તારંગા હિલ – શ્રીદેવી અતુલકુમાર ભટ્ટ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે શ્રીદેવીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. શ્રીદેવીબેનનો એક જ વાક્યમાં પરિચય આપવો હોય તો તેઓ ‘અકૂપાર’, ‘સમુદ્રાન્તિકે’ના આપણા જાણીતા સર્જક ધ્રુવભાઈ ભટ્ટના બેન છે. આપ તેમનો આ નંબર પર +91 79 26760830 સંપર્ક કરી શકો છો.]

સ્થાપત્યનાં ઉત્તમોત્તમ નમુનાનું પ્રતિક છે તારંગાનું સુપ્રસિદ્ધ જૈન તીર્થ. કુમારપાળે આ દેવાલયનું નિર્માણ કર્યું હતું. જૈન તીર્થ સ્થાનો મોટા ભાગે ઊંચાઈ પર જ આવેલા હોય છે. એ જ રીતે આ સ્થાન પણ તારંગાગઢના પ્રાકૃતિક રમ્ય પર્વત પર આવેલું છે. તેની નજીકમાં સાબરમતી નદી પર બાંધેલ વિશાળ ધરોઈબંધ આવેલો છે.

આ તારંતા તીર્થસ્થળ પર અમારો યુથકલબનો દસ દિવસનો કેમ્પ ગોઠવાયો હતો. કોલેજના નોટીસબોર્ડ પર યુથકલબના મેમ્બર થવાની જાહેરાત વાંચીને હું તેમાં જોડાઈ ગઈ. મેમ્બર બન્યા બાદ હું તો વેકેશન શરૂ થતાં મારે ગામ ચાલી ગઈ પરંતુ ત્યાં એક દિવસ મને ટપાલ મળી કે તારંગામાં આયોજિત કોઈક કેમ્પમાં મારે જોડાવાનું છે. ટપાલમાં વિગત જણાવ્યા પ્રમાણે બીજે દિવસે સાંજે ચાર વાગ્યે અમદાવાદ સ્ટેશન પર ભેગા થઈને સૌએ સાથે તારંગા પહોંચવાનું હતું. નાનકડા એવા અમારા ગામમાં ટેલિફોન કે અન્ય કોઈ વ્યવસ્થા ન મળે. અમદાવાદ કેવી રીતે જેવું એનું માર્ગદર્શન પણ ન મળે પરંતુ તે છતાં ઉત્સાહ એટલો ઊભરાતો હતો કે અમદાવાદ કેમ કરીને પહોંચીશ એનો કોઈ પ્રશ્ન જ ન નડ્યો. બા, બેન અને ભાઈની પરવાનગી લઈને હું તો નીકળી પડી તારંગા જવા…

સ્ટેશને પહોંચી તો ગાડી ઊપડવાની તૈયારી જ હતી. કોઈ જાણીતો ચહેરો કે અમારું ગ્રુપ દેખાય છે કે કેમ, એ જોવા માટે મેં આજુબાજુ નજર દોડાવી પરંતુ કોઈ નજરે ન ચઢ્યું. આમંત્રણનો કાગળ પણ મેં હાથમાં જ રાખ્યો હતો જેથી કદાચ એ જોઈને કોઈ એકબીજાને ઓળખી શકે. પરંતુ આમાંનું કશુંક બને એ પહેલાં તો ગાડી ઊપડી અને હું એક ડબ્બામાં ચઢી ગઈ. મારી પાસે એક મોટું કુટુંબ બેઠું હતું. હું થોડીવાર શાંતિથી બેસી રહી. બે-એક સ્ટેશન પછી ઊઠીને આખા ડબ્બામાં આંટો મારી લીધો પરંતુ યુથકલબનું કોઈ સભ્ય નજરે ન ચઢ્યું. મેં તો ‘તારંગા’ નામ જ પહેલીવાર સાંભળેલું એટલે જરાક વિચારતી હતી કે આ સાવ નવી જગ્યાએ કેમ કરીને પહોંચીશ ? સામે બેઠેલા બહેનને મેં પૂછ્યું :
‘આ ટ્રેન તારંગા કેટલા વાગે પહોંચશે ?’
‘આઠ વાગ્યે.’ જવાબ મળ્યો.
‘આઠ વાગ્યે ?’ જરાક આશ્ચર્યના ભાવ સાથે બોલી જવાયું. બહારના ઘેરાતા અંધારા સામે જોઈને મનમાં વિચારો શરૂ થયા. તે બેનના પતિદેવ મારી મૂંઝવણ સમજી ગયા હોય તેમ મને પૂછ્યું :
‘કેમ બેબી, કંઈ મુશ્કેલી છે ?’
‘ના…ના… મુશ્કેલી તો શું હોય ?’ મેં જવાબ આપ્યો, ‘અમારો યુથકલબનો કેમ્પ તારંગામાં ગોઠવાયો છે પણ એનો કોઈ સભ્ય સ્ટેશન પર કે આ ડબ્બામાં દેખાતો નથી. મેં તો તારંગા જોયું જ નથી, તો રાત્રે ક્યાં જઉં ?’ એ ભાઈએ મારા હાથમાંથી કાગળ લઈને કેમ્પની જગ્યાનું સરનામું વાંચ્યું ને પછી બોલ્યા :
‘બેબી…. આ તો ઊંચી ટેકરી પર આવેલું છે અને ત્યાં મંદિર પાસે ધર્મશાળા છે, ત્યાં તારે પહોંચવાનું છે. પરંતુ તમે રાત્રે કેવી રીતે જશો ?’

બંને પતિ-પત્નીએ એકમેકની સામે જોયું અને પછી એ બહેન બોલ્યાં :
‘તમે એક કામ કરો… અમે લગ્નની જાન લઈને જઈએ છીએ પરંતુ અમારે તારંગા પહેલાં ઊતરવાનું છે. તમે પણ અમારી સાથે ચાલો. અમારી ઘરે દીકરી-વહુઓ બધા છે અને તમામ વ્યવસ્થા થઈ જશે. રાત્રે અમારે ત્યાં રોકાઈને સવારે 8 વાગ્યે તારંગાની બસમાં અમે તમને બેસાડી દઈશું…’ ગમે તેમ તોય સાવ અજાણ્યા માણસ અને સાવ અજાણ્યા લોકો. લગ્ન સ્થળે રાત્રી રોકાણ અને ઉપરથી મારી જવાબદારી…. મારું મન ન માન્યું. ટ્રેઈનમાં કોઈક તો મળી જ જશે એમ વિચારીને મેં ફરીથી કાર્યક્રમની વિગતો વાંચી અને તેઓને વિવેકથી ના પાડીને કહ્યું :
‘બીજા સ્ટેશને ગાડી ઊભી રહેશે એટલે હું અન્ય ડબ્બાઓમાં તપાસ કરી આવીશ. આપ એટલો સમય મારો સામાન સાચવશો ?’ પરંતુ સ્ટેશન આવ્યું એ પહેલાં જ એમના કુટુંબનો એક છોકરો ઊભો થયો. મારા હાથમાંથી કાગળ લઈને એ બોલ્યો : ‘તમે બેસો. હું તપાસ કરું છું.’
‘હા ભાઈ, પણ કાગળ સાચવજે. એ એક જ મારી પાસે છે…’

થોડીવાર પછી એ દોડતો ડબ્બામાં પાછો આવ્યો ને એના પિતાજીને કીધું, ‘આ બાજુના ડબ્બામાં તો કોઈ નથી. હવે આગળના ડબ્બામાં જોઈ આવીશ….’ એ સમયે સળંગ ડબ્બા નહોતાં. ફરી એકાદ સ્ટેશન આવ્યું એટલે એ કાગળ લઈને ગુમ ! પરંતુ આ વખતે તે પરત ફર્યો ત્યારે તેનો ચહેરો હસતો હતો. તે બોલ્યો :
‘બેન, આગળ બે થોડી મોટી ઉંમરના ટીચર સાહેબ છે. તેઓ પણ આ જ કેમ્પમાં જાય છે. હું તેમની સાથે કાગળ મેળવીને આવ્યો છું. કહો તો આગળના સ્ટેશને અમે ઊતરીએ છીએ તો તમને ત્યાં પહોંચાડી દઈએ….’ પરંતુ હું ડબ્બામાં જ બેસી રહી. મારે માટે આટલી મદદ પૂરતી હતી. મારે મારી જવાબદારી એમના પર નહોતી નાખવી. એ પછીના સ્ટેશને તેઓ ઊતર્યા ત્યારે આભારની લાગણી સાથે આવજો કર્યું અને એક શાંતિ મનમાં અનુભવી.

તારંગા રાત્રે આઠ વાગ્યે પહોંચી ત્યારે સ્ટેશન પર ચારે તરફ અંધારું ફેલાયેલું હતું. શિયાળાના દિવસો હતા. પૂનમ હોવાથી ચાંદની પૂરબહારમાં ખીલી હતી. બંને માસ્તરભાઈઓને ખબર હતી કે હું ટ્રેનમાં છું એટલે તેઓ પણ ઊતરીને ઊભા રહ્યા. બીજું કોઈ ન ઊતર્યું એટલે મનોમન થયું કે અન્ય લોકો બસમાં ગયા હશે. મને તો બસ જાય છે એવી ખબર જ નહોતી ! હવે શું કરવું એ પ્રશ્ન હતો. નીચે ગામમાં હોટલ હતી. ત્યાં રહેવું કે પછી તારંગા હીલ રાત્રે જ પહોંચવું ? કશું નક્કી નહોતું કરી શકાતું. પગથિયાનો રસ્તો તો ઘણો દૂર હતો. એક ટીચરે સીધો ડુંગર ચઢીને જવાનો શોર્ટકટ રસ્તો જોયો હતો. એમણે મને પૂછ્યું :
‘બેન, તું ચઢી શકીશ ?’
આહ્લાદક ચાંદની, પથ્થરો અને છૂટાછવાયા ઝાડથી શોભતો ડુંગર અને દૂરથી દેખાતી પથરાળ કેડી… આ બધું જોઈને મેં તો હા પાડી દીધી. હોટલમાં રાત રોકાવા કરતાં આ વાત વધારે આનંદદાયક હતી.

અમે ત્રણે જણાએ ચઢવાનું શરૂ કરી દીધું. જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ સોંદર્ય વધતું ગયું. સ્વચ્છ આકાશમાં પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠેલો ચંદ્ર ને ક્યાંક ઝાડીઓમાંથી ગળાઈને આવતી ચાંદની તો ક્યાંક પાંદડા વિનાના ઝાડને શોભાવતી ચાંદની અને આસપાસ કાળામોટા પથ્થરો…. પથ્થરોમાંય આટલું સૌંદર્ય છે એનો અનુભવ તો આજે જ થયો ! દૂર ખીણમાં દેખાતા ટમટમતા દીવા અને બીજી બાજુ ગાઢ અરણ્ય. આખી પૃથ્વી ક્ષિતિજ સુધી ચાંદનીમાં નહાતી હતી. પોતાની પૂરીકળાએ ખીલેલો ચંદ્ર, દેદીપ્યમાન ઊંચો ઊભેલો આ તારંગા પર્વત, ચાંદનીથી શોભતી સ્વચ્છ ઊભી કેડી, આસપાસના મૂંગા પથ્થરો અને ધીમે ધીમે આવતી પવનની લહેરખી મન પર જાદુઈ અસર કરતી હતી. મનમાં અંદર-અંદર ગીત ગૂંજતું હતું : ‘ઠંડી હવા યે ચાંદની સુહાની……’ મારી મસ્તીમાં ધીમે ધીમે ચઢતી હું થોડી પાછળ રહી ગઈ અને ત્યાં તો માસ્તર ભાઈઓનો અવાજ આવ્યો : ‘બેન, ક્યાં રોકાઈ ગયા ? સામાન ઊંચકાય છે ને ?’ તેઓ થોડું નીચે ઊતરીને નજીક આવ્યા.
‘કેમ શું થયું ?’ મેં પૂછ્યું.
બંનેએ એકબીજા સામે જોયું. એક માસ્તર બોલ્યા : ‘આ સાહેબ રસ્તો ભૂલી ગયા છે….’
‘હવે ?’ હું તો પથ્થર પર જ બેસી પડી.
‘તમે જો થોડીક વાર અહીં બેસો તો અમે જરાક આગળ રસ્તો ગોતી આવીએ….’
મારે તો મનભરીને આ સુંદરતાનું રસપાન કરવું જ હતું એટલે મેં તરત જ હા ભણી દીધી.
‘બીક તો નહીં લાગે ને ?’ બીજા માસ્તરે પ્રશ્ન કર્યો.
‘કોની ? ભૂતની ?’ ને અમે ત્રણે જણાં ખડખડાટ હસી પડ્યાં. ઈશ્વરના આશીર્વાદ જેવી આ પ્રકૃતિની સૌંદર્યછટામાં વળી બીક કેવી ?

છેવટે થોડા સમય બાદ રસ્તો મળ્યો. ફરી અમારું ચઢવાનું શરૂ થયું. દશ વાગ્યે પહોંચી જશું એમ લાગતું હતું પરંતુ અમે તો રાત્રે બાર વાગ્યે પહોંચ્યા અને ધર્મશાળાનો દરવાજો ખડખડાવ્યો. સવારે બધી બહેનપણીઓ સાથે હું ઊઠી ત્યારે તેઓ સૌ મારી સામે આશ્ચર્યથી જોવા લાગ્યા, ‘અરે, તું ક્યારે આવી ?’ અનેક પ્રશ્નો થયાં પરંતુ પ્રાર્થનામાં જવાનો સમય થતો હોવાથી અમે સૌ જલદીથી પરવાર્યા. પ્રાર્થના પૂરી થતાં આયોજકે બંન્ને શિક્ષકોનો પરિચય કરાવ્યો અને પછી મને પાસે બોલાવીને સૌની સામે કહ્યું : ‘આ આટલી નાની છોકરી પોતાના સામાન સાથે રાત્રે બાર વાગ્યે ડુંગર ચઢીને કેડીના રસ્તે અહીં પહોંચી….’ એમણે મારો વાંસો થાબડ્યો અને એ સાથે તાળીઓનો ગડગડાટ થયો. મને તો મનમાં શરમ આવી ગઈ કે આ શું કંઈ બહુ મોટું પરાક્રમ હતું ?

એ પછી તો દસેય દિવસ ખૂબ આનંદમાં અને સુંદર વાતાવરણમાં વીત્યા. એ બધી યાદો કદીયે ભૂલી ન શકાય એવી છે પરંતુ એ રાત્રે ડુંગર ચઢતાં ચાંદનીમાં જે પ્રકૃતિનું દર્શન કરેલું એ તો જાણે ઈશ્વરના સાક્ષાત્કાર સમું મનમાં હંમેશને માટે કોતરાઈ ગયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “તારંગા હિલ – શ્રીદેવી અતુલકુમાર ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.