વિચાર મંથન – સતીશ વ્યાસ

[ અગાઉ ‘હલચલ’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર પ્રકાશિત થયેલો આ લેખ અત્રે રીડગુજરાતી પર પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે.]

[1] યક્ષ પ્રશ્ન

મહાભારતમાં એક પ્રસંગ આવે છે. પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાંથી પસાર થતાં હોય છે ત્યાં દ્રૌપદીને તરસ લાગે છે. એટલે ભીમ પાણી લેવા જાય છે. નજીકના સરોવરમાંથી પાણી લેતાં આકાશવાણી થાય છે કે મારા સવાલનો જવાબ આપ. પછી જ તું પાણી લઈ શકીશ. જો એમ ને એમ પાણી લઈશ તો તારું મોત થશે. અહંકારી ભીમ માનતો નથી ને પાણી લે છે. તત્કાળ એ બેભાન થઈ જાય છે. આ તરફ ભીમને આવતાં વાર થઈ એટલે અર્જુન જાય છે. એના પણ એ જ હાલ થાય છે. નકુલ અને સહદેવની પણ એ જ સ્થિતિ થાય છે. છેવટે યુધિષ્ઠિર અને દ્રૌપદી ત્યાં આવે છે. ચારેય પાંડવને બેભાન જુએ છે. યુધિષ્ઠિર પાણી લેવા જાય છે ત્યારે તેમને પણ એ વાણી સંભળાય છે. યુધિષ્ઠિર કહે છે, પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ.

આ સરોવર યક્ષરાજ ચિત્રરથનું હોય છે. યક્ષ કહે છે કે જો જવાબ ખોટો હશે તો મસ્તકના ટુકડા થઈ જશે. યુધિષ્ઠિર કબૂલ થાય છે. યક્ષના એક પછી એક પ્રશ્નોના જવાબ આપતાં જાય છે. આ પ્રશ્નો યક્ષ પ્રશ્ન તરીકે ઓળખાય છે. આ પ્રશ્નોત્તરી જ્ઞાનનો ભંડાર છે. એમાં યક્ષ પૂછે છે, ‘કિમ આશ્ચર્યમ્ – દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે ?’. યુધિષ્ઠિર જવાબ આપે છે કે માણસ પોતાના સ્વજનો, માતા-પિતા, મિત્રોને નજર સામે મરતાં જુએ છે, સ્મશાને વળાવે છે, અગ્નિસંસ્કાર કરે છે ને છતાં બીજા દિવસથી એટલા ઉત્સાહથી જીવે છે, જાણે કે મૃત્યુનું અસ્તિત્વ જ નથી. દુનિયામાં આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી.

[2] કર્મનું ફળ

એક પૌરાણિક પ્રસંગ છે. એક મહર્ષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા. એ પ્રદેશના રાજાને ત્યાં ચોરી થઈ. ચોરોની પાછળ સિપાહીઓ પડ્યા. એટલે ચોરો ભાગ્યા. રસ્તામાં આ મહર્ષિનો આશ્રમ આવ્યો. એટલે ચોરોએ સામાન આશ્રમમાં નાખ્યો અને ભાગી ગયા. સિપાહીઓને સામાન આશ્રમમાંથી મળી આવ્યો એટલે મહર્ષિને ચોર સમજીને પકડ્યા અને રાજાના દરબારમાં ઊભા કરી દીધા. રાજાએ કાંઈ પણ વિચાર્યા વગર ફાંસીની સજા કરી. મહર્ષિને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. ત્યાં આકાશવાણી થઈ કે મહર્ષિ નિર્દોષ છે, તેમણે ચોરી નથી કરી. એટલે રાજાએ ભરદરબારમાં એમની માફી માગી અને સન્માન સહિત આશ્રમમાં પહોંચાડ્યા.

આ પછી ઋષિએ વિધાતા સાથે ઝઘડો કર્યો કે મારા કોઈ વાંકગુના વિના મને આ સજા, આ હેરાનગતિ શા માટે કરી ? વિધાતા કહે છે કે ‘મહર્ષિ આ જન્મમાં તમે જ્યારે કિશોર હતા ત્યારે પતંગિયાને પકડીને બાવળના કાંટા પર લટકાવતા હતા. એ પાપની આ સજા છે.’ મહર્ષિએ કહ્યું : ‘મેં તો એ કામ અજાણતાં જ કરેલું. મને સારા-ખોટાની સમજ નહોતી.’ વિધાતા કહે કે, ‘ગુનો એ ગુનો છે અને એની સજા ભોગવવી જ પડે. તમે અજાણતાં પણ સળગતો અંગારો પકડો તોપણ દાઝી તો જવાય જ ને ?’

[3] બોલ્યા બોલ્યાનો ફેર

એક ગુરૂ અને બે શિષ્યો યાત્રા કરતા હતા. ગુરૂએ શિષ્યોને સમજાવ્યું કે સાચું બોલવું, પણ પ્રિય બોલવું. એવી રીતે સત્ય બોલવું કે સામાવાળાને સાંભળવું ગમે. એક શિષ્ય કબૂલ થયો. પણ બીજા શિષ્યે વિરોધ કર્યો કે ‘એથી શો ફરક પડે છે ? સત્ય આખરે સત્ય જ રહે છે.’

રસ્તામાં એક ગામ આવ્યું. પહેલો શિષ્ય ભિક્ષા માગવા ગયો. એક ઘર આગળ જઈ કહ્યું : ‘મૈયા, ભિક્ષા દે દે.’ ગૃહિણીએ તરત સાધુને ભોજન આપ્યું. શિષ્ય એ ભોજન લઈ ગુરુ પાસે આવ્યો. બીજા શિષ્યે આખી વાત સાંભળી. તેને થયું – હું પણ જઈને ભિક્ષા માગી આવું. બીજો શિષ્ય પણ એ જ ઘર પાસે ગયો, કારણ કે એ જ ઘર ગામમાં સૌથી પહેલું આવતું હતું. શિષ્યે ભિક્ષા માગતાં કહ્યું : ‘એ મેરે બાપ કી ઔરત, કુછ ભિક્ષા દે દે.’ ગૃહિણીએ આ સાંભળ્યું ને ધોકો લઈને મારવા દોડી. શિષ્ય જીવ બચાવવા દોડ્યો ને ગુરુ પાસે આવ્યો. આવીને વાત કરી. ગુરુ કહે : ‘મા’ અને ‘બાપ કી ઓરત’ નો અર્થ એક જ છે. હવે તને ફરક સમજાયો ને ? સાચું બોલવું, પણ પ્રિયકર બોલવું. કાગડો કોઈનું કંઈ લઈ લેતો નથી કે કોકિલ કંઈ આપી જતી નથી, છતાં લોકો કાગડાને ઉડાડી મૂકે છે અને કોકિલનો ટહુકો ધ્યાનથી સાંભળે છે.

[4] ગુણવત્તા

એકવાર અકબર બાદશાહે દરબારમાં સંગીતસમ્રાટ તાનસેનનું સંગીત સાંભળ્યું ને આફરીન પોકારી ગયો કે વાહ, શું ગાયકી છે. તેને થયું કે તાનસેન આટલું સુંદર ગાઈ શકે છે, તો એના ગુરુ કેટલું સરસ ગાતા હશે ? બાદશાહે પોતાનો વિચાર તાનસેનને કહ્યો. તાનસેને પોતાના ગુરુ સ્વામી હરિદાસનાં વખાણ કર્યાં. એમની દિવ્ય ગાયકીનાં વખાણ કર્યા. બાદશાહ કહે, આપણે એમને દરબારમાં બોલાવીએ. તાનસેન કહે, એ દરબારમાં ન આવે. એમને સાંભળવા આપણે ત્યાં જવું પડે. અકબર બાદશાહ કબૂલ થયા. બંને જણા વેશ બદલીને ગયા. સ્વામી હરિદાસ સવારના પહોરમાં રિયાઝ કરતા હતા ત્યારે પહોંચ્યા અને છુપાઈને ભજન સાંભળ્યા. અકબર બાદશાહ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તું આ જ ભજન ગાય છે, પણ આટલી સારી રીતે નથી ગાઈ શકતો. એનું શું કારણ ?
તાનસેન કહે, બાદશાહ, હું તમારા કહેવાથી તમને ખુશ કરવા ગાઉં છું, જ્યારે સ્વામીજી અંતરના ઊંડાણથી ભગવાનને રીઝવવા ગાય છે. કોણ કોના માટે ગાય છે એના પર એની ગુણવત્તાનો આધાર છે.

[5] કૃષ્ણનું રથાવરોહણ

મહાભારતના યુદ્ધનો પ્રસંગ છે. અઢાર દિવસનું યુદ્ધ પૂરું થયું પછી છેલ્લે દિવસે રથ લઈને કૃષ્ણ પાછા આવ્યા ને અર્જુનને કહ્યું કે તું પહેલાં રથમાંથી નીચે ઊતરી જા. અર્જુનને નવાઈ લાગી કે કૃષ્ણ કેમ આમ કહે છે ? તેણે તરત કારણ પૂછ્યું. કૃષ્ણ કહે – પહેલાં તું નીચે ઉતર પછી તને કારણ સમજાશે. અર્જુન રથમાંથી નીચે ઉતર્યો પછી કૃષ્ણ નીચે ઉતર્યા અને કહેવાય છે કે રથ આખો ભડભડ સળગી ઉઠ્યો. તેના અસ્તિત્વનું હવે કોઈ કારણ રહ્યું નહોતું. આ દુનિયા પર તેનું કામ પૂરું થયું હતું. અર્જુન હતપ્રભ થઈને જોઈ રહ્યો. તેને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે ? કૃષ્ણે સમજાવ્યું કે હું રથમાં હતો એટલે રથ ટક્યો હતો. બાકી તો એ ક્યારનોય સળગી ઉઠ્યો હોત.

આપણા દેહરૂપી રથમાં કૃષ્ણ નામે ચૈતન્ય અસવાર છે ત્યાં સુધી જ એ ચાલે છે. એ ચૈતન્ય રથમાંથી જતું રહે પછી દેહ પણ ભડભડ સળગાવી જ દેવાય છે ને !

[6] એક રાતની વાત

વરસમાં એક જ વાર ખીલતા બ્રહ્મકમળ નામના ફૂલને જોવા હું ગયો. મને થયું – કેવું કહેવાય ! વરસમાં એક જ વાર ખીલે, એ પણ થોડા કલાકો માટે ! બ્રહકમળ કહે ‘મને તો આનંદ છે. ભલેને થોડા સમય માટે, પણ દુનિયા તો જોવા મળે છે ને !’
મેં કહ્યું, ‘પણ આટલા સમયમાં શું ખીલવું ને શું જોવું ? એમાંય તારું કોઈ ખાસ રૂપ નહીં.’
‘તોય બધાં મને જોવા આવે છે ને ! આખુ વર્ષ ખીલતાં ફૂલો જોવા ખાસ કોણ જાય છે ?’ બ્રહ્મકમળે કહ્યું.
‘એ વાત સાચી, પણ તને આવી ટૂંકી આવરદાનો અફસોસ થતો નથી ?’ મેં પૂછ્યું.
‘ના, જરાય નહિ, ઉપરથી હું તો ખુશ છું કે આટલા થોડા સમય માટે પણ હું સમસ્ત વાતાવરણને મારી સુગંધથી મહેકાવી શકું છું.’ આનંદથી બ્રહ્મકમળે કહ્યું.
‘પણ એમાં તો તને….’
મને બોલતો અટકાવીને બ્રહ્મકમળ કહે – તમે અફસોસ કરવામાં સમય વેડફવાને બદલે જે મળ્યું છે તે માણો ને ? નહીં તો એટલુંય નહીં થઈ શકે. મને થયું કે એની વાત સાચી છે ને મેં ધ્યાનથી એનું નિરિક્ષણ કરવા માંડ્યું. એને જેમ ધ્યાનથી જોતો ગયો એમ હું મુગ્ધ બનતો ગયો. સફેદ રંગના વિવિધ શેડ બ્રહ્મકમળમાં જોવા મળ્યા.

એની વાત સાવ સાચી હતી. આપણે સામે જે છે એને જ માણવાનું ભૂલી જઈએ છીએ ને પછી તો ખોટી તથા નકામી વાતોમાં અટવાયા કરીએ છીએ. જે સમયે આપણને જે મળે તેને ઈશ્વરની દેન સમજી તેના જ આનંદમાં ખોવાઈ જઈએ, તેમાં જ સાચું સુખ છે.

[7] સૌથી મોટું કોણ ?

એકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’

વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વિચાર મંથન – સતીશ વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.