- ReadGujarati.com - http://www.readgujarati.com -

સન્તુષઃ સતતં યોગી – કામિની મહેતા

[‘અખંડ આનંદ’ સામાયિક એપ્રિલ-2012માંથી સાભાર.]

ઊંઘતા પતિના માથા પર હળવેકથી વ્હાલ ભર્યો હાથ ફેરવી ઉમાબેન બહાર હૉલમાં આવ્યાં. ધીરેથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો. બારીમાંથી કવીન્સ નેકલેસ ચમકતો હતો. ઘૂઘવતા દરિયા ફરતે ગોળાકાર વર્તુળમાં ગોઠવેલી લાઈટ જે પહેલાં વ્હાઈટ હતી અને હમણાં થોડાક વખતથી ગોલ્ડન થઈ ગઈ હતી. એક નજર તેમણે ઘરના રાચરચીલા પર નાંખી અને જૂના દિવસો જાણે ફરી તાજા થઈ ગયા.

કેટલાંયે શમણાંઓ લઈ તે આ ફલેટમાં આવ્યાં હતાં. દેશમાંથી પતિ સાથે જ્યારે આ મોહમયી મુંબઈ નગરીમાં આવ્યાં ત્યારે કાલબાદેવીની નાનકડી રૂમમાં સંસાર શરૂ કર્યો હતો. ખૂબ સંઘર્ષમય દિવસો હતા. પતિ રમાકાંતભાઈએ નાનકડી હાટડી શરૂ કરી. પોતાનું ભરતકામ સરસ અને ભરતકામનો તેમને શોખ પણ હતો, એટલે બીજાંની સાડીઓ ભરી ઘર-ખર્ચમાં બની શકે તેટલી રાહત રહે તેવા પ્રયત્નો કરતાં. ધીરે ધીરે પરિવાર પણ વધ્યો. બે દીકરા અને બે દીકરીથી ઘરસંસાર મહેકી રહ્યો. છોકરાંને સારા સંસ્કાર ને સારી કેળવણી આપી. કાળચક્ર ફર્યું. રમાકાંતભાઈએ ધંધામાં સારી પ્રગતિ કરી, છોકરા પણ મોટા થઈ પિતાની સાથે ખભો મિલાવી ઊભા રહ્યા. પછી અહીં વાલકેશ્વરમાં દરિયાની સામે મોટો ફલેટ લીધો – ઓહ ! કેવા સુખથી છલોછલ દિવસો હતા એ. સાંજના રમાકાંતભાઈ કામ પરથી આવે એટલે બન્ને સાથે ચા પીવા બારી સામે બેસે. તેમને ઊછળતો દરિયો જોવો બહુ ગમે. રમાકાંતભાઈ કહે, ‘ઉમિયા, તેં બહુ આકરા દિવસો જોયા છે. હવે બસ દુઃખ પૂરું થયું. તું શાંતિથી રહે.’ રાત્રે બન્ને ચાલવા જાય. ઉમાકાંતભાઈને ગજરાનો બહુ શોખ. અચૂક રોજ તેમના માટે ગજરો લઈ આવે. ઉમાબેનના ગોરા મુખ પર ગજરો ખૂબ શોભી ઊઠતો.

ચારેય છોકરાંનાં ખૂબ ધામધૂમથી લગ્ન લીધાં. છોકરીઓ વળાવી. વહુઓને હોંશે પોંખી. મોટો દીકરો-વહુ સુધીર તથા પલ્લવી ધંધાના વિકાસાર્થે પરદેશ સેટલ થયાં. નાનો દીકરો-વહુ વિનય તથા માધવી અને તેમના બે નાનાં બાળકો જય, વિશેષ તેમની સાથે રહે. સરસ મજાનો ફોરમતો સંસાર હતો. રમાકાંતભાઈ હવે લગભગ નિવૃત્ત જેવા હતા. ચારપાંચ કલાક ઑફિસે જતા. બાકીનો સમય તે બન્ને સાથે જ ગાળતાં. નાટક, પિકચર, સોસિયલ વિઝિટ, બહારગામ ફરવા જવું એ બધું ચાલતું. ઉમાબહેન એકદમ સંતૃપ્ત હતાં તેમના જીવનથી.

કાળચક્ર પાછું ફર્યું. નિયતિથી કદાચ તેમનું સુખ જીરવાયું નહીં હોય. રમાકાંતભાઈને અલ્જાઈમર નામનો રોગ થયો. શરૂઆતમાં અમુક વસ્તુ જ ભૂલી જતા. પણ પછી તો રોગ ઝડપથી વકર્યો. ધીમે ધીમે તેમની યાદદાસ્ત સાવ જ જતી રહી. કાંઈ જ યાદ ન રહે. કોઈને ઓળખે પણ નહીં. હવે લગભગ ઘરમાં જ રહે. બહાર જાય તો એક માણસ સતત તેમની સાથે રહે કારણ કે રસ્તા વગેરે એમને કંઈ જ યાદ ન રહે. જમ્યા કે નહીં તે પણ ભૂલી જાય એટલે ઘડી ઘડી ખાવાનું માંગ્યા કરે. અને પચે નહીં એટલે પેટ બગડે. માધવીને હવે બીમાર સસરાની સેવા કરવાનું ખૂંચતું. જેઠાણીના ભાગ્ય પર ઈર્ષ્યા થતી – ‘ઈ તો છૂટી ગયાં, મારા નસીબમાં જ આ કરમ કઠણાઈ લખેલી છે.’ ઉમાબેન બધું જોતાં, સમજતાં પણ ‘હશે, નાદાન છે’ કહી આંખ આડા કાન કરતાં. બને ત્યાં સુધી તો તે જ રમાકાંતભાઈની પાસે બેસતાં. વિનય બહુ સમજુ હતો. પિતા માટે તેને બહુ માન હતું. માધવી વિનયથી ડરતી એટલે ખુલ્લામાં કંઈ કહી શકતી ન હતી પણ વિનય ઘરમાં ન હોય ત્યારે બોલ બોલ કરતી. સમજુ ઉમાબેન ગમ ખાઈ જતાં. તે આ બાબત વિનયને પણ કશું કહેતાં નહીં – નકામો દીકરા-વહુનો સંસાર બગડે માની ચૂપ જ રહેતાં. પણ એક દિવસ તો હદ જ થઈ ગઈ. ઉમાબહેન કંઈક વ્યાવહારિક કામે થોડી વાર માટે બહાર ગયાં હતાં. આવીને જુએ તો રમાકાંતભાઈના હાથ ઉપર ડામ દીધેલા હતા. ઘર નોકર શામજી હાથ પર દવા લગાડતો હતો.
‘અરે આ કેમ થયું ?’ એમણે પૂછ્યું.
‘ભાભીએ ભજિયાં બનાવ્યાં હતાં. બાપુજીને એક વાર આપ્યાં પણ બાપુજી માનતા નહોતા. ઘડી ઘડી રસોડામાં જઈને ભજિયાં માંગતા હતા એટલે ભાભીએ…..’ આગળનું વાક્ય શામજી ગળી ગયો.

ઉમાબેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ઉફ, પોતાની આંખ સામે પતિની આ અવદશા. કદાચ પોતે ન રહે ત્યારે શું થશે ? હવે તો આમાંથી કંઈ રસ્તો કાઢવો જ પડશે. આખી રાત તે વિચારતાં રહ્યાં, તે છેક મળસ્કે તેમની આંખ મળી. સવારે ઊઠ્યાં ત્યારે વિનય ઓફિસે જવાની તૈયારી કરતો હતો. ઉમાબહેને કહ્યું :
‘ભાઈ, મારે તારી સાથે થોડી વાત કરવી છે.’
‘બોલને મા, શું છે ?’
‘ભાઈ, તારા પપ્પાની તબિયત હવે બગડતી ચાલી છે. હું વિચારું છું, તેમને લઈને નાસિક ચાલી જાઉં.’
વિનય ચોંક્યો : ‘કેમ મા, અચાનક ?’
‘અચાનક કંઈ નહીં ભઈલા, વિચાર તો ઘણા વખતથી આવતો હતો પણ આજે મન મક્કમ કરી જ લીધું. આમ પણ તેમને દરિયાની ભેજવાળી હવા બહુ માફક નથી આવતી. તેમ વૈદ્યજી કહેતા જ હતા. નાસિકની હવા પણ સૂકી છે. ત્યાં મા ગોદાવરીના સાંનિધ્યમાં રહીશું અને અમારું બાકી રહેલું આયુષ્ય પૂરું કરીશું. કદાચ સૂકી હવાથી તારા પપ્પાની તબિયતમાં ફરક પડે.’
વિનયે વિરોધ કર્યો : ‘આટલાં વરસ દરિયાની સામે જ રહેતાં હતાં ને ! હવે અચાનક ?’
‘હા બેટા, જીવનમાં ઘણું બધું અચાનક જ બની જાય છે….’ ઉમાબહેન હસ્યાં. વિનયને માથે હાથ ફેરવતાં બોલ્યાં, ‘મને ખબર છે તને અમારી બહુ કાળજી છે, બેટા, પણ અમે ક્યાં દૂર જઈ રહ્યાં છીએ, મન થાય ત્યારે મળવા આવતો રહેજે ને.’ પણ વિનય ન માન્યો, ‘હું તમને નથી જ જવા દેવાનો. આ ઉંમરે તમે એકલાં કેમ રહેશો ?’
‘એકલી ક્યાં છું ? તારા પપ્પા છે ને સાથે.’
‘ના, ના ના. જરાય નહીં.’ – કહી વિનય ઑફિસે ચાલ્યો ગયો. પણ ઉમાબેન એકદમ મક્કમ હતાં. સાંજના તેમણે દીકરી જમાઈઓને બોલાવ્યાં અને મક્કમતાથી પોતાની વાત રજૂ કરી. પહેલાં તો બધાંએ વિરોધ કર્યો પણ ઉમાબહેન અડગ રહ્યાં. નાસિકમાં ગોદાવરી નદી પાસે એક નાનકડો ફલેટ લઈ લીધો. બધી જરૂરી ઘરવખરી પણ વસાવી દીધી. બસ કાલે સવારે તે લોકો નીકળવાનાં હતાં.

‘શું વિચારે છે મા ?’ વિનય પાછળથી આવ્યો અને ઉમાબહેન એકદમ સ્વસ્થ થઈ ગયાં, ‘કંઈ નહીં બેટા, રાહ જોઉં છું કે ક્યારે સવાર પડે.’ વહેલી સવારે નીકળતાં પહેલાં માધવી પગે લાગવા આવી. તેના મનમાં પણ થોડો અપરાધ ભાવ હતો. એના વાંસા પર વહાલભર્યો હાથ ફેરવતાં ઉમાબહેન બોલ્યાં, ‘બેટા, મન પર ભાર ન રાખીશ. નિયતિએ આ જ ધાર્યું હશે.’ રસ્તામાં ઉમાબહેન વિચારતાં હતાં. જ્યારે દેશમાંથી પહેલી વાર મુંબઈ આવ્યાં ત્યારે કેવો અજંપાભર્યો ડર હતો. કંઈક તેવો જ ડર આજે પાછો લાગી રહ્યો છે. ત્યારે તો પતિના મજબૂત ખભાનો સાથ હતો. આજે – તેમણે રમાકાંતભાઈ સામે જોયું. તે નિર્લેપભાવે બારીની બહાર જોતા હતા – ‘કંઈ નહીં આજે હું મારા પતિનો સહારો બનીશ. ફરી નવેસરથી સંસાર શરૂ કરીશ.’

જીવનના સિત્તેરમા વર્ષે નાસિક જઈ એમણે પાછો એમનો સંસાર શરૂ કર્યો. બીમાર પતિની તે બાળકની જેમ કાળજી લેતાં. જો કે રમાકાંતભાઈ હવે બાળક જ બની ગયા હતા. તેમને કંઈ ભાન રહેતું નહીં. શૌચ વગેરે પણ પથારીમાં થઈ જતાં. પતિને સવારે નવડાવવાથી માંડીને રાતના સુવડાવવા સુધીની બધી ક્રિયાઓ કંટાળ્યા વગર કરે છે. પોતાના પરગજુ સ્વભાવને કારણે આસપાસનાં સહુ તેમનાં મિત્ર બની ગયાં છે. બપોરના ફાજલ સમયમાં આજુ-બાજુની બહેનોને ભરતકામ શિખવાડે છે. કોઈને ખાંડવી શિખવાડે તો કોઈને ઢોકળાં. કોઈને ક્રોશીઓનાં પર્સ બનાવતાં શીખવે તો કોઈને સ્વેટર ગૂંથતાં. આ ઉંમરેય એમની સ્ફૂર્તિ જોવા જેવી છે. કોઈ દિવસ તેમને ઈશ્વરને કે બીજા કોઈને કે પોતાના નસીબને દોષ દીધો નથી. બસ, વહેતા સમય સાથે વહે જાય છે.

તેમનું આ તપ શું કોઈ ઋષિ મુનિના તપ કરતાં ઓછું છે ?