પંખીડા – ન્હાનાલાલ

પધારો, પંખીડાં પરદેશવાસી હો !
પધારો, મોકળી છે અમ અગાસી હો !
કુશલ છે ત્ય્હાં પ્રજા ને સૌ પ્રજાના પાલ ?
કુશલ છે, સર્વ ત્ય્હાં મિત્રોની રાશી હો ?

કુશલ વાયા અનિલ પંથે પ્રભુપ્રેરેલ ?
કથા કંઈ તો કહો, વ્હાલાં પ્રવાસી હો !
કહો, ઘાડી સખા ! કે પાતળી રજની ?
પ્રભા કેવી મધુરમધુ ત્ય્હાં વિલાસી હો !

પધારો, આગળા ઊઘડે છે અંતરના;
વિરાજો દેવસંગે, દિવનિવાસી હો !
પૂજીશું દેવ સમ, પૂજીશું ફુલ સાથે;
વીંઝી પાંખો ઉડાવો રજ સુવાસી હો !

અને – કાંઈ ખબર દેશો સખી કેરી ?
ત્હમે આવ્યાં છતાં યે શું ઉદાસી હો ?
પધારો, પંખીડાં ! મુજ પ્રાણવાસી હો !
પધારો, મોકળી છે ઉરઅગાસી હો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પંખીડા – ન્હાનાલાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.