પાછું ફરીને તું જોઈશ નહીં – વિપિન પરીખ

[ ટૂંકા નિબંધોના પુસ્તક ‘હું પાછો આવીશ ત્યારે….’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

આલ્ડસ હકસલીએ જ્યારે મોડાં મોડાં લગ્ન કર્યાં ત્યારે એમણે પ્રિયતમાને કહ્યું : ‘હવે જગત આપણે બેને પતિ-પત્ની કહી સંતોષ માની શકશે.’ તો એક બીજા બળવાખોર લેખકે કહેલું : ‘મૅરેજ-સર્ટિફિકેટ જેવી એક કાગળની ચબરખી મારું ભાવિ નક્કી કરે કે બરબાદ કરે એ મને મંજૂર નથી.’ બંનેનું કહેવું એટલું જ : ‘અમને નિર્દોષ પ્રેમમાં રસ છે, સમાજના લેબલમાં નહીં.’ સમાજને માળખામાં રસ છે, પ્રાણમાં નહીં. માળખું અંદરથી સડી જતું હોય, બળબળતું હોય – ફિકર નહીં, પરંતુ કુટુંબ ટકી રહેવું જોઈએ.

બે જણના પ્રેમમાં લગ્ન પહેલાંના સમાજને રસ હોય છે કૂથલીમાં-અફવામાં. પતિ-પત્નીનો સિક્કો તેમના નામને લાગે એટલે બધું ઠીક-ઠરીઠામ થઈ જાય. તો તેવો જ બીજો કાગળ તે છૂટાછેડાનો. એટલે જ ‘અર્થ’ ચિત્રમાં પૂજા (શબાના આઝમી) પતિને છૂટાછેડાના એ કાગળ પર સંમતિ આપે છે ત્યારે કોઈ ચર્ચા નથી કરતી. રોકટોક વિના સહી કરે છે; પરંતુ એની સહીમાં એક દર્દ છે તો એક વ્યંગ પણ છે. જાણે કહેતી હોય : મને તારી બીજી પ્રિયતમાની દયા આવે છે. આટલાં વરસના લગ્નસંબંધ પછી મારે જો આવી રીતે સહી કરવી પડતી હોય ! આ કાગળનો અર્થ આટલો જ !

પણ ક્યારેક કુટુંબ નામના આ સુંદર, હૂંફભર્યા નાનકડા માળા પર વીજળી તૂટી પડી છે. બધું હેમખેમ છે એમ માનતી પત્ની સફાળી ચોંકીને જાગીને ઊઠે છે. આ કુટુંબ પર વીજળી પડ્યાની કથા લઈ હમણાં આપણને સુંદર સંવેદનભીનાં ચિત્રો મળ્યાં. ‘ગૃહપ્રવેશ’, ‘માસૂમ’ અને ‘અર્થ’ સાધારણ રીતે લગ્નેતર સંબંધની વાત જાહેરમાં થાય નહીં. એ અફવાનો વિષય, પરંતુ આ ચિત્રો એ નાજુક વાતને ખૂબ સંયમથી, સંવેદનથી, આપણી સામે મૂકે છે. આપણે આ સંબંધો ગમે ન ગમે અને નીતિ-અનીતિના પ્રશ્નો બાજુએ મૂકીએ તોપણ આપણને તે એ વિચારતા તો કરી મૂકે છે; આંખ ભીની કરે છે, એ ત્રણે ચિત્રોનાં પાત્રોની મનોવ્યથા જોવા જેવી છે. ત્રણેમાં પ્રારંભમાં જ પતિ ગોળ ગોળ ફરી કશું કહેવા પ્રયત્ન કરે છે. એ જે કશું એને મૂંઝવે છે ને જે ઘરને કડડભૂસ કરવાની શક્તિ ધરાવે છે : એ કોઈ બીજી નારીને ચાહે છે. ત્રણે નારીને જ્યારે ખબર પડે છે ત્યારે એક દર્દ બધાંના ચહેરા પર વંચાય છે – પોતાનું હેમખેમ અસ્તિત્વ હચમચી ગયાનો ઊંડો ઘા જોઈ શકાય છે. એ ત્રણેને – ‘તમે મને અત્યાર સુધી છેતરી ? એનું દુઃખ વિશેષ છે.’ ખિસ્સાકાતરુ પાકીટ કાપી જાય ત્યારે પૈસા ખાસ ન હોય છતાં ‘હું ગાફેલ રહ્યો’ એ દર્દ જેમ કોરી ખાય તેમ તેમને અંધારામાં રહ્યાનું દુઃખ છે. એકાએક વીજળી પડતાં ડઘાઈ ગયાનો કરુણ ભાવ ત્રણેને છે. દરેક પૂછે છે : ‘મારી ક્યાં ભૂલ હતી ? તેં એ બીજી નારીમાં શું જોયું જે મારામાં નથી ?’ એટલે તો માનસી અમરને વીનવે છે : ‘મને તારી સપના બનાવ તો ખરો’ ત્રણે ઘરરખુ નારી છે. ઑફિસ કળામાં ‘સ્માર્ટ’ થયેલી નારી સામે તેમનો પરાજય છે. ‘માસૂમ’ અને ‘ગૃહપ્રવેશ’ એ રીતે કંઈક મધ્યમ વર્ગનું ચિત્રણ છે. પતિ પોતાની દુનિયા ધીમે ધીમે બનાવે છે. આગળ આવે છે. માત્ર ‘અર્થ’માં કંઈક પૈસાની સિનેસૃષ્ટિની ઝાકઝમાળ છે, તોપણ ત્રણે સુખી કુટુંબ છે.

ત્રણેનું અસ્તિત્વ છિન્નભિન્ન થઈ ગયું છે. દરેક પોતાના જીવનમાંથી સરી ગયેલા ‘અર્થ’ શોધવા પ્રયત્ન કરે છે. જીવવાનો જાણે હેતુ છીનવાઈ ગયો છે. એમના લલાટેથી કંકુ ભૂંસાયું નથી, છતાં જાણે એ કંકુમાં સૌભાગ્યનો આનંદ પણ નથી. ત્યક્તાનું લાંછન હવે કપાળે લાગ્યું છે. પોતાના દોષ વિના મળેલા આ લાંછન-દુર્ભાગ્યનો બોજ લઈ જીવવાનું છે. ‘પતિ પાછો ફરશે’, ‘એની ભૂલ સમજશે’ એવી હૈયાધારણ જેમ પૂજાને અપાય છે તેમ બધાંને અપાય છે પણ કળ વળતી નથી. વિશ્વાસ બેસતો નથી. સૌ પતિને મહેણાંટોણાં મારે છે, પરંતુ પતિ બદ્ધ છે, કંઈક અંશે હેલ્પલેસ લાચાર છે – એ પોતે રહેંસાયો છે. ‘માસૂમ’માં પતિ ઘર બહાર જતો નથી. જવાનો પણ નથી, એને માટે એ તો એક ગઈ કાલની ઘટના હતી. અકસ્માત હતો. તો પણ પત્ની ઈર્ષ્યાથી પ્રજળી ઊઠી છે. પતિ અવારનવાર કહે છે : ‘હું તને ચાહું જ છું – ખૂબ.’ તો પણ એના શબ્દોમાંથી જાણે શ્રદ્ધાનો રણકાર ઊડી ગયો છે. વસ્તુતઃ બીજી પ્રેયસીથી થયેલા પુત્રનું અસ્તિત્વ ને તેની મમ્મીનું મૃત્યુ ન હોત તો ‘માસૂમ’ની કથા જ નથી. એ નમાયા બાળકનું આગમન, એના સ્વીકાર-અસ્વીકારનો પ્રશ્ન પતિ-પત્ની વચ્ચે ધરતીકંપ કરી મૂકે છે. ‘ગૃહપ્રવેશ’ની માનસી કળ વળતાં સમજે છે; પોતાના લગ્નજીવનને કાટ લાગ્યો છે એ કંઈક હળવાશથી, હસીને કામ લે છે. તરકીબ કરે છે. નવેસરથી ઘર સજાવે છે. ‘અર્થ’ની પૂજા શરૂઆતમાં તો બીજી નારી, કવિતાને ખૂબ કાકલૂદી, આજીજી કરે છે – ‘મારા પતિને મુક્ત કર’, ‘મારું ઘર તૂટે છે’ – એની (શબાના)એ ફોન પરની કાકલૂદી આપણને પણ સ્પર્શી જાય છે. પરંતુ પછી છિન્નભિન્ન અસ્તિત્વમાંથી બહાર આવી પોતાનું ગૌરવ જુદી જ રીતે પ્રાપ્ત કરે છે. ‘હું સ્વતંત્ર રીતે મારું જીવન – મારું ભાવિ ઘડી શકું’ એ વિચાર સાથે પહેલી વાર ઘર બહાર પગ મૂકે છે – સ્થિર થવા માટે.

મહદંશે પતિને કુટુંબ-પત્ની બાળકો છોડવાં નથી. છતાં બીજી નારી પ્રત્યેનો એનો પ્રેમ એને વિવશ બનાવે છે. એની રીતે એ પણ છિન્નભિન્ન છે. જાણે-અજાણે જૂઠનો આશ્રય લઈ પોતાના જ ચક્રમાં ફસાતો જાય છે. બે દુનિયામાં રહેવાનો એનો પ્રયત્ન એને થકવી નાખે છે. માત્ર ‘માસૂમ’માં પતિને આ પ્રશ્ન નથી, પરંતુ પોતાના જ પુત્રના લોહીથી એ આકર્ષાયો છે. એક નૈતિક જવાબદારી એને રહેંસે છે. લગ્નેતર છતાં આખરે તો પોતાનો પુત્ર- પોતાનું જ લોહી છે. બીજી સ્ત્રીની હયાતી તો હવે છે જ નહીં, છતાં આ પુત્ર એના ઘરમાં સમાઈ શકે ખરો ?

આ ત્રણે પતિ હિંમતથી પત્ની આગળ પ્રેમનો એકરાર કરે છે, છતાં પત્નીના વિશ્વાસ-સહાનુભૂતિ જીતી નથી શકતા – આપણા પણ ! એમણે લગ્નની સુરક્ષિતા છોડવી નથી તો પેલી બીજી સ્ત્રીને માત્ર રમતમાં- અલપઝલપ મળતા સુખમાં રસ નથી. એણે પોતાનો પતિ જોઈએ છે. પોતાનું કહી શકાય એવું ઘર જોઈએ છે. પ્રેમથી, મહેણાંટોણાંથી, કામણથી એ પુરુષને પોતાની પત્ની, ઘર છોડવા તૈયાર કરે છે. એ સંદર્ભમાં ‘માસૂમ’ની બીજી નારી અધ્યાહાર જ છે. એને પોતાના પ્રિયતમનું ઘર ભાંગવું નથી. બીજો કોઈ હક માગતી નથી. એને પુત્રથી રસ છે. પોતાનું એક ગૌરવ છે. ક્યારેય એના જીવનમાં પાછી એ આવતી નથી. બોલતી નથી. ટીકાને ભોગે પણ એ અપરિણીત જ રહે છે. કમનસીબે ‘ગૃહપ્રવેશ’ની સપના કે ‘અર્થ’ની કવિતામાં એ ગૌરવ નથી. બંને કંઈક શિથિલ Easy-going દર્શાવાયાં છે. આપની સહાનુભૂતિ જીતી નથી શકતાં. સપના રમતિયાળ છે તો કવિતા અભિનેત્રી – ઉછાંછળી છે. પોતાની રીતે અલબત્ત, બંને ચાલ ચાલે છે. પુરુષને જીતે છે, પરંતુ કવિતા-પૂજાના વ્યંગ, એના ચરિત્ર પરના ઘા સહી નથી શકતી. છતાં એનામાં એક સચ્ચાઈ છે. એ પૂજાને એટલે જ કહે છે, ‘હું ઈન્દરને ચાહતી હતી. પૂજાના પતિને નહીં. મને પોતાનું એક ઘર જોઈતું હતું. તારું ઘર તોડવું નહોતું.’ છતાં પૂજાએ જાણે એનો પીછો પકડ્યો છે. પૂજાને કહે છે, ‘તું રાતના મારા ઘરે આવે છે. તારું તૂટેલું મંગળસૂત્ર મને મારા પગ આગળ રઝળતું દેખાય છે.’ એમ કહી એ તૂટી પડે છે. ગમે તેમ બધાં જ પાત્રોના હોઠ પરથી એક વાક્ય સતત નીકળ્યાં કરે છે : ‘હું ખૂબ થાકી ગયો છું.’ મનનો રાતદિવસનો સંઘર્ષ, અનિશ્ચિતતા બધાને થકવી નાખે છે.

આખરે ‘માસૂમ’ ને ‘ગૃહપ્રવેશ’માં કુટુંબ સચવાઈ જાય છે. ‘માસૂમ’માં પત્ની બાળકને ખુશીથી ઘરમાં સ્વીકારી, સમાવી લે છે. મૂળ કથામાં બાળક વધુ સ્વતંત્ર, ગૌરવશીલ છે, પોતાના દેશ-ફ્રાંસમાં, હૉસ્ટેલમાં રહેવું પસંદ કરે છે. ‘ગૃહપ્રવેશ’નો અમર પોતાની ભૂલ સમજે છે. આછું હસતી માનસી પાસે પાછો ફરે છે. સપના ખૂબ સંયમથી ટ્રાફિકના સિગ્નલ પર હાથ હલાવી અમરને પોતાના હાથમાંથી જવા દે છે. એના છૂટા પડવામાં એક દર્દ છે – એક સૌંદર્ય ને સંયમ પણ છે. એક વખત અમરને એણે ટોણો માર્યો હતો, ‘તમે પણ અનેક સામાન્ય માણસોની જેમ સાવ સામાન્ય નીકળ્યા. તમારી કૉફીની આદત પાસે પાછા ફરજો.’ માત્ર ‘અર્થ’માં કવિતા પોતાના ઘરમાંથી ઈન્દરને પાછો કાઢે છે – નકારે છે. ઈન્દર પોતાના મૂળ ઘર-પત્ની પૂજા પાસે પાછો ફરે છે ત્યારે સ્થિર, સ્વતંત્ર થયેલી પૂજાને એનું આવવું મંજૂર નથી. સ્વીકાર્ય નથી. એક વેધક પ્રશ્ન પૂછે છે : ‘ઈન્દર, તમારી જગ્યાએ હું હોત ને ઘર છોડી પરપુરુષ સાથે ચાલી ગઈ હોત અને આમ પાછી ફરત તો તમે મને સ્વીકારશો ખરા ?’ ઈન્દરમાંનો પુરુષ જૂઠ નથી બોલી શકતો, સહજતાથી કહે છે : ‘ના.’ બસ અહીં પૂજાનો નિર્ણય છે. હવે એ પૂજા મલ્હોત્રા તરીકે જીવવા નથી માગતી. માત્ર પૂજા તરીકે, સ્વતંત્ર નારી તરીકે જીવવા માગે છે.

અહીં આપણને ‘નિકાહ’ની નાયિકા પણ યાદ આવે છે. બે પુરુષ – બંનેને એ કહે છે. ‘તલ્લાક નામના ત્રણ પથ્થરો ફેંકી તમે મને ભાંગી શકો નહીં.’ એ અને પૂજા આખરે જાણે પુરુષોને એમ જ કહેતાં હોય છે : ‘તમે અમારા ભાવિના નિર્ણાયક નથી. અમે તમારી કઠપૂતળી નથી,’ એટલે જ જે બીજા પુરુષોએ હમદર્દીથી બંનેને સહાય – ટેકો, હૂંફ આપ્યાં હતાં તેમને પણ જવા દે છે, પૂજાના જીવનનો એ બીજો પુરુષ, હમદર્દ સમજુ છે. એની પાસે પ્રેમની સચ્ચાઈ છે. પૂજાએ એને નકાર્યો છે, છતાં અંતે કહી શકે છે, ‘પૂજા, તેં તારો માર્ગ ચાતરી લીધો છે, હવે પાછું ફરીને જોઈશ નહીં.’

[કુલ પાન : 110. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ 380006. ફોન : +91 79 26560504.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પાછું ફરીને તું જોઈશ નહીં – વિપિન પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.