એક સરકારી ફાઈલની આત્મકથા – દિવ્યમ પરેશભાઈ અંતાણી

[ જૂનાગઢના રહેવાસી શ્રી દિવ્યમભાઈ 25 વર્ષીય યુવાસર્જક છે. પોતે કલેક્ટર ઑફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેથી ફાઈલ સાથે પોતાના આંતરમનને જોડીને તેની સંવેદના તે અનુભવી શકે છે. સરકારી ઑફિસના તંત્રથી તેઓ પરિચિત છે અને આમ આદમીની વ્યથાને સમજી શકે છે. નાની એવી આ આત્મકથાની વાત થોડામાં ઘણું કહી જાય છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દિવ્યમભાઈનો ખૂબ ખૂબ આભાર. તેઓ સર્જનક્ષેત્રે સતત આગળ વધતાં રહે તેવી શુભેચ્છાઓ. સૌ વાચકમિત્રો યુવાસર્જકોને પોતાના પ્રતિભાવોથી પ્રોત્સાહિત કરશે તો એ પણ ગુજરાતી ભાષા માટે ઘણું મોટું કામ થયું ગણાશે ! દિવ્યમભાઈનો આપ આ સરનામે dpa.botany@gmail.com અથવા આ નંબર પર +91 9825562329 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

આમ તો અત્યાર સુધી મારી કોઈએ કિંમત કરી નથી. એટલે આજે મને મારી જાતની જ કિંમત કરવાનું મન થયું ! માત્ર સડેલા ધુળના ઢગલાઓ વચ્ચે પડી પડી મારા અંતિમ સમયની પ્રતિક્ષા કરું છું પણ જતાં જતાં દરેક તુચ્છ માનવને મારી મહાનતાનો પરિચય કરાવવા માગું છું જેથી મારા પછીની પેઢી પર મારા જેવો અત્યાચાર ન થવા પામે. હા, હું છું સરકારી કચેરીની એક ફાઈલ.

રાજકોટની સરકારી પ્રેસમાં જ્યારે મારો આકાર ઘડાયો, ત્યારે મને મારી જાત પર અપાર ગર્વ થયો. ખાખી લાંબા તાકામાંથી ધારદાર યંત્રએ મારો આકાર બનાવ્યો ત્યારે પીડા તો થઈ, પણ ભવિષ્યની મારી મહત્તાએ તે પીડાને ઓસરાવી નાખી. કાળા રંગના સરસ અક્ષરોથી મારા ઉપર મારી કચેરીનું નામ લખતાં જ, મારું કાર્યક્ષેત્ર મને જાળવા મળ્યું. મહેસુલ વિભાગની જિલ્લાની ઉપરી કચેરીમાં મને જવાનું સૌભાગ્ય સાંપડ્યું. એક દિવસ એ કચેરીના એક કર્મચારીએ આવી, મને મારી બહેનપણીઓ સાથે બાંધી, સરકારી વાહનમાં બેસાડી, માનભેર કચેરીએ લઈ ગયા. મારો હરખ સમાતો ન હતો. પણ ત્યાં જઈને મને રેકર્ડ રૂમના એક અંધારા ખુણામાં પૂરી નાખવામાં આવી. સમાજને ઉપયોગી થવાની મારી મુરાદ બર આવવાની હું રાહ જોવા લાગી.

આખરે એ દિવસ આવી ગયો. એક નિર્દયી કર્મચારીએ મને ત્યાંથી ઉપાડી, એક શાખાના ખૂણામાં ફેંકી. બહુ દર્દ થયું. પણ અંતરની લોકો પ્રત્યેની સદભાવનાએ તે દર્દને અનુભવવા ન દીધું. એક પછી એક મારી સહેલીઓ મારાથી વિખૂટી પડતી ચાલી. મારો વારો ક્યારે ? એ વિચારમાં હું કચેરીના ભારે ભરખમ અને કર્ણભેદી અવાજ કરતા પંખા સામે તાકી રહેતી…. અને હાશ…. મારો વારો આવ્યો…

આખરે એક અરજદારની અરજીએ મને મારી ઈચ્છા પૂરી કરવાની તક આપી. એક ગરીબ અસહાય વ્યક્તિની ખેતીની જમીન કોઈ દુષ્ટે પચાવી પાડી હતી, તેનો ન્યાય માંગતી એ અરજીને મારી સાથે બાંધવામાં આવી. પરિસ્થિતિના શિકાર એવા એ અરજદારની વ્યથા વાંચી, મારું અંતર પણ દ્રવી ઉઠ્યું. અને જલ્દીમાં જલ્દી તેને ન્યાય મળે તેવી પ્રાર્થના કરવા લાગી. પણ હાય… નસીબ…. સૌ પહેલાં મને કારકુન પાસે મુકવામાં આવી. બેદરકારી અને અન્યાયી એવા તે કર્મચારીએ અરજદારની પીડા વાંચ્યા વિના જ મને પાંચ દિવસ ટેબલ પર મૂકી રાખી. આખરે એક દિવસ ભૂલથી મારા પર નજર પડતાં, મને તૈયાર કરી, જરૂરી નોંધ લખીને હેડકારકુનને સોંપી. આ દરમ્યાન અરજદાર પાંચવાર જલ્દી કાર્યવાહી કરવા આજીજી કરી ગયો. પણ જાણે પથ્થર ઉપરના પાણીની જેમ કોઈ જ અસર ન થઈ. ધીમે ધીમે હું હેડકારકુન પાસેથી સૌથી ઉપરના અધિકારી પાસે પહોંચી. ત્યાં મારો મુકામ પંદર દિવસ રહ્યો. સાહેબને અનેક કાર્યક્રમોની તૈયારી વચ્ચે આખરે એક દિવસ મારા પર નજર નાખવાની અનુકૂળતા થઈ આવી. અરજદારની વ્યથા વાંચીને સાહેબે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો કર્યા. પણ આખરે પરત કારકુનના ટેબલ પર આવી, અરજદારની આંસુ ભરી રજૂઆતો વારંવાર સાંભળી, પરંતુ કર્મચારીશ્રીને લક્ષ્મીજી સિવાય કામગીરી કરવામાં રસ ન હતો.

છેવટે અનેક રજુઆતો પછી ઉપરી અધિકારીશ્રીના ખૂબ દબાણ બાદ અરજદારની અરજી પર કાર્યવાહી કરી, પાંચ વર્ષ પછી તેને તેની જમીન પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો. પણ…. નાણાં તથા ન્યાયના અભાવે તે અરજદારે પોતાના જીવનથી કંટાળીને પરલોકની વાટ પકડી લીધી હતી. સંજોગો સામે હારી ગયો મારો તારણહાર…. ‘અરજદારનું મૃત્યુ થતાં ફાઈલ બંધ કરવામાં આવે છે…’ એ શેરા સાથે જ્યારે મને હંમેશ માટે લાલ રંગના પોટલામાં બાંધવામાં આવી ત્યારે મને મારા જીવન પર રંજ હતો પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે કહેવાતા શિષ્ટ લોકોની આવી અમાનુષી લોકશાહીનો હું હિસ્સો નથી.

મારી અંદર આજે એક લાચાર વ્યક્તિની એવી અપેક્ષાઓનો બગીચો છે જે ક્યારેય ઊગી ન શક્યો. તેના અંતરનું રૂદન આજે પણ મને હચમચાવી જાય છે. હવે બસ પ્રતિક્ષા છે તો એ દિવસની કે જ્યારે મારા શરીરના અનેક અનેક ટુકડા કરી, ફરીથી મને નવી ફાઈલનું સ્વરૂપ આપવામાં આવશે. પણ હે ઈશ્વર… મારી આ પ્રાર્થના સાંભળજે…. જો મને ફરીથી આ સ્વરૂપ આપે, તો કોઈના આંસુનું નહીં પણ આનંદનું નિમિત્ત બનાવજે….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “એક સરકારી ફાઈલની આત્મકથા – દિવ્યમ પરેશભાઈ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.