જર, જમીન અને જોરુ – શાહબુદ્દીન રાઠોડ

માણસ ભણ્યો કેટલું એ તેનાં પ્રમાણપત્રો પરથી જાણી શકાય છે, પણ ગણ્યો છે કેટલું, સમજદાર કેટલો છે એ જ્યારે ભાઈઓ વચ્ચે ભાગ પડે ત્યારે ખબર પડે છે. તરત જ ભણતર અને ગણતર જુદાં પડી જાય છે. જીવતરના ઘડતરમાં રહી ગયેલી ખામીઓ તરત જ દેખાઈ આવે છે.

મનજી અને ધનજી બે ભાઈઓ ભાગ પાડવામાં બાઝી પડ્યા. આમ તો કરમણ ડોસાની સંપત્તિ એક કૂબો અને કૂબાની દખણાદી દિશાએ વાળેલ વંડો – આટલી જ હતી. બે તૂટેલા ખાટલા, ચાર ફાટેલાં ગોદડાં, ચારેક થાળિયું, બે છાલિયાં, બે હાંડલાં – આવી જ ઘરવખરી હતી. કોઈ મોટી સંપત્તિ વહેંચવાની નહોતી, પણ મનજીનો સ્વભાવ જિદ્દી હતો અને ધનજીની વહુ લોભી પ્રકૃતિની હતી. તેણે ધનજીને ચડાવ્યો હતો કે, ‘જોજો, જરાક મોળા પડશો તો બધું ગુમાવી બેસશો.’ આમ તો ગરીબ પરિવારોમાં વહેંચણીનો પ્રશ્ન આવે ત્યારે માત્ર ગરીબાઈ વહેંચવાની હોય છે એટલે જ કાર્લ માર્ક્સે જગતભરના શ્રમજીવીઓને હાકલ કરી હતી કે સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. આ સંઘર્ષમાં તમારે ગરીબાઈ સિવાય કાંઈ પણ ગુમાવવાનું નથી.

પંચની હાજરીમાં વહેંચણી શરૂ થઈ. બંનેના ભાગમાં બબ્બે હાંડલાં, ત્રણ-ત્રણ ગોદડાં, એક-એક ખાટલો, ચાર-ચાર થાળિયું અને બબ્બે છાલિયાં – આ રીતે વહેંચણી થઈ. બેકી સંખ્યામાં વસ્તુ હતી એટલી તો બરાબર વહેંચાઈ ગઈ. કૂબો ધનજીને મળ્યો અને વંડાની જમીન મનજીએ રાખી. બધું સમુંસૂતર ઊતરતું જોઈ, પંચના ભાણો, છગન, દેવશી અને કાનો પણ ખુશ થયા. ત્યાં આપત્તિ આવી પડી. એક લોઢાની તવી માટે વાંધો પડ્યો. મનજી કહે : ‘બાપાની યાદગીરી માટે મારે જોઈએ.’ અને ધનજી કહે : ‘એ તો હું લઈ જઈશ.’ વાતમાં કાંઈ માલ નહોતો, પણ વાતને કારણ વગરનો વળ ચડી ગયો, દોઢ પડી ગઈ. ધનજીની વહુ વચ્ચે બોલી, ‘બાપા જીવતા હતા ત્યારે તમે બહુ લાભ લીધો છે.’
મનજીની વહુ કહે : ‘એ તમે મોટે ઉપાડે લઈ ગ્યા’તા લાટો કાઢી લેવા બાપા પાંહેથી.’ બૈરાંના બોલવામાંથી વાત આગળ વધી. મનજી અને ધનજી બોલવા માંડ્યા. મનજી કહે, ‘હવે તો મરી જાઉં તોય નો આપું.’

આ સાંભળી મનજી ઊઠ્યો અને ધનજીના વાંહામાં બે ઢીંકા વળગાડી દીધા. ધનજીની વહુએ આ દશ્ય જોયું અને એ ઊકળી ઊઠી. એણે મનજીની વહુને લૂગડાં ધોવાના ધોકાથી ઢીબી નાખી. ધનજીના છોકરાએ મનજીના મોટાને ભીંતે ભટકાડ્યો, તો મનજીના નાનાએ ધનજીના વચેટને કાને બટકું ભરી લીધું. થોડી વારમાં સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિમાં બદલી ગયો. ચારેકોર હાકોટા, પડકારા, રોક્કળ અને પોકરાણ શરૂ થયાં. એમાં કાસમ જમાદાર દંડો લઈને આવી ચડ્યા. તેમણે ન્યાયી રીતે, ભેદભાવ રાખ્યા વગર, જે ઝપટે ચડ્યાં એને માર્યાં. પંચમાં બેઠેલાને પણ લાભ મળ્યો. જોરથી ડારો દઈ જમાદારે મામલો થાળે પાડી દીધો. સૌ શાંત થઈ ગયાં. જમાદારે સૌને પોલીસસ્ટેશને ચાલવાનો હુકમ કર્યો. ધનજી-મનજી અને બાઝી પડનાર બૈરાં – સૌનાં શૂરાતન ઊતરી ગયાં. સૌ કરગરવા લાગ્યાં : ‘મા-બાપ, તમારી ગા ! હવે કોઈ દિ’ આવું નહીં કરીએ !’ બે-ત્રણ જણાએ જમાદારસાહેબને સમજાવ્યા અને પંચને ચા-પાણી માટે સાચવેલી મરણમૂડીના રૂપિયા પાંચ ધનજીએ આપ્યા, પાંચ મનજીએ ઉમેર્યા અને રૂપિયા દસની માતબર રકમ કબજે કરી જમાદાર હાલ નીકળ્યા. જમાદાર ગયા પછી સૌને સમજાણું કે કેવડી મોટી કજિયાની કિંમત ચૂકવવી પડી ! વળી પાછી વાટાઘાટ શરૂ થઈ. ઉગ્ર થવાને બદલે શાંતિથી, લોઢાની તવી ધનજી નાનો છે એટલે એને આપવા માટે મનજીને સૌ સમજાવવા લાગ્યા. ત્યાં મોહનલાલ માસ્તર આવી પહોંચ્યા. ગામમાં મોહનલાલ માસ્તરની ગણના ડાહ્યા માણહમાં થતી.

એ આવતાં જ સૌ આનંદમાં આવી ગયાં. પહેલેથી છેલ્લે સુધીની વીતકકથા માસ્તર સમક્ષ રજૂ કરવામાં આવી અને બંને ભાઈઓએ, પંચોએ અને ભેગા થનાર તમામે માસ્તર જે ચુકાદો આપે તે માન્ય રહેશે તેમ જણાવ્યું. માસ્તરે કહ્યું : ‘તો પછી સાંભળો, પ્રથમ તો હું જે માગું એ તમારે આપવું પડશે.’

મનજી કહે : ‘હવે અમારી પાસે કાંઈ નથી !’
માસ્તર કહે : ‘મૂંઝાવ મા, તમે આપી શકશો એવું જ હું માગીશ. પ્રથમ મને એ જણાવો કે પંચે શું નક્કી કર્યું છે ?’
કાનો અને ભાણો કહે : ‘અમે તો નક્કી કર્યું છે અરજણ લુહારની કોડ્યે જાવાનું.’
માસ્તર કહે : ‘શું કામ ?’
‘આ લોઢાની તવીના બે સરખા ભાગ કરાવવા, પછી અડધો-અડધો કટકો બેય ભાઈઓને આપી દેશું. ભલે ટિંગાડે ઘરમાં કુળની ખાનદાનીની નિશાની ! દીકરા-દીકરીનાં સગપણ-ટાણે ખાનદાનીની ખબર તો સગાંઓને પડવી જોઈએ ને ?’
માસ્તર કહે : ‘જુઓ, માણસથી માણસને જોડે એનું નામ સમજણ, નોખા પાડે એનું નામ અભિમાન. માણસ-માણસ વચ્ચે પુલ બને ઈ ધર્મ અને દીવાલ બને ઈ અધર્મ. હવે એક કામ કરો, હું બંને ભાઈઓને હાથ જોડી વિનંતી કરું છું કે લોઢાની તવી મને આપી દ્યો.’

એટલી વારમાં હાથમાં થેલી લઈ કાસમ જમાદાર આવી પહોંચ્યા. જમાદારને જોઈ સૌ ડઘાઈ ગયા, પણ માસ્તર ખુશ થયા. તેમણે કાસમ જમાદાર પાસેથી થેલી લઈ લીધી અને સૌને જણાવ્યું :
‘સાંભળો, મારું માગવાનું બાકી છે.’
બેય ભાઈ કહે : ‘માસ્તર, તવી બાપના બોલથી આપી !’
મોહનલાલ માસ્તર કહે : ‘આભાર, તમારા બેયનો ! પણ હવે હું આપું એ તમારે સ્વીકારવાનું છે.’ બધાંને નવાઈ લાગી. માસ્તરે થેલીમાંથી બે લોઢાની તવી કાઢી અને બેય ભાઈને એક-એક કાસમ જમાદારના વરદ હસ્તે અપાવી. માસ્તરે મેળવેલી તવી માલી ડોશીને આપી. કાસમ જમાદાર બોલ્યા, ‘હજી મારે કહેવાનું બાકી છે. અહીં બેઠેલાં તમામને ચા-પાણી પીને જવાનું છે.’
બેય ભાઈઓ કહે : ‘ચા-પાણીનું ખરચ, જમાદાર-સાહેબ, તમે કરો મા.’
કાસમ જમાદાર કહે : ‘હું નથી કરતો. આ બે તવી અને ચા-પાણીનું ખર્ચ બધું તમારા રૂપિયા દસમાંથી કરવાનું છે અને આ બધાનો જશ મોહનલાલ માસ્તરને ફાળે જાય છે. તેમણે મને આખી યોજના જણાવી અને મોકલ્યો.’

માસ્તરની બુદ્ધિનાં સૌએ વખાણ કર્યાં, ચા-પાણી પીધાં અને વાતુંએ વળગ્યાં.
‘આપણા ને આપણા પૈસા આપણને જ કામ આવ્યા ઈ બુદ્ધિ માસ્તરની !’
મનજી કહે : ‘આ માર ખાધો ઈ બુદ્ધિ આપણી !’
સૌ ખડખડાટ હસી પડ્યાં.

[ કુલ પાન : 104. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

 

Leave a Reply to way2sms Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “જર, જમીન અને જોરુ – શાહબુદ્દીન રાઠોડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.