જાણીતા વિજ્ઞાની ડૉ. પંકજ જોષી સાથે મુલાકાત – મૃગેશ શાહ

[dc]ઘૂ[/dc]ઘવતા સમુદ્ર કિનારે આવેલો મુંબઈનો કોલાબા વિસ્તાર. દરિયા કિનારા પાસેના મોટા ખડકોની બાજુમાં આવેલી નાનકડી પગદંડી અને તેની પાસે આવેલા નાળિયેરીના વૃક્ષોની આચ્છાદિત ઘાસનાં મેદાનો. અવાજમાં માત્ર પક્ષીઓના ટહુકાઓ. મનને આહ્લાદિત કરે એવો શીતળ હવાનો સંસ્પર્શ. આ પરિસર છે ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’નું અને મારી સાથે છે ગુજરાતી ભાષા સાથે નિસ્તબ ધરાવતા દેશના અગ્રણી વૈજ્ઞાનિકોમાંના એક આપણા પંકજભાઈ જોષી. (તસ્વીર સૌજન્ય :  શ્રી હસમુખ ચૌહાણ)

થોડા દિવસો અગાઉ આકસ્મિક રીતે મુંબઈમાં પંકજભાઈને મળવાનું થયું અને ચારેક કલાકની અમારી આ અંગત મુલાકાત દરમિયાન ઘણી બધી બાબતો વિશે તેમના મંતવ્યો જાણવાની તક મળી. તેમના કાર્યને નજીકથી જોવાનો લ્હાવો તો મળ્યો જ પણ તે સાથે તેમના સ્વભાવની નમ્રતા અને સરળતા પણ સ્પર્શી ગયાં. ‘વૈજ્ઞાનિક’ શબ્દ બોલતાંની સાથે ગંભીર અને જાણે કોઈ પરગ્રહવાસી, દુનિયાદારીથી અલિપ્ત અને અતડાં રહેનાર હોય એવી વ્યક્તિની છાપ ક્યારેક આપણા મનમાં ઊભી થતી હોય છે. ડો. પંકજ જોષીને મળતાં આ છાપ ખોટી પડે છે. સદા આનંદિત અને પ્રસન્ન મુદ્રામાં રહેતા પંકજભાઈ આપણને આપણા મિત્ર સમાન લાગે છે. પોતાના ક્ષેત્રમાં થયેલા અવનવા સંશોધનોની અઘરામાં અઘરી લાગતી વાત આપણને રૂની પૂણીની જેમ હળવીફૂલ રીતે સમજાવી દે છે ! ગુજરાતી ભાષા અને આવનારી પેઢીની તેમને ચિંતા છે અને તેથી પોતાનાથી થઈ શકે એટલું પોતાની રીતે તેઓ સતત કરતાં રહે છે. રીડગુજરાતીના ઈતિહાસમાં સૌથી વધુ પ્રતિભાવો મેળવનાર તરીકે અગાઉ પ્રકાશિત થયેલો તેમનો લેખ ‘ગુજરાતીને ખતમ કરીશું ?’ – એ અનેક દષ્ટિએ ચર્ચામાં રહ્યો છે અને સમાજમાં વિચાર વલોણું થાય એ માટે નિમિત્ત બન્યો છે.

તેઓ જ્યાં કાર્ય કરે છે તે ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ એ ભારત સરકારનું એક ઉપક્રમ છે અને ‘ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી’ હેઠળ કાર્ય કરે છે. આ સંસ્થા માસ્ટર્સ અને પી.એચ.ડી અભ્યાસક્રમો તો ચલાવે જ છે પરંતુ તે સાથે ભૌતિક વિજ્ઞાન (Physics), રસાયણ વિજ્ઞાન (Chemistry), જીવ વિજ્ઞાન (Biology) તથા કોમ્પ્યુટર સાયન્સ, ગણિત વગેરેમાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. મુંબઈ ઉપરાંત પૂના, બેંગ્લોર અને હૈદ્રાબાદ ખાતે તેના કેમ્પસ આવેલાં છે. ડૉ. પંકજભાઈ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કરીને અહીં ખગોળશાસ્ત્રના વરિષ્ઠ પ્રાધ્યાપક (Senior Professor) અને સંશોધક તરીકે સેવા આપે છે. તેમનો મુખ્ય વિષય છે : ‘Gravitation and cosmology’. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ઓક્સફોર્ડ પ્રેસે ‘International series of Monographs on physics’ શ્રેણી હેઠળ તેમનું ‘Global aspects in Gravitation and Cosmology’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે જ્યારે ‘Cambridge monographs on mathematical physics’ શ્રેણી હેઠળ તેમનું ‘Gravitational Collapse and Spacetime Singularities’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. અમેરિકાના ‘ટાઈમ’ સામાયિક જેટલું વિજ્ઞાન ક્ષેત્રે સુપ્રસિદ્ધ સામાયિક છે ‘Scientific American’; જેના ફેબ્રુઆરી-2009ના અંકમાં પંકજભાઈના સંશોધન ‘Naked Singularities’ ને કવરસ્ટોરી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમનો આ લેખ જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ સહિત વિશ્વની 17 જેટલી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અનુવાદિત થયો છે અને ઈન્ટરનેટ પર વ્યાપક પ્રમાણમાં ચર્ચાતો રહ્યો છે.

મધ્યાહ્ને આ કેમ્પસના દરિયા કિનારે ટહેલતાં તેમના સંશોધન અંગે થયેલી વાતોમાં તેમણે જણાવ્યું કે, ‘સામાન્ય ક્રમે પ્રમાણમાં નાના તારાઓની અંદરનું પરમાણું ઈંધણ જ્યારે ખૂટી જાય છે ત્યારે ગુરુત્વબળ દ્વારા તારાઓનું સંકોચન થવા લાગે છે અને લાખો કિલોમીટરનો આ ગોળો કદમાં નાનો ને નાનો થવા લાગે છે. બળતણ ખૂટતાં તે નાનો થઈને શ્વેત વામન (વ્હાઈટ ડવાર્ફ) બની જાય છે. જો તારો વજનદાર હોય અને સૂર્ય કરતાં ત્રણ થી ચાર ગણો ભારે હોય તો એ શ્વેત વામન બનવાને બદલે સંકોચન થયા બાદ ન્યુટ્રૉન તારક બની જાય છે. આ કિસ્સામાં, તારાના ગર્ભનું સંકોચન થતાં બહારનાં પડોને જબરજસ્ત ધક્કો લાગે છે અને તેઓ પ્રકાશિત થઈ દૂર ફેંકાઈ જાય છે. આ ઘટનાને ‘સુપરનોવા’ વિસ્ફોટ કહે છે. આવા ન્યુટ્રૉન તારકની ત્રિજ્યા માત્ર પંદરથી વીસેક કિલોમીટર જેટલી હોય છે, પણ તેનું દ્રવ્ય એટલું વજનદાર હોય છે કે એક લિટરના ડબ્બામાં દસ લાખ અબજ કિલોગ્રામ જેટલું તેનું વજન થાય !’ આ વિષયને વધારે ખોલતાં તેઓ સમજાવે છે કે, ‘સૂર્ય કરતાં દસગણા, વીસ કે ત્રીસગણા અથવા આથીયે વજનદાર લાખો તારાઓ વિશ્વમાં દેખાય છે. જ્યારે આવા તારાઓનું બળતણ ખલાસ થાય ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા તેમનું સંકોચન શરૂ તો થશે પણ તેઓ આ સંકોચનના અંતે શ્વેત વામન અથવા ન્યુટ્રૉન તારકો જેવી સ્થિર અવસ્થા પ્રાપ્ત નહીં કરી શકે. તેમનું સંકોચન, કદમાં વધુ ને વધુ નાના બનતા જવાની ઘટના, ચાલુ જ રહેશે કારણ કે તારાની અંદરનાં કોઈ જ બળો ગુરુત્વ સંકોચનનો સામનો નહીં કરી શકે, જ્યારે તારો આટલો વજનદાર હોય ત્યારે. આ વાત ગણતરીઓથી સાબિત થઈ છે. આવા મહાકાય વજનદાર તારાઓમાં પરમાણુ-પ્રક્રિયાઓ ભારે ઝડપથી ચાલે છે, તેઓ ખૂબ બળતણ વાપરે છે અને મોટા પ્રમાણમાં ગરમી તથા પ્રકાશ બહાર ફેંકે છે. આના કારણે આવા તારાઓનું આયુષ્ય સૂર્ય જેવા નાના તારાઓના જીવન કરતાં ઘણું ઓછું હોય છે. આપણો સૂર્ય તો હજુ પાંચેક અબજ વર્ષ જીવશે અને ગરમી તથા પ્રકાશ આપ્યા કરશે, જ્યારે આવા વજનદાર તારાઓ તો માત્ર એક કે બે કરોડ વર્ષોમાં તેમનું જીવન પૂરું કરે છે. આથી જ આવા તારાઓનું મૃત્યુ થતાં તેમનું શું થાય તે પ્રશ્ન ખગોળવિજ્ઞાન તથા વિશ્વવિજ્ઞાન (કૉસ્મોલૉજી)માં ભારે મહત્વનો બની ગયો છે. ટૂંકમાં, મહાકાય તારકોની અંતિમ અવસ્થા વિશેનું સંશોધન આપણને અનેક રસપ્રદ તથા ઉત્તેજનાપૂર્ણ ભાવિ શક્યતાઓ તરફ દોરી જાય છે. એવી વ્યાપક માન્યતા ઘણાં વર્ષો સુધી હતી કે વિરાટ તારાનું મૃત્યુ થાય ત્યારે માત્ર બ્લૅક હોલનું જ સર્જન થાય. પણ હવે નવી શક્યતા એ બહાર આવી છે કે આવા તારાની અંતિમ અવસ્થા રૂપે એક અતિ તેજસ્વી, શક્તિથી ભરપૂર અગ્નિગોલક પણ રચાઈ શકે, જેના દ્વારા સમગ્ર તારાનું દ્રવ્ય એક મોટી વિસ્ફોટક ઘટનામાં બ્રહ્માંડમાં બહાર ફેંકાઈ જાય. આ બધો મારા કાર્ય તથા સંશોધનનો વિષય છે.’

[stextbox id=”info” caption=”ટેલિસ્કોપ” float=”true” align=”right” width=”300″]તારાઓના અભ્યાસ માટે તથા તે અંગેના ચિત્રો અને માહિતી મેળવવા  માટે અનેકવિધ દૂરબીનો તથા સાધનોનો વિકાસ થયો છે. આવું જ એક દૂરબીન છે  ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’. પૃથ્વી પરથી અવલોકન કરતાં વાતાવરણ, વાદળ વગેરે ખલેલ પહોંચાડી શકે છે જ્યારે બાહ્યાવકાશમાં ઉપગ્રહોમાં મૂકવામાં આવેલા આ દૂરબીનો દ્વારા કોઈ પણ પ્રકારના અંતરાય વગર ચોક્કસ માહિતી મેળવી શકાય છે. આવા એક દૂરબીનને, વિજ્ઞાની ચંદ્રશેખરના નામ પરથી ‘ચંદ્ર દૂરબીન’ તેવું નામ અપાયું છે.  અહીં તેની તસ્વીર આપવામાં આવી છે.[/stextbox]

 

 

 

 

પંકજભાઈના રસનો વિષય એ પણ છે કે કેમ કરીને ગુજરાતી ભાષા અને વાંચન યુવા પેઢી સુધી પહોંચી શકે. તેઓ કહે છે કે : ‘આજનો યુવાવર્ગ ઘણો સ્ટ્રેસમાં જીવે છે. શાળા-કૉલેજોમાં એમને કડક નિયમોના બંધનોમાં જકડીને તાણ ઊભી કરવામાં આવે છે અને બીજી તરફ સંવાદના અભાવે ઘરના સભ્યો તેની આંતર પીડાને સમજી શકતા નથી.’ તેમનું માનવું છે કે આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે સંવાદ સાધી શકતા નથી. કદાચ માતાપિતા પાસે સમય નથી અથવા તો તેઓ વચ્ચે વાતચીતનો કોઈ કૉમન વિષય નથી. વિદ્યાર્થી અને માતાપિતાની દુનિયા જાણે અલગ બની ગઈ છે ! માતૃભાષાનું મહત્વ ઘટી રહ્યું છે અને અંગ્રેજીના નામે શિક્ષણ વ્યાપારીકરણ તરફ ધસતું જાય છે. આમાં અંગ્રેજીનું મહત્વ જરાય ઓછું આંકવાની વાત નથી. આજના યુગમાં સારું અંગ્રેજી તો શીખવું જ જોઈએ તેમ તેઓ કહે છે, પરંતુ માતૃભાષાનું માધુર્ય અને સૌંદર્ય શું છે તેનો પરિચય પણ બાળકોને મળવો જ જોઈએ અને તે પણ તેની બાલ્યાવસ્થામાં જ. જો આમ ન થાય તો આપણે બાળકને આપણી ભાષાની અપૂર્વ સંપત્તિ અને વારસાથી વંચિત કરી દઈએ છીએ, એમ તેમનું માનવું છે. વાંચન અત્યંત ઘટતું જાય છે જે સૌથી ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થી ટીવી અને ચલચિત્રો દ્વારા અદ્યતન જ્ઞાન પ્રાપ્ત કરે એ તો બરાબર વાત છે પરંતુ એની સામે વાંચનને કેમ ભૂલી શકાય ? હાથમાં એક પુસ્તક લઈને કલાકો સુધી કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાનો આનંદ પણ અનેરો હોય છે. પંકજભાઈ કહે છે કે ‘અંગ્રેજી માધ્યમમાં ભણનારાઓ પણ ઘરમાં વાત તો ગુજરાતીમાં જ કરતાં હોય છે.’ તક મળ્યે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને પંકજભાઈ સતત મળતાં રહે છે અને એમની માનસિકતાને સમજવાની કોશિશ કરે છે. કેળવણી અને ભાષા બાબતે પોતાના વિચારો તેમના સુધી પહોંચાડે છે. પોતાના આ અનુભવથી તેઓ સ્પષ્ટ કહેવા માંગે છે કે, ‘ભાષા બાબતે આજે અનેક કામો થઈ રહ્યાં છે જે આનંદની વાત છે પરંતુ તે કોઈ એક ચોક્કસ વિસ્તાર કે વિષયના સંદર્ભે છે. ધારો કે કોઈ એક ગામમાં 25-50 વિદ્યાર્થીઓ વાંચતા થયા હોય અથવા કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સાહિત્યનો કૅમ્પ કરે તો એ બધી ઘણી સારી બાબત કહી શકાય પરંતુ એમના સિવાય આખા રાજ્યમાં ફેલાયેલા અને સતત અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષાતા અને ધકેલાતા હજારો-લાખો વિદ્યાર્થીઓનું શું ? અંગ્રેજીને મહત્વ ચોક્કસ આપીએ પરંતુ તેની પાછળ ગાંડા થવાની જરૂર નથી ! જો બાળકનો સાચો અને સમતોલ વિકાસ તમારે કરવો હોય તો માતૃભાષા અને અંગ્રેજીનું સુંદર સંયોજન અને બેલેન્સ કરવું જ પડશે. આ કંઈ માત્ર હું નથી કહી રહ્યો પરંતુ દુનિયાના મોટા કેળવણીકારોએ પણ આ જ વાત કરી છે. જો આમ નહીં કરીએ તો બાળકની સર્જન શક્તિ સાવ હણાઈ જશે.’ આ બાબતની વધુ સ્પષ્ટતા કરતાં તેઓ જણાવે છે કે : ‘ભાષાના વિજ્ઞાનનું એક સાવ સાદું અને સાબિત થયેલું સત્ય એ છે કે બાળક જે ભાષાના વાતાવરણમાં જન્મ્યું હોય, જે ભાષા સાંભળતું જન્મથી મોટું થતું જતું હોય, એ જ ભાષામાં તેનું પ્રાથમિક શિક્ષણ શરૂ થવું જોઈએ. જો આ ન થાય તો તે મોટો માનસિક આઘાત સર્જે છે, એક વિસંવાદિતા અને Discontinuity તેના માનસમાં પેદા થાય છે, જે તેના ભાવી વિકાસને કાયમ માટે અસર કરે છે. આ વૈજ્ઞાનિક સત્ય છે જેને યુનેસ્કો અને બીજા અનેક વૈજ્ઞાનિક અભ્યાસોએ સૂચવ્યું તથા સાબિત કર્યું છે. તેમાં અંગ્રેજી, ગુજરાતી કે આવી કોઈ વાત આવતી નથી…. બીજા શબ્દોમાં કહીએ તો, જો બાળકને કોઈ પણ કારણે અંગ્રેજીમાં જ શિક્ષણ શરૂ કરવું એવું ગુજરાત માનતું હોય તો અને જો બાળકનું ભલું ઈચ્છતા હોઈએ તો આપણે ગુજરાતમાં માતૃભાષા અંગ્રેજી કરી નાખવી જોઈએ તેવો અનેક વૈજ્ઞાનિક અભ્યાસોનો ફલિતાર્થ થાય છે.’

[stextbox id=”info” caption=”આ પણ ગમશે…” float=”true” width=”300″] ‘Science News Review’ માં પ્રકાશિત થયેલો લેખ ‘Click Here
જર્મન સામાયિક ‘Telepolis’ માં જર્મની ભાષામાં પ્રકાશિત થયેલો લેખ : ‘Click Here‘ (Use google translate)[/stextbox]

જે તરફ લોકોના ટોળા ધસી જાય છે એ તરફ પછી વ્યાપારની શરૂઆત થઈ જાય છે. શિક્ષણ ક્ષેત્રે કંઈક એવું બની રહ્યું છે. શિક્ષણ જો કેળવણી ના આપી શકે તો પછી એને શિક્ષણ કઈ રીતે કહી શકાય ? કેળવણી મહત્વની બાબત છે. એક જાણીતા ફિલ્મ દિગ્દર્શકને પંકજભાઈએ પૂછ્યું કે, ‘તમે તો આટલી ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવી હતી પરંતુ હવે સદંતર એમાં આવો વળાંક કેમ ? મનોરંજનનું સ્તર સાવ આ પ્રકારે નીચું કેમ રાખવું પડે છે ?’ દિગ્દર્શકે પોતાના અનુભવની વાત કહી કે, ‘હવે અનેક લોકો ઘરે ફિલ્મો જોઈ શકે છે. વડીલો અને સમાજનો વ્યસ્તવર્ગ થિયેટરોમાં આવવાનું ટાળે છે. થિયેટરોમાં કૉલેજ અને યુવાવર્ગનો વધારે ધસારો રહે છે. એથી છેવટે એમને ગમે એ જ પીરસવું પડે છે અને તો જ ફિલ્મ ચાલી શકે છે. આખરે અમારે પણ કમાવવાનું છે ને !’ આવી જ વાત શિક્ષણની છે. જેની માંગ છે એવું પીરસાય છે. પરિણામે જે આખા જીવનનું ઘડતર કરી શકે એવું આ શિક્ષણરૂપી સાધન – માત્ર રોજીરોટી પૂરી કરવાનું અને પૈસા કમાવવાનું માધ્યમ બની જાય છે. આ સંવેદના પંકજભાઈ સતત અનુભવી રહ્યાં છે.

ભાષા-સાહિત્ય અને વિજ્ઞાનની આવી વાતો કરતાં કરતાં અમે આ ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યાં છે. ડૉ. હોમી ભાભા જ્યાં બેસતાં હતાં તે રૂમની મુલાકાત લીધા બાદ જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા હાલ જ્યાં મિટિંગ કરે છે તે હોલ સહિત કેમ્પસના અન્ય વિસ્તારો અને કેન્ટીન વગેરે જોયાં. વાતનો તંતુ આગળ વધારતાં તેઓ કહે છે કે : ‘અંતે તો ભાષા-સાહિત્ય અને વિજ્ઞાન સહિત બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. છેવટે એ બધું જ જીવન સાથે સંકળાયેલું છે અને મહત્વનું તો જીવન જ છે !’
‘પંકજભાઈ, સાહિત્યમાં સર્જક એમ માને છે કે અમુક ઉત્તમોત્તમ કૃતિ એ એનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે. એના સર્જનનો એ અપાર આનંદ અનુભવે છે. આપ એક વિજ્ઞાની તરીકે એવો આનંદ ક્યારે અનુભવો છો ?’ એવા પ્રશ્નના જવાબમાં તેઓ એક જ શબ્દ કહે છે : ‘પ્રત્યેક પળે !’ સહજ સ્મિત સાથે નિખાલસતાથી તેઓ જણાવે છે કે, ‘એવો આનંદ પ્રત્યેક પળે તો મળે જ છે. તે છતાં ‘સાયન્ટિફિક અમેરિકન’ જેવા સામાયિકમાં કે ઑક્સફોર્ડ કે કેમ્બ્રિજ દ્વારા જ્યારે નોંધ લેવાય છે, તેમની સર્વોત્તમ સંશોધન શ્રેણીઓમાં આપણું કાર્ય મૂકાય છે ત્યારે આપણને આપણા કાર્યનો એક સંતોષ થતો હોય છે. મૂળ વાત એ છે કે સંશોધનનો આનંદ સર્વશ્રેષ્ઠ બની જાય એ કામ થવું જોઈએ. સાહિત્યની જેમ વિજ્ઞાનમાં પણ કેટલાક લોકો પોતાના કાર્ય દ્વારા પ્રસિદ્ધિ મેળવીને પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં કામ કરતાં હોય છે પરંતુ મારા જેવા માટે પ્રસિદ્ધિ કરતાં પોતાના કાર્યમાં અત્યંત રસથી ઓતપ્રોત રહેવું એ જ મુખ્ય બાબત છે. સમાજ એવા કાર્યોની મોડી-વહેલી નોંધ લેતો જ હોય છે, એથી પ્રસિદ્ધિનો કોઈ પ્રશ્ન જ નથી. છેવટે તો જીવનમાં આનંદ એ જ મહત્વની વાત છે ને ? માન-સન્માન-પ્રસિદ્ધિ – આ બધું જ છેવટે તો આનંદ મેળવવા માટે જ લોકો કરતા હોય છે ને ? તો પછી તમને તમારા કાર્યમાંથી જ આનંદ મળી જાય તો પછી બીજું શું જોઈએ ?’

પંકજભાઈ માટે પ્રસિદ્ધિનો કોઈ જ પ્રશ્ન નથી પરંતુ આપણા માટે ગૌરવની વાત એ છે કે તેમના સંશોધનો જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગથી લઈને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબ સુધી અનેક વૈજ્ઞાનિકોમાં પ્રસિદ્ધ બન્યાં છે. તેમની વાતને એક સ્લાઈડ રૂપે રજૂ કરતાં કલામ સાહેબ કહે છે કે : What will you be rememberd for ? Would you be remembered for evolving robust laws of physics which would hold in situations quantum-gravity building on the concept of Naked Singularity as slibings to black hole, as proposed by your professor Pankaj Joshi ? બીજી તરફ, હોલીવુડની જાણીતી મૉડલ અને અભિનેત્રી એન્જેલા શેલ્ટોન ‘Do you belive in the black hole ?’ એમ કહીને પંકજભાઈના લેખને પોતાના બ્લોગ પર ટાંકે છે.

પંકજભાઈ સાથેની આ મુલાકાત આપણને કૉસ્મોલોજી અને તારાઓની દુનિયાના અગોચર વિશ્વની સફર કરાવે છે. તેમની સહજ વાતચીત આપણને વિષયમાં રસ લેતાં કરી દે છે. તેઓ કહે છે : ‘આપણે સતત અને મોટા ભાગે આપણી દુનિયામાં જ ફસાયેલા અને મૂંઝાયેલા હોઈએ છીએ ! પણ વિશાળ બ્રહ્માંડના અદ્દભુત રહસ્યોમાં જો રસ લઈએ, તેને જોઈએ-જાણીએ, તો આપણા મનમાં એક વિશાળતા છવાઈ જાય છે. આપણા દુન્યવી પ્રશ્નો અને રાગ-દ્વેષમાંથી બહાર નીકળવાનો આ એક માર્ગ બની જાય છે. વિજ્ઞાન કે બ્રહ્માંડ એટલે બીજું કશું નહીં પણ આ વિશાળ અને સુક્ષ્મ વિશ્વને જોવું-સમજવું એ જ. અને એ માટે થોડો પ્રયત્ન કરો તો પણ તે તમને તમારા વ્યક્તિત્વના કુંડાળામાંથી બહાર મૂકી દે છે !’ દેશ-વિદેશમાં આજે ઘણાં લોકો આ બાબતે રસ લેતાં થયાં છે. ‘તારાસૃષ્ટિ’ અને ‘બ્રહ્માંડ-દર્શન’ નામના તેમના ગુજરાતી પુસ્તકો અનેક આવૃત્તિઓ સાથે હજારો વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યાં છે. તેમને સાંભળવા તે એક લ્હાવો છે. સમીસાંજે તેમની વિદાય લેતાં એક વિચાર મનમાં આકાર લઈ રહ્યો હતો કે ગુજરાતી સાહિત્યમાં જો આ રીતે અવનવા વિષયો ઉમેરાતાં જશે તો ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉત્તરોત્તર ચોક્કસ ઉજ્જવળ બનતું જશે. ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ને સલામ અને ડૉ. પંકજભાઈ જોષીને નમસ્કાર. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

43 thoughts on “જાણીતા વિજ્ઞાની ડૉ. પંકજ જોષી સાથે મુલાકાત – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.