- ReadGujarati.com - http://www.readgujarati.com -

જે છે તે આ જ ક્ષણ છે – અનુ. સોનલ પરીખ

[ અંગ્રેજીમાં ઈન્ટરનેશનલ બેસ્ટસેલર ‘ચિકનસૂપ ફોર ધ સોલ’ શ્રેણીની અધિકૃત ગુજરાતી આવૃત્તિના પુસ્તક ‘મોતીની માળા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ લેખના મૂળ લેખક ‘જેફરી મિશેલ થોમસ’ છે અને પુસ્તકનું સંપાદન ‘જેક કેન્ફિલ્ડ’, ‘માર્ક વિક્ટર હેન્સને’ કર્યું છે. હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોના આ પુસ્તકનો અનુવાદ સોનલબેન પરીખે (મુંબઈ) કર્યો છે. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કવિતાની આ પંક્તિ બધાને આવડતી હશે – ‘જરા વાર ઊભા રહી, ગુલાબની સુગંધ લેવાનું યાદ રાખો.’ પણ ખરું જોતાં રોજની દોડાદોડીમાં ઊભા રહીને આજુબાજુની દુનિયા પર એક નજર સરખી નાખવાનો સમય આપણામાંના કોઈ પાસે નથી. આપણે સૌ વ્યસ્તતાથી, મુલાકાતોથી, ટ્રાફિક સિગ્નલોથી અને જિંદગીથી એવા તો ઘેરાયેલા હોઈએ છીએ કે આ સુંદર ગ્રહ પર આપણા સિવાય બીજા પણ વસે છે તેનો ખ્યાલ સરખો કરતા નથી. બીજાઓની જેમ હું પણ આ જાતના અપરાધભાવથી પીડાઉં છું. ખાસ કરીને કેલિફોર્નિયાની ગીચ ગલીઓમાં ગાડી ચલાવું ત્યારે આવા વિચાર મને ઘેરી વળે છે. થોડા સમય પહેલાં એક બનાવ બન્યો જેને લીધે હું કેટલી હદે મારા કોચલામાં પુરાયેલો છું અને મારી બહાર એક વિરાટ વિશ્વ ધબકે છે એ વિચારતો થઈ ગયો.

હું એક ધંધાદારી મુલાકાતે જતો હતો. મારે ત્યાં શું વાત કરવાની થશે તે અંગે વિચારતો હું ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યાં સિગ્નલ લાલ થઈ ગયું. મને થયું ગાડી એટલી ગતિમાં છે કે હજી હું રસ્તો ક્રોસ કરી શકીશ. મેં એક્સીલેટર દબાવ્યું જ હોત ત્યાં મેં જે જોયું તે હું કદી ભૂલીશ નહીં. એક યુવાન અંધ યુગલ એકબીજાનાં હાથ પકડી ચારે બાજુના એન્જિનોના અને હોર્નના અવાજો વચ્ચેથી રસ્તો પાર કરતું હતું. પુરુષનો હાથ પકડી એક બાળક ચાલતું હતું. સ્ત્રીએ બીજા બાળકને છાતીએ વળગાડેલું હતું. બંને પાસે સફેદ લાકડીઓ હતી, તેને આગળ લંબાવી રસ્તા પર ઠપકારતાં તેઓ આગળ વધતાં હતાં.

હું હચમચી ગયો. આંખો ગુમાવવાનો ડર મને મોત કરતાંય વધુ લાગે છે અને આ બંને એ ડરને પરાજિત કરીને જીવી રહ્યાં છે ! મને થયું, અંધ હોવું કેટલું ભયાનક છે ! પણ મારો વિચારદોર એ જોઈને તૂટી ગયો કે એ યુગલ તેમનાં બાળકો સાથે પોતે ક્યાં જાય છે તેનાથી બેખબર એવા, આ ચાર રસ્તાના જંકશન તરફ આવી રહ્યું હતું. ત્યાં જવામાં કેટલું જોખમ છે તેની તેમને ખબર જ ન હતી. હું કંપી ઊઠ્યો. ઝડપથી ગાડી ચલાવતા ડ્રાઈવરોને તેમનો ખ્યાલ નહીં આવે તો ? ટ્રાફિકની આગલી જ હરોળમાંથી મેં જોયું – મને મારી આંખ પર વિશ્વાસ ન આવ્યો – ચારે બાજુથી આવતી બધી જ કાર ઊભી રહી ગઈ હતી. બ્રેકની ચિચિયારી કે હોર્નનો અવાજ સુદ્ધાં નહીં. કોઈએ એક બૂમ પણ પાડી નહીં કે રસ્તા પરથી ખસી જાઓ. બધું જાણે સ્થિર થઈ ગયું હતું. સમય પણ જાણે આ પરિવાર માટે થંભી ગયો હતો.

મેં મારી આજુબાજુ અટકી ગયેલી કારોમાં જોયું. બધાંનું ધ્યાન ત્યાં જ હતું. અંધ યુગલ પર. અચાનક મારી બાજુની કારનો ડ્રાઈવર પોતાનું માથું બહાર કાઢી મોટેથી બોલ્યો : ‘જમણી બાજુ, જમણી બાજુ’ અને બધી કારમાંથી અવાજો આવવા લાગ્યા, ‘જમણી બાજુ, જમણી બાજુ.’ યુગલે જરા પણ લથડ્યા વિના અવાજોને સાંભળી પોતાનો રસ્તો બદલ્યો. લાકડીઓ ઠપકારતાં, અજાણ્યા અવાજોને અનુસરતાં તેઓ રસ્તો ઓળંગી આ તરફની ફૂટપાથ પર આવી ગયાં. મેં જોયું કે હજુ તેમણે હાથ પકડી રાખ્યા હતા. ફરી હું આઘાત પામી ગયો. તે યુગલના ચહેરા પરના ભાવ એવા હતા કે તેમને આ જે થયું તેનો ખરો ખ્યાલ આવ્યો નથી. તેઓ ધીરે ધીરે ક્રોસ કરી ગયાં. જેટલા લોકો એ ચોકમાં ગાડી રોકીને ઊભા હતા તે બધાના ચહેરા પર રાહત હતી, શાંતિ હતી. મારી બાજુમાંથી એક કારનો ડ્રાઈવર ગાડીમાંથી ડોકું કરીને બોલ્યો, ‘તમે તે જોયું ? ઓહ….’ મને લાગે છે તે ક્ષણે દરેક વ્યક્તિ અંદરથી હચમચી ગઈ હતી. દરેકની માનવતા જાગી ગઈ હતી અને એટલે દરેકે એક સાથે એક પગલું ભર્યું હતું – જરૂરિયાતવાળા ચાર લોકોને મદદ કરવાનું.

ત્યાર પછી અનેક વાર મને એ પ્રસંગ અને દરેક વખતે હું તેમાંથી ઘણું પામ્યો છું, ઘણું નવું પણ પામતો જાઉં છું. પહેલું તો એ શીખ્યો કે ‘ઊભા રહો, ગુલાબને સૂંઘતા જાઓ.’ ત્યાર સુધી હું કદી એ કરતો નહીં. ત્યારે હું સમજ્યો કે આજુબાજુ જોઈ શકાય, શું ચાલે છે તે સમજી શકાય તેટલો અવકાશ પોતાની જાતને આપવો. તેનાથી એ સમજાય છે કે જે છે તે આ જ ક્ષણ છે, જિંદગીઓ બદલી નાખવાની તાકાત એ એક ક્ષણમાં હોય છે. બીજું હું એ શીખ્યો કે જે ધ્યેય આપણે આપણા માટે નક્કી કર્યાં હોય તે સિદ્ધ કરવામાં પોતાની જાતમાં અને બીજાઓમાં વિશ્વાસ હોવો એ તત્વ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પહાડ જેવડાં વિધ્નો એ એક વાતથી દૂર થઈ જાય છે. અંધ યુગલનું ધ્યેય તો એટલું જ હતું કે રસ્તો ઓળંગવો. તેની સામે કારની આઠ લાઈન હતી. તો પણ ડર્યા વગર કે શંકા રાખ્યા વગર તેઓ આગળ ચાલતાં રહ્યાં અને સુરક્ષિત રીતે સામે છેડે પહોંચ્યાં. આપણે પણ આપણા ધ્યેય તરફ તે જ રીતે આગળ વધી શકીએ – વિધ્નોને ગણકાર્યા વિના, આપણી સહજસ્ફુરણા પર શ્રદ્ધા રાખીને, બીજાઓની સદભાવના પર વિશ્વાસ રાખીને, બીજાઓની આંતરપ્રેરણા પર ભરોસો કરીને.

અને ત્રીજું એ શીખ્યો કે ઈશ્વરે મને દષ્ટિનું દિવ્ય વરદાન આપ્યું છે. એ વરદાનની તે ઘડી સુધી મેં કદી કદર કરી નહોતી. જરા વિચારો – આંખો ન હોય તો જિંદગી કેટલી બદલાઈ જાય ? એક જ મિનિટ માટે કલ્પના કરો કે એક ધમધમતા ટ્રાફિક સિગ્નલ પર તમારે રસ્તો પાર કરવો છે અને તમને દેખાતું નથી. જીવનમાં મળેલાં આવાં કેટલાંય વરદાનોની આપણે કદર સરખી કરતા નથી ! હું તે સિગ્નલ ક્રોસ કરી ગયો – હું વધારે જાગૃત બન્યો હતો. વધારે કરુણા મારામાં જાગી હતી જે આ ઘડી સુધી મારી સાથે છે. મેં તે ક્ષણે નિશ્ચય કર્યો હતો કે હું જીવનને મારી રોજની અનેક પ્રવૃત્તિઓનાં જાળાં વચ્ચેથી જોઈશ. યાદ રાખીશ કે ઈશ્વરે મને કેવાં અદ્દભુત વરદાન આપ્યાં છે અને પ્રયત્ન કરીશ કે એ વરદાનોનો ઉપયોગ હું મારા ઓછા ભાગ્યવાન બંધુઓને મદદ કરવામાં કરું.

તમારી જાતને તમે પોતે પણ એક વરદાન આપી શકો. જરા ધીમા પડો, સાચા અર્થમાં ‘જોઈ’ શકાય તેટલો અવકાશ પોતાને આપો. એક ક્ષણ જાગૃત થઈને તે જ ક્ષણને, તે ક્ષણમાં જિવાતા જીવનને જુઓ, નહીં તો જરૂર કોઈક અદ્દભુત પ્રાપ્તિથી વંચિત રહી જશો.

(જેફરી મિશેલ થોમસ)

[કુલ પાન : 88. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]