ફરી આવો ફોરેન – તારક મહેતા

[ હળવા રમૂજી લેખોના પુસ્તક  ‘ટચલી આંગળીનો ટચાકો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]મા[/dc]ણસે એક વાર પરદેશ તો ફરી આવવું જ જોઈએ. એ માટે તમારે લોન લેવી પડે, દેવું કરવું પડે તો કરી નાખવું પણ થોડા દિવસ પરદેશ તો જઈ આવવું જ. તેનાથી તમારા સ્ટેટ્સમાં, તમારા સામાજિક દરજ્જામાં ઘણો ફરક પડી જશે. અગાઉની વાત જુદી છે. ત્યારે માણસો ગર્વથી કહેતા :

‘અમારે તો માથેરાનમાં કે મહાબળેશ્વરમાં કે લોનાવાલામાં બંગલો છે. અમે તો કાયમ ઉનાળામાં જ જઈને રહીએ છીએ.’
‘તમારા ભાઈને તો ઉનાળામાં બોમ્બેની ગરમી બિલકુલ નો ખમાય, એપ્રિલમાં છોકરાની પરીક્ષા પતી નથી કે ઈ કહેશે હાલો, આબુ જઈએ, હાલો મસૂરી જઈએ, હાલો…’
‘અમારે તો દર ઉનાળામાં પૂનામાં સેનિટોરિયમ બુક કરાવી જ રાખ્યું હોય છે….’

તે પછી ઑક્ટોબર-નવેમ્બરમાં હવા ખાવા જવાની ફૅશન શરૂ થઈ પણ જ્યારથી કન્ડકટેડ ટૂરોની ઈન્ડસ્ટ્રી ચાલુ થઈ છે ત્યારથી આ દેશમાં હવા ખાવા જવાનું કંઈ મહત્વ જ રહ્યું નથી. તેમાં મોટામાં મોટી તકલીફ એક જ, હજારો રૂપિયા ખર્ચીને તમે આખા ફેમિલીને પંદર-વીસ દિવસ છેક કાશ્મીર ફેરવી આવો પણ તમારો સમાજમાં કશો વટ પડતો નથી. 35 વર્ષ પહેલાં કાશ્મીર જનારા માણસો કાશ્મીર જતા પહેલાં એક મહિનાથી પોતાના પ્રોગ્રામનો પ્રચાર કરી શકતા હતા. ઓળખીતા-પારખીતા, લાગતા-વળગતા પણ પ્રભાવિત થઈને ચારેબાજુ કહેતા, ‘ફલાણાભાઈ આ વર્ષે કાશ્મીર જવાના છે.’ કાશ્મીર જઈને આવેલા માણસો પણ બે-ચાર મહિના સુધી લાગલગાટ કાશ્મીરની વાત કરી શકતા હતા. દિવસમાં દોઢસો વાર બોલતા, ‘કાશ્મીર એટલે સાલું કાશ્મીર ઓહોહોહો.’ ‘કાશ્મીરમાં આવો ઉકળાટ નહીં. ચોવીસ કલાક બસ ઠંડક. ગમે તેટલું હરો-ફરો, ચાલ્યા કરો પણ થાકનું નામનિશાન નહીં. સવાર-બપોર-સાંજ બસ તાજાં ફૂટ ખાવ અને મજા કરો….. ભૂખ પણ તમને એટલી જ લાગે. આપણું બોમ્બે તો સાવ હોપલેસ…..’

આજે તો તમે દિવાળી કરવા જાવ તો તમારી ઑફિસનો ચપરાશી પણ તમને ત્યાં મળી જાય. ભલે મનથી તમે ઊંચ-નીચના ભેદભાવમાં માનતા ન હો, સમાજવાદના ચુસ્ત સમર્થક હો પણ કાશ્મીરમાં જ્યાં જાવ ત્યાં તમારી ઑફિસનો ચપરાસી ચમન તમને ટિચાયા કરે તો તમારી અડધી મજા માઈનસ થઈ જવાની. દરજ્જો ના સચવાય તો પછી ખર્ચા કરીને હિલ સ્ટેશન સુધી લાંબા થવાનો અર્થ શો ? ચમન પાછો ચૂપ રહેતો હોય તો ઠીક છે. એના ફેમિલીની તો એ ઓળખાણ કરાવે, પણ જે ટૂરમાં એની સાથે જેટલાં પ્રવાસીઓ હોય તે બધાને એ ગર્વથી ઓળખાણ કરાવે, ‘આ મારા સાહેબ.’ તમારે પણ વિનય ખાતર તમારાં પત્ની અને બાળકોની ઓળખાણ કરાવવી જ પડે. એવા તો કંઈ કંઈ માણસો તમને ત્યાં અથડાયા કરે. તમારો ઉપરી સાહેબ તમને ત્યાં મળી જાય તો એ સાહેબનું મોઢું કટાણું થઈ જાય. તમે વેપારી હો અને એકાદ-બે ધંધાનાં બીલ ચૂકવ્યા વગર કાશ્મીર ચાલ્યા ગયા હો અને ત્યાં તમારા લેણદાર ભેટી જાય તો એ ટકોર કર્યા વગર ના રહે, ‘ફલાણાભાઈ, મુંબઈમાં તો કહેતા હતા તમારો હાથ ભીડમાં છે અને અહીં તો તમે આખા ભીડમાં છો. કાશ્મીર આવવાના પૈસા છે, પણ અમને ચૂકવવાના નથી.’

મુંબઈના જે સાખપાડોશીથી તમે બોર થઈ ગયા હો, કંટાળી-ત્રાસી ગયા હો એ જ માણસ શ્રીનગરની એક હોટલમાં તમારી જ બાજુમાં સાખ પાડોશી રૂપે ભેટી જાય ત્યારે તમારી શું હાલત થાય. મુંબઈમાં તમને એણે વારંવાર કહ્યું હોય, કાશ્મીર જવાના હો ત્યારે કહેજો, સાથે જઈશું, મજા આવશે. તમે તમારાં ઘરનાંઓને કડક સૂચના આપી હોય કે એ ચીટકુને ખબર ના પડવી જોઈએ કે આપણે કાશ્મીર જવાના છીએ, નહીં તો એ આપણને ચીટકી પડશે અને આપણું લોહી પી જશે. બધી જ ચોકસાઈ સાથે તમે મુંબઈમાં એને કહીને નીકળ્યા હો કે અમે તો થોડા દિવસ મહેમદાવાદ કે માંડવી જઈએ છીએ અને પછી એ માણસ ત્યાં તમારા બાજુના રૂમમાંથી ફૂટી નીકળે. તમને જોઈને હરખથી કથક નૃત્ય કરવા માંડે ત્યારે તમારી શું હાલત થાય ? એનાં છોકરાંઓ તમારા ખોળામાં બેસીને તમારા નાક પરથી ચશ્માં, ખીસામાંથી બોલપેન ખેંચવા માંડે. કાશ્મીરમાં પરોઠા ના ખાવા પડે તે માટે તમે મુંબઈથી ખાસ થેપલાં લઈ ગયા હો તે તમારો પાડોશી ઝાપટવા માંડે અને તમારા પડછાયાની જેમ તમને ચોંટી પડે.

[stextbox id=”info” float=”true” width=”250″]તમને અંદરખાને એટલો ઉત્સાહ હોય કે મુંબઈ જઈશું ત્યારે છ મહિના સુધી જેને ને તેને સંભળાવીશું, કાશ્મીર એટલે કાશ્મીર, પણ એ સાંભળીને લોકો પહેલાંની જેમ અંજાઈ જશે એવી આશા રાખવી નકામી છે. હવે તો તમે સામા માણસને આંજી દેવા જ્યાં કાશ્મીરની વાત ચાલુ કરો ત્યાં તો સામો માણસ તરત જ વાત ઉપર કાતર મારશે. ‘સાહેબ, હવે પહેલાંનું કાશ્મીર રહ્યું છે જ ક્યાં ?'[/stextbox] આવું બધું તો ઘણું બને પણ તમને અંદરખાને એટલો ઉત્સાહ હોય કે મુંબઈ જઈશું ત્યારે છ મહિના સુધી જેને ને તેને સંભળાવીશું, કાશ્મીર એટલે કાશ્મીર, પણ એ સાંભળીને લોકો પહેલાંની જેમ અંજાઈ જશે એવી આશા રાખવી નકામી છે. હવે તો તમે સામા માણસને આંજી દેવા જ્યાં કાશ્મીરની વાત ચાલુ કરો ત્યાં તો સામો માણસ તરત જ વાત ઉપર કાતર મારશે. ‘સાહેબ, હવે પહેલાંનું કાશ્મીર રહ્યું છે જ ક્યાં ? અમે ફલાણી સાલમાં ગયેલા અને જે મજા આવેલી ! ઓ હો હો હો ! અને ગઈ સાલ ગયા તો, સાલું, તદ્દન ડર્ટી….. બિલકુલ ઉકરડો… જ્યાં જાવ ત્યાં ગિર્દી…. કાશ્મીર કરતાં તો આપણું બોમ્બે સારું…. કાશ્મીરમાં ગઈ સાલ અમારા તો પૈસા પડી ગયા, ત્યારથી નક્કી કર્યું છે, કાંદીવલીના કોઈ સેનિટોરિયમમાં મહિનો-માસ રહેવું સારું… બાકી કાશ્મીર – છી !’

હવે આવું બધું થાય છે તેથી મારી તો સલાહ છે, એકવાર પરદેશ જઈ પડવું. હા, ખર્ચો થાય, પણ પછી તમને આખી જિંદગી વાત કરવાનો વિષય મળી જાય. કોઈ પણ જરા મુંબઈની બસ કે ટ્રેનની વાત કરે કે તરત જ તમે શરૂ થઈ જાવ : ‘અરે સાહેબ ! ટ્રેનો તો લંડનની. અંડરગ્રાઉન્ડ. આ આપણી ખટાખટ ટ્રેનો નહીં. એ તો તમને અડીને પસાર થઈ જાય તો યે તમને ખબર ન પડે. અને સાલી, કોઈ જાતની પડાપડી-ગચાગચી નહીં. સ્ટેશન આવે કે ઓટોમેટિક ડોર ખૂલે ને ઓટોમેટિક વસાઈ જાય. કોઈ રીતનું લટકાલટકી નહીં, બૂમાબૂમ, મારામારી કંઈ નહીં. આપણી તો અહીંની જંગલી પ્રજા છે. આપણે તો ઘણીવાર ગાડીમાં જગા ખાલી હોય તો ય જંગલી લોકો બહાર લટકતા હોય છે. અને અહીં તો, રેલવેના પુલો ઓળંગવામાં ટાંટીયા ટેં થઈ જાય છે. ત્યાં તો તમારે એ પંચાત નહીં, તમે પગથિયા પર ઊભા રહી જાવ. પગથિયું ઓટોમેટિક ઉપર જાય, નીચે આવે. એ ઓટોમેટિક સીડીને એસ્કેલેટર કહે છે. ત્યાં તો મોટા મોટા સ્ટોરમાં એક્સેલેટર હોય છે. દાદરા ઊતરવા-ચઢવાની ઝંઝટ નહીં. લાઈફ તો, સાહેબ, એ લોકો જીવે છે.’
તમે બોલતા હો ત્યાં તમારાં પત્ની જોડાય : ‘ઓલી વાત કરો ને ?’
‘કઈ વાત ?’
‘ત્યાં આપણે ઓલ્યા બરફવાળા દેશમાં ગ્યા’તા ને ઓલ્યા તાર હારે લટકતા ડબામાં બેહીને છેક ટોચ પર પહોંચેલાં…’
‘તું સ્વિટ્ઝરલૅન્ડની વાત કરે છે. અરે, એની શું વાત કરવી ! વાત કરવાથી કોઈને ખ્યાલ ના આવે. તું કેબલ કારની વાત કરે છે ને ! શિખરો વચ્ચે તારનાં દોરડાં બાંધ્યા છે. એ દોરડા પર રેલવેના નાના ડબા જેવો ડબો લટકતો હોય અને એ ડબો સરકતો એક શિખરેથી બીજે શિખરે એમ છેક ટોપ પર જાય. હવામાં લટકતા એ ડબામાંથી તમને બરફનાં કોતરો, ખીણો દેખાય…. સાહેબ, તમારું મગજ કામ ના કરે. આ તમારા કાશ્મીરમાં તો બસોમાં ફરી ફરીને તમારો અડદાલો નીકળી જાય. આ તો સાહેબ, રમકડા જેવી ટ્રેન, જોતજોતામાં સીધા પહાડ ચઢે અને ત્યાંથી તમે આ કેબલ કારમાં એક પછી એક શિખરે પહોંચો. ત્યાં બે કલાકમાં જે જોવા મળે તેટલું અહીં જોતાં તમારા પંદર દિવસનો કચરો થઈ જાય.’ પરદેશની આવી બધી વાતો કરવાનો મોટો ફાયદો એ છે કે એમાં ખોટા પડવાનો સંભવ હોતો નથી. કદાચ ત્યાં ફરી આવેલો માણસ તમને મળી જાય તો યે મોટેભાગે એ પણ તમારી જેમ જ અલપ-ઝલપ જ ફરી આવ્યો હોય. તમને ખોટા ઠરાવવા જેટલી એની પણ જાણકારી ના હોય. આ તો સ્વાનુભવની જ વાત છે. હું યુરોપ ફરી આવ્યો તે પછી સમાજમાં મારું માન વધી ગયું છે. ચાર વર્ષથી હું એની લોન ચૂકવ્યા કરું છું.

અમારા લેખક મિત્રો પણ બે મહિના ફૉરેનમાં ફરી આવીને બે વર્ષ સુધી એ વિશે લેખો લખ્યા જ કરે છે. કરાંચીમાં ફલાણી જગાએ ફલાણી વાનગી ખાધેલી તેના ઉપર લેખક ત્રણ કોલમ ભરી શકે છે. અહીં તમને કોઈ તાજ કે ઓબેરોયમાં પીવડાવવા-ખવડાવવામાં હજારેક રૂપિયાનું પાણી કરી નાખે અને તમે ગદગદ થઈને એ ભાઈ વિશે એક લેખ લખો તો એ પબ્લિસિટીમાં ગણાઈ જાય. તંત્રીઓ છાપે નહીં. પણ ફૉરેનમાં તમને કોઈ બોલપેન આપે અને એકાદ ખૂણેખાંચરે પીત્ઝા કે એવું કંઈ ખવડાવી દે તો એ ભાઈ આપબળે અમેરિકા, ઈંગ્લૅન્ડ, કેનેડા કે પાકિસ્તાનમાં કેવી રીતે આગળ આવ્યા તેનો લાંબોચોડો હેવાલ બેધડક છપાવી શકો છો. લેખક પોતે પરદેશમાં પણ કેટલો પોપ્યુલર છે તે આ રીતે જ દર્શાવી શકાય છે. કેટલાક લેખકો તો ખુલ્લેછોગ જ્યાં જ્યાં ગયા ત્યાં લોકો કેટલા ઉમળકાથી ભેટતા હતા, એમની નવલકથાનાં પાત્રો વિશે પ્રશ્નો કરતા હતા, ચાહકો પરાણે પોતાને ઢસડી જઈ કેવી કેવી વાનગીઓ ખવડાવતા હતા એ બધું સવિસ્તર લખી શકાય છે. કોણ બધું જોવા જાય છે ! આવો જ લાભ સામાન્ય માણસને પણ થતો જ હોય છે. ખર્ચો કરીને પંદર દિવસની ટૂરમાં જઈ આવવાનું. ખમતીધર માણસ હો તો ફેન્સી ચીજો ખરીદી લાવવાની. ઘણા એવી ચીજો વેચીને પોતાના પ્રવાસના સારા એવા ખર્ચા પણ કાઢી લેતા હોય છે. ઉપરથી અહીં આવ્યા પછી તમારાં માનપાન વધી જાય, વાતોનો વિષય મળી જાય.

આ ‘કચ્છ શક્તિ’ના અંક ફૉરેનમાં કેટલા વેચાય છે તેની મને ખબર નથી, પરંતુ ત્યાં વસતા કોઈ ભાઈની નજર આ લેખ પર પડે અને વાંચે તો એ ભાઈને હું ઑફર કરું છું, મને એમના ખર્ચે એ જો વિદેશ બોલાવશે તો હું વિદેશના પ્રવાસવર્ણન છપાવતી વખતે એ ભાઈના ફોટા સાથેનો જીવનવૃત્તાંત છપાવી આપીશ. હું આપબળે લેખક થયો છું અને લેખનના બળે પરદેશ ખેડવા માગું છું. હવે આ દેશ વિશે લખવા જેવું કંઈ રહ્યું નથી. લખીએ તો લોકોને વાંચવામાં રસ નથી. હરીફરીને બધા લખે છે, ‘કચ્છડો બારેમાસ’. પણ વાંચનારને હવે કચ્છ કરતાં કેનેડમાં વધારે રસ છે. હું તો કહું છું થોડા દિવસ ફૉરેનમાં ફરી આવો. ઘણો ફરક પડી જશે. આ જુઓને, એક લેખ તૈયાર થઈ ગયો તેવું.

[કુલ પાન : 216 (પાકું પૂઠું). કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “ફરી આવો ફોરેન – તારક મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.