ઘર એટલે…. – સં. કાન્તિ પટેલ

[ ઘરનું સંવેદન રજૂ કરતાં કાવ્યો-લખાણો અને ચિત્રોના મલ્ટીકલર પુસ્તક ‘ઘર એટલે…’માંથી કેટલાક સુંદર નાના લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સદમાતાનો ખાંચો – નટવર પંડ્યા ‘ઉશનસ્’

હું ને મારો ભાઈ રમણ (કવિ સનાતન) સિદ્ધપુરથી સાવલી આગળ ભણવા માટે આવ્યા હતા. બા ને બાપાથી દૂર અમારા બાપીકા વતન સાવલીના સદમાતાના ખાંચાના ઘરમાં આવ્યા હતા. એટલે કે સિદ્ધપુરના ‘રુદ્રમાળ’ના ખાંચામાંથી હવે અમે સાવલીના સદમાતાના ખાંચામાં આવ્યા હતા. હવે માબાપની જગ્યાએ ગં.સ્વ. ઈચ્છાફોઈ હતાં જે આ ઘરમાં રહેતાં ને ઘરને સંભાળતાં હતાં.

મને આ સાવલીના ઘરનું ખૂબ આકર્ષણ હતું. આ બે ગાળાનું ઘર અમારું ‘પોતાનું’ હતું એ ભાવ હું ઉત્કટ રીતે અનુભવતો હતો. આવતાંની બીજી સવારે કેટલીયવાર મેં આ ઘરને મેડે ચઢઊતર કરી હતી. કેવળ વિસ્મયના ભાવથી. ઘર બાપાએ એમની ગાયકવાડી નોકરીમાંથી પોતે જ બંધાવ્યું હતું. એ લોકોએ જ તગારાં ઊંચક્યાં હતાં ને ઠાલવ્યાં હતાં.

ઘર બે ગાળાનું ને બે માળાનું હતું. બીજે માળે પાછાં માળિયાં હતાં. આ બધું અમારું પોતાનું છે એવા વિશેષભાવે હું તે બધું જોતો હતો. મને એ માળિયાં જાણે જાદુઈ, ને અપૌરુષેય, અમનુષ્યકૃત લાગતાં હતાં. ‘સદમાતાનો ખાંચો’ નામે સ્મૃતિકથા ઈ.સ. 1988માં લખાઈ તેમાં સિદ્ધપુર, મહેસાણાથી સાવલી ને ત્યાંથી ડભોઈ, વડોદરા ને નવસારી, વલસાડ સુધીનો સ્થળવિસ્તાર છે તો 1930 થી 1988, બીજાં લગભગ પચાસ વર્ષોની કથા છે.

[2] ગામનું એ ઘર – ભોળાભાઈ પટેલ

ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું. કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબાતળાવની ચીંકણી માટી જાતે ગોડી લાવેલા. બા-બાપા ઘણી વાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં. એ ઘરમાં જ અમે સહુ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારાં દાંપત્યજીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર તેનું સાક્ષી.

ઘરના આંગણામાં કેટલું રમેલા ! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા- ભેંસ, પાંડરાં, બળદ, રેલ્લા. એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને દાદાનો ચોકો થયેલો અને થોડાં વર્ષો પર મારા બાપાનો.

[3] ગામડાંનાં ઘરો – ગુણવંત શાહ

ગામડાંનાં ઘરોની ડિઝાઈન એટલે આગળી પરસાળ, વચલી પરસાળ અને પાછલી પરસાળ. ઘરને ભોંયતળિયે છાણનું લીંપણ હોય અને ભીંતો ગારમાટીની હોય. પાછલી પરસાળમાં પાણિયારું હોય અને એ પર માટલું હોય તે સાથે થોડાંક બેડાં હોય. પાછલી પરસાળ પૂરી થાય પછી ખુલ્લો ચોક હોય. તેમાં એક ખૂણે કૂવો હોય અને આકાશ ડોકિયું કરી શકે એવું નાવણિયું હોય. ચોકની પાછળ કોઠાર હોય અને ઢોરને ઘાસ નીરવા માટે ગમાણ હોય. ચોકના ચૂલા પર એક દેગડીમાં ભેંસ માટે ગુવાર કે કપાસિયાં બફાતાં હોય. ગમાણની ગંધ સાથે ઊકળતા પાણીમાં બફાઈ રહેલા ગુવારની ગંધ ભળી જતી. કોઠારમાં છાણના પોદળા પડેલા અને ભેંસના ડચકાચા સંભળાતા હોય. કોઠારની પાછળ વાડામાં ઝાડની આસપાસ અડધીપડધી વાડ જોવા મળતી; આજેય મળે છે. એ વાડવાળી ખુલ્લી જગ્યા વાડોલિયું કહેવાતી. ખેડૂત ઢોરઢાંખરને જોડતા ઓપનઍર ચોકમાં કૂવા પાસે દૂબળો બેઠો બેઠો રોટલા સાથે ચા પીતો હોય, એ દશ્ય ઘરે ઘરે જોવા મળતું.

[4] માતા સમાન ઘર – વિનોદ ભટ્ટ

ઘરની તુલના કરવાનું મન થતું હોય તો મા સાથે કરી શકાય. આપણી મા આપણી જોડે હોય, વચ્ચે હોય ત્યારે મા એ કેટલી મોટી મીરાત છે એનો અણસાર પણ આપણને આવતો નથી. ને એ જ મા આપણાથી કાયમ માટે દૂર ચાલી જાય ત્યારે કેવા ઓશિયાળા થઈ જઈએ છીએ ! એવું ઘરનું પણ ખરું. ઘરમાં પગ લાંબા કરીને બેઠા હોઈએ ત્યારે તો બસ એટલું જ સમજાય છે કે આપણે આપણાં ઘરમાં છીએ, પરંતુ આ જ ઘરથી લાંબા સમય માટે દૂર જવાનું થતાં ઘરઝુરાપો મનને સતત પજવ્યા કરશે, એન્જાઈના પેઈનની પેઠે આ ઘર ઝુરાપો શૂળની જેમ હૃદયમાં ભોંકાયા કરશે. આ લખનારને આ બંને પ્રકારની વેદનાનો અનુભવ છે. પણ એક વાત છે, સોર્બિટ્રેટ લેવાથી થોડીક જ મિનિટમાં એન્જાઈના પેઈનમાં રાહત થઈ જાય છે પણ ઘરઝુરાપા-પેઈન માટે એવી કોઈ પેઈનકિલર હજી સુધી તો શોધાઈ નથી.

[5] સંસ્કૃતિનું વાહક – કિશોરસિંહ સોલંકી

ઘર તો સંસ્કૃતિનું વાહક છે. ઘર તો યુગોનો વહીવંચો છે. એના લીંપણની ઓકળીઓ ઉપર તો અનેક પેઢીઓ જન્મી ચૂકી છે. એનાં બે કમાડની તિરાડ વચ્ચે તો અંધારાએ ડોકિયાં કરેલાં છે. એનાં નળિયાંની તૂટેલી કોરમાંથી તો પવને પગપેસારો કરેલો છે. માથે આવેલ તડકાનાં ઝારીબાવાં ઘરની શોભા વધારી રહ્યાં છે તથા ઊડી ગયેલાં નળિયાંમાંથી વરસાદ પણ સીધો જ અંદર આવેલો છે. ઘરમાં પેઢીઓ ઊછરી છે, ખતમ પણ થઈ છે. એનો આનંદ કે શોક નથી એને. એણે તો ઘરના લોકોનાં આનંદ, આશાઓ, અપેક્ષાઓ, વેદનાઓ અને આંસુ પણ જોયાં છે. માલિકના હાકલા-પડકારા સાંભળ્યા છે. માલકણના નિસાસા સાંભળ્યા છે. આ બધાંને ઘર સાક્ષીભાવે જોઈ રહે છે. સાચા અર્થમાં ઘર એક સંત છે. ઘરને ટાઢ-તડકો, સુખદુઃખ, વરસાદ-પાણી, એ બધું જ આવકાર્ય છે. સ્વીકાર્ય છે. હોય કે ન હોય, તોપણ એને વાંધો નથી. ઘર નિર્લેપભાવે આ બધું જ જુએ છે- એની જે ભવ્યતા હોય કે ખંડેરપણું, એની જે હાલત હોય તે, એને કોઈ જ ફરક પડતો નથી. ઘર તો ગરીબ હોય કે તવંગર, દરેકનું સપનું છે.

[6] એક અનોખો સંબંધ – ભગવતીકુમાર શર્મા

સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દાયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક-માશૂકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે ! આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સિત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિશેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે.

આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. વિષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે. અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું. અહીં જ મેં કોડિયે, ખડિયે, ફાનસે અખૂટ વાચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે ! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાં છે. આ ઘરમાં અંધકારની ઉષ્માનો હું અર્થ સમજ્યો છું અને એકાન્તના આશીર્વાદ પામ્યો છું. આ ઘર મને એકસાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાના પુંજ જેવું અનુભવાય છે !

[કુલ પાન : 76. (મલ્ટીકલર). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ચંદ્રેશ મકવાણા
સાત પૂંછડિયા ઉંદરડીની વાર્તા – સ્વાતિ મેઢ Next »   

6 પ્રતિભાવો : ઘર એટલે…. – સં. કાન્તિ પટેલ

 1. Bhumika says:

  ઘર તો ગરીબ હોય કે તવંગર, દરેકનું સપનું છે.ખુબ જ ગમ્યું.

 2. સુંદર…

  ‘ઘર’ પોતીકું હોય કે ભાડાનું જ્યારે એ આપણું ઘર હોય છે ત્યારે એક વિશેષ લાગણી એની ભીંતો સાથે પણ હોય જ છે.

 3. Kavita says:

  કહેવત પ્રમણે ધરતિ નો છેડો ઘર. ઘર જેવી શાન્તી ક્યન ન મલે.

 4. pragnesh says:

  લાગનિઓમા વિશ્વવાસ એનુ નામ ઘર્

 5. Kalidas V. Patel { Vagosana } says:

  ઈંટ,સિમેન્ટ,ચૂનો અને પતરાં વગેરેથી બને એને મકાન કહેવાય, પરંતુ એમાં રહેનારાંના પ્રેમ,સહિષ્ણુતા,એક બીજા પ્રત્યેનો આદર અને ઐક્યભાવ ભળે ત્યારે એ ઘર બને છે. આવું ઘર સૌને અત્યંત વહાલું હોય છે, પોતાની જનેતા જેટલું વહાલું ! અને એટલે જ કહેવાયુ છે કે – ઘર એટલે ઘર , ધરતીનો છેડો ઘર !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. p j paandya says:

  ઘર હોઇ કે બિજુ કૈ પોતનુ એ પોતનુ સરસ લેખ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.