાયેલું છે. માત્ર યુવાચેતનાની વાત નથી. આપણે ત્યાં ટ્રેજેડી એ છે કે સાવ પહેલાના આપણા સાહિત્યકારો તો પૂરેપૂરા યુવાન હતાં… રમણલાલ વસંતલાલ દેસાઈ ઘોડો લઈને નીકળતાં એવું મેં ક્યાંક એક વખત વાંચેલું છે. આપણને કેવી મજા આવે આ વાંચીને ! સાહિત્યનો માણસ અને ઘોડેસવારી કરીને નીકળે !… આહા…. અત્યારે તો ઢીલું ઢીલું ધોતિયું અને વીલું-વીલું મોં રાખે… બધા સમજે કે લેખક હોય એટલે કાર તો હશે જ નહિ, બસના ભાડાનું જ આપણે પૂછવું પડે ! સાહિત્યની અંદર સૌથી મોટી જે ગરબડો થાય છે યુવાચેતનાની બાબતે, તે એ કે ભારતકૃષિપ્રધાન છે કે નહિ ધર્મપ્રધાન છે કે નહિ એવી ઘણી બધી ડિબેટો થતી હોય છે અને થયા કરે છે પણ ભારત એક દંભપ્રધાન દેશ છે એ બાબતમાં હું ક્લિયરકટ છું. આ એક દંભપ્રધાન દેશ છે. યુવાચેતના તો બધા પાસે છે પણ કોઈએ પ્રગટ કરીને બતાવવી નથી કારણ કે જેટલા ઠાવકા રહીએ એટલો આદર અને માન વધારે મળે !! આ જનમ ઘરડાઓનો સમાજ છે. પારણામાંથી જ સીધું વૃદ્ધત્વ ગોખાવી દેવામાં આવે છે ! આમ કરવું ને આમ ન કરવું અને પછી બધાને એમ થાય કે આ ફેસબુક પર ‘Likes’ કેમ નથી મળતી ? મૂળ વાત પડતી મૂકી લોકો એમાં પડે ! યુવાચેતનાને તો એક કહેવતમાં જેટલો રસ છે એટલો વિદ્યાબાલનની તસ્વીરમાંય રસ છે. એમાં એવો ભેદ શું કામ કે આ રસ ઊંચો અને આ રસ નીચો ? ત્યાંથી જ આપણી સાહિત્યની લોકપ્રિયતામાટેની ગરબડો શરૂ થાય છે. અંદર તો પાછી બધાને બહુ ભૂખ હોય છે. બધા વડીલોની શોધમાં હોય છે, વડીલ દેખાય એટલે તરત એને બેસાડીને પૂજા કરશે ! જાણે બાકીના તો કોઈ આ પૃથ્વી પર થયા જ નથી ! દાંત પડે, વાળ ખરી જાય એટલી લાયકાત સિદ્ધ કરવી પડે છે. આપણે ત્યાં તો Seniority એ eligibility છે, quality એ eligibility નથી.
આ રઘુવીરભાઈ જેવા વડીલો બેઠા છે, એમને હું બહુ પ્રેમથી મળતો હોઉં છું પરંતુ વાત કહેવામાં હું એટલો જ નિખાલસ રહેતો હોઉં છું. એટલે આપણે એમ કહેતાં હોઈએ છીએ કે ગુજરાતી સાહિત્ય યુવાનો સુધી પહોચતું નથી…. પણ મને તો આ સમજાતું નથી. યુવાનો તો ગુંગળાવી નાખે એટલી મહોબ્બત કરતા હોય છે એવો મારો જાતઅનુભવ છે. હું ઘણીવાર એવું વિચારતો હોઉં છું કે ગુજરાતી સાહિત્યના પરિષદના પ્રમુખોની સરાસરી ઉંમરનો ભાગાકાર કરીને ગોતીએ તો ખબર પડી જાય કે કેમ ગુજરાતી સાહિત્ય નથી પહોંચતું ! તમારે રણબીર કપૂરને લઈને ફિલ્મ બનાવવી છે, એનું ઓડિયન્સ પાછું કોલેજિયનોનું આવે એવું વિચારવું છે અને ડિરેકશન શશીકપૂર કરે તો સારું, એમ રાખવું છે….. તો એ શક્ય નથી….! તમે Don’t થી શરૂ કરીને સાહિત્ય કોઈ સુધી પહોંચાડવા માંગો તો પહોંચે નહીં. Do થી શરૂ કરો તો પહોંચે. સમય મુજબ તમારો વોઈસ બદલાવવો જોઈએ. અસ્મિતાપર્વ તો બાપુનો પ્રતાપ છે અને બાપુની ભાવના છે એટલા માટે આટલા બધા મિત્રો આવીને બેઠાં છે, બાકી મેં એક વખત મારા એક લેખમાં એવું લખેલું અને અવિવેક માટે મને ક્ષમા કરજો અને ના કરો તોય કંઈ નહીં, ગોંડલમાં આવીને મારી ભેગા ગાંઠિયા ખાજો….. પણ બહુ સીધી વાત એ છે કે બસો પત્ર લખનારાઓ અને પાંચસો કાર્યક્રમોમાં જનારાઓ… કુલ મળીને 700 જણના ઓડિયન્સને આપણે ‘સાહિત્યના ભાવકો’ કહીએ છીએ. એમાંય વળી કોમન પણ નીકળતા હોય છે – પત્રો પણ લખતા હોય અને કાર્યક્રમમાં પણ જતા હોય. બધેય એના એ જ હોય ! પહેલાં તો એના એ જ વાચકો પત્રો લખ્યે રાખતાં. એમને પત્રો લખવાની ખુજલી હતી, એ કોઈ ફીડબેક નહોતો ! આ સાહિત્યનો કોઈ ‘ફીડબેક’ નથી, એ તો 15 જણાની ખુજલી હોય છે. એને તો પોતાની નોંધ લેવડાવવી હોય છે. સાહિત્યકાર જો એના રવાડે ચઢ્યો તો એની યુવાચેતના ખતમ ! આટલી સીધીસાદી વાત છે.
આપણે ભૂલી જઈએ છીએ કે કેટલી ઝડપથી આપણું ઓડિયન્સ બદલાતું જાય છે. પ્રકૃતિનો એક જ નિયમ છે અને એ છે ‘પરિવર્તન’. પ્રકૃતિ વિશે કંઈ મને બહુ ખબર નથી પણ મને એક બાબતની ખબર પડી ગઈ છે કે કુદરતને, આ સર્જનહારને, આ સૃષ્ટિના સૃષ્ટાને એક બાબતની બહુ ચીડ છે, નફરત છે અને એ છે મોનોટોની એટલે કે એકવિધતા… એને એ ગમતું જ નથી. એ પાંદડા ખેરવી નાખે ને ઋતુ બદલાવી નાખે અને ઋતુ સરખી ચાલતી હોય તો દુકાળ લઈ આવે અને પુરના પ્રવાહો લઈ આવે…. એને એકનું એક રહેવું નથી ગમતું. એને બદલાયે રાખવું છે. એને નવી નવી ડિઝાઈન અપલોડ કરવી છે. મેં કહ્યું ને કે ફેસબુક આવી ગયું છે. ફેસબુક પર ફોટા અપલોડ કરાતા હોય ત્યારે સામી વ્યક્તિના ફેસ પર શું ડાઉનલોડ થાય છે એ જોવાનું ભુલાઈ જાય. માર્ક ઝુકનબર્ગે, જેણે ફેસબુક શરૂ કર્યું એણે ફેસબુકની એક જ લીટીમાં વ્યાખ્યા આપેલી. કોઈકે એને પૂછ્યું કે કેમ ફેસબુક લોકો સુધી પહોંચે છે ? ફેસબુક એક નવી દુનિયા છે. એ એક નવું સાહિત્ય છે. ફેસબુક દ્વારા રચાતું સાહિત્ય પણ છે. નવી પેઢીના કેટલાક કવિઓ એવા પણ છે કે જેના કાવ્યસંગ્રહો ફેસબુક પર જ પ્રગટ થાય છે. એ પ્રિન્ટમાં આવતા જ નથી. સીધેસીધા વેબ પર જ લખીને મૂકી દે છે. તો હું કહેતો હતો કે ઝુકનબર્ગે એક જ લીટીમાં કહ્યું કે : ‘It’s a campas without classroom’ હકીકતે લોકોને રસ શું હોય ? નવું જીન્સ પેહર્યું હોય એ બતાવવાનો રસ હોય, મોબાઈલમાં કંઈક નવો ફોટો પાડ્યો હોય એ બતાવવાનો રસ હોય. કંઈક ગોસિપ કરવાનો રસ હોય. એટલે કોલેજ બંધ થાય એ ન પોસાય. કેન્ટીન ચાલુ રહેવી જોઈએ, પાર્કિંગ ચાલુ રહેવું જોઈએ, ખાલી કલાસરૂમ બંધ થાય તો ભયોભયો ! આ ફેસબુકે પૂરું પાડ્યું. campas without classroom.
કોણ કહે છે કે લોકો વાંચાતા નથી ? કોણ કહે છે કે સાહિત્ય નવી પેઢી સુધી પહોંચતું નથી ? હું તમને એના ઉદારહણ આપું. મારી વાત જવા દ્યો. હું તો નાનકડી માછલી છું. તમને નામ આપું જે. કે. રોલિંગ. હૅરીપોર્ટરની લેખિકા. યુવાચેતના માટે એનું એક વાક્ય પણ બહુ સરસ છે. એ એમ કહે છે કે ‘યુવાનો એકદમ ઉત્સાહમાં આવી જાય અને ક્યારેક વડીલો સાથે કોઈક આછકલાઈ કરી બેસે તો મને બહુ પ્રોબ્લેમ એટલા માટે નથી કે યુવાનોને ખબર નથી કે બુઢાપો શું ચીજ છે. એણે સાંધાનો દુઃખાવો નથી જોયો. એણે કરચલીવાળા હાથની ધ્રુજારી નથી જોઈ. પરંતુ વૃદ્ધો જ્યારે યુવાનોનું અપમાન કરે છે કે આડે આવે છે કે નવાનવા સ્પીડબ્રેકર નાખે છે ત્યારે વિચારવાનું એ છે કે વૃદ્ધોને તો ખબર છે કે યુવાની શું ચીજ છે.’ પેલાને તો ખબર નથી એટલે નાદાનીમાં કરે છે. જે વડીલ છે એને તો ખબર છે કે આ શું ચીજ છે. આમાં કેવા કેવા રોમાંચ થતાં અને ક્યાં દિવાળી હતી અને ફટાકડાં અમે ક્યાં ફોડતાં !!… પણ આ તો શું છે કે આત્મકથાઓ લખવાની આવે ત્યારે એમાં પાછું લીંપણ પણ કરી શકાય ને ! દુનિયાને બતાવવાનું સાહિત્ય અને જીવવાનું સાહિત્ય બે અલગ-અલગ થતું હોય છે એટલે પછી એમાં ક્યાંથી લોકપ્રિયતા આવે અને ક્યાંથી યુવાચેતના આવે ? કારણ કે દુનિયાને તો બધી ખબર છે. દુનિયા સ્માર્ટ છે. Windows 7 ની જનરેશન પાસે કામ લેવું હોય અને આપણે એને મુરખ બનાવવાની વાત કરીએ તો એ ક્યાંથી બને ? ઉપરવાળો અપલોડ કરી-કરીને મોકલે છે નવા ભાવકોને ! તમે નવું નક્કોર ટીવી કે નવો મોબાઈલ લઈ આવો. ઘરનો નાનામાં નાનો જે વ્યક્તિ હશે એને મોબાઈલ કે રિમોટ સૌથી પહેલાં સમજાઈ જાશે. તમે ચેક પર સહી કરનારાં હજી મથામણ કરતા હશો ! કહેવાનો અર્થ કે સામે સર્જકે પણ એટલા અપગ્રેડેડ અને અપડેટ થવું પડે. એ આપણો સર્જક થતો નથી એટલે મેં આપને રોલિંગનું ઉદાહરણ આપ્યું. જે સમાજની અંદર પ્રાઈવેટ ટેલિવિઝન છે અને પોતાના બાળકોના બેડરૂમ જુદાં છે અને ત્યાં એ વિડિયોગેમ રમતાં હોય છે, એના પોતાના જુદા સાધનો છે અને મમ્મી-પપ્પા કંઈ કહે તો કોર્ટમાં જઈ શકે અને પોલીસ કેસ કરી શકે – એવા સમાજની અંદર બાળકો બુક સ્ટોરની બહાર આખેઆખી રાત નવા ભાગની રાહ જોઈને ઊભા રહે અને સાત-સાત ભાગના આટલા દળદાર પુસ્તકો વાંચે તો કોણ કહે છે કે બાળકો વાંચતા નથી ? આ કરોડો પુસ્તકો અને આ આઠ ફિલ્મો હૅરીપોર્ટરની ક્યાંથી આવી ગઈ ? હવામાંથી પ્રગટી ગઈ ? જે. કે. રોલિંગને તો સાત ભાગ પૂરા કર્યાં પછી એક પ્રેસ કોન્ફરન્સમાં એમ પૂછવામાં આવ્યું કે ‘Do you really belive in magic ?’ રોલિંગે ટેબલ પર પડેલી પેન ઉપાડીને કહ્યું ‘This is my magic.’ આ પેન મારી જાદુની છડી છે. આ જાદુ મેં સર્જયો. જ્યારે સર્જક સર્જન કરતો હોય ત્યારે એ એની સૃષ્ટિનો બ્રહ્મા છે અને એની પેન એની જાદુની છડી છે.
ચેતનભગતની વાત કરું તો મારા એક મિત્રે મને ફોન કરીને કહ્યું એટલે મેં રેલ્વે સ્ટેશનેથી એનું પુસ્તક ખરીદેલું ‘Five point someone’. મને એમ કે હું સૂઈ જઈશ કારણ કે સવારે મુંબઈ પહોંચવાનું હતું. સાહેબ, મોબાઈલના અજવાળે મેં એ પુસ્તક ટ્રેનમાં રાત્રે પૂરું કર્યું. પુસ્તકે ચુંબકની જેમ સીધે સીધા ખેંચી લીધા. કેમ ? કારણ કે આજની પેઢીની ભાષા છે, આજની પેઢીની વાત છે. આજની પેઢીને પોતાની વાતો કોઈ ક્યારે કરશે ? આપણે ક્યાં સુધી આમ છૂટાછેડાના જ લેખો લખ્યા કરીશું ? છેડતીના લેખો ક્યારે લખશું ? જ્યારે મોબાઈલ અને એસએમએસ નહોતાં અને SMSથી એમ કહી નહોતું શકાતું કે તું બપોરે ત્રણ મિનિટ માટે મળજે એટલે હું એક વસ્તુ આપું…., આમ નહોતું કહેવાતું ત્યારે એંઠવાડની રાહ જોવી પડતી. ઓલી ઘરનો એંઠવાડ બહાર નાખવા આવે અને એ પાંચ મિનિટ એકલી હોય, ત્યારે તમારે એક કલાકનું તપ કરીને ત્યાં જાવું પડે ! આ વાત સાંભળીને અહીં જુઓ કેટલા બધાના ચહેરા ખીલી ગયાં ! વાત ગમે જ કારણ કે આપણી જુવાનીની વાત છે. એ સાહિત્યમાં આવે તો એનો પડઘો પડે જ, સાહેબ ! લોકોને ગમે જ. લોકપ્રિયતાની સીધી સાદી વ્યાખ્યા હું એ કરું છું કે જ્યારે જાણીજોઈને કોઈ તમારી નકલ કરે અને વગર વાંકે કોઈ તમારી ટીકા કરે તો સમજી લેવું કે તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. બાપુને એનો પૂરતો અનુભવ છે. આ ટેક્સ છે. લોકપ્રિયતાની આવક વધે એટલે ટેક્સ તો ભરવો પડે ને. જે. કે. રોલિંગ કે ચેતનભગત જેવાં કેટલાયે પોતાની યુવાચેતના બતાવી છે.
આપણે ત્યાં કેટલા બધાં વડીલ ડિરેક્ટરો હતાં, જે મુવીમોગલ કહેવાતા અને જેમને મળવા માટે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર પણ કતાર લગાવીને ઊભા રહેતા… એમણે એકની એક વાર્તા બનાવ્યે જ રાખી… હીરો-હીરોઈન છૂટા પડ્યાં ને મળ્યાં અને ઈન્ટરવલ પછી છેલ્લે વિલનને મારીને બધા ભેગા થયાં… એકની એક જ વાત. એ પછી જ્યારે નવી પેઢી ફિલ્મો બનાવનારી આવી એણે આ ગ્રામર ફાડીને ફેંકી દીધું સાહેબ ! નથી અમારે મેળામાં છૂટા પાડવા કોઈને અને નથી અમારે છેલ્લે વિલનને મારવા. તમે જુઓ, કેવી કેવી ફિલ્મો નવી પેઢીએ બનાવી ! અત્યારે બધા એક્ટરો પણ હવે કહે છે કે અમને યુનિક રોલ આપો. ‘લવ આજ કલ’ જુઓ, ‘જબ વી મેટ’ જુઓ, ‘રોકસ્ટાર’ જુઓ… ઈમ્તિઆસ અલીએ યુવાનો વિશે વાત કરેલી કે ‘યુવાનોનું એક જ ધ્રુવ વાક્ય છે “मैं अपना फ़ेवरीट हुं”’ મારો શું કામ કોઈ ફેવરીટ હોય ? હું જ મારો ફેવરીટ છું. આ હનુમાનજીને ગમી જાય એવી વાત છે ! આ મારો અવાજ છે, મારો અવાજ મૂકતાં તમે મને કેમ રોકી શકો ? આ જુવાનીની વાત છે. મેઘાણીએ આ પ્રગટાવ્યું માટે મેઘાણી એ મેઘાણી હતા. મુનશીએ આ પ્રગટાવ્યું માટે મુનશી એ મુનશી હતાં. આપણે તો એવું માની લઈએ છીએ કે લોકપ્રિયતા હોય એટલે ગુણવત્તા હોય જ નહીં ! લોકો તો એમ જ માની લે કે આ ભાઈ અસ્મિતાપર્વમાં આવ્યા છે એટલે એમણે ઝભ્ભો જ પહેર્યો હશે ? શું કામ ભાઈ ? સિલ્કી કપડાં તો જાણે પહેરાય જ નહિ ! લોકપ્રિયતામાં દમ ન હોય એવું લોકો ગણિત માંડી લે છે. તો શું ગાલિબ ઓછો લોકપ્રિય છે ? શું એની શાયરીઓ દમ વગરની છે ? અરે SMSમાં ટૂચકા બનાવવા માટે પણ એના નામનો લોકો આજે ઉપયોગ કરે છે. ચન્દ્રકાન્ત બક્ષી, રમેશ પારેખ લોકપ્રિય હતા. અશ્વિની ભટ્ટ લોકપ્રિય છે તો શું એ બધા કંઈ ગુણવત્તા વગરનું સાહિત્ય સર્જે છે ? આ હમણાં ટાઈટેનિક 3D માં રિલિઝ થશે – સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ ઓસ્કાર જીતનારી એ ફિલ્મ તો એક જ છે. લોકપ્રિયતાની ટીકા કરતી વખતે ટાઈટેનિકને ભેગા ભેગા ઘસરકા નથી પહોંચાડી દેતા ને ? આ આપણે જોવાનું છે. આ આપણા સમાજમાં બહુ થતું આવે છે. લોકપ્રિયતા ગુનો નથી. પોપ્યુલર સરસ પણ હોઈ શકે અને પોપ્યુલર અદ્દભુત પણ હોઈ શકે. ટાગોર લોકપ્રિય છે, ડિકન્સ લોકપ્રિય છે તો શું આપણે એમ કહીશું કે એ બધા ગુણવત્તા વગરનાં છે ? આ જે વાસ્તવિકતા છે એની વચ્ચે યુવાચેતના ક્યાંથી જાગે ? દરેક પેઢી પોતાનો અવાજ લઈને આવતી હોય છે. એને સાંભળવો પડશે. ઉદયન ઠક્કરની એક સરસ કવિતા છે કે સૂરજમુખીનું ફૂલ ખીલતું હતું ત્યારે એને કોઈકે કહ્યું કે કરોડો સૂરજમુખીના ફૂલ ખીલી ગયા, તારે ખીલીને શું કરવું છે ? ત્યારે ફૂલ બોલ્યું કે હું તો હજી પહેલી જ વાર ખીલું છું ને ! પવનનો સ્પર્શ મારી પાંદડીઓને થશે ત્યારે પહેલીવાર થશે ને ! સૂરજનું કિરણ ટટ્ટાર ઊભું રહીને હું મારી આંખમાં ઝીલીશ ત્યારે એ તો પહેલીવારની ઘટના હશે ને ! તો હું મારો રોમાંચ કેમ જાવા દઉં ? આ વાત બહુ મહત્વની છે. ચેતન ભગતને એક વાર કહેવામાં આવ્યું કે તમે આ બધું ફાસફુસિયું અને રોમેન્ટિક બધું લખો છો એ તો અમારો છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થીયે લખી શકે. તો ચેતનભગતે જવાબમાં કહ્યું કે એ લખી શકે પણ લખતો નથી, જ્યારે મેં લખી નાખ્યું ! લખવાનું શરૂ કરી દીધું ! બસ, આટલી જ વાત છે. મારો વોઈસ મેં મૂકવાનો ચાલુ કરી દીધો.
મારો કહેવાનો મૂળ મુદ્દો એ છે કે દરેક પેઢી પાસે પોતાને ગમતી કેટલીક ઘટનાઓ આવે, પોતાને ગમતી કેટલીક વાત આવે અને એને રજૂ કરવા જાય એમાંથી જ સાહિત્ય ઘડાતું હોય છે. સાહિત્ય કોઈ આકાશી બાબત નથી. જીવનના અનુભવોમાં કલ્પનાની રંગોળી પૂરવાથી તે ઘડાય છે. હંમેશાં જૂનું ને જૂનું પકડી રાખીશું તો નવો વાચક દૂર જ થવાનો. એટલા માટે થવાનો કારણ કે તમે ગમે તેટલી વાત કરો એને એકને એક વાતમાં રસ નથી પડવાનો. એને બીજો વિવેકાનંદ, બીજો ભગતસિંહ કે બીજો ગાંધી નથી બનવું. એને પેલા રમેશ, પેલા મહેશ, પેલી ટીના કે પેલી મીના બનવું છે. એ બનાવવા માટેનું સાહિત્ય આપણી પાસે કેટલું છે ? ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મ, ગાંધીજી વિશેની વાત લઈને એક ગુજરાતનો જ લેખક લખી નાખે છે. કેમ સાહિત્યની અંદર કોઈએ આવો વિચાર ન કર્યો કે ગાંધીજી જીવતા હોય અને આજના યુવાનના ખભે હાથ નાખીને હોટલમાં જતાં હોય એવું કંઈક લખીએ ? આવી વાત કેમ કોઈને સૂઝતી નથી ? નવો વિચાર કેમ કોઈને આવતો નથી ? જે ચીલો ચાલે છે એને જ કેમ ઘસવામાં આવે છે સતત ? શહાદતનો ઢોંગ કરીને એમ કહેવામાં આવે છે કે અમને સમાજે સ્વીકાર્યા નહીં એટલે સમાજની દ્રાક્ષ ખાટી છે ! જૂના સર્જકો એમ માની લે છે કે સમાજને તો બહુ ખબર ન પડે. સમાજ તો ટોળાવાળો છે, જય વસાવડા જેવા બધા લેખો લખે એ જ વાંચ્યા કરે…. પણ ના એવું નથી. યુવાનોને ગમતી કેટલીક બાબતો છે. જુવાની સાથે જોડાયેલી એ સાયન્ટિફિક બાબતો છે જેમ કે પ્રેમ, લવ, રિલેશનશીપ, શૃંગાર. કેમ કાજલ-ઓઝા બધાને વાંચવા ગમે છે ? કેમ શરદ ઠાકર વાંચવા ગમે છે ? – બધા રિલેશનશીપની વાતો લખે છે. સંબંધોની વાતો લખે છે. યુવાનોનું ગમતું ક્ષેત્ર છે. આટલા વર્ષો પહેલાં વાલ્મીકી રામાયણમાં ઋષિ વાલ્મિકીએ જ્યારે સીતાનું હરણ કરવા રાવણ આવે છે ત્યારે સીતાના સૌંદર્યનું બહુ કાતિલ વર્ણન કરનારો શ્લોક લખ્યો છે. ‘રુચિરો પયોધરો’ ત્યાંથી તો એ પૂરો થાય છે. આ સાંભળીને સીતા જોગીનું અપમાન કરીને કાઢી મૂકવાને બદલે એને અંદર આવકારે છે. ખોલીને વાંચી લેવાની છૂટ છે… અહીં બાપુ બેઠા છે. બાપુની સામે કંઈ ભૂલ કરાય ? રામાયણની અંદર વર્ષાનું વર્ણન વાંચો… રામને ચોધાર આંસુએ સીતા યાદ આવે છે… એવું સરસ માદક અને મદહોશ વર્ષાનું વર્ણન છે. રામાયણ એટલે જ ટક્યું. ખાલી રામ મૃત્યુ વિશેની વાત કરે એનાથી ટક્યું એમ નથી. હસબન્ડ અને વાઈફનો રોમાન્સ છે એની અંદર. દરેક યુવાનીનું કાવ્ય એ વસંતવિજય હોય છે. વસંતવિજય એટલે નબળાઈ પર નખરાંનો વિજય, સાદગી પર પેશનનો અને જીવનજીવવાના ઉત્સાહનો વિજય. ટાગોરે પણ કહ્યું છે કે જો મને કોઈ તપસ્વીની ન મળે તો હું તપસ્વી થવા શું કામ એકલો એકલો જાઉં ? આ ખુમારી છે, આ યુવાચેતના છે, આ તણખો છે અને આ ઝબકાર છે. એ ઉધાર ઉછીનો મળતો નથી. ‘મને ઊંઘ આવે છે, થાક લાગે છે’ એમ આપણે કહીએ છીએ એટલી સહજતાથી ‘મને ખૂબ પ્રેમ આવે છે’ એવું એટલી સહજતાથી કેમ કહી શકતા નથી ? આ યુવાનીની વાત છે અને એમાં એક જ સિક્રેટ છે કે ‘દિલ સે નીકલી હૈ તો દિલ તક પહુંચેગી…..’
શરદભાઈએ લખ્યું અને એ લોકપ્રિય થયા. કાજલબેન જે લખે છે એના વિશે તો એમ કહેવાય છે કે સ્ત્રીઓએ આવું લખાય એમ નહિ, વિચારાય પણ નહીં ! પણ એ તો લખે છે. હું પણ ઘણીવાર એવા ટોપિક લઉં છું કે ઘણા મને ફોન કરીને કહે છે કે આવું ન લખાય. પણ હું તો એમ કહું છું કે હું તો આ યુવાચેતનાનો વાહક છું. હું તો ઝીલું છું. તમને મારા લખાણ વક્તવ્ય સાંભળીને જેટલો રોમાંચ લાગે છે એટલો જ મને પણ લાગે છે. કારણ કે આમાં મારું કંઈ છે જ નહિ, ક્યાંકથી આવ્યે રાખ્યે છે અને હું પીરસ્યે રાખું છું. અહીં મારા પિતાશ્રી બેઠા છે. એમણે પણ મને કોઈ જાતના બંધન વિના કહ્યું છે કે તને જેમ ઠીક પડે એમ કર. એણે પોતાનો કોઈ બોજ મારી ઉપર મૂક્યો નથી. પોતાના કોઈ અધૂરા સપનાની કરચ મારા પગના છાલા વચ્ચે રાખી નથી. મારા માતા-પિતાએ કહ્યું કે તને સજ્જ બનાવવો છે પણ પાછળ ‘બેકસિટ ડ્રાઈવિંગ’ નથી કરવું. કદાચ ત્યાંથી જન્મ થયો આ આખી વાતનો. મારી વ્યક્તિગત વાત હું એટલા માટે અહીં લઈ આવ્યો કે જો આમ નહીં થાય તો લોકપ્રિય સાહિત્ય માટે યુવાચેતના નહીં જન્મે. આપણે એનું ગળું ઘોંટી નાખીએ છીએ. દીકરીઓ દૂધ પીતી થાય એની આપણે ચિંતા કરીએ છીએ પણ એક સર્જક દૂધ પીતો થાય એની આપણે ચિંતા નથી કરતા.
તમને કોઈ સતત એમ કહ્યે રાખે કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું…. આ ધર્મને નહીં ગમે, આ શિક્ષણને નહીં ગમે…. આ રાજકારણને નહીં ગમે…. તો સાહેબ, સર્જક ત્યાં ને ત્યાં બુઠ્ઠો થઈ જાય ! મરી ગયેલી ચામડી પર ચાઠું ચળકતું લાગે એવી હાલત થાય. બહારથી બહુ રૂપાળા શબ્દોનો વૈભવ લાગે પણ અંદર જાવ તો ખબર પડે કે અંદર કોષ જ નથી રહ્યા ! સર્જકની ધારા બદલાતી રહે છે. તુલસીદાસજી જેવા કોઈ આવીને કહે કે ભાઈ ના, હું રામાયણમાં આટલો ફેરફાર કરીને મારી રીતે મૂકીશ. આમ જ થતું રહેવાનું. ઈશ્વરને આમાં રસ છે – જૂનું ખસેડવામાં અને નવા ને આવવા દેવામાં. પીળા પાંદડાને ખેરવવામાં અને લીલી કૂંપળો પ્રગટાવવામાં. આ કટોકટીનો કાળ છે. આ જો લોકો સમજશે નહીં તો ‘દાસ્તાં તક નહીં રહેગી….’ આ હાલત થવાની છે. જેને આપણે મરમી અને પ્રેમી ઓડિયન્સ કહીએ છીએ એની ઉંમર હવે 20 વર્ષથી ઝાઝી નથી. ભગવાન બધાને 125 વર્ષના કરે પણ એટલા વર્ષના લોકો થશે તો વાંચીયે નહીં શકે અને સાંભળીયે નહીં શકે. સાહિત્યનું નવું ઓડિયન્સ ક્યાંથી તૈયાર થશે ? મને અસ્મિતાપર્વનો ઉપક્રમ એટલા માટે ગમે છે કે આમાંથી કેટલાય નવા ભાવકો તૈયાર થાય છે, જેની પાસે 60 વર્ષ વાંચવાના છે અને જેની પાસે 80 વર્ષ સાંભળવાના છે. એક આખી ફોજ નવી તૈયાર થાય છે. એક આખી સેના તૈયાર થાય છે. એમાં એવું છે ને કે બોમ્બ ફૂટે એનો ધડાકો બધાને સંભળાય, પણ કૂંપળ ફૂટે કે કળી ફૂટે એનો કોઈ અવાજ જ નથી હોતો. અહીંથી કેટલીય કળીઓ ફૂટીફૂટીને જાય છે. આ ‘પાન સિંગ તોમાર’ ફિલ્મમાં કહ્યું ને કે “દેશ કે લીયે મેડલ જીતે તો કોઈ ઈન્ટરવ્યૂ લેને નહીં આયા, લેકીન બાગી હો ગયા તો સબ ઈન્ટરવ્યૂ લેને પીછે પડ ગયે.” પોઝીટીવ કામ કર્યું તો કોઈ નથી જોતું અને નેગેટિવ કામ થાય તો લોકો માઈક્રોસ્કોપમાં મમરો રાખીને જુએ છે કે હિમાલય જેવડો મોટો દેખાય છે ! આ આપણા સમાજની ટ્રેજેડી છે.
હવે હું સમાપનની ભૂમિકાની અંદર આવ્યો છું. લોકોનો પ્રેમ + હું એટલે લોકપ્રિયતા. લોકો ભેગાં ભળે ત્યારે પાવર બનતો હોય છે. એ તાકાત એક જવાબદારી લઈને આવે છે. લોકો એમ માને છે કે જવાબદારી એટલે શું કરવું ને શું ન કરવું એની જવાબદારી અથવા શિખામણો આપવાની જવાબદારી. પણ ના….. જવાબદારી તો એ છે કે જેવા છો એવા દેખાઓ. જવાબદારી એ કે નિખાલસ રહો. જવાબદારી એ કે પારદર્શક બનો. જવાબદારી એ કે લોકો સાથે તમે જેમ છો એમ રહીને વર્તો. તમે ક્યાંક પહોંચ્યા હોવ ત્યારે તમારી આજુબાજુમાં થોડાક લોકો તો હોવા જોઈએ જે તમારો કોલર પકડીને તમને કંઈક કહી શકે. એમ થાય તો જ તમે ટકી શકો બાકી તો પહોંચી શકાય પણ ટકી ન શકાય. હું એવા બધા દોસ્તોને ‘ઓશિકા’ કહું છું જે તમારું સુખ, દુઃખ બધું જ જાણે છે. એના ખોળે તમે માથું મૂકી શકો છો. નોબેલ કે ઓસ્કાર એવોર્ડ તમને મળે અને તમારી પાસે એવા પાંચ મિત્રો ના હોય જેને તમે ‘ચાલો પાર્ટી કરીએ…’ એમ કહી શકો તો ધૂળ પડી એ એવોર્ડમાં !
હું યુવાચેતનાની એટલા માટે વાત કરું છું કે આપણા સર્જકો પાસે ઘણી વખત એટલી બધી જૂની-જૂની વાતો આવી જાય છે કે મને એના કરતાં ફિલ્મસ્ટારોના ઈન્ટરવ્યૂમાંથી નવી વાતો જાણવા મળે છે કારણ કે એ યુવાનો સાથે કનેક્ટેડ છે. એ જુવાનના હૃદય સુધી પહોંચવાના લેખકો પાસે બેઠા હોય છે. સમાપનની આ ભૂમિકામાં મારે બે જ નાનકડી વાત કહેવી છે. એક છે શાહરૂખ ખાનની. શાહરૂખ ખાને એના એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું કે ‘શાહરૂખ ખાન એક બહુ મોટી બ્રાન્ડ છે અને હું એનો એક એમ્પ્લોય છું.’ આ અમને બધા સર્જકોને લાગુ પડે છે. અમે જે કામ કરીએ છીએ એમાં લોકોનો પ્રેમ ભળે છે એના કારણે એક બ્રાન્ડ ઊભી થઈ જાય છે, ઈમેજ ઊભી થઈ જાય છે અને પછી અમે એના સેવક છીએ. અમે એના એમ્પ્લોય છીએ. કેવી અદ્દભુત વાત છે !
એમ થાય ત્યારે કરવું શું ? એ બીજી વાત મારે કરવી છે. સુફી ફકીર ઈદરીશ શાહની સરસ મજાની વાત છે. સૂફી બેઠા હતાં. બહુ મોટું અજવાળું કરીને બેઠાં હતાં. કોઈક મુલાકાતી મળવા કે કંઈક મેળવવા ગયો. મુલાકાતીએ જોયું કે જ્યાં અજવાળું ખૂબ હતું ત્યાં માખી, મચ્છર અને ફૂદાં બહુ હતાં. ત્યાં નીચે કોઈ બેઠું નહોતું. દૂર એક ઝાંખો દીવો બળતો હતો ત્યાં ધૂણી ધખાવીને સૂફી બેઠાં હતાં. પેલાએ આવીને કહ્યું કે મને તો એમ કે આટલું મોટું અજવાળું છે ત્યાં તમે બેઠાં હશો પણ ત્યાં તો માખી, મચ્છર અને ફૂદાં છે. તમે તો અહીં નાનકડો દીવો પ્રગટાવીને બેઠા છો.’ એટલે સૂફીએ એમ કહ્યું કે : ‘એ લોકો માટે જ એ અજવાળું કર્યું છે જેથી હું અહીં નિરાંતે બેસી શકું.’ સાહેબ, આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :
જ્યારથી એ જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :
આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.
ધન્યવાદ.
[ આલેખન : મૃગેશ શાહ]
63 thoughts on “યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – જય વસાવડા”
ખુબ જ સુન્દર આલેખન, મ્રુગેશભાઇ! અને ખુબ ખુબ આભાર! સામ પિત્રોડા સાહેબના પ્રવચનની પણ રાહ જોઇએ છીએ….
ખુબ જ સુન્દર આલેખન, મ્રુગેશભાઇ! અને ખુબ ખુબ આભાર! સામ પિત્રોડા સાહેબના પ્રવચનની પણ રાહ જોઇએ છીએ…..
“જ્યારે સર્જક સર્જન કરતો હોય ત્યારે એ એની સૃષ્ટિનો બ્રહ્મા છે અને એની પેન એની જાદુની છડી છે.”
મ્રુગેશભાઇ,
આસ્થા ચેનલ પર સાંભ્ળ્યું હતુ, પણ વાંચવાની મઝા આવી.
જાણે ફરી સાંભળતા હોય એવી અનુભુતી થઈ,
આભાર
મ્રુગેશ ભાઈ
ખુબ ખુબ આભાર્
જય હો !!
એક ધસમસતા પુર જેવો લેખ. તાણીને લઇ જાય છેક છેલ્લા શબ્દ સુધી. સચીનના ચોક્કા-છક્કા જેવો લેખ. આ જુવાનના હજી ઘણા ય ધડાકા સાંભળવા મળવા જોઇયે. મૃગેશભાઇ અને બાપુનું દરેક વાંચનાર પર ઋણ.
વાહ મ્રુગેશભાઈ વાહ! તમને પણ ખૂબ જ ગમ્યુ તેથી આ વક્તવ્ય પ્રથમ પ્રસ્તુત કર્યો ને? અને કેમ ના ગમે? હુ જાણુ છુ તેથી કહી શકુ કે જાણે તમારા અને મારા પણ દીલમા થી આવતી વાત હોય તેમ જ લાગ્યુ અને તેથી જ દીલ ને સ્પર્શી ગયુ.
‘દિલ સે નીકલી હૈ તો દિલ તક પહુંચેગી…..’
ખુબ જ મસ્ત..અસ્મિતા પર્વની શરૂઆત જબરજસ્ત રહી..સાહિત્યના સચિન તેન્દુલકર એવા જય સરનો લેખ વાંચવાની ખુબ મજા આવી. ખુબ ખુબ આભાર મૃગેશભાઈ.
akhe akhu vaktavya youtube par sambhalyu, . . Superb. . Kya baat . .kya baat. . . Ekdam jakkas. . . Jv ka lecture ke siva puri duniya bekaar hai. . .fantastic. . Mindblowing. . . .
ખુબ સુંદર અને મઝા આવે તેવું ઉદબોધન ,આભાર !
પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ વકતવ્યો ન સાંભળી શક્યાનો અફસોસ હતો તે અહીં વાંચીને થોડો ઓછો થયો છે. મૃગેશભાઈ તમારો આભાર. જય વસાવડા એમના વક્તવ્યમાં પૂરેપૂરા ખીલ્યા છે.
જે કહેવુ હતુ તે ખુબ અસરકારક રીતે કહ્યુ. ધસમસતા પુર જેવુ વક્તવ્ય. વાતમા તથ્ય
પણ છે જ. વીતી ગયેલા જમાનાની વાતો કયા સુધી કર્યા કરશુ?
ખુબ સરસ . . .
very interesting lecture.but i missed it.because i am a student of journalism.and i have an exam.thanks mrugesh sir.
Very good keep it up
મૃગેશભાઇ, તમે ખુબ જ અભિનંદનીય કાર્ય કર્યું છે. જયભાઇ ના વક્તવ્ય દ્વારા યુવાનો માટે ની એક વિચાર માંગી લે તેવી વાત અમારા સુધી પહોંચાડી છે. આશા છે જયભાઇની
વાતને સૌ સાહિત્યકારો અને વડીલો ( હું ૭૦ વર્ષનો છું ) પણ સ્વીકારશે.
ઘણું લાંબુ વાંચવાનું હતું પણ વાંચવામાં કંટાળો નો આવ્યો આભાર
સુપર્બ્!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
અદભૂત. જાણે ચેતના નો પૂરેપૂરો સંચાર .
ખૂબ ખૂબ આભાર તમારો મૃગેશભાઈ આ આલેખન બદલ .
thanks dear mrugeshbhai for publishing view of dear jay bhai on yuva chetana ,it seems he writes direct dil se ..
ભઈ જયુભાઈ,
ખુબ ખુબ આભાર. જક્તવ્ય ગમ્યુ.સ્પસ્ત આને આદમ્બર વગરગનિ રજુઆત. ધન્યવાદ.
ખુબ ખુબ આભાર્,
ખુબ સુંદર અને આનન્દ આવે તેવું ઉદબોધન ,આભાર મૃગેશભાઈ
ખુબ જ્ ટચિ લેખ વાચવા મળયો. મે મારિ લાડકી દિકરી ને વન્ચાવ્યો.
“પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ વકતવ્યો ન સાંભળી શક્યાનો અફસોસ હતો તે અહીં વાંચીને થોડો ઓછો થયો છે. મૃગેશભાઈ તમારો આભાર. જય વસાવડા એમના વક્તવ્યમાં પૂરેપૂરા ખીલ્યા છે.”હીના બેનના આ શબ્દો એ મરો પણ પ્રતિભાવ છે.બેન તમરા શબ્દો ચોરી લીધા છે,માફ કરશો એ વિનંતી.
ખુબ ખુબ આભર મ્રુગેશભાઈ. બીજા પ્રવચનની પણ રાહ જોઇએ છીએ….
Abhar, vanchvani maja aavi.
શ્રી. જય વસાવડાના ઉદબોધન વખતે મહેમાનો હોવાથી બરાબર સાંભળી શકાયું નહોતું, જેથી અફસોસ હતો પરંતુ શ્રી મૃગેશભાઈએ સરસ કામ કર્યું- ધન્યવાદ ! જયભાઈએ યુવાચેતના વિષે,યુવા પેઢીની સહજ અપેક્ષાઓ વિષે તેમજ સર્જકોની માનસિકતા બાબતે ખૂબ જ રસિક,તટસ્થ અને નીર્ભિક વાતો કરી. મજા પડી. તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ…’જય શ્રી કૃષ્ણ’ !
Mrugeshbhai,
I am getting this email since last two or more years.
I am reading it regularly and enjoying it, and passing the contents to my friends, which they are enjoying after reading it.
This one is very good, the contents, and everything else with it.
Thank You Again from USA
Govardhan & Surekha Patel
મૃગેશભાઈ,
ધન્યવાદ, I read Shri Jaybhai…Some time i feel like he is “Vayda” and sometime i really enjoy what he write…Today He just make me his one of the fan. Really fantastic, I would say…It reaches to Dil directly as it was directly from Dil Se…..Bravo
Wonderful…Very true, thoughtful and inspiring speech. This speech includes so many real-life examples which makes it more interesting to read.
‘દિલ સે નીકલી હૈ તો દિલ તક પહુંચેગી…..’
Thank you Shri Jay Vasavda for this beautiful and interesting speech and thank you Mrugeshbhai for sharing this speech with us. It was a real pleasure to read this.
પ્રિય મૃગેશભાઈ,
ફરી વાર આપનો અને વધાવનાર સહુ વાચકોનો હાર્દિક આભાર. આટલી ઝડપથી આપે આ મુક્યું અને આ ટ્રાન્સસ્ક્રીપ્શનનું કમ કેવું માથાકુટીયું ને લાંબુ હોય છે, એ હું જાણું છું. મારી તો પછી કોઈ તૈયાર સ્ક્રિપ્ટ પણ ના હોય. છતાં ય તમે એ જહેમત ઉઠાવી. બસ, એક શ્યાન ખેંચું કે મૂળ વ્યાખ્યાનનું અહીં લગભગ ૭૦% ઝીલાયું છે, એવું સ્મૃતિના આધારે કહી શકું. પચ્ચીસ-ત્રીસ ટકા કન્ટેન્ટ અહીં નથી.
રીડગુજરાતીને અભિનંદન ઃ)
Youtube full lecture link! Enjoy!
http://youtu.be/q6IEdEaV6yI
Yuva Chetna Vishe Vanchi Ne Hriday Ma Ek Navu J jom Bharai Avyu….
J.V. E mara Favourite Writer ma na Ek 6e..
Aaje Samaj ne Vadilo ni sathe sathe aava vicharo ni pan etli j jarur 6e ane te jaruri pan 6e…
Once again thank to MrugeshBhai for sharing this speech..
I ENJOY. VEAR GOOD ARTE.
ખુબ જ સારા વિચારો વ્યકત કર્યા પ્રકૃતિ એ ઇશ્ર્વરનુ મહાન સર્જન છે જે દરેક જીવ માટે માણવા માણવા માટે તો છે આભાર
બહુ જ સરસ મૃગેશભાઈ
જય વસાવડાનુ પ્રવચન યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય વાચીને ખુબજ આનન્દ થયો. તેમણે નવી પેઢીના માટે કેવુ સહિત્ય હોવુ જોઇએ તેના પર સરસ પ્રકાશ પાડ્યો છે.
આમન્ત્રણ હતુ. આવવાનેીયે હતૉ પણ કૈક ઇમર્જન્સી આવી ગઇ અને ન અવાયુ. તમે આ સરસ કામ કર્યુ.. હવે ઓછો અફસોસ થશે.
પ્રિય શ્રેી મ્રૃગેશભાઈ,
જય સિયારામ !
જયભાઈને રુબરુ સાઁભળવાનેી તો બહુ મજા આવેી હતેી હવે તમારા સહયોગથેી ફરેી આ લેખ વાચ્યો. પ્રવચનથેી વઁચિત રહેલા મારા મિત્રોને પણ વઁચાવેીશ .
તમારેી નિસ્બત અને જહેમત દાદને પાત્ર છે.
ઘણો જ આભાર !
મૃગેશભાઈ, ધન્યવાદ. જય વસાવડા ફરી એકવાર પુરવાર કરી ગયા કે એ સચિન તેન્ડુલકર નથી. કેમ? એના માટે એમનું લેક્ચર પૂરું સંભાળો.
જય ! જય !
touching
અતિ સુન્દર!! અન્ય પ્રવચનો ના અહેવાલ ની પ્રતીક્ષા છે .આભાર .
બહુ લાંબી વાત નથી કરવી…જય વસાવડા એટલે દિલના દરવાજા તોડીને લખતો માણસ !
Mrugeshbhai,
really one must appriciate your dedicational work….Same way I eagerly wait for Kajal Oza Vaidhya’s lecture….Thanks a lot…congrates..!!!
ખુબ સરસ લેખ.
જય વસાવડાને અભિનંદન.
Shri Mrugeshbhai, thanks for sending this article. I love Gujarati language very much but due to some typographical error during Gujarati typing, I compell to write in English.
I can not help you in this “Yagna” and hence I have no right to suggest anything. However, one suggestion – Is it possible to have a audio CD/DVD of all this ‘Asmita Parva” Pravachans which will facilitate a family to enjoy togather. Thanks.
‘Passion’ ………તમારાથી જે શક્ય છે એનાથી થોડું આગળ જવાનો તમે પ્રયત્ન કરો અને થોડો અંદરથી તમારી જાતને તમે ધક્કો મારો એ છે યુવાચેતના Thank You ખુબ સુંદર અને આનન્દ આવે તેવું ઉદબોધન ,આભાર મૃગેશભાઈ
jay bhai aa site frithi wanchwa mandyo chu
મૃગેશ્ભાઈ,
અમે રાહ જ જોતાં હતાં ને બહુ ઝડપથી તમે અસ્મિતાપર્વની ઝલક બતાવી દીધી!
ખુબ સરસ.તમને તથા જયભાઈને અભિનંદન.કોઈએ તો યુ ટયૂબ તરફ આંગળી ચીંધીને મોટો ઉપકાર કર્યો.ત્રણે લેક્ચર સાંભળવા મળ્યા!શું બીજા દિવસોની ફિલ્મ પણ જોવા મળી શકે? પ્લી…ઝ!
કલ્પના
ખુબ સ્રરસ્. મારિ માન્યતાને શબ્દ્ રુપ મલ્યાનો અહેસાસ થયો. અભિનન્દ્નન્ જયભાઇ.
ખુબ સરસ. મારિ માન્યતાને વાચા મલ્યાનો અહેસાસ થયો. હાર્દિક અભિનન્દન.
શૈલેશ દેસાઇ.
ખુબજ સુન્દર !ધન્યવાદ જય ભૈ,આભાર મ્રુગેશ ભૈ . ઘર બેથા ગન્ગા સ્નાન .
Jaybhai is always fantastic… this was simply superb….
very nice …maja aavi jay vasavada & mrugeshbhai ne abhinandan
જાણે અસ્મિતા પર્વ હાજરાહુજુર .ખરેખર મજા આવિ ગઇ
Really Superb…Speechless…!!!૧
Mr. Jay You are all time gr8 & thanx to Mr. Mrugesh
મૃગેશભાઈ
આપ ને ખૂબ ખૂબ અભિનંદન …
Motto To Live By:.
Life should NOT be a journey to the grave with the intention of arriving safely in an attractive and well preserved body, but rather to skid in sideways, chocolate in one hand, wine in the other, body thoroughly used up, totally worn out, and screaming, ‘WHOO HOO, what a ride!
I LOVE YOU.I LOVE YOUR ALL ARTICALS.THERE IS SOMETHING SPECIAL IN YOU.MAY GOD GIVE YOU THE POWER TO WRITE MORE AND MORE.YOU ARE A GUJRATI HERO.
Shri Mrugeshbhai,
Many many thanks for this beautiful article, and congratulations for such a revolutionary lecture.
I am 70 years old and always loves Shri Jay vasavda’s
writtings.
Y.K.JANI/ATLANTA/GEORGIA
Sir,
I want to purchase a book named “મમ્મી પપ્પ”…. So drom where can I get it ? Plz inform as much as possible after seeing this comment in form of request.
Ketan prajapati
જય સાહેબ,
ખૂબ જ સાચી વાત કરી.
લોકપ્રિય સાહિત્યની સરસ સમજણ આપી.
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}