પણ, હું તો તને પ્રેમ કરું છું ! – ડૉ. હંસલ ભચેચ

[ કેટલાક પુસ્તકો યુવા દંપતીઓએ ખાસ વાંચવા જેવા છે; જેમાંનું એક આ પુસ્તક છે – ‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ સ્ત્રી-પુરુષના સંબંધને વધારે સુક્ષ્મતાથી સમજવા માટે આ પુસ્તક ખરેખર મદદરૂપ બની શકે તેમ છે. પુસ્તકના સર્જક ડૉ. હંસલ સાહેબ પોતે સાઈકીઆટ્રી (મનોચિકિત્સક) છે અને આ પુસ્તક જાણે કે તેમના અભ્યાસના નિચોડરૂપ છે. આ પુસ્તકની છથી વધુ આવૃત્તિઓ ટૂંકાગાળામાં પ્રકાશિત થઈ છે અને અંગ્રેજીમાં તે ‘No matter what, I love you’ તથા હિન્દીમાં ‘फिर भी, तुम्हे चाहेंगे’ નામથી ઉપલબ્ધ છે. અનેક નામાંકિત સામાયિકો, અખબારો અને મહાનુભાવોએ આ પુસ્તકની નોંધ લીધી છે. રીડગુજરાતીને આ પુસ્તકમાંથી લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ડૉ. હંસલ સાહેબનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hansalbhachech@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] જીવનમાં શું અઘરું છે ? સ્ત્રીને સમજે તેવો પુરુષ મેળવવો કે પુરુષને સમજે તેવી સ્ત્રી મેળવવી ?!

આ જીવનમાં શું અઘરું છે – સ્ત્રીને સમજે તેવો પુરુષ મેળવવો કે પુરુષને સમજે તેવી સ્ત્રી મેળવવી ?! – તમે સો વ્યક્તિને આ પ્રશ્ન પૂછો તો, તે પૈકી નેવું વ્યક્તિઓ એમ કહેશે કે સ્ત્રીને સમજી શકે તેવો પુરુષ મેળવવો વધારે અઘરો છે. ઘણા પુરુષો વરસોવરસ જોડે રહ્યા પછી પણ પોતાની સ્ત્રીને બરાબર ન ઓળખી શક્યા હોય, એવા અસંખ્ય દાખલાઓ આપી શકાય તેમ છે.

અમારા એક મિત્ર તો આ વાતના જવાબમાં ફિલસૂફીએ ચડી જાય છે. ‘સ્ત્રી તો આ સંસારની અકળ માયા છે. એને ઓળખવામાં તો ભગવાને પણ થાપ ખાધી હોવાના દાખલા આપણા શાસ્ત્રોમાં છે, તો પછી આપણા જેવા માણસોનું તો શું ગજું ?!’ બસ, પછી એ હસે છે અને સિગારેટનો ધુમાડો જેમ હવામાં વિલીન થઈ જાય તેમ આખી વાત ઉડાવી દે છે ! ખરેખર તો આ પલાયનવાદી ચેષ્ટા છે. પુરુષો સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ એમને ડગલે અને પગલે એવા અનુભવો થાય છે કે પત્ની, માતા, બહેન કે સ્ત્રીમિત્રએ એમને બરાબર ઓળખ્યા હોય, જ્યારે જીવનની સંધ્યાએ પહોંચેલી ઘણી સ્ત્રીઓનાં મનના કોઈ ખૂણે એમ હશે કે પોતાને સંપૂર્ણ સમજી શક્યો હોય તેવો કોઈ પુરુષ ન મળ્યો !! અમારા મિત્ર આ બાબતે પાછા જોશમાં આવી જાય છે, ‘આ એક સ્ત્રી સહજ અસંતોષ છે. આપણે ગમે તેટલું ઓળખીએ- આપીએ તોય સ્ત્રીઓને ઓછું જ પડતું હોય છે.’ સ્ત્રીઓ સ્વભાવથી જ અસંતોષી હોય છે, તેવું એ મહાશયનું દઢપણે માનવું છે. – બરાબર જમાવટ અને અફડા-તફડી થઈ જાય, એવી આ ચર્ચા છે. આવો, મનોવિજ્ઞાન આ બાબતમાં શું કહે છે, તે જોઈએ.

‘માણસને ઓળખવાની શક્તિ’ની દિશામાં થયેલાં ઘણાં બધા સંશોધનોનો નિચોડ એવો છે કે સ્ત્રીના મન પાસે માણસને ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે. આ ઉપરાંત સ્ત્રી-પુરુષના મગજની રચના અને તેમને જીવન દરમિયાન થતા અનુભવોને આધારે, સ્ત્રીઓ આ બાબતમાં વધુ સતેજ બનતી જતી હોય છે. પુરુષો મહદઅંશે મગજના એક જ ભાગનો ઉપયોગ કરતા હોવાથી તેમની વિચારધારા એક જ દિશામાં ચાલતી હોય છે પરિણામે તેઓના મનમાં જે હોય છે, તે જાણ્યે-અજાણ્યે સહજતાથી વ્યક્ત થઈ જતું હોય છે. જ્યારે સ્ત્રીઓ મગજના બન્ને ભાગ વાપરે છે અને તેથી જ તેમની વિચારધારા એક સાથે ઘણાં બધાં પાસઓને ધ્યાનમાં રાખીને ચાલતી હોય છે. પરિણામે તેમના મનમાં જે ચાલતું હોય તે બધું જ સીધેસીધું વ્યક્ત થઈ જતું નથી. પરંતુ બાહ્ય પરિબળોને આધારે તેણે ગોઠવેલી ચાળણીમાં ચળાઈને વ્યક્ત થતું હોય છે.

આ હકીકતને કારણે પુરુષો નિર્ણય લેવાની બાબતમાં પાવરધા હોય છે. એક જ દિશાની વિચારધારા તેમને નિર્ણયો (સાચા કે ખોટા) લેવાની ઝડપ આપે છે. તો સામે પક્ષે સ્ત્રીઓ સેક્રેટરી, પી.આર.ઓ. પર્સનલ આસિસ્ટન્ટ વગેરે જેવી એક સાથે ઘણી બાબતોનું સંકલન માંગી લેતા વ્યવસાયોમાં વધુ કુશળ સાબિત થાય છે. મનમાં જે ચાલતું હોય તે વ્યક્ત કરવાની બાબતમાં એક સાદું-સરળ ઉદાહરણ આપવાનું પણ આ તબક્કે મન થાય એવું છે. માની લો એક સુંદર છોકરી રસ્તા પરથી પસાર થતી હોય તો પુરુષ એને બેધડક જોઈ લેશે. એને એવો વિચાર પણ ન આવે કે કોઈક એને જોઈ લેશે તો શું ? છોકરી શું વિચારશે ? એને ગમશે કે નહિ ?! વગેરે વગેરે. જ્યારે કોઈ સ્ત્રીને પુરુષને જોવો હોય તો આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને, ત્રાંસી આંખે જોઈ લેશે !! ચરમસીમાની વાત તો એ છે કે બેધડક જોયા બાદ પણ પુરુષને છોકરીએ ગળામાં શું પહેર્યું છે કે એની ટી-શર્ટ કેવી ડીઝાઈનનું હતું તે યાદ ન રહે. જ્યારે માત્ર ત્રાંસી ઝડપી નજર નાખનારી સ્ત્રી, પુરુષને વાળથી પગ સુધી મૂલવી કાઢે !! દરેક પુરુષને એવો અનુભવ ક્યારેક તો થયો જ હશે કે ‘ફલાણા બહેન આજે સરસ લાગતાં હતાં’ એવી કોમેન્ટના જવાબમાં એમની પત્ની તરત જ કહે કે : ‘પણ એની ડોકમાં પહેર્યું’તું એ જૂની ડીઝાઈનનું હતું.’ બોલો હવે કોની નજર વેધક ?! પેલા પુરુષને એ સ્ત્રી સામે જોતો બધાએ નોંધ્યો હશે અને ખરેખર પત્નીએ ક્યારે પેલીનું આખુંય પૃથક્કરણ કરી નાખ્યું, એની કોઈને’ય ખબર ન પડે !!

સ્ત્રીઓ મનની વાતો જલદી કળાવા દેતી નથી કારણ કે દરેક બાબતે તેમના મનમાં ઘણી સાચી-ખોટી ગણતરીઓ ચાલ્યાં જ કરતી હોય છે. આ ઉપરાંત પોતાના હાવભાવ ઉપર કુદરતી રીતે જ વધુ સારો કાબૂ હોવાથી, જે બાબત તેમને છુપાવવી હોય તે આસાનીથી છુપાવી શકે છે અથવા એક ડગલું આગળ વધીએ, તો સફાઈથી જૂઠું પણ બોલી શકે છે. જ્યારે પુરુષોમાં આ કુદરતી ખોડ છે કે અણઆવડત છે, પરિણામે બહુ જલદી ખુલ્લા પડી જાય છે અને ખાસ કરીને સ્ત્રીઓ આગળ !!

આ ચર્ચાથી કોઈએ પણ આકરે પાણીએ આવી જવાની જરૂર નથી, કારણ કે આ સ્ત્રી-પુરુષ વચ્ચેનો એક કુદરતી ભેદ છે અને તેનું મનોવિજ્ઞાનીઓએ અભ્યાસ દ્વારા કરેલું વિશ્લેષણ છે. અપવાદરૂપ કિસ્સા ઘણા મળી શકે છે. તેમ છતાં બધા એક વાતે તો કેટલાંક અંશે સંમત થશે કે સ્ત્રીઓને ઘણીવાર કળવી મુશ્કેલ બની જાય છે અને સ્ત્રીઓ પોતે બીજાને બહુ ઝડપથી ઓળખી કાઢે છે !
.

[2] પુરુષોને અકળાવનારી સ્ત્રીઓની પાંચ બાબતો !

પુરુષોની એક કુદરતી સમસ્યા છે કે લાગણીઓ વ્યક્ત કરવામાં તેઓ સ્ત્રીઓ જેટલા કલાત્મક પણ નથી અને નિષ્ણાત પણ નથી. સીધી-સટ વાતો જ તેમના મગજમાં ઊતરે છે. (લાગણીના સંદર્ભમાં, બાકી ધંધાની જટિલમાં જટિલ સમસ્યા સડસડાટ પાર ઊતરી જાય છે !!) અને માટે જ તેમને સ્ત્રીઓમાં રહેલી અમુક બાબતો નથી ગમતી. સ્વસ્થ, મજબૂત અને પ્રેમાળ વિજાતીય સંબંધો ઈચ્છનાર, દરેક સ્ત્રીએ આ બાબતો સમજી લેવી જોઈએ. આ વૃત્તિઓ પર યોગ્ય કાબૂ ધરાવનાર સ્ત્રીઓ, પુરુષના મન પર પોતાની એક આગવી અને અસરકારક છાપ ઊભી કરી શકે છે અને પુરુષો તેમની પાછળ લાગેલા રહે છે, એમ હાવર્ડ યુનિવર્સિટીના સંશોધનકારો કહે છે.

કેટલાક ઉપરી અધિકારીઓને એમના હાથ નીચે કામ કરતી સ્ત્રીઓની સૌથી વધુ ગુસ્સો ઉપજાવે એવી આદત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એઓએ રડવાની આદત અંગે આક્રોશ ઠાલવ્યો. કોઈ પણ સ્ત્રી રડે એ સામેના પુરુષને (અને સ્ત્રીને પણ !!) ક્યારેય ગમતું નથી. ભલે એને છાની રાખવા પુરુષ ગમે તે સાંત્વન આપે, પરંતુ અંદરથી રડવાની આ ક્રિયા એને અકળાવનારી હોય છે. રડવાની ક્રિયાને શસ્ત્ર તરીકે વાપરતી દરેક સ્ત્રીએ એ બાબત સમજી લેવાની જરૂર છે કે કદાચ એક સમયે એ સફળ બની પણ જાય પરંતુ લાંબે ગાળે, એ પોતાનો માન-મોભો અને ઠસ્સો ગુમાવે છે. લાગણીઓ વ્યક્ત કરતાં રડવું આવવું સ્ત્રીઓ માટે સ્વાભાવિક છે. પરંતુ ક્યાં, ક્યારે અને કોની સામે રડવું, તેનું ધ્યાન હંમેશાં રહેવું જોઈએ. જ્યારે રડતી સ્ત્રી પ્રત્યે આક્રોશ અનુભવનારા દરેક પુરુષે, એ સમજી લેવું જોઈએ કે સ્ત્રીની આ એક મદદ માંગવાની વૃત્તિ હોઈ શકે અને માટે જ તેને માત્ર ‘ઈમોશનલ બ્લેકમેઈલીંગ’ ગણીને અવગણી ન કાઢવી.

લાગણીઓ વ્યક્ત કરવામાં સ્ત્રીઓ ખૂબ જ સક્ષમ હોય છે પરંતુ તકલીફની વાત એ છે કે કલાત્મક પણ હોય છે ! પરિણામે એ ઘણીવાર તમને સીધું કંઈ કહે નહિ પરંતુ આડકતરી રીતે ઘણું બધું કહી જાય. પતિની વર્ષગાંઠે પત્ની ખાસ સાચવી રાખેલી નવી સાડી પહેરીને પતિ તરફનો પ્રેમ વ્યક્ત કરવા માંગતી હોય અને પતિને એ પણ ખબર ન પડે કે આજે એણે નવી સાડી પહેરી છે ! અને કદાચ કેટલાક ‘સ્માર્ટ’ પતિઓને ખબર પડી પણ જાય, તો એ ખબર ન પડે, કે કેમ પહેરી હશે ?! પત્નીને આ બાબતે લાગી આવે અને તેનું તારણ કાઢે કે એમને મારી કાંઈ પડી નથી, મારામાં રસ રહ્યો નથી !! આ બાબતનો દુનિયાના ઘણા બધા પુરુષોને ગુસ્સો આવે છે કે તમારે જે વ્યક્ત કરવું હોય, તે સીધેસીધું વ્યક્ત કરો. આડકતરી રીતે વ્યક્ત કરેલી લાગણીઓ અમારા ભેજામાં ઊતરતી નથી અને તેનાં મનઘડત અર્થઘટનો અમને અકળાવનારાં છે ! આ બાબતથી ઘેર ઘેર નાના મોટા ઝગડાઓ ચાલ્યા જ કરતા હોય છે. આનો અર્થ એ તો નથી કે કલાત્મક ન બનવું. પણ પુરુષની આ બાબતે પસંદગી અને સમજનું સ્તર જાણીને સ્ત્રીએ અભિવ્યક્તિમાં ફેરફારો કરવા. આ બાબતની સમજ પુરુષોમાં કુદરતી હોય છે એટલે સ્ત્રીઓનો ગમે તેટલો આગ્રહ અને કકળાટ પુરુષોની આ સમજ બદલી શકતો નથી ! કેટલાક પુરુષો (અલબત્ત, ઘણાં ઓછા) ખૂબ જ સાહજિકતાથી સ્ત્રીઓની લાગણી વ્યક્ત કરવાની આ કળા અનુભવી અને સમજી શકતા પણ હોય છે.

સ્ત્રીઓને જ્યારે કોઈ પણ બાબતે વાંધો પડતો હોય છે ત્યારે જૂની બાબતોની રેકોર્ડ અચૂક વાગવા માંડતી હોય છે. પુરુષોને એ બાબત સહેજ પણ પસંદ પડતી નથી કે કોઈ પણ બોલાચાલીમાં સ્ત્રી જૂની જૂની વાતો ઊખેળીને ચર્ચા કરે. જૂની વાતો વાગોળીને સ્ત્રીઓ, સંબંધોમાં પોતાનું માન ગુમાવે છે અને પુરુષોના મન પરથી ઊતરી જાય છે. વગર કારણે જૂની વાતોને ચર્ચામાં ન ઘસડતાં વર્તમાનની વાતો કરવી, તો તમારી ચર્ચા ફળદાયી નીવડશે. નહીંતર ‘પાછી જૂની રેકર્ડ ચાલુ થઈ’ એવા ભાવ સાથે પુરુષનું મગજ એ દિશામાં વિચારતું ઓટોમેટીક બંધ થઈ જશે !!

અન્ય સ્ત્રીઓ સામે જોવાની પુરુષોની સ્વભાવગત નબળાઈ છે, અને ઘણી સ્ત્રીઓ આ બાબતને મુદ્દો બનાવીને વારંવાર તકરાર કરતી હોય છે. મોટા ભાગના પુરુષોને સ્ત્રીઓનો આ કકળાટ પસંદ નથી હોતો ! કોઈ પણ સ્ત્રીને પોતાની સામે ટીકી ટીકીને જોઈ રહેતા પુરુષો ગમતા નથી, માટે ખરેખર તો સ્ત્રીઓએ અન્ય સામે તાકી રહેલા પુરુષોને ટોકવા નહીં. એ એમની જાતે જ પોતાની આ વૃત્તિને કારણે, સામેની સ્ત્રીના અણગમાનો ભોગ બની જશે. માત્ર જોવાથી, કિશોરવયની મુગ્ધાવસ્થામાં જ પ્રેમમાં પડી શકાય છે – આ કુદરતી સત્ય યાદ રાખી, દરેક સ્ત્રીએ આ બાબતે શંકાશીલ બની ટિપ્પણીઓ કરવી નહિ અને પુરુષોએ ખોટી મહેનત કરવી નહીં !!

દુનિયાભરના પુરુષો એક ગંભીર ગુનો સદીઓથી કરતા આવ્યા છે અને કદાચ કરતા રહેશે, તે છે અગત્યની તારીખ ભૂલી જવી ! ઈન્કમટેક્ષના રીટર્ન ફાઈલ કરવાની નહિ, પરંતુ પોતાની લગ્ન તારીખ, પત્નીની વર્ષગાંઠ વગેરે !! આ પુરુષોની માફ ન કરી શકાય તેવી આદત છે. પરંતુ પુરુષોને સ્ત્રીઓની નહીં ગમતી બાબતોના સર્વેક્ષણમાં મોટાભાગના પુરુષો એમ જણાવે છે કે આ બાબતે સ્ત્રીઓની ટિપ્પણી કે ઝગડો તેમને અકળાવનારો છે ! ‘ઊલટા ચોર કોટવાલ કો દંડે’ જેવો આ ઘાટ છે. પણ સ્ત્રીઓએ આ વાતે દુઃખી ન થવું હોય, તો જેમને આવી તારીખો યાદ ન રહેતી હોય, તેમની પરીક્ષા કરવાને બદલે એક અઠવાડિયા પહેલાં એ અંગે ગાવા માંડવું. આમેય ઘણા પુરુષોની એક સર્વ સામાન્ય ફરિયાદ છે કે સ્ત્રીઓ એકની એક વાત વારંવાર કરતી હોય છે, તો આ એક વધારે !! પુરુષોએ પણ કુદરતી ખોડ છે એમ કહીને હાથ ધોઈ નાખવાની જરૂર નથી. હવેના ઈલેક્ટ્રોનિક યુગમાં તો ઘણી બધી રીતે, આ તારીખો યાદ રાખી શકાય છે. અલબત્ત, રાખવી હોય તો. તમે એને ખોટા લાગણીવેડા ન માનતા હો તો !!

‘સ્ત્રીઓની એવી કઈ આદતો છે કે જે પુરુષોને અકળાવનારી અને ન ગમતી હોય !’ એવા સંશોધનનાં તારણ પૈકી, આપણે ચર્ચા કરી, એ પહેલી પાંચ બાબતો છે. આ વાંચીને પુરુષોને આનંદ થશે કે ચાલો આપણા પ્રશ્નોને વાચા મળી. કેટલાક પુરુષો પત્નીને આ વંચાવીને સુધરી જવાની સલાહ આપશે !! સ્ત્રીઓ આ વાંચીને એવો આક્રોશ વ્યક્ત કરશે કે એવી તો ઘણી આદતો પુરુષોની પણ અમને નથી ગમતી, શું એ લોકો સુધરશે ?!

વાસ્તવમાં તો આ લેખનો આશય એકબીજા પર દોષારોપણ કરવાનો કે સુધારવાનો નથી. પરંતુ તમારા સંબંધો આગવા અને અન્ય સામાન્ય સંબંધોથી નિરાળા બને, એ માટેનો છે. આ પાંચ બાબતો સ્વભાવમાં ધરાવતી સ્ત્રીઓ ‘ટીપીકલ વાઈફ’ અને આ પાંચ અપેક્ષાઓ રાખતા પુરુષો ‘ટીપીકલ હસબન્ડ’ના બીબાંમાં યંત્રવત સહજીવન જીવે છે. પરંતુ જો તમે તમારા સહજીવનમાં રોમાંચ, ઉત્તેજના અને આનંદ ભરવા માંગતા હો, તો ‘ટીપીકલ મેન્ટાલીટી’નાં આ લક્ષણો પરથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરો. તમારું સહજીવન અન્ય માટે ઉદાહરણરૂપ બનશે અને કદાચ ઈર્ષા ઊપજાવનારું પણ !!

[કુલ પાન : 350. કિંમત રૂ. 250. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “પણ, હું તો તને પ્રેમ કરું છું ! – ડૉ. હંસલ ભચેચ”

Copy Protected by Chetan's WP-Copyprotect.