સુગંધ અને સ્મૃતિ – વીનેશ અંતાણી

[ ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સુગંધ અને સ્મૃતિ’માંથી બે લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પત્ની-સંતાનોને વાટ જોતાં રાખો નહીં

ઉદાહરણ ખાતર ઈન્ફોર્મેશન ટૅકનોલૉજી (આઈ.ટી.)ના ક્ષેત્રમાં કામ કરતા એક યુવકની વાત કરીએ. એ યુવક ભારતમાં રહીને એક અમેરિકન કંપની માટે ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. એના દિવસનો મોટા ભાગનો સમય ઑફિસમાં વીતે છે. એ સવારે નવ વાગે ઑફિસમાં પહોંચી જાય છે. સાંજે ઘેર પાછાં વળતાં સહેજે સાડા આઠ વાગી જાય છે. પછી એ જમે છે અને તે વખતે એની યુ.એસ.ની ઑફિસ, ત્યાં દિવસ હોવાથી, કામ કરતી હોય છે. એથી એ ફરીથી લેપટોપ પર કામ ચાલુ કરી દે છે. અઠવાડિયામાં ચારેક દિવસ યુ.એસ.ના સમય પ્રમાણે રાતે દસ-અગિયાર વાગે ટેલિફોન પર મિટિંગ શરૂ થાય અને તે ઘણી વાર મોડે સુધી ચાલે છે.

એ રાતે બાર-સાડા બાર પછી ઊંઘવા જાય ત્યારે એનું આખું ઘર રાતની ખામોશીમાં ડૂબી ગયું હોય છે. પત્ની એની રાહ જોતી ઊંઘી ગઈ હોય, સંતાનો પિતાને બરાબર મળ્યાં વિના જ ઊંઘી ગયાં હોય છે. એ સવારે વહેલો ઊઠી શકતો નથી. રાતે સૂતાં મોડું થયું હોય તેથી વહેલા ઊઠવું સ્વાભાવિક રીતે શક્ય હોતું નથી. એ જાગે છે ત્યારે સંતાનો સ્કૂલ જવા માટે નીકળી ગયાં હોય છે. ક્યારેક તો વીક ઍન્ડમાં- શનિ-રવિ – પણ એને કામ કરવું પડે છે. ઘર કેમ ચાલે છે, પત્ની આખો દિવસ કેવી રીતે પસાર કરે છે, બાળકોના અભ્યાસમાં શું ચાલી રહ્યું છે એના વિશે આઈ.ટી. ક્ષેત્રમાં પૂરેપૂરા સફળ થયેલા અને ઉચ્ચ પગાર મેળવતા યુવકને ભાગ્યે જ કશી ખબર રહે છે.

આ પરિસ્થિતિ એક ‘સફળ’ યુવકની નિષ્ફળતાને સૂચવે છે. સ્પષ્ટ સમજાય છે કે એ યુવક એની જિંદગીમાં અગ્રતાક્રમ- પ્રાયોરિટી- ને બરાબર સમજી શક્યો નથી. એ એના કામની જવાબદારીઓ અને કુટુંબ પ્રત્યેની ફરજો વચ્ચેની સમતુલા જાળવી શક્યો નથી. એણે ઑફિસમાં બજાવેલી શ્રેષ્ઠ કામગીરીને લીધે એને કોઈને પણ ઈર્ષ્યા આવે એટલી ઝડપથી પ્રમોશન મળ્યાં છે. દર વરસે પગારની રકમ વધતી જાય છે. એક વખતનું મધ્યમવર્ગીય કુટુંબ હવે શ્રીમંત બની ચૂક્યું છે અને છતાં એના મનમાં વિચિત્ર પ્રકારનું ખાલીપણું રહે છે. એ એની પત્ની માટે અલગ કાર વસાવી શક્યો છે. પત્ની એને પસંદ પડે તેવા હીરાના દાગીના સહેલાઈથી ખરીદી શકે છે. એ ઘરમાં ટીવી, વૉશિંગ મશીન, રેફ્રિજરેટર, માઈક્રોવેવ જેવાં મોંઘાંદાટ આધુનિક ઉપકરણોની સુખસગવડો ઊભી કરી શક્યો છે. સંતાનો શહેરની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્કૂલમાં શિક્ષણ મેળવે છે. અદ્યતન ફલેટ છે. તેમ છતાં એ યુવક જાણે છે કે એના જીવનમાં કશુંક ખૂટે છે, જે એક પતિએ એની પત્નીને આપવાનું હોય છે અને એક પિતાએ એનાં સંતાનોને આપવાનું હોય છે.

ઘણી વાર રજાના દિવસે એનો દીકરો હાથમાં બૉલ લઈને આવે છે અને પિતાને કહે છે, પપ્પા થોડી વાર મારી સાથે રમશો ? નાની દીકરી રાતે સૂવા જતાં પહેલાં પપ્પા પાસેથી વાર્તા સાંભળવા માગે છે. પત્ની ઘરમાં બેસી ડીવીડી પર ફિલ્મો જોઈ-જોઈને થાકી છે. એ રજાના દિવસે ક્યાંક બહાર નીકળવાની ઈચ્છા પ્રદર્શિત કરી બેસે છે. યુવકને એના ઑફિસકામની એટલી બધી આદત પડી ગઈ છે (અને તે માટે પૂરતાં કારણો પણ છે) કે એ જ્યારે પણ દીકરા સાથે રમે છે, લેપટોપ ખુલ્લું રાખીને રમે છે. દીકરીને નાનકડી વાર્તા કહી દે છે કે પત્ની સાથે શૉપિંગ કરવા જાય છે તેવા બધા જ વખતે એ પોતાનો કીમતી સમય બરબાદ કરી રહ્યો હોય એવી લાગણી એના મનમાં રહે છે. બીજી તરફ એ દિવસના ચૌદ-પંદર કલાક ઑફિસનું કામ કરતો હોય છે, ત્યારે એના મનમાં પોતે કુટુંબ માટે સમય ફાળવી શકતો નથી, તે વાતનો પણ એને સતત ખટકો રહ્યા કરે છે. એને લાગે છે કે એ બે પથ્થરની વચ્ચે ભીંસાઈ રહ્યો છે.

આજની અતિ વ્યસ્ત અને સ્પર્ધાત્મક જિંદગીમાં જુદી જુદી સ્થિતિઓની વચ્ચે સમતોલન જાળવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. માત્ર કુટુંબીજનો માટે જ નહીં, વ્યક્તિએ પોતાની જાત માટે પણ સમય કાઢવો પડે તેમ છે. નિરાંતે જમવું, પુસ્તકો વાંચવાં, સંગીત સાંભળવું, સ્વાસ્થ્ય જાળવવું, કશું જ કર્યા વિના માત્ર બેસી રહેવું – એ બધાં માટે પણ ચોવીસ કલાકના ચક્રમાંથી જાળવીને થોડો સમય કાઢવો આવશ્યક બની ગયું છે. સમય કશાની રાહ જોતો નથી અને વ્યક્તિને ખબર પણ નહીં પડે તેમ એનાં સંતાનો મોટાં થઈ જાય છે, પત્નીના વાળ ધોળા થવા માંડે છે, એનાં મા-બાપ અંધકારમાં વિલીન થઈ ગયાં હોય છે, જૂના મિત્રો રહ્યા હોતા નથી – અને એને એ પણ યાદ આવતું નથી કે એણે નિજાનંદ માટે છેલ્લે ક્યારે પ્રવાસ કર્યો હતો. એ એક સવારે અરીસામાં જુએ છે ત્યારે એને સામે કોઈક સાવ અજાણ્યા માણસનો ચહેરો જોવા મળે છે.

વ્યક્તિ જ્યારે પોતાના કામ અને કુટુંબની જવાબદારીઓ જેવી વિરોધી પરિસ્થિતિઓની વચ્ચે ફસાઈ ગયો હોય ત્યારે એણે વધારે મોડું થાય તે પહેલાં નિરાંતે બેસીને પોતાની પ્રાયોરિટીઝ – અગ્રતાક્રમ – વિશે વિચારી લેવું જોઈએ. માણસે એના વ્યવસાયના મૂલ્યની સાથે પોતાના કૌટુંબિક હિતનાં મૂલ્યોને એક ત્રાજવે તોળવાં જ પડશે. જો ઑફિસમાં તમારું કામ રાહ જોઈ શકતું ન હોય તો તમારી પત્ની અને સંતાનોને પણ આખી જિંદગી રાહ જોતાં રાખવાનો પણ કોઈ અર્થ નથી.

.

[2] હાથમાં પકડેલો અંગારો

એક ભણેલાગણેલા, સારું વિચારતા, સમજુ ભાઈ એમની કારની એક ચાવી ખોવાઈ જતાં ડુપ્લિકેટ ચાવી બનાવવા માટે ચાવી બનાવનાર કારીગર પાસે ગયા. કારીગરે ફટાફટ નવી ચાવી બનાવી આપી. નવી ચાવીથી કારના દરવાજા ખૂલ્યા, પણ એનાથી કાર સ્ટાર્ટ થઈ નહીં. એ ભાઈએ કહ્યું : ‘આ ચાવી બરાબર કામ આપતી નથી.’ કારીગરે કહ્યું : ‘કેમ, દરવાજા તો ખૂલી ગયા.’ ભાઈએ જણાવ્યું, ‘જો આ ચાવીથી કાર સ્ટાર્ટ થાય નહીં, માત્ર દરવાજા ખૂલે તો તમે બનાવેલી ચાવી મને શી કામની ?’ કારીગર ગુસ્સે થઈ ગયો. એલફેલ બોલવા લાગ્યો, એટલી હદ સુધી કે એની ભાષા અભદ્રતાના સીમાડે પહોંચી ગઈ. પેલા કારવાળા ભાઈને લાગ્યું જાણે એમના સમગ્ર હોવાપણા સામે પડકાર ઊભો થયો છે ! એમનો પણ પિત્તો ગયો. બંને જણ અતાર્કિક દલીલો કરવા લાગ્યા. આખી જ પરિસ્થિતિમાં ગુસ્સાનું પ્રાધાન્ય એટલું બધું વધી ગયું કે મૂળ પ્રશ્ન બાજુમાં રહી ગયો. ઝઘડો વધતો ગયો અને વાત પરાકાષ્ઠાએ પહોંચીને મારામારી સુધી આવી ગઈ.

ત્રણ-ચાર કલાક પછી કારવાળા ભાઈના મગજમાંથી ગુસ્સો ઓસર્યો. ત્યાર પછી એમની પહેલી પ્રતિક્રિયા રમૂજની હતી. એમણે વિચાર્યું, અમે બંનેએ – જુદા જુદા સંસ્કારથી બનેલી વ્યક્તિઓએ – આખી જ ઘટનાને હળવાશથી લીધી હોત અને ગુસ્સાનો આશરો લીધો ન હોત તો ઝઘડા-મારામારીની જગ્યાએ હળવા અને સમજણભર્યા વાતાવરણમાં વાતો થઈ હોત. કડવાશને સ્થાને તેઓ એકબીજાને તાળી આપીને હસતાં-હસતાં છૂટા પડ્યા હોત. સાવ સાદી વાત હતી, કારીગર કારના કોઈ મિકેનિઝમને કારણે કારના દરવાજા ખૂલે, પણ કાર સ્ટાર્ટ થાય એવી ચાવી બનાવી શક્યો ન હતો, એ વાત કારના માલિકને સમજાઈ ન હતી, અને જો ચાવીથી કાર સ્ટાર્ટ ન થાય તો એ ડુપ્લિકેટ ચાવી ઉપયોગી ન હતી તે વાત કારીગર સમજી શક્યો ન હતો.

ઘણા લોકોનો ફ્યૂઝ વારંવાર ઊડી જતો હોય છે અને તેઓ કારણ વિના વધારે પડતા ગુસ્સે થઈ જતા હોય છે. ક્રોધી સ્વભાવવાળા લોકો એમના બચાવમાં કહે છે કે ગુસ્સો તો માનવસહજ છે. એ વાત સાચી, છતાં ગુસ્સાથી શું પ્રાપ્ત થાય છે એ પણ વિચારવા જેવું છે. ગુસ્સાને માનવસહજ માનતી વ્યક્તિને પણ પોતાનો ક્રોધી સ્વભાવ ગમતો નથી. એવા લોકો બીજી ઘણી રીતે સારા હોવા છતાં બીજાઓને અપ્રિય થઈ પડે છે. એવું કહેવાયું છે કે જે માણસ ગુસ્સે થઈ શકે નહીં એ મૂર્ખ છે, પરંતુ જે માણસ ગુસ્સા પર કાબૂ રાખી શકે તે ડાહ્યો માણસ છે. ચીનના લોકોમાં એક કહેવત છે : જો તમે ગુસ્સો આવે તેવી પરિસ્થિતિમાં એક મિનિટ માટે ધીરજ ધરશો – ખમી ખાશો – તો ગુસ્સા પછી ઊભી થતી દુઃખ-ઉદ્વેગ-ગ્લાનિથી ભરેલી મનોદશાવાળા સો દિવસોથી બચી જશો. ભગવાન બુદ્ધે ગુસ્સાને હાથમાં પકડેલા અંગારા સાથે સરખાવ્યો છે. જ્યાં સુધી તમારા મનમાં ખીજ-રોષ-અણગમો રહેશે, તમને માઠું લાગેલું રહેશે ત્યાં સુધી ગુસ્સો શાંત થશે નહીં. જે તબક્કે આ પ્રકારની લાગણીમાંથી તમે બહાર આવશો તે ક્ષણે જ તમારો ગુસ્સો ક્યાંય ઊડી જશે.

વધારે પડતા ગુસ્સાની કેવી અવળી અસર થાય છે તે જોઈએ. એક માતા એનાં સંતાનોનાં (માતાની દષ્ટિએ) ખરાબ વર્તન માટે સતત અપસેટ રહે છે અને તેમના પર વારંવાર ગુસ્સે થયા કરે છે. બને છે એવું કે એ જેટલી ગુસ્સે થાય છે એટલાં એનાં સંતાનો વધારે ‘ખરાબ’ વર્તન કરે છે. માતા સંતાનોને સજા કરે છે, એમને રૂમમાં પૂરી દે છે, સતત ચીસો પાડીને ધમકાવે છે. બાળકો તો બાળકો છે. થોડા સમયના વિરામ પછી તે બધાં ફરીથી પોતાની મસ્તીમાં આવી જાય છે. અને માતા ખિજાયેલી જ રહે છે. તે કારણે એનો સ્વભાવ પણ ચીડિયો બની ગયો છે. એ સ્ત્રીની જિંદગી જાણે યુદ્ધભૂમિ જેવી બની ગઈ છે. એ માત્ર બરાડા જ પાડી જાણે છે, સંતાનોને પ્રેમ કરવા જેવી બાબત તો એ સાવ ભૂલી જ ગઈ છે. આખા દિવસના ઘાંટાઘાંટ પછી સાંજ સુધી તો એ સાવ નિચોવાઈ જાય છે. એની અસર એના અને ઘરના બીજા લોકો વચ્ચેના સંબંધો પર પણ પડવા લાગી છે. પ્રશ્ન એ છે કે મમ્મી અપસેટ થઈ જાય છે તે વિશે સંતાનો જાણતાં હોવા છતાં તેઓ મમ્મીને ગુસ્સો આવે તેવું વર્તન શા માટે કરે છે ? એનું એક કારણ એ પણ છે કે ક્રોધ કદી સામેની વ્યક્તિને બદલવામાં મદદ કરી શકતો નથી. એનાથી સામેની વ્યક્તિ ક્રોધ કરનાર વ્યક્તિને પરાજિત થતી જોવાનો આનંદ માણે છે. જ્યારે આપણે બીજાના વર્તન પર ગુસ્સે થવાનું પસંદ કરીએ છીએ ત્યારે જાણે-અજાણે બીજી વ્યક્તિ જેવી હોય તેવી હોવાના એના અધિકારથી વંચિત રાખીએ છીએ. ક્રોધ કરનારના મનમાં એવું હોય છે કે બીજી વ્યક્તિ મારા જેવી કેમ બની શકે નહીં અથવા જે રીતે હું વિચારું છું તે રીતે એ વ્યક્તિ કેમ વિચારી શકે નહીં. પરંતુ બીજી વ્યક્તિ આપણે ગમે તેટલું ઈચ્છીએ તો પણ આપણા જેવી જ હોય એવી ઈચ્છા રાખવી સૌથી મોટી બેવકૂફી હોય છે.

સતત નારાજગી, સતત ગુસ્સો, વાતેવાતે અકળાઈ જવાની ટેવ – એ બધું છેવટે તો વ્યક્તિની અંગત જિંદગીને બગાડે છે. ગુસ્સાથી કશું જ પ્રાપ્ત થતું નથી. ઉશ્કેરાટભર્યા શબ્દો, કડવી વાણી, કાન પર અથડાઈને વેરણછેરણ થઈ જતા ઘાંટા, વિદ્રુપ થઈ ગયેલો ચહેરો અને તંગ શરીર – ક્રોધમાં આવેલી વ્યક્તિનું આવું સ્વરૂપ કદાપી દર્શનીય લાગવાનું નથી. કોઈએ કહ્યું છે તેમ તમે ગુસ્સામાં હો એવી દરેક મિનિટે તમે તમારી પ્રસન્નતાની સાઠ સેકન્ડ ગુમાવી રહ્યા હો છો.

[કુલ પાન : 143. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સુગંધ અને સ્મૃતિ – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.