હસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ

[ ‘મારું સત્ય’ નામના પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અનેક સાહિત્યકારોએ પોતાના જીવનના અનુભવ, પ્રસંગોને આધારે પોતપોતાના સત્ય વિશે વાત કરી છે. અહીં પ્રસ્તુત લેખમાં શ્રી વિનોદભાઈ એક હાસ્યલેખક તરીકે પોતાનું સત્ય એકદમ હળવી શૈલીમાં રજૂ કરે છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક સત્યઘટનાથી શરૂઆત કરીશ. વર્ષો પૂર્વે છાપામાં કૉલમ લખતો હતો. મારો એવો દુરાગ્રહ કે હું જે લખું છું એ બ્રહ્મવાક્ય. એ પ્રમાણે તે ઉત્તમ. કોઈએ કોઈ ચેકચાક નહીં કરવાની, હૃસ્વ ઈ, દીર્ઘ ઈ જે છે તે જ. મને આવડે છે તે લખ્યું છે. છાપાઓમાં ભૂલો આવે એનું કારણ આ જ છે. લેખકોનો દુરાગ્રહ.

કોઈ એક બપોરે સંપાદકનો ફોન આવ્યો. છાપાના મૅગેઝિન સેકશનના સંપાદકનો હતો :
‘વિનોદભાઈ, તમારા લેખમાં ટાઈટલ બદલવું પડશે.’
મેં પૂછ્યું : ‘કેમ ?’
‘મારી નોકરીનો સવાલ છે.’
‘તારી નોકરીનો સવાલ છે ? કેવી રીતે ?’
‘ભાઈ, તમારા લેખની બરાબર ઉપર શેઠનો ફોટો છે. એ શેઠ રાષ્ટ્રપતિ પાસેથી ઍવોર્ડ લઈ રહ્યા છે એવો ફોટો છે અને નીચે તમારો લેખ છે. એ લેખની ઉપર તમારું હેડિંગ છે.’
એ વખતે હું ભૂલી ગયો હતો કે શું હેડિંગ છે એટલે મેં કહ્યું : ‘શું હેડિંગ છે ?’
‘સાહેબ, હેડિંગ એવું છે કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન.’
મેં એને કહ્યું : ‘ભાઈ, તું કાઢી કાઢ. કારણ તારી નોકરી ને મારું ગૌરવ બેઉ જશે.’

આ છાપાનું સત્ય કહેવાય. છાપાનું બીજું સત્ય એ છે અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં અમારા આ ગામમાં છાપાના માલિકને તંત્રી કહેવાનો રિવાજ છે. તેમ છતાં હું દાવા સાથે કહેવા તૈયાર છું કે છાપામાં કંઈ બધું જ ખોટું નથી આવતું. એટલિસ્ટ બે ચીજો સાચી આવતી હોય છે. એક તો માલિક-તંત્રીનું નામ અને બીજું બેસણાની જાહેરખબરો. સત્ય આમ તો સાત્વિક હોય છે. દરેકનું સત્ય એકબીજાથી અલગ હોય છે. ગાંધીબાપુનું સત્ય આકરું હોવાને કારણે તેમના પોતાના માટે જીવલેણ નીવડ્યું. ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકર નામના એક લેખક થઈ ગયા. (નવી પેઢી માટે કહું છું.) એ પેટલી ગામના. ચરોતર બાજુના અને ત્યાં ‘ળ’ને બદલે ‘ર’ બોલાય છે. ‘ળ’ ચઢતો નથી એટલે ‘ર’ બોલાય છે. એટલે મને ઘણી વાર કહે કે, ‘વિનોદ, ગાંધીજીને ત્રણ ગોરીઓ વાગી’તી. ત્રણ ગોરી. આમ તો ગાંધીબાપુ એક જ ગોરીના ઘરાક હતા પણ ગોડસેએ તેમના પર બે નહીં, ચાર નહીં પણ ત્રણ જ ગોરીઓ કેમ છોડી ? કારણ એ જ કે ગાંધીબાપુએ ત્રણ વાંદરા પાળેલા હતા.

ગાંધીજીએ એક વખત મને ઠપકો ખવડાવ્યો હતો. મારો બહુ કંઈ વાંક ન હતો. વાત એવી હતી, મુ. મોરારજીભાઈ ભારતના વડા પ્રધાન હતા. એમણે એક પ્રસંગ કહેલો, જે છાપાના ચોકઠામાં આવેલો. મોરારજીભાઈએ એમ કહ્યું કે, હું અને ગાંધીબાપુ તીથલમાં સાથે હતા. બાપુની હજામત વધી ગઈ હતી અને મોરારજીભાઈએ કહ્યું કે, ‘બાપુ, તમારી હજામત વધી ગઈ છે. હું કરાવી નાખું.’ એટલે બાપુએ કહ્યું કે, ‘તમે એક કામ કરો. એક એવો નાઈ શોધી કાઢો જે ખાદીનાં વસ્ત્રો પહેરતો હોય, હું હજામત એની પાસે કરાવીશ.’ મોરારજીભાઈએ આગળ કહ્યું કે, ‘હું ગામમાં ફરી આવ્યો પણ કોઈ ખાદી વસ્ત્રો પહેરે એવો નાઈ મળતો નથી. પણ મેં ખાદીનાં વસ્ત્રો પહેર્યા છે. મને હજામત કરતાંય આવડે છે તો હું કરી આપું ?’ અને મોરારજીભાઈએ ગાંધીબાપુની હજામત કરી. એમણે આટલું કહ્યું હતું તે એક ચોકઠામાં છપાયું પણ આટલું વાંચ્યા પછી વિનોદ ભટ્ટ ઝાલ્યો રહે ? મેં માત્ર દોઢ લીટીમાં લખ્યું કે, ‘ગાંધીબાપુ ખરેખર મહાન હતા. માણસની એમને પરખ હતી, કોની પાસેથી શું કામ લેવાય તેની.’ હવે એ લેખ છપાયો એ દહાડે મારા દુર્ભાગ્યે મોરારજીભાઈ વિદ્યાપીઠમાં ઊતરેલા. એમણે છાપું વાંચીને ફોન કરીને કહ્યું કે, ‘આ વિનોદ ભટ્ટ કોણ મૂઓ છે ?’ એમ કહીને મારું આયુષ્ય વધારી આપ્યું. એટલે દરેક વાર હું માનું છું કે આ સત્ય લખું છું, પણ સત્ય ઘણી વાર સત્ય નથી હોતું ! લાગતું હોય તો જ લખ્યું હોય ને નહીં તો બોલ્યા હોય.

આવું જ સત્ય પોલીસનું પણ હોય છે. પોલીસનું સત્ય પણ જૂદું હોય છે. એ પણ મને હમણાં અનુભવ થયો. હું એક પોલીસના કાર્યક્રમમાં ગયો. હું તો દરેક કાર્યક્રમમાં જાઉં છું. સારો માણસ બોલાવે ત્યાં બધે જ જતો હોઉં છું. પછી પોલીસ હોય તો પણ વાંધો નહીં. હજુ કોઈ ખિસ્સાકાતરુએ બોલાવ્યો નથી. બોલાવશે તો ત્યાં પણ જઈશ, પ્રૉમિસ. તમે માહિતી આપી શકો છો.

એક પોલીસ ઈન્સ્પેક્ટર અમારા વિસ્તારમાં રહે છે. એ માણસ મારી આગળ ડૉ. સુરેશ જોશી, સિતાંશુ યશશ્ચંદ્ર (હવે તો પદ્મશ્રી થયા છે, એ વખતે નહોતા) લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા – આ બધા જ મારા મિત્રો છે, પણ પોલીસ ઈન્સ્પેક્ટર આ બધાની કવિતાઓ મારી આગળ કડકડાટ બોલી ગયા. આ કવિતાઓ વાંચતા અમને તકલીફ પડે છે. સમજાતી તો ક્યારે પણ નથી અને આ પોલીસનો માણસ બધી કડકડાટ બોલે છે. મેં કહ્યું :
‘ક્યા બાત હૈ ! તમને આ બધી કવિતા કેવી રીતે યાદ રહે છે ?’
પેલા પોલીસ ઈન્સ્પેક્ટર બોલ્યા, ‘ટ્રેડ સિકરેટ.’
‘ટ્રેડ સિકરેટ કહો તો ખરા ?’
‘ના કહેવાય.’ એણે કહ્યું. આપણને થયું કે માહિતી તો મેળવવી જ પડે. એટલે તપાસ કરતાં ખબર પડી કે જ્યાં એમનું પોસ્ટિંગ થયું હતું તે વિસ્તાર ગુંડાઓ અને બદમાશોનો વિસ્તાર. બધા ભયંકર ગુનેગારો. એટલે આ ઈન્સ્પેક્ટર ગુનેગારોને પકડી લાવે અને ગુનો કબૂલ કરાવે. થર્ડ ડિગ્રી સુધી પહોંચવું પડે. ઊંધા લટકાવે, પથ્થરની પાટે સૂવડાવે. મારા બેટા ગુનેગારો એટલા રીઢા કે માને જ નહીં. પછી બાપુ પેલી કવિતાઓ કામ આવે. એમાં ફાયદો એક જ થાય કે તમે મારો, લાકડી મારી હોય તો સૂજી ગયું હોય, લોહી નીકળ્યું હોય, પેલો કોર્ટમાં જાય, જજસાહેબને કહે પણ ખરો કે મને બહુ માર્યો. પણ અહીં તો ખબર જ ના પડે કે આ તો કવિતાનો માર છે. આ પણ કવિતાની સાક્ષીએ પુરવાર થયેલું સત્ય છે.

અને યાર, હું તો તદ્દન અકવિ. નાનપણથી જ કવિતા, વિદ્યા, મા સરસ્વતી એવા અઘરા શબ્દોથી ત્રાહિમામ પોકારી ગયો છું. વિદ્યા તો મારા ભાગ્યમાં લખાઈ જ નથી અને નાનપણમાં બાપાની ધાકને કારણે સ્કૂલે જવું પડતું. સ્કૂલમાં માસ્તર મારે. મારા બાપા મારી પરીક્ષાના પરિણામના બે દિવસ પહેલાં મારવાનું શરૂ કરે. એમને ખબર જ હોય કે દીકરો શું કરવાનો છે !!! અને મને કહેવા દો કે હું એક આજ્ઞાંકિત પુત્ર હોવાને કારણે મારા પિતાશ્રી એમની માન્યતામાં ક્યારે પણ ખોટા ન પડે એવો પ્રામાણિકપણે પ્રયત્ન કરતો હતો. એક વખત એવું બન્યું કે પરિણામ આવવાની અઠવાડિયાની વાર હતી. બાપાએ મને બોલાવ્યો. મારી બા ગભરાઈને દોડી આવી :
‘કેમ મારો છો વિનીયાને ? શો છે વાંકગુનો ?’
‘અરે રિઝલ્ટ છે.’
‘હજુ અઠવાડિયાની વાર છે. અત્યારથી કેમ મારો છો ?’
‘અરે હું કાલે બહારગામ જાઉં છું. એનું પરિણામ આવશે પછી આવીશ. ક્વોટા અધૂરો કેમ રહેવો જોઈએ ?’

અમે ચાર ભાઈ ને એક બહેન. સૌથી મોટો હું એટલે બાપાને મારા પ્રત્યે પક્ષપાત બહુ. વધુમાં વધુ માર મને પડતો. અને ભણવામાં પણ એવું જ અને વળી આ તો મારી ઉજ્જ્વળ કારકિર્દીની વાત કરી રહ્યો છું એટલે… કોઈ વિષયમાં 27, કોઈ વિષયમાં 23, કોઈકમાં 25, કોઈકમાં 32 એવું બધું આવે. મારા સદભાગ્યે મારા સગા મામા સ્કૂલમાં – ન્યૂ હાઈ સ્કૂલમાં ટીચર હોવાને કારણે દસ દિવસ પહેલાંથી પ્રમોશનના નિયમો ગોઠવવા માંડે કે કયો નિયમ લાગુ પાડીએ તો ભાણો ઉપલા ધોરણમાં જાય. મારા પ્રગતિપત્રકમાં કાયમ ઉ.ચ. અર્થાત ઉપર ચઢાવ્યા છે એવું લખાયેલું હોય. દયાના ધોરણે ભણતો-ગણતો હું મૅટ્રિક સુધી પહોંચ્યો. મને સ્કૂલમાં એક પણ સર્ટિફિકેટ મળ્યું ન હતું. સૉરી, ‘મારું સત્ય’ની વાત ચાલી રહી છે માટે સાચું કહું છું કે એક સર્ટિફિકેટ મળ્યું હતું, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ. એ પણ રાજી થઈને. મૅટ્રિકમાં પહેલા ટ્રાયલે મામાની મદદ વગર 35 ટકા માર્ક્સથી હું મૅટ્રિકમાં પાસ થયો. મારી બા તો રાજીની રેડ થઈ ગઈ. બાએ મારા બાપુને કહ્યું કે, આપણો વિનું મેટ્રિકનો ખાડો કુદાવી ગયો છે. હવે તો આપણી પોળમાં આઈસ્ક્રીમની પાર્ટી આપીએ.’
બાપા કહે છે, ‘શું વાત કરે છે ? 35 ટકા માર્ક્સે પાર્ટી ? એનો અર્થ એવો થયો કે આપણે વિનિયાના 65 ટકાના અજ્ઞાનને ઊજવી રહ્યા છીએ.’
બા કહે : ‘પહેલી વાર આટલા બધા માર્ક્સ લાવ્યો છે.’
બાપા કહે : ‘એ ખરું, આટલા માર્ક્સ પહેલી વાર જ લાવ્યો છે. એક કામ કરો અઠવાડિયું ખમી જાવ. રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો જોઈશું.’ આ કિસ્સો 1955માં બનેલો હતો. હજુ સાહેબ આજની તારીખમાં પણ છાપાઓમાં પેલું ચોકઠું વાંચવા મળે કે એસ.એસ.સી.નો છબરડો પકડાયો ત્યારે ચોક્કસ ફાળ પડે છે કે આપણી વાત તો નહીં હોય ને યાર…..

એટલે વિદ્યા સાથે પહેલેથી જ આડગેપ…. પછી તો કૉલેજમાં ગયો. ઈન્ટર કૉલેજમાં બે વખત નાપાસ થયો. ટૂંકમાં પતાવું છું. પછી તો આર્ટ્સમાં હવાફેર કરવા માટે ગયો. યશવંતભાઈ શુક્લની કૉલેજમાં. એમણે છ મહિનામાં કાઢી મૂક્યો. વાંક એમનો ન હતો, મારો હતો. પછી પસ્તાતા હતા કે શા માટે કઢ્યો ? ભણવા દીધો હોત તો ઠીક રહેત. ગમે ત્યારે ભણત તો ખરો. એક વાર એવું બન્યું કે એક કાર્યક્રમમાં યશવંતભાઈ પ્રમુખ હતા અને હું આજે છું એવો જ એક સામાન્ય વક્તા હતો. એટલે હું મંચ પર બેઠો હતો અને સંચાલક આવ્યા. આજે જેમ અંકિત ત્રિવેદી છે એમ પેલા સંચાલકે કહ્યું કે, ‘શ્રી વિનોદ ભટ્ટનું પુષ્પગુચ્છથી વિદ્યાબહેન સ્વાગત કરશે.’ વિદ્યાબહેન આવ્યાં જ નહીં – પછી કોઈક રેખાબહેન આવ્યાં. હું ઊભો થયો બોલવા માટે. મેં કહ્યું શુક્લસાહેબ, તમે ખોટો જીવ બાળો છો. આ તમે જોયું ને વિદ્યા પહેલેથી મારા નસીબમાં છે જ નહીં. આ ફૂલનો ગુચ્છો આપવા પણ ન આવી.’

હવે પેલું હાસ્યલેખકનું સત્ય – ‘મારું સત્ય.’ અમારા લોકોનું એવું છે કે અમે હ્યુમરવાળા માણસો એટલે હસતાં હસતાં સાચું બોલવાનું. આ સત્યને આંચ ન આવવી જોઈએ. કારણ કે આમ અમને સહેજ હસવું આવે કે ન પણ આવે. પીડા પણ થાય સાંભળીને કે વાંચીને. કારણ કે પીડામાંથી જ હાસ્યનો જન્મ થતો હોય છે. કોઈ પણ વાત સાંભળીને કે જોઈને કે વાંચીને અંદરથી હલબલી ગયા હોઈએ. જ્યાં સુધી કાગળ ઉપર ન ઉતારીએ ત્યાં સુધી અંદરથી ચેન ન પડે. દા.ત. પેલું પ્લેન હાઈજેક થયું હતું અને અપહરણકારો લઈ ગયા હતા, એ પ્લેનને. અને આતંકવાદીઓએ શરત કરી હતી કે અમારા ત્રણ જણને છોડો તો જ અમે 185 જણને છોડીશું. નહીં તો મારી નાખીશું. રડી પણ ન શકાય. ટીવી પર જોયા કરીએ કે શું થયું…. શું થયું….? ને પછી આ બધું પત્યું એટલે મને થયું કે આના વિશે લખવું તો જોઈએ. એક વ્યંડળનો ઈન્ટરવ્યૂ લીધો. કિન્નરનો ઈન્ટરવ્યૂ. માત્ર એક જ સવાલ. આ વ્યંડળને પૂછ્યું કે, ‘હેં બહેન, આ જ્યારે દશ્ય જોયું હશે કે પેલા વિદેશમંત્રી ત્રણ આતંકવાદીઓને ત્યાં કંદહાર મૂકવા જતા હતા – આપણે ત્યાં જુદી કહેવત છે કે, પત્ની નાતરે જતી હતી અને પતિ ઘીનો દીવો લઈને એને મૂકવા જતો હોય – લાઈક ધિસ. પેલો વિદેશમંત્રી પેલા ત્રણેય જણને મૂકવા જતો હતો. આ દશ્ય જોઈને તને પહેલું રિએકશન શું આવ્યું હતું ?’
અને વ્યંડળે કહ્યું : ‘સાચું કહું ભાઈ, મને પહેલી વાર લાગ્યું કે હું વ્યંડળ છું.’

1993માં મુંબઈમાં બૉમ્બ ધડાકા બહુ જોરદાર થયા. એ વખતે એવો કંઈક ઉલ્લેખ કર્યો હતો કે, બૉમ્બેડાઈંગ જાહેરાત નથી હકીકત છે. છાપામાં ન્યૂઝ આવ્યા કે, ઘણાં બધાં શબ રસ્તામાં રખડતાં પડ્યાં હતાં. એના નિકાલ માટે બેસ્ટની મદદ લેવી પડતી હતી. આ સંદર્ભમાં મેં લખ્યું કે, ‘એ દિવસે બેસ્ટની બસમાં ઢગલાબંધ મુસાફરો હશે તેમ છતાં કંડકટરે એક પણ ટિકિટ કાપી નહીં હોય !’

કટોકટીની વસંત ચાલતી હતી એ વખતે અમને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, ‘ભાઈ જુઓ, એક વાત સમજી લો કે તમને અને અમને (માલિક-તંત્રીને) ચટાપટાવાળાં કપડાં સારાં નહીં લાગે અને જેલમાં ડાયાબિટીસની ગોળીઓ પણ આપતા નથી એટલે લખવામાં તમે જરા પ્લીઝ કંટ્રોલ કરો ને. એ વખતે જુવાની હતી. મારા એકલામાં કટોકટી લાદી હોય એવું લાગતું એટલે કંઈક આડુંઅવળું લખીએ ને પકડાઈ જવાય નહીં પણ પ્રજાને ખબર પડવી જોઈએ કે શું લખ્યું છે એનું ધ્યાન રાખતો હતો. એકવાર એવું લખ્યું હતું કટોકટીનો એટલો બધો પ્રભાવ હતો કે પાગલ લોકો પર ડાહ્યાપણાના હુમલા આવી જતા હતા. એ વખતે એક પાગલ માણસનો પ્રસંગ લખ્યો હતો. એક પાગલ માણસ બહેનના બંગલાની બહાર ઊભો રહીને બૂમો પાડવા માડ્યો, ‘માત્ર ને માત્ર એક વ્યક્તિને કારણે આખો દેશ બરબાદ થઈ રહ્યો છે.’ બધા ભેગા થઈ ગયા. પોલીસે આવી એને પકડ્યો, ફટકારતાં, ફટકારતાં લઈ ગયા. પોલીસ ઈન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશને એને માર્યો ધોઈ નાખ્યો પછી કહ્યું : ‘સાચું બોલ, મારા કાનમાં બોલ. એ કઈ વ્યક્તિ છે જેના કારણે આખો દેશ બરબાદ થઈ રહ્યો છે ? એ વ્યક્તિનું નામ તું મારા કાનમાં ધીમેથી બોલ.’ પેલાએ કહ્યું : ‘હિટલર.’
‘અલ્યા ગધેડા આ પહેલાથી બોલ્યો હોત તો આટલો માર ખાવો પડ્યો હોત ? જતો રહે જા. ફરી વખત આવું ના કરતો, બૂમાબૂમ ના કરતો.’
પેલો આગળ જઈને ઊભો રહી ગયો. આંખ મીંચકારીને પૂછ્યું : ‘હેં સાહેબ, સાચું કહેજો… એ વખતે તમારા મનમાં કોનું નામ હતું ?’

[કુલ પાન : 225. (પાકું પૂઠું.) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “હસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.