- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક સાથે એક ફ્રી…. – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.]

‘એક સાથે એક ફ્રી’નો આઈડિયા કુદરતે જોડિયા બાળકો (ટ્વીન્સ) દ્વારા ક્યારનો આપેલો જ હતો. પણ મંદબુદ્ધિ માણસને એ મોડો સમજાયો. પણ સમજ્યા પછી માણસ ઝાલ્યો નથી રહ્યો. દે જ દે… કરીને મચી જ પડ્યો છે. લેંઘા સાથે નાડુ ફ્રી… અલા નાડુ ફ્રી ના રખાય, બાંધેલું રખાય ! પણ મૂળચંદ ફ્રી નાડાવાળો લેંઘો લઈને જ જંપે. સ્કીમનો લાભ ન લઈએ તો લોકો આપણને લલ્લુ-પંજુ સમજે પાછા !

સ્કીમ એટલે ‘રતને વીંટ્યું ચીથરું’. સ્કીમથી વેપારીની ચીંથરા જેવી ચીજવસ્તુનાં ગોડાઉન ખાલી થઈ ગયાં છે અને આપણા ‘ફોર બેડરૂમ વીથ કીચન’ ગોડાઉન બની ગયાં છે ! જાતજાતની સ્કીમોને કારણે ઘર કરતાં ઘરવખરી વધતી જાય છે. ‘ગોદડાં સાથે દોરાની કોકડી ફ્રી’ની સ્કીમ આવે તો કોકડી માટે ઘરમાં ડામચિયો ઊભો કરી દે ! પહેલાં તો સ્કૂટર અને ફોન માટે ઓન બોલાતાં અને એમાંય વેઈટિંગ રહેતું. અત્યારે સ્કૂટર સાથે રીંગ (સોનાની વીંટી) અને ફોન સાથે રીંગટોન ફ્રી આપવામાં આવે છે. રીંગટોન સાંભળવામાંથી કાન નવરા પડે તો બીજાં બેન્ડવાજાં સંભળાય ને ?

છાપામાં એક એવી જાહેરાત હતી – ‘જેટલું કાપડ ખરીદો તેટલું કાપડ ફ્રી’ અને બાજુમાં લાલ ચોકઠામાં લખેલું કે ‘નકલથી ચેતજો !’ જો કે ‘મફત’, ‘સિર્ફ’ અને ‘સ્કીમ’ આ ત્રણ શબ્દોએ આપણને એવા ગુલામ બનાવી દીધા છે કે કંઈ સૂઝે જ નહીં. એની અસરથી છૂટવાનુંય ન સૂઝે ! ‘220 રૂ. નાં જૂતાં 100માં’ એવું વાંચીને દેખીતી રીતે આપણને એમાં વેપારીની બેવકૂફી લાગે. પણ એ માત્ર દેખીતી રીતે જ. આંખ બંધ કરીને વિચારો તો ખ્યાલ આવે કે આપણે બે જોડી ચપ્પલ ઘરમાં પેટી પેક પડ્યાં’તાં તોય લલચાઈને ત્રીજી જોડ લઈ આવ્યા. અને વેપારીને ગોડાઉનમાં પડ્યાં પડ્યાં શૂન્ય મૂલ્ય થવાનાં હતાં તે જૂતાં રૂ. 100માં એને વેચાઈ ગયાં !

અત્યાર સુધી બધી ચીજવસ્તુઓ બમણા ભાવે ખરીદવાને લીધે (વેપારીઓની છેતરપિંડીને લીધે) આપણી મૂળભૂત મફતિયા વૃત્તિ લગભગ નષ્ટપ્રાય થવા આવી હતી. એટલે આવી જુદી જુદી સ્કીમે મફતિયા વૃત્તિનો જીર્ણોદ્ધાર કરવા ‘સંભવામિ યુગે યુગે’નું કામ કર્યું. આપણી મફતિયા વૃત્તિ ઉજાગર થઈ અને વેપારીઓ સ્કીમને ગાંગડે શાહુકાર થઈ ગયા !! ઊઠતાવેંત ‘નંદ ઘેર આનંદ’ થાય એ માટે ટૂથપેસ્ટ સાથે બ્રશ ફ્રી…. ચાની સાથે કપ-રકાબી ફ્રી… ચાદર સાથે ટુવાલ ફ્રી… ટુવાલ સાથે નેપ્કિન ફ્રી…. નેપ્કિન સાથે હાથરૂમાલ ફ્રી… હાથરૂમાલ સાથે એ ધોવા માટે સાબુ ફ્રી…! આ ફ્રીના ચક્કરમાં મૂળચંદનું માઈન્ડ ફ્રીજ થઈ ગયું !

આ સ્કીમની માયાજાળે તો ડૉક્ટરને ડોક-કટર બનાવી દીધો છે. ડૉક્ટરીના ધંધામાં કટ્ટર હરીફાઈને કારણે સોફિસ્ટિકેટેડ સ્કીમો તો જાહેર ખાનગી ધોરણે ક્યારની ચાલુ થઈ ગઈ છે. પણ હવે આવી ફેરિયા જેવી સ્કીમો આવશે – ‘ડાયાબિટીસનો ટેસ્ટ અમારે ત્યાં કરાવનારને 1 કિલો મેથી ફ્રી આપવામાં આવશે.’ ડાયાબિટીસ NIL આવશે તો કાર્ડિયોગ્રામ ફ્રી કાઢી આપવામાં આવશે અને… કાર્ડિયોગ્રામમાં તો કોઈને પણ ફસાવી શકાય. કાર્ડિયોગ્રામની ખાંચાખૂંચીવાળી ડિઝાઈનમાંથી આપણને કોઈ પણ એક ખાંચો બતાવીને ડૉક્ટર કહેશે કે આ ખાંચો તમારા હૃદયને ખલેલ પહોંચાડે છે અને માંદગીપ્રિય મૂળચંદને એટલું જ જોઈતું હોય. એ જાહેર જનતાને જણાવવા દોડે કે, મારું ડાબું હૃદય ડેમેજ છે !! હે મૂળચંદ, ડાબું હૃદય નહીં, હૃદયનો ડાબો ભાગ જ ડેમેજ છે. અને તારે હૃદય છે એવુંય કાર્ડિયોગ્રામથી કલીઅર થયું ને. વળી પાછો ડાબા-જમણા બબ્બે હૃદયનો માલિક થઈ ગયો ? સોનોગ્રાફી કરાવનારને સાકરનો પડો ફ્રી હોય તો આ મૂળચંદ તાવમાંય સોનોગ્રાફી કરાવે એવો છે !

એની વે, જૂનું આપીને નવું લઈ જાવાવાળી સ્કીમ પણ ડૉક્ટરોએ જ રિલીઝ કરેલી છે. ડૉક્ટરો વર્ષોથી તમારું જૂનું દર્દ લઈ નવું દર્દ આપે છે અને નવું નવ્વાણું લખ્ખણવાળું હોય પણ નવાની ચમકને કારણે જલદી ખ્યાલ ન આવે ! હવે તો આવી સ્કીમોમાં હજામો, મોચીઓ પણ જોડાવાના છે. દાઢી સાથે અડધી મૂછ ફ્રીમાં મૂંડાવી જાવ… જૂનું ચપ્પલ આપી નવી ખીલ્લી લઈ જાવ.. વગેરે… સ્કીમના વેપારમાં અત્યારે અખબારવાળા અગ્રેસર છે. મને તો એમના ઉત્સાહની અદેખાઈ આવે છે. મારી પાસે કોઈ કંટાળાની ફરિયાદ લઈને આવે તો હું એમને જડબેસલાક અદામાં કહી દઉં છું કે, ‘ચૂપ…. કંટાળવાના ખરા અધિકારી અત્યારે અખબાર-માલિકો છે. દર મહિને લાખો ભક્તો (વાચકો)ને અર્ઘ્ય ચડાવવા છતા એ કંટાળતા નથી અને તમે દસ હજારનું દેવું થયું એમાં કંટાળી જાવ છો ?!! અખબાર-માલિકો ન કંટાળે ત્યાં સુધી તમને કે મને કંટાળવાનો સહેજ પણ અધિકાર નથી !!’ આવું સાંભળીને એ દેવાળિયો હળવોફૂલ થઈ જાય છે.

પહેલાં તો આપણે સામે ચાલીને મૂરખ બનવા જતાં. હવે તો બૅન્કવાળા, વીમાવાળા, પાણીવાળા, સાવરણીવાળા વિગેરે આપણને ઘેર બેઠા પટાવી જાય છે. પાછું એમનું કહેવાનું એવું જ હોય કે આ છેલ્લી તક છે. આવતા મહિનાથી આ સ્કીમનો લાભ નહીં મળે. અરે, 32 માર્ચ સુધીમાં ગુજરી જાવ તો તમારા બેસણાંની જાહેરાત ફ્રીમાં છાપી આપીશું એવી સ્કીમ આવવાની પૂરી શક્યતા છે !!!

આ સ્કીમ-યોજનાના અવતાર પહેલાં પણ સ્કીમો ચાલતી હતી પણ ત્યારે ‘સ્કીમ’નું લેબલ નહોતું લાગેલું એટલું જ. અને એટલા માટે જ ધંધા આટલા ધમધોકાર ચાલતા નહોતા. બાકી ચપ્પલ, મોજાં જેવી ચીજો એક સાથે એક ફ્રીમાં પહેલેથી મળે જ છે ને ?! પણ એ વખતે એક ચપ્પલ સાથે બીજું ફ્રી… એક મોજાં સાથે બીજું ફ્રી… આવું આકર્ષક ગતકડું નહોતા મૂકતાં એટલે ધાર્યો ધંધો ન હતો. અત્યારે તો ઘઉં સાથે 1 કિલો દિવેલ ફ્રી… મળે એટલે દીવેલ માટે લોકો ઘઉં લેવા દોડે અને દુકાનમાંથી દીવેલ દૂર થાય એટલે વેપારીનું ડાચું ખીલી ઊઠે. આમ સ્કીમના આયોજન માટે વેપારી માંકડાના મદારી જેવો થઈ ગયો છે. કેમ ડાકલી વગાડું તો ઘરાક નાચે ? ઊંઘું ઘાલીને ડાકલી વગાડતાં વગાડતાં મદારી ખુદ માંકડુ બની ગયો છે, પણ એનું એને ભાન નથી. એ તો સ્કીમનો લાભ નહીં લેનારા બુદ્ધિશાળીને જ દેખાય છે.

આ સ્કીમના રેલાની સ્પીડ જોઈને પ્રશ્ન થાય કે આ રેલો ક્યારે અટકશે ? અટકશે કે કેમ ? આ સ્કીમની સ્કીમને અટકાવવા માટે શાયદ આ નવી સ્કીમ કાઢવી પડશે કે આ સ્કીમ પ્રથા પર પ્રતિબંધ લાવનારને એ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે !!