મારા દાદાગુરુ – આશા વીરેન્દ્ર

[ સત્યઘટના : ‘ભૂમિપુત્ર’ સામાયિક એપ્રિલ-2012માંથી સાભાર.]

ડૉ. રાવનો હૈદ્રાબાદથી ફોન હતો, ‘હલ્લો વિજય, એક દુઃખદ સમાચાર છે. પ્રોફેસર સન્યાલ હવે આપણી વચ્ચે નથી. 7મી જુલાઈએ ખડગપુરમાં એમનો દેહાંત થયો.’ પ્રોફેસર સન્યાલ એટલે મારા ગુરુ ડૉ. દાસનાં ગુરુ. જેમના હાથ નીચે નહીં નહીં તો બેએક ડઝન વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. કરેલું. એવા ડૉ. દાસના પી.એચ.ડી.ના ગાઈડ પ્રો. સન્યાલ. નેવું વર્ષની ઉંમરે માણસ જાય એનો અફસોસ ન કરવાનો હોય એ વાત સાચી, પણ એમના જેવી મૂલ્યનિષ્ઠ, કર્તવ્યપરાયણ અને માયાળુ વ્યક્તિની વિદાયના સમાચારથી મને દુઃખ તો ઘણું થયું. સાથે જ નજર સામે ઊભરી આવ્યા આજથી 30-35 વર્ષ પહેલાંના એ દિવસો.

એમ.ટેક. કરવા માટે હું આઈ.આઈ.ટી. ખડગપુર ગયો ત્યારે પ્રો. સન્યાલ ત્યાંના વિભાગ પ્રમુખ હતા. પોતે પી.એચ.ડી. થયેલા નહીં પણ આઈ.આઈ.ટી.ના ડાયરેક્ટર ખુદ એમને ‘સર’ કહીને માન આપે એવો તો એમનો દબદબો ! પ્રવેશપરીક્ષા પછીના ઈન્ટરવ્યૂ તેઓ લઈ રહ્યા હતા ત્યારનો એક પ્રસંગ મને બરાબર યાદ છે. એક વિદ્યાર્થી જરૂરી સર્ટીફીકેટ્સ ઘરે ભૂલી ગયો હતો.
‘સર, એક વખત મને એડમીશન આપી દો, પછી હું ઘરે જઈને બધાં સર્ટીફીકેટ લઈ આવીશ.’
‘ભાઈ, હું તને શેના આધારે એડમીશન આપું, એ કહીશ ?’
‘સર, મારા બોલના આધારે. મારા પર વિશ્વાસ રાખો.’
એનો ખભો થપથપાવતાં એમણે કહ્યું : ‘Look, when you are in travel, ticket collector needs your ticket to punch. He cannot punch your words.’ પ્રો. સન્યાલની આટલી સચોટ વાત સાંભળ્યા પછી પેલા વિદ્યાર્થીએ કશી દલીલ ન કરી.

તેમનું વ્યક્તિત્વ વિશિષ્ટ. સ્વચ્છતા અને સુઘડતાના જાણે તેઓ પર્યાય. સૂટ-બૂટ અને ટાઈ સિવાયના પોષાકમાં અમે એમને કદી જોયા નહોતા. અક્ષરો એટલા સુંદર કે એની પરથી નજર ન હટે. નિયમિતતા અને શિસ્તના અત્યંત આગ્રહી હોવા છતાં વખત આવ્યે એમાં બાંધછોડ પણ કરતા. અમારી પ્રયોગશાળાનો એક કર્મચારી ખૂબ ચપળ અને હોશિયાર. પોતાની આગવી સૂઝ-બૂઝથી રસપૂર્વક એ પોતાનું કામ કરતો.
‘લાવો, આ નવું આવેલું સાધન કેવી રીતે કામ કરે છે તે હું તમને બતાવું.’
‘મીટર બગડી ગયું છે ? ચિંતા ન કરો, હું હમણાં રીપેર કરી આપીશ.’ સૌ કોઈને મદદ કરવા તત્પર રહેતો એ કર્મચારી નવશીખીયા પ્રોફેસરો કરતાં ઘણો હોશિયાર હોવા છતાં યોગ્ય લાયકાત ન હોવાને કારણે તેને પ્રમોશન નહોતું મળતું. પ્રો. સન્યાલે જાતે રસ લઈ, ખટપટ કરીને એને પ્રમોશન અપાવ્યે છૂટકો કર્યો. પછી હસતાં હસતાં કહે, ‘સારું કાર્ય કરવા માટે કોઈ વાર આડવાટ લેવી પડે તો લેવાની, એમાં વાંધો નહીં. પણ હા, એમાં આપણો સ્વાર્થ ન હોવો જોઈએ.’

ઈલેક્ટ્રોમેગ્નેટીક થિયરી જેવો જટિલ અને ગંભીર વિષય તેઓ એટલી સરસ રીતે ભણાવતા કે એમનો એક પણ પીરીયડ વિદ્યાર્થીઓ ન ગુમાવતા. ભણાવતી વખતે એમના અવાજમાં આવતા ઉતાર-ચઢાવ અને બદલાવને કારણે અમે સૌ એમને ખાનગીમાં ‘અમીન સયાની’ કહેતા. તેઓ ક્યાંય પણ મળી જાય તો પ્રેમથી એક હાથ ખભે મૂકે અને બીજા હાથથી આપણો હાથ પકડી લે. એમના આવા સ્નેહભર્યા વ્યવહારથી દરેકને આત્મીયતાનો અનુભવ થયો. ક્યાંય મોટાઈ નહીં, અકડાઈ નહીં, કેવળ પ્રેમભાવ. મોટેભાગે સીનિયર પ્રોફેસરોનું વર્તન એવું રહેતું કે, કામ બધું વિદ્યાર્થીઓ પાસે કરાવે અને જશ પોતે ખાટે. કહેવત છે ને કે, ‘લડે સિપાઈ ને નામ સરદારનું.’ પણ પ્રો. સન્યાલે હંમેશા મારા જેવાને આગળ કર્યા છે. રિવ્યૂ કમિટી સામે તેઓ ‘મારો જમણો હાથ’ કહીને મારી ઓળખાણ કરાવતા. વી. એન.આઈ.ટી. નાગપુરના ડાયરેક્ટર પદે મારી નિમણૂક થઈ અને આઈ.આઈ.ટી. ખડગપુર છૂટ્યું. હમણાં ત્રણેક વર્ષ પહેલાં કલકત્તા જવાનું થયેલું. ત્યાંથી ખડગપુર બે-અઢી કલાકના રસ્તે. વર્ષો થયાં પ્રો. સન્યાલને મળી નહોતું શકાયું. એમની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા રહેતા. થયું, અહીં સુધી આવ્યો છું તો ખડગપુર જઈને એમને મળી આવું.

પ્રો. સન્યાલ હૉસ્પિટલના આઈ.સી.યુ.માં હતા. શ્વાસની તકલીફથી પરેશાન હતા. મેં કહ્યું, ‘સર, હું વિજય.’ એમણે પહેલાંની જેમ જ મારો હાથ પકડી લીધો અને એ સાથે જ ત્રીસ વર્ષનો સમયગાળો વચ્ચેથી એક પળમાં જ સરી પડ્યો. ‘હા, વિજય મનોહર પાંઢરીપાંડે, રાઈટ ? તું 1974માં એમ.ટેક. થયેલો નહીં ? ને તેં 1978માં પી.એચ.ડી. માટેનો થીસીસ સબમીટ કરેલો કેમ ?’

એમની યાદશક્તિથી હું તાજ્જુબ થઈ ગયો. પણ જેમને હંમેશા કોટ-પેન્ટ-ટાઈમાં સજ્જ જોયેલા એ સરને હૉસ્પિટલના ડ્રેસમાં અસ્તવ્યસ્ત પડેલા જોઈ મારું મન ભરાઈ આવ્યું. એમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. પણ ચહેરા પર સ્મિત હતું. ‘કેટલું સારું લાગે છે ! આટલાં વર્ષો પછી પણ તું યાદ કરીને મળવા આવ્યો.’ ફરીથી એમણે મારો હાથ હાથમાં લીધો, લાગણીપૂર્વક દબાવ્યો, ‘તારી પ્રગતિ જોઈને મને ખૂબ આનંદ થાય છે. સુખી થાવ.’ ફરીથી ભાવવિભોર થઈને કહેવા લાગ્યા, ‘જો મારી એક વાત યાદ રાખજે. Do not solve problems. Always attempt difficult problems. Because, simple problem anybody can solve, but difficult problems only few people like you can attempt. જા, ભગવાન તેરા ભલા કરેગા.’ મેં એમના ચરણસ્પર્શ કર્યા અને શ્રદ્ધાથી એમને નમન કરી વિદાય લીધી. બસ, એ હતી અમારી અંતિમ મુલાકાત.

આવા હતા અમારા પ્રો. સન્યાલ. મારા ગુરુના ગુરુ-મહાગુરુ, દાદાગુરુ. એ ગયા 7 જુલાઈએ અને 15 જુલાઈએ આવનારી ગુરુપૂર્ણિમા નિમિત્તે મેં એમને કેન્દ્રમાં રાખીને લખેલા લેખનાં પાનાં પંખાની હવાથી ફરફરી રહ્યાં છે. થાય છે, કાશ ! તેઓ આ લેખ વાંચીને ગયા હોત તો ?
(ડૉ. વિજય પાંઢરીપાંડેની મરાઠી સત્યઘટનાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મારા દાદાગુરુ – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.