મધ્યાહ્નનું કાવ્ય – કાકા કાલેલકર

[ શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ’ પુસ્તકમાંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]વે[/dc]દમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે છે. એ કૂતરું કોનું કહેવાય ? સૂર્યનું કે એના દીકરાનું ? યમાજી ભાસ્કર હંમેશાં કૂતરાં લઈને ફરે છે, પણ એને ચાર ચાર ડોળા હોય છે ! ભાસ્કરરાવ પાસેથી જ એને કૂતરાં મળેલાં હોવાં જોઈએ. પોતે બાર આંખવાળા એટલે ચાર-આંખિયાં કૂતરાં એમની પાસે જ હોય.

બપોરને કૂતરાની ઉપમા આપનાર નવો કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. એના Feast of Youth (યૌવનની મિજબાની) નામના કાવ્યસંગ્રહમાં એવો જ ચિતાર જોવાને મળે છે. કવિ ત્રિભુવન વ્યાસે પણ બપોરનું વર્ણન આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આજની બપોર અનુભવ્યા પછી ઋતુસંહારમાં આવેલું ગ્રીષ્મનું વર્ણન જ ધ્યાનમાં આવે. બપોરના ત્રાસથી ત્રાસેલો ઉંદર નાગની ફણાની છાયા શોધતાં પણ અચકાતો નથી. બીજી ક્ષણે દુર્વાસાનો ભાઈ વિશ્વામિત્ર યાદ આવે છે. એણે હરિશ્ચંદ્રનું સત કસવા ખાતર ચંડ ભાનુને પ્રચંડ તપાવ્યો હતો. છતાં હરિશ્ચંદ્રનું સત તો ઓગળી ન જ ગયું પણ કોમળ રોહિદાસ પણ એથી ન ચળ્યો એ વાત જુદી.

એવા જ પ્રખત તડકામાં મારે નાનપણમાં એક વાર ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું. મ્યુનિસિપાલિટીના ફાનસના થાંભલાઓ અને ઘરની દીવાલો. કંજૂસની પેઠે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને જ ઊભાં હતાં, એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે ? રસ્તા પરથી ગયેલાં પરોપકારી પશુઓએ છાણના પોદળા નાખ્યા હતા. એ આવે એટલે ક્ષણને માટે એના ઉપર જઈને ઊભો રહેતો. એની ઠંડક કેટલી મીઠી લાગતી ! પગે બાઝીને એનાં જો સુકાયેલાં છાણાં થાત તો જરૂર એ પાદત્રાણની (ચંપલની) ગરજ સારત. એવે વખતે છાણ એ વસ્તુ ગંદી જેવી લાગતી નથી. સૂગ કે સૌંદર્ય આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે.

તે દિવસે તડકા ઉપર હું છેલ્લો ચિડાયો. ત્યાર પછી હું હંમેશાં તડકા ઉપર પ્રેમ જ કરતો આવ્યો છું. એ પરિવર્તન શાથી થયું એ જાણવું મુશ્કેલ છે. વખતે ‘ત્રાટિકા’ નાટકમાં પ્રતાપરાવ પોતાની નવોઢા વધૂને તડકામાં ચાંદરણું કહીને લઈ જાય છે એની સાથેના સમભાવને લઈને થયું હોય તો કોણ જાણે ! પણ એમ ન હોય. સાચે જ તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ. બિહારમાં તળાવ ઉપર લાલ રંગની લીલ બાઝે છે. તેથી અંજીરી રંગના ગાલીચાની કેટલી અનેરી શોભા ફૂટે છે ! પણ અંદર જવા જતાં તો પગ જ લપસે છે; અને વળી એ પીવા લાયક હોતું નથી. માટે એનું સ્મરણ કરીને માણસ દિવેલિયું મોઢું કરે છે. માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઊગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળાં ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો ? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને તમે ત્રાસદાયક કહો શા હિસાબે ?

તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા ખાસ જોવા લાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીરરસ કહીએ કે રૌદ્ર ? હું તો એને શાંતરસ જ કહું ! શાંતરસ શીતળ જ શા માટે હોય ? તપ્ત પણ કેમ ન હોય ?

[stextbox id=”info” float=”true” align=”right” width=”250″]તડકાની લહેજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે. નદીઓ પર પણ દોડે છે અને ટેકરીઓ ઉપરથીયે દોડે છે. સમુદ્ર હોય કે રણ હોય, એને દોડતાં જરાયે મુશ્કેલી પડતી નથી. એને કંઈ છાણાંનાં પગરખાં શોધવાં નથી પડતાં. એ જઈ જઈને વૃક્ષોને પૂછે : ‘કેમ મજામાં છો ને ?’ ઊંઘણશી ઝાડ માથું ધુણાવીને જવાબ વાળે છે : ‘કેમ નહીં ? કેમ નહીં ?’[/stextbox] ઉનાળાના દિવસો પરિણામે રમણીય હોય છે એવું પ્રમાણપત્ર આપવાની કશી જરૂર નથી. બપોરે પણ એ કાંઈ ઓછા રમણીય નથી હોતા. માત્ર એ રમણીયતા પારખવાની આંખો જોઈએ છે એટલું જ. ખરે બપોરે રસ્તાઓ જાણે પહોળા થાય છે, ગામ ગામ વચ્ચેનું અંતર વધે છે; શહેરમાં હજીયે વધારે વસ્તી માઈ શકે એવો ભાસ થાય છે; અને જાણે ઈશ્વરની એ લીલા આગળ ચરાચર સૃષ્ટિ તો શું પણ માનવપ્રાણી પણ સ્તબ્ધ થઈ જાય છે. તડકાની લહેજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે. નદીઓ પર પણ દોડે છે અને ટેકરીઓ ઉપરથીયે દોડે છે. સમુદ્ર હોય કે રણ હોય, એને દોડતાં જરાયે મુશ્કેલી પડતી નથી. એને કંઈ છાણાંનાં પગરખાં શોધવાં નથી પડતાં. એ જઈ જઈને વૃક્ષોને પૂછે : ‘કેમ મજામાં છો ને ?’ ઊંઘણશી ઝાડ માથું ધુણાવીને જવાબ વાળે છે : ‘કેમ નહીં ? કેમ નહીં ?’ આકાશની સમડીઓ પણ તડકાના રસમાં મજા માણે છે. જરાયે ઉતાવળ કર્યા વગર ગોળ ગોળ ફરતી એ ઉપર ચડે છે અને પછી એટલી જ ધીરજથી નીચે ઊતરે છે. જાણે પ્રશાંત સાગરનાં યાત્રી વહાણો.

આવા તડકામાં જો મુસાફરીનો પ્રસંગ આવે તો શરૂઆતમાં ઘડી-અબઘડી જે તકલીફ થાય તે ખરી, પણ એક વાર પરસેવો છૂટ્યો એટલે પછી એવો તો આનંદ આવે છે કે જાણે તળાવમાં નહાતા હોઈએ. હા, પગ તળે રેતી હોય તો પગનાં બિસ્કિટ થાય ખરાં. પણ એ વાંક કાંઈ તડકાનો નથી. अन्यस्मात लब्धपदो नीचो प्रायेण दुस्सहो भवति । रविरपि न दहित तादक यादक दहति बालुका-निकरः || માણસ ધારે તો એનો ઉપાય કરી શકે છે. રજપૂતાનાના લોકો જોડા પહેરે છે એમાં ઉપરની નાની જીભને ઠેકાણે મોરની કળા જેવું મોટું ચામડું જ બેસાડી દે છે. રેતીમાં ચાલતાં રેતી તો ખૂબ ઊડવાની, પણ આ કળાને લીધે પગ બચી જાય છે. રજપૂતો એને શું કહે છે કોણ જાણે. અરસિક અંગ્રેજો એને sand guard (રેતીરક્ષક) કહેવાના. હું તો એને ખાસડકળા કહું.

સવાર-સાંજ કરતાં બપોરે આકાશનો રંગ કંઈક આછો હોય છે એથી જ તડકો આટલો શોભે છે. ખગ્રાસ ગ્રહણ વખતે તડકો કાળાશ પડતો થાય છે. અને આકાશ પણ એવું ગમગીન દેખાય છે કે એને આશ્વાસન આપવા માટે તારાઓને પણ દોડી આવવું પડે છે. એના કરતાં તો ચોમેર ફેલાયેલું ફિક્કું આકાશ હજારગણું સારું. અને એમાં જો પાતળાં વાદળાં આવી જાય તો તો સંગેમરમરની શોભા જ જોઈ લો. પણ તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તો તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. પછી કવિ વિલિયમ કૂપર વિલાપ કરે તોપણ શાહી વિના તે લખાય ક્યાંથી ?

શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું : ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું : ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું : ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે ? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો : ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય !’

[કુલ પાન : 176. કિંમત રૂ. 135. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તારંગા હિલ – શ્રીદેવી અતુલકુમાર ભટ્ટ
ફરી આવો ફોરેન – તારક મહેતા Next »   

7 પ્રતિભાવો : મધ્યાહ્નનું કાવ્ય – કાકા કાલેલકર

 1. સુંદર વર્ણન…શાળા જીવનમાં પાઠ્યપુસ્તકમાં આ નિબંધ આવતો ત્યારે પણ આટલો જ ગમેલો.

 2. devina says:

  wonderful article … pahelivaar tadkanu sundar swaroop samjayu

 3. ચિંતન ત્રિવેદી says:

  સ્કૂલમાં ભણતા ત્યારે આ નિબંધ આવતો, આજે ફરીવાર વાંચીને મજા પડી ગઈ.

  આભાર.

 4. એલ પી બેરાણી says:

  NIBANDH VANCHI KHUBAJ MAJA AVI.

 5. harsh says:

  અદભૂત્….

 6. manju says:

  manobhav nu khubaj saras nirupan che.avu lage jane tadkaman chali rhya chiye.aapna mahanubavo tadka ma pan saundarya jota hata.sache ja tadka nu saundarya adbhut che.

 7. pravin rajput says:

  मैं एक प्रकृति प्रेम इंसान हूं मुझे naseeb निबंध से बुक काव्य और प्रकृति के विषय में पोयम कुछ भी होता है मुझे अच्छा लगता है मुझे

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.