નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય

[ ‘અસ્મિતાપર્વ : 15’ ના આ વધુ એક વક્તવ્યને શબ્દસ્થ કરીને અહીં સંક્ષેપરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com  આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.]

[dc]ન[/dc]મસ્કાર.
એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી હતી. તેમણે કહ્યું કે ‘કાલથી ‘સંદેશ’માં આવી જા પરંતુ એક શરત છે : હાલમાં સુનીલ ગવાસ્કર અહીં અમદાવાદમાં છે. જા…, ઈન્ટરવ્યૂ કર. જો તું ઈન્ટરવ્યૂ લઈને આવે તો તારી નોકરી પાક્કી….’ મારે કોઈ ઓળખાણ નહીં. મારા પિતા દિગંત ઓઝા તો મદદ કરે જ નહિ, એવું નક્કી જ હતું. ત્યાંથી એક યાત્રા શરૂ થઈ. એને સંઘર્ષ ગણો તો સંઘર્ષ, સર્જન ગણો તો સર્જન અને સમજદારી ગણો તો સમજદારી…. આવો એક પ્રવાસ શરૂ થયો અને આજે તમારી સામે આવીને ઊભી છું.

સવાલ છે સ્ત્રીની સંવેદના અને લોકપ્રિયતા. મારી અગાઉના વક્તા જયભાઈની વાત જ્યાંથી પૂરી થાય છે ત્યાંથી મારી વાત શરૂ થાય છે. પ્રામાણિકતા સ્ત્રીના સર્જનમાં બહુ જવલ્લે જ જોવા મળે છે. આ આક્ષેપ નથી, આ કબૂલાત છે. સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે સ્ત્રી સર્જકો કેમ પ્રામાણિકપણે લખતા નથી ? એનું કારણ એ છે કે સ્ત્રીના તમામ લેખનમાં આત્મકથાનો ટૂકડો શોધવામાં આવે છે. મારા લેખન વિશે વાત કરું તો હું ક્યારેય કયા કોસ્મેટિક્સ વાપરવા અને કેવા સ્કર્ટ પહેરવા એ વિશે લખતી નથી. હું સાડી પહેરું છું એ મારા સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ મને ગમે છે એટલે પહેરું છું. હું Feminist નથી, હું Feminine છું અને મારે એમ જ લખવું છે. મારે સ્ત્રી પરત્વે લખવું છે. સ્ત્રીના મનની વાત લખવી છે.

બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી.વી.થી શરૂ કરીને પામટોપ અને સ્લાઈડિંગ ફોન અમારી પેઢીએ જોયા છે. આ ટ્રાન્સ્ઝિશનનો સમય છે અને એ સર્જનનો શ્રેષ્ઠ સમય પુરવાર થયો છે. મને તો ખરેખર એમ હતું કે બહુ કોમ્પિટિશન મળશે પરંતુ હકીકતે એમ નથી થયું. હું લોકપ્રિય છું કારણ કે મારી સાથે દોડમાં કોઈ છે જ નહિ ! હું એકલી જ દોડું છું. એવા લોકપ્રિય સર્જકો જ મારી સાથે ક્યાં છે, જેની સાથે ઊભા રહીને મારે મારી જાતને સાબિત કરવાની હોય ? ચારમાંથી કયું પુસ્તક ખરીદવું એમ જ્યારે નક્કી કરવાનું હોય અને વાચક તમારું પુસ્તક ખરીદે તો તમે લોકપ્રિય છો એમ કહી શકાય. હું કોલમ નથી. હું નવલકથાકાર છું, મારી રીતે અને મારી જગ્યાએ… હું ટેલિવિઝન છું અને એટલે જ તો તમારા ઘરમાં ઘૂસી જાઉં છું અને તમારે મને જોવી જ પડે છે. ‘મોટીબા’ હોય કે ‘એક ડાળના પંખી’ હોય કે ગમે તે. ‘ચિત્રલેખા’ સાથે હું મફત આવું છું ! એવા આ સમયમાં વાચક ક્યાંક થોડું વાંચીને જો બીજા પ્રકરણની રાહ જોતો થાય છે તો મેં ક્યાંક કશું કર્યું છે એવું મને માનવાની છૂટ છે.

હું એ ગૃહિણી માટે લખું છું જે દિવસનું કામ પરવારીને નિરાંતે પોતાનું રસોડું આટોપીને સહેજ તડકો આવતો હોય ત્યાં સોફા પર પગ લંબાવી ‘મધુરિમા’ ખોલે છે અથવા તો ‘ચિત્રલેખા’ ખોલે છે. હું કોઈ જ્ઞાનની વાતો લખવામાં વિશ્વાસ કરતી જ નથી અને હું કોઈ જ્ઞાન આપવા માંગતી નથી કારણ કે મારી પાસે છે જ નહિ. મારે સિમ્પલ લખવું છે. ‘મળ્યું’ એમ શબ્દ લખવાથી ચાલે તો ‘પ્રાપ્ત’ થયું એવો શબ્દ નહીં લખું. મારે સાદુ લખવું છે. મારે એવા લોકો માટે લખવું છે જે લોકો ખરેખર ગુજરાતી વાંચે છે, વાંચવા માંગે છે અને વાંચતા રહેવા માંગે છે. મારો પુરુષવાચક એ છે કે જેણે ઘણું કહેવું છે. જેની પત્નીએ એના પર વર્ષો સુધી દાદાગીરી કરી છે એવા ભય હેઠળ એણે પત્નીને સહન કરી છે કારણ કે જો એ જતી રહેશે અથવા અમુક રીતે વર્તશે તો મારા માબાપનું ધ્યાન કોણ રાખશે ? છોકરા મોટા થઈ ગયા છે એટલે તાયફો નથી કરવો – આ મારો પુરુષવાચક છે. મને કોઈ સુફીયાણી કથાઓ કરવામાં રસ નથી અને હું એમ માનું છું કે આ લખાણ, અગાઉ જયભાઈએ કહ્યું એમ, સીધું દિલથી આવે છે અને દિલ સુધી પહોંચી જાય છે. હું કોઈ આડંબર હેઠળ લખતી નથી. હું જે વિચારું છું, જે માનું છું, એવું જ લખું છું અને એવું જ જીવવાનો પ્રયત્ન કરું છું.

મને હમણાં જ એક દિવસ કોઈક કાર્યક્રમમાં એક જણે પૂછેલું કે ‘બેન, તમે આ બધું લખો છો એ તમારા વર વાંચે છે ખરા ?’ ત્યારે ખરેખર મેં મારા પતિ સંજયને ઘરે જઈને પૂછ્યું કે ‘આ જે બધું હું લખું છું એ તું વાંચે છે ?’ એટલે એણે કહ્યું કે ‘શેમાં લખે છે તું ?’ આ સત્ય છે અને આ વાક્ય ‘શેમાં લખે છે તું ?’ એ સ્ત્રીની સંવેદના છે. એણે પોતાનું સર્જન બે રસોઈની વચ્ચે, પતિ જાય પછી, છોકરાઓ પોતાની સ્કૂલે જતાં રહે અને એ લોકો પાછા આવે એની વચ્ચે કરી નાખવાનું હોય છે ! એના સર્જનનો ફક્ત આટલો જ સમય છે ! એમાં વચ્ચે કુરિયરવાળો આવે, એકાદ-બે ફોન આવે, અચાનક બે વણબોલાવેલા મહેમાનો આવે જે કદાચ જમીને જવાના હોય છે ! આની વચ્ચે સ્ત્રીએ લખવાનું છે… હું બહુ જ સદભાગી છું કે મારી પાસે પોતાની ઓફિસ છે. હું જુદા પ્રકારની લાઈફસ્ટાઈલમાં જીવું છું પણ આવું નસીબ દરેક સ્ત્રી સર્જકનું નથી. માટે જ, સ્ત્રીની સંવેદના જુદા અવાજ સાથે બહાર આવે છે. આ પીડાનો વિદ્રોહ છે કે વિદ્રોહની પીડા છે ત્યાંથી જ આ સવાલ શરૂ થાય છે.

સ્ત્રીની સ્વતંત્રતા એ એક અદ્દભુત કલ્પના છે પણ જ્યારે સ્ત્રી હાથ લંબાવીને પોતાની સ્વતંત્રતા માંગે છે ત્યારે એમાં આત્મકથાનો ટૂકડો શોધનારા એટલા બધા છે કે એ બિચારી ચૂંથાઈ જાય છે. દરેકને એવું જાણવું છે કે આ જે તમે લખ્યું છે એવું તમારી જિંદગીમાં થયેલું, બહેન ? એક પુરુષ લખતો હોય ત્યારે પત્ની બાળકોને કહે કે ‘શ..શ… અવાજ નહિ કરો, પપ્પા લખે છે…’ હું એક મારા જીવનનો જ પ્રસંગ કહું. બક્ષીબાબુ ગુજરી ગયા એના બે-ત્રણ દિવસ પહેલાં હું એમને ત્યાં ગઈ હતી. એ વખતે હું ત્રણ નવલકથા લખતી. બક્ષીબાબુએ મારા પતિ સંજયને કહ્યું કે ‘પત્ની ત્રણ નવલકથા એક સાથે લખતી હોય તો એક કપ ચા બનાવવી આપવી એમાં પૂણ્ય છે.’ એક સ્ત્રી તરીકે લખવાનું છોડી દેવું તો બહુ સરળ હોય છે. મેં દશ વર્ષ ન લખ્યું કારણ કે મારો પહેલો દીકરો સત્યજીત અઢી વર્ષનો, પડીને ગુજરી ગયો, એ સમયે હું કંઈ જ કરી શકતી નહોતી. એ પછી તથાગતનો જન્મ થયો અને મને એવો ફોબિયા કે હું એને એક મિનિટ છોડું નહિ. કંઈ થઈ જશે તો ? એ ફૂલટાઈમ પહેલીવાર સ્કૂલમાં જતો થયો ત્યારે મને સમજાયું કે મારે ખરેખર કંઈક કરવું પડશે. ત્યારે મારી પાસે થોડી ટૂંકીવાર્તાઓ હતી. એ લઈને હું પહેલીવાર બક્ષીબાબુ પાસે ગઈ અને કહ્યું કે મારે આ છપાવવી છે. એમણે કહ્યું મૂકી જા, હું વાંચીશ, જોઈશ અને જો મને ગમશે તો પ્રસ્તાવના લખીશ. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે આ 2005ની વાર્તાઓ છે. આ 2005ની સ્ત્રી તમારી સાથે વાત કરી રહી છે….

સ્ત્રી યુવાન લાગવા માંગે છે એટલે એમાં યુવાચેતના છે જ અને એને સમાજની નિસ્બત છે કારણ કે ઈતિહાસ એની આરપાર પસાર થાય છે. સ્ત્રી એ ઈતિહાસની વાહક છે. સંસ્કૃતિનો આખો ભાર એના ખભે મૂકી દેવાયો છે. આ સોસાયટીએ વર્ષોથી બધાને એવું શીખવ્યું છે કે સંસ્કૃતિમાં જે કંઈ થાય છે એ બધું સ્ત્રીની જવાબદારી છે ! એ મા છે, બહેન છે, પત્ની છે, ભાભી છે, કાકી છે… પણ એ વ્યક્તિ નથી ! સ્ત્રીને એમ કહેવામાં આવે છે કે બધા જ રોલ તમે કરો પણ જો તમે ઊભા થશો અને સવાલ પૂછશો તો તમારી હાલત દ્રોપદી જેવી થશે. બસ, પ્રશ્ન નહીં પૂછવાનો ! સ્ત્રી જ્યારે સવાલ પૂછે છે ત્યારે મહાભારત સર્જાય છે અને એવા સમયે સ્ત્રી ભરસભામાં પૂછે છે કે પહેલાં એની જાતને હાર્યા કે મને હાર્યા ? આપણને તો ગાડીની ચાવી ગાડીમાં રહી જાય તો પણ મનનું બેલેન્સ હાલી જાય છે જ્યારે ત્યાં તો ભરસભામાં એક રજસ્વલા સ્ત્રીના કપડાં ખેંચવામાં આવે છે અને તો પણ એ એનું બેલેન્સ જાળવી રાખે છે. એથી કહેવાનું મન થાય છે કે સ્ત્રી તો બુદ્ધિશાળી હતી જ. એને મિત્રતા પણ આવડતી હતી. એણે એક શબ્દ પર પાંચ લોકોને નિભાવ્યા. સવાલ માત્ર એટલો છે કે એને આ બધું પ્રોજેક્ટ કરવા દેવાયું જ નહિ. આ કોઈ આક્રોશ, બળાપો કે ફરિયાદ નથી. મને કંઈ રિઝર્વેશન નથી જોઈતું. અમારે 33% નથી જોઈતાં. સવાલ માત્ર એટલો છે કે અમને અમારી વાત કહેવાનો એટલો જ અધિકાર મળવો જોઈએ. જો કોઈ એક લેખકની આત્મકથામાં એણે એના કોઈ નટી સાથેના સંબંધો વિશે લખ્યું હોય અને એને જો ‘પ્રામાણિકતા’ કહેવામાં આવે તો તસ્લીમાની આત્મકથામાંથી ચાર પાના કેમ કાઢવાના ? હું અહીંયા કોઈના પર આક્ષેપ કરવા ઊભી નથી થઈ. જો કોઈ પુરુષ એના સ્ત્રી સાથેના સંબંધો વિશે લખે તો એ પ્રામાણિકતા છે પણ જો કોઈ સ્ત્રી લેખક એના સંબંધો વિશે લખે તો એ પ્રામાણિકતા નથી ! એને નફ્ફટાઈ ગણવામાં આવે છે. એમાં તો સંસ્કૃતિના પાયા હાલી જાય છે ! શું સંસ્કૃતિના પાયા આટલા કાચા છે કે આટલી નાની અમથી પ્રામાણિકતાથી હચમચે છે ? એક સ્ત્રી જ્યારે માથું ઉઠાવીને સવાલ પૂછે છે ત્યારે જવાબ નથી માટે માથા ઝૂકી જાય છે. માથા એટલા માટે નથી ઝૂકી જતાં કે એ ભરસભામાં નગ્ન થઈ રહી છે.

લોકપ્રિયતાની વાત કરીએ તો લોકપ્રિયતા સ્ત્રીને આકર્ષી શકતી નથી. કારણ કે એ તો 15-16 વર્ષની હોય ત્યારથી જ એને ખબર હોય કે બે-ત્રણ છોકરાઓ તો આંટા મારે જ છે ! લોકપ્રિયતા તો સ્ત્રીને જુવાન થાય ત્યારથી સમજાવા જ માંડે છે. એટલે જ સ્ત્રી ક્યારેય લોકપ્રિયતા માટે લખતી જ નથી. એ પ્રામાણિક લખી શકતી નથી કારણકે એને બાંધી દેવાઈ છે. ‘હું આવું લખીશ તો સામેનો માણસ મારા વિશે શું વિચારશે ?… હું શ્રુંગારનું વર્ણન કરીશ તો લોકો શું વિચારશે ?’ ‘મધ્યબિંદુ’ કરીને મારી એક નવલકથા છે એમાં મેં એક એવા સ્ત્રીપાત્રની વાત કરી છે જે એમ બોલે છે કે જે રીતે દ્રશ્યને Three-Dimensionally જોવા માટે બે આંખો જોઈએ એવી રીતે મને પરફેકટલી જીવવા માટે બે પુરુષ જોઈએ. એના પતિને તે કહે છે કે હું જેવી છું એવી મને સ્વીકાર. હું તો માનું છું કે સ્ત્રીને એની મર્યાદા ખબર છે. એને મર્યાદા બતાવવાનો અધિકાર કોઈ પાસે છે જ નહિ. સ્ત્રીની સંવેદના બહુ ઋજુ હોય છે. બહુ જ ભીતરથી નીકળે છે. નાજુક વેલને વીંટળાવવા માટે કશુંક જોઈએ છે. પુરુષનો પ્રેમ કદાચ આધાર હોઈ શકે.

મેં એક જગ્યાએ લખ્યું છે : ‘I need a man to love, not a man to live with.’ પુરુષ વગર જીવી શકાય છે પણ પ્રેમ કરવા માટે સ્ત્રીને મિનિમમ એક પુરુષની જરૂર છે અને એ વાત પુરુષને સમજાઈ જાય છે ત્યારથી સ્ત્રીના દુર્ભાગ્યનું ચક્કર શરૂ થાય છે. સ્ત્રી સ્વયંને પ્રેમ કરી જ નથી શકતી કારણ કે એવું એને બાળપણથી શીખવવામાં જ નથી આવ્યું. સોસાયટીએ એને એવું શીખવ્યું છે કે તારો પતિ તને કહે કે તું સુંદર તો તું સુંદર, તારો પતિ તને કહે કે તું બહુ સારી કૂક તો તું બહુ સારી કૂક. તને જો કોઈ પુરુષ કહે કે તું સારી લાગે છે તો જ તું સારી. અરીસામાં જોઈને તને જે સમજાય છે તે બધું વ્યર્થ છે ! તારે શ્રેષ્ઠતાના એક સર્ટિફિકેટની જરૂર છે અને તે આપવાનો અધિકાર ફક્ત અને ફક્ત પુરુષ પાસે છે ! – હું માનું છું કે આ કેટલીય સદીઓથી સ્ત્રીની અંદર ધીરે ધીરે સીન્ક થઈ ગયું છે. અસલામતી એ બીજું કશું નથી પણ જે માણસ મને ચાહે છે એ જતો રહેશે તો હું બીજો ક્યાંથી લાવીશ એમ સ્ત્રીને થાય છે. સ્ત્રીનું સર્જન ઈનસિક્યોરીટીમાંથી નથી આવતું. સ્ત્રી જ્યારે લખે છે ત્યારે એનું સર્જન એની પીડામાંથી આવે છે. આ પીડા કોઈ પણ હોઈ શકે : એકલા હોવાની, પ્રેમ કરવાની, પ્રેમ ન કરવાની, પ્રેમમાંથી બહાર નીકળવાની, સ્વતંત્ર હોવાની-સ્વતંત્ર રહેવાની, સ્વતંત્ર થઈ શકવાની…. આ બધી જ પીડાઓ છે. સ્વતંત્ર રહેવાની પણ એક પીડા છે. તમને દરેક માણસ પૂછે કે તમે સાથે નથી રહેતાં ?…. અરે ભાઈ, શું ફેર પડે છે ? એનાથી મારા સર્જનમાં કોઈ ફેર પડે છે ? હું કોની સાથે રહું છું અને શું કરું છું એ બાબતને મારા લખાણ સાથે કોઈ નિસ્બત છે ખરી ? ઉપરોક્ત સવાલ પુરુષને પૂછવામાં નથી આવતો કે ‘ભાઈ, તમારે બે વાઈફ છે ?’…. એવો સવાલ એમને કોઈ પૂછતું નથી. ‘તમારે એક લફરું હતું એવું સાંભળ્યું છે’, આવું કોઈ પૂછતું નથી.

આ આખી સાયકોલોજી અને કેમેસ્ટ્રી બહુ રસપ્રદ છે. હું માનું છું કે દરેક સ્ત્રી, જે સર્જન કરે છે તે એક ભય હેઠળ સર્જન કરે છે. સામેનો માણસ મને વાંચી લેશે એવો ભય. જો વાંચી લેશે તો જાણી લેશે અને જાણી લેશે તો સલામતીનું શું ? જો મારી પીડાઓ એના સુધી પહોંચી જશે તો એ મારો દૂરઉપયોગ કરશે અને એટલે જ એ સુષ્ઠું-સુષ્ઠું અને ઉપર-ઉપરનું લખે છે. દરેક સર્જક એ પોતાના સર્જનમાં હોય જ છે. એ નથી તો એનું સર્જન ક્યાં છે ? મહેશ ભટ્ટે ખૂબ સરસ કહ્યું છે કે મારી તમામ સફળ ફિલ્મો એ મારી આત્મકથાનો એક ભાગ હતો. અને હું પણ એમ જ કહું છું કે મારું દરેક લખાણ, દરેક શબ્દ એ મારી આત્મકથાનો જ એક ભાગ છે. દરેક શબ્દ હું લખું છું એ જીવ્યા પછી જ લખું છું. મારા દરેક કામમાં દઝાય એટલી પારાવાર પ્રામાણિકતા છે. હું ઈચ્છું કે દરેક સ્ત્રી મારી સાથે આવે અને આટલું પ્રામાણિક સર્જન કરે. એમ થાય તો હું લોકપ્રિય છું કે નહિ એનું બેરોમીટર મને મળશે. હું કદાચ પહેલી એવી સ્ત્રી છું કે જેણે મેઈનસ્ટ્રીમમાં પગ ખોળીને ઊભા રહેવાની હિંમત કરી છે. હું એ જગ્યાએ લખીશ જ્યાં પુરુષો લખે છે. હું એવું લખીશ જેવું પુરુષો લખે છે. હું ડરીશ નહીં, એવું મેં મારી જાતને વચન આપ્યું છે.

પાંચ વર્ષની છોકરી હોય ત્યારથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે ‘જા, કપડાં અંદર જઈને બદલ.’ એને બધું સંતાડવાનું અને ગોપનીય રાખવાનું કહેવામાં આવે છે. એમ ન થાય તો ‘સપડાઈ જઈશ’ એમ કહીને એને ડરાવવામાં આવે છે. સ્ત્રીનું શરીર એની કમજોરી છે. એ શારીરિક રીતે એટલી સક્ષમ નથી જેટલો પુરુષ છે. છતાં, દરેક જગ્યાએ એવા ડેટા ઉપલબ્ધ છે કે સ્ત્રી પુરુષ કરતાં વધુ કામ કરે છે. સ્ત્રી શું લેખક છે તો જ એ સર્જન કરે છે એમ કંઈ થોડું કહેવાય ? લગભગ દરેક સ્ત્રી સંતાનને જન્મ આપીને સર્જન કરે છે. જીવમાંથી જીવ છૂટો પાડવો એ કંઈ સહેલી વસ્તુ નથી. દશ જણા શું જમશે, કોણ મીઠું ઓછું ખાશે, કોણ કાંદા નહીં ખાય…. એ બધું જ એને યાદ હોય છે. આ એની કલા છે. આ એની સર્જનાત્મકતા છે. આને ignore કરીને પુરુષ સમોવડી થવાના ઈરાદાથી સ્ત્રી લખશે, તો એ પોતાની જાત સાથે જ બેઈમાની કરશે. પહેલા તો જાત સાથેની પ્રામાણિકતા અને પછી વાચક સાથેની પ્રામાણિકતા – આવા બે Layers છે સ્ત્રીના. સ્ત્રીની પ્રામાણિકતા બે વિભાગમાં વહેંચાય છે. આજે સમાજે ‘મને શું થાય છે’ એ અનુભવવાની સ્ત્રીને છૂટ જ નથી આપી. આમ તો ‘સમભોગ’ કહેવાય છે પણ એમાં ક્યાંય એને પૂછવામાં પણ નથી આવતું કે Did you enjoyed ? Was it good ? એણે તો બસ જાતને ધરી દેવાની છે.

[stextbox id=”black” float=”true” width=”200″] તમે જ્યારે સામેના માણસ પાસેથી સુખી થવાનો આધાર રાખો છો ત્યારે તમે પોતાને દુઃખી થવાનો અધિકાર પણ એને જ આપી દો છો ! [/stextbox]  તમે જ્યારે સામેના માણસ પાસેથી સુખી થવાનો આધાર રાખો છો ત્યારે તમે પોતાને દુઃખી થવાનો અધિકાર પણ એને જ આપી દો છો ! અહીંથી સ્ત્રીના ફરિયાદની કે પીડાની શરૂઆત થાય છે એમ હું માનું છું. આ જે ફરિયાદો છે એનાથી સ્ત્રીનું સર્જન ક્યાંક ખાબકે છે કારણ કે એનું સર્જન પોતાને માટે નથી થતું, પારકા માટે થવા માંડ્યું છે. ‘મારો પતિ મારી આત્મકથા વાંચશે તો ?’ એમ એને થાય છે. પ્રતિમા બેદી વગેરેએ ખૂબ પ્રામાણિક લખ્યું છે. એમાં ક્યાંય આછકલાઈ નથી. સ્ત્રી ‘સેન્સિટિવ’ લખી શકે છે પરંતુ એને ‘સેન્સેશનલ’ બનાવવામાં આવે છે. એને બોલ્ડનેસનો એક રંગ આપવામાં આવે છે. મને પણ ઘણા લોકો ‘બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ’ તરીકે introduce કરે છે. બોલ્ડ તમે કોને કહો છો ? બોલ્ડની વ્યાખ્યા શું છે ? જે વાંચે તે ક્લીન-બોલ્ડ થઈ જાય તે ?! કુન્દનિકાબેન વગેરેએ ઘણું પ્રામાણિક લખ્યું છે. હું તો એના ફળ ખાઉં છું. મેં એવું કશું લખ્યું જ નથી જે પહેલાં નથી કહેવાયું. સવાલ માત્ર એટલો છે કે હું હવે વારંવાર કહી રહી છું.

સ્ત્રીની ઓળખાણ પુરુષ સાથે જોડાયેલી જ રહી છે. જેમ કે, ‘મિ. ઍન્ડ મિસિસ સંજય વૈદ્ય’. આવું આપણે કદી નથી વાંચ્યું કે ‘મિસિસ એન્ડ મિ. કાજલ ઓઝા-વૈદ્ય’. આ કોઈ પુરુષ સમોવડા થવાની ચર્ચા નથી. આ સ્વયંના અસ્તિત્વની ચર્ચા છે. સ્ત્રી જો પોતે જ સ્ટેબલ નથી તો એ બાકીની સંસ્કૃતિનો ભાર શું ઊંચકશે ? એને પોતાના પગ પર ઊભા રહેવા દો તો એ બિચારી ભાર ઉપાડી શકશે. એ ઊભી થાય એ પહેલાં તો એને પાડી નાખવાનો પ્રયાસ થાય છે. શા માટે ? આ સવાલ મારે અહીં સુજ્ઞ શ્રોતાઓને પૂછવો છે. સ્ત્રી શા માટે લખતા ડરે છે ? સ્ત્રીને કેમ એવું લાગે છે કે હું પારદર્શક થઈશ તો સામેનો માણસ મને પકડી લેશે ? અન્ય ભાષાઓમાં અનેક સ્ત્રીઓ લખી રહી છે, સાવ નથી લખી રહી એવું નથી. પરંતુ ગુજરાતી ભાષામાં સ્ત્રી લખે છે ત્યારે ‘બેટી બચાવો’ અને બાકીના એવા વિષયો છે. પતિ સમયસર ઘેર નથી આવતો એની ફરિયાદ છે, બીજી સ્ત્રી પતિના જીવનમાં પ્રવેશી ગઈ છે એની ફરિયાદ છે… જયભાઈએ સરસ કહ્યું કે નવી પેઢી લેપટોપ સાથે જન્મી છે. હવે તે પેઢી સીધું લેપટોપ પર જ લખે છે અને તમે વાર્તામાં ટ્રીન…ટ્રીન…કરીને ફોનની ઘંટડી વગાડો તો એ નવી પેઢી તમને શું કામ વાંચે ? એમને એ વાંચવામાં રસ જ નથી. ‘એણે પડદો ખસેડ્યો અને સનનન… દઈને સિતાર વાગ્યો…’ શું કામ સિતાર વાગે ભાઈ ? ‘એણે પડદો ખસેડ્યો અને સૂરજનો તડકો પ્રવેશ્યો…’ સિમ્પલ !! નવી પેઢીને ખબર છે કે પડદો ખસે ત્યારે સિતાર નથી વાગતો.

મને એક વાચકે લખેલું કે તમારી દરેક નવલકથામાં (લગભગ 15 માંથી 8 માં) કેમ સ્ત્રી એકલી રહી જાય છે ? એનો જવાબ મેં એક લેખમાં આપેલો કે પુરુષ સ્ત્રીના જીવનમાં એકલતા વધારવા માટે આવે છે. કારણ કે તેના આવ્યા પછી એ આધાર રાખતી થઈ જાય છે. એકલી હોય છે ત્યાં સુધી તો એને કોઈ ફરક જ નથી પડતો. જ્યારે તમારા ઈમોશન્સ કોઈક ખીંટીએ ટિંગાય ત્યારે તમને સમજાય કે આ ખીંટી ટકશે કે નહીં ટકે ? કે બધું જ પડશે ? એ ‘બધું પડશે’ એના ભયમાં સ્ત્રી ડરી જાય છે અને એ ડર એને સર્જન નથી કરવા દેતો. આ સ્ત્રીની સંવેદના છે. હું એવું દ્રઢ પણે માનું છું કે જ્યારે જ્યારે સ્ત્રી પોતાનું કામ કરે છે ત્યારે ત્યારે એની કલમને બાંધી દેવાય છે. એ બાંધે છે સમાજ. સ્ત્રી જ્યારે શ્રુંગારનું વર્ણન કરે છે, સ્ત્રી જ્યારે દેખાવડા પુરુષની વાત કરે છે, સ્ત્રી જ્યારે ગમતા પુરુષની વાત કરે છે – જેમ કે, એની ચોડી છાતી હોય, એની કમર ‘વી’ શૅઈપની હોય, એના ખુલ્લા બે બટનમાંથી છાતીના વાળ દેખાતા હોય – કેમ સ્ત્રી શા માટે આવું ન લખી શકે ? એને પણ એક કલ્પના હોય છે. વાચક ઈચ્છે છે કે કંઈક લખાય પણ આ પેલું ‘લોલિતા’ જેવું છે કે ઉપર કંઈક બીજું પુસ્તક રાખવું છે અને અંદર એ વાંચવું છે. કોઈને એવું સ્વીકારવું નથી કે મેં ‘લોલિતા’ વાંચી છે. બધાને આવું ચટપટું મસાલેદાર વાંચવામાં મજા તો આવે જ છે, પણ એવો ભય છે કે આ જો અમે વાંચીશું તો બધું બગડી જશે.

[stextbox id=”download” float=”true” align=”right” width=”200″]મેં હમણાં જ એક નવલકથામાં એવું લખ્યું છે કે ‘તમે કોઠીમાં ઘઉં ભરો એટલે કંઈ ઘઉં એ કોઠીના ન થઈ જાય. એટલે કે બાળક તો પુરુષનું જ રહે !’ આવી વાત મારા પોતાના નાની અમને કહેતા હતાં. [/stextbox] હવે સમય પ્રમાણે બદલાવવાની જરૂર છે, સમાજે બદલાવવાની જરૂર છે. સ્ત્રીના લખાણને સ્વીકાર જોઈએ છે. આ એની પહેલી જરૂરિયાત છે. એનો ચોકો અલગ કરવાની જરૂર નથી. સ્ત્રી લેખિકાઓનું અલગ સંમેલન શા માટે ? ‘ડૉક્ટરેસ’ નથી કહેતા કે ‘એન્જિનિયરેસ’ નથી કહેતા તો પછી ‘કવિયત્રી’ જેવો શબ્દ પણ શા માટે ? સ્ત્રીએ જો મેઈનસ્ટ્રીમમાં ઊભા રહેવું હશે તો પ્રામાણિકતાથી લખવું પડશે એ પહેલી શરત છે. સાથે સાથે એનો ચોકો જુદો ન બનાવવો એ બીજી શરત છે. એને કોમ્પિટિશન આપો, એને આરક્ષણ ન આપો. એને પણ સમજવા દો કે અહીં લોકપ્રિય થવાનો કેટલો સંઘર્ષ છે ! હું એવા પુરુષોને બહુ જ રિસ્પેક્ટ કરું છું કે જે એક સ્ત્રીનો આવા સંઘર્ષમાં વિકાસ થવા દે છે અને એને જગ્યા આપે છે. છેલ્લે એક ટૂંકી વાત એ કહેવી છે કે આજકાલ ટેલીવિઝન સિરિયલમાં બે સ્ત્રીઓને લડતી બતાવાય છે પરંતુ એવી સ્ત્રીઓ હકીકતે ક્યાંય હોતી નથી. ‘સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે’ એવું એને એટલા માટે શીખવવામાં આવ્યું છે કારણ કે સમાજને ખબર છે કે જો સ્ત્રીઓ ભેગી થશે તો શક્તિ બહુ વધી જશે. ‘ડિવાઈડ ઍન્ડ રુલ’ની આ નીતિ છે. એમને ભેગી થવા જ ન દેવી ! મેં હમણાં જ એક નવલકથામાં એવું લખ્યું છે કે ‘તમે કોઠીમાં ઘઉં ભરો એટલે કંઈ ઘઉં એ કોઠીના ન થઈ જાય. એટલે કે બાળક તો પુરુષનું જ રહે !’ આવી વાત મારા પોતાના નાની અમને કહેતા હતાં. મને એક વાત ચોક્કસ સમજાય છે કે સ્ત્રીની સંવેદના એના અધિકારોની લડાઈ છે. એનો એવો સંઘર્ષ છે કે જ્યાં એને ‘સ્ત્રી તરીકે સ્વીકારો’ એટલી જ એની વાત છે. સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા એ ક્યારેય એની જરૂરિયાત જ નહોતી. એણે તો contribute કરવા માટે કમાવવા માંડ્યું. અને ત્યારે એને પહેલીવાર સમજાયું કે પૈસામાં પાવર છે. એ ખર્ચી શકવાની તાકાતથી આવતી સ્વતંત્રતા એ એની ઈમોશનલ સ્વતંત્રતા નથી. ઈમોશનલ સ્વતંત્રતા જ બહુ અગત્યની છે અને એ એને શીખવવામાં આવી જ નથી ! એને એવું કહેવાયું જ નથી કે તું સ્વયં સંપૂર્ણ છે.

સ્ત્રીનું સર્જન બહુ ઋજુ હોય છે અને એ જ્યારે થાય છે ત્યારે હવા પણ એને ઉડાડી જઈ શકે એવું કોમળ એ લખતી હોય છે. એને થોડીક જરૂર હોય છે કે કોઈ એને એમ કહે કે ‘તું સારું લખે છે’ કારણ કે એવું એને શીખવવામાં આવ્યું છે. પતિ, પિતા વગેરેનું સર્ટિફિકેટ એના માટે બહુ જ અગત્યનું હોય છે. જો સ્ત્રીની સંવેદના પાંગરે એવું જો આજનો સમાજ, આજનો પુરુષ, આજનો પિતા, આજનો પતિ ઈચ્છતો હોય તો એણે એવું ના પૂછવું જોઈએ કે ‘તું ક્યાં લખે છે ?’ એણે તો સો ટકા એમ કહેવું જોઈએ કે ‘હા…હા… વામાપૂર્તિનો લેખને ? મેં વાંચ્યો છે….’ – પછી ભલે ને ન વાંચ્યો હોય તો કાંઈ વાંધો નહીં. મિનિમમ ખબર હોવી જોઈએ.

સ્વતંત્રતા એ સ્ત્રીનો સ્વભાવ હોઈ શકે, એની પ્રકૃતિ નથી. એક શિકાર કરીને લાવે અને એક રાંધીને ખવડાવે એવી આદિકાળની વ્યવસ્થા સ્ત્રીએ સ્વીકારી લીધેલી છે. એમાં એને કોઈ વાંધો નથી. એની સ્વતંત્રતાની માંગણી જન્મે છે એની ગૂંગળામણમાંથી. દરેક વાતમાં જ્યારે એને સવાલ પૂછવામાં આવે છે, દરેક વાતમાં જ્યારે એના પર શંકા કરવામાં આવે છે ત્યારે એવું જોવામાં આવે છે કે એ ‘શું કરે છે, ક્યાં જાય છે ? કેમ આમ કરે છે ?’ આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સ્ત્રી કહે છે કે મારે આ બધું જોઈતું જ નથી. મારે તદ્દન સ્વતંત્ર થઈ જવું છે. આ ‘તદ્દન સ્વતંત્રતા’ ગૂંગળામણમાંથી આવી છે. બાકી, ખરેખર સ્ત્રીને ‘ડિપેન્ડન્ટ’ રહેવું બહુ ગમે છે. પતિના શર્ટને બટન ટાંકીને દોરો તોડવામાં જે રોમાન્સ છે એ કોર્પોરેટની ચેર પર બેસીને મળતો નથી. પતિ હીરા લઈ આવે એના બદલે સાંજે સરપ્રાઈઝમાં જો ગજરો લઈ આવે તો એ સ્ત્રી માટે બહુ મોંઘી ભેટ છે. આ દરેક સ્ત્રીની વાત છે. સ્ત્રી સમય સાથે બદલાઈ નથી. સ્ત્રી સ્થળ સાથે બદલાઈ નથી. સ્ત્રી આ જ છે, અહીંયા પણ, અમેરિકામાં પણ, યુરોપમાં પણ… તમે જ્યાં જાઓ ત્યાં એ ‘ઈમોશનલ’ જ છે. એનામાં માતૃત્વ અકબંધ છે. પાંચ વર્ષની છોકરી અમેરિકન હોય, ભારતીય હોય કે જાપાનીઝ હોય… પણ એ ઢીંગલી રમાડે ત્યારે મા જ હોય. એમાં કોઈ ફેર પડતો નથી. એનો પતિ બિમાર પડે ત્યારે એને એટલું જ ટેન્શન થઈ જાય જેટલું એક ગુજરાતી સ્ત્રીને થાય.

હું જ્યારે ‘સ્ત્રી સંવેદના’ વિશે લખું છું ત્યારે મને એવું ચોક્કસ સમજાય છે કે આ કોઈ યુદ્ધ છે જ નહિ. આ કોઈ પુરુષ સાથેનો સંઘર્ષ છે જ નહિ. આ કોઈ સમોવડા થવાની લડાઈ છે જ નહિ. આ તો એના સ્ત્રીત્વને recognize કરાવવાનો બહુ બળૂકો અને બહુ જ મરણિયો પ્રયાસ છે. સ્ત્રી સર્જકને બે લાઈનની વચ્ચે વાંચનારા લોકો સ્ત્રીના સર્જનને બાંધે છે. એની બે લાઈનની વચ્ચે ફક્ત એક જ વાત છે અને એ છે ‘મુક્તિ’ એટલે કે ખાલી જગ્યા. એને ખાલી જ રહેવા દો. એ શ્વાસ લેવાની જગ્યા મળી રહેશે તો એ એનું સર્જન કરી શકશે. સ્ત્રી ચોક્કસ લખશે અને એટલું લખશે કે મને એકલીને લોકપ્રિયતાનો તાજ તમારે નહીં પહેરાવો પડે. થેન્કયૂ સો મચ.

[ આલેખન : મૃગેશ શાહ ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

31 thoughts on “નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.