આઈસીયુ – હિમાંશી શેલત

[ હળવી શૈલીમાં સામાજિક પ્રશ્નોને વાચા આપતું તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ડાબા હાથે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]જી[/dc]વન છે તો માંદગી આવે, અને માંદગી આવે તો હૉસ્પિટલમાં જવું પડે, હૉસ્પિટલમાં જવું પડે અને સ્થિતિ ગંભીર બની જાય તો આઈસીયુમાં ખસવું પડે. આ બધું આમ તો સામાન્ય જ ગણાય, પરંતુ આ હકીકતના – એટલે કે આઈસીયુમાં દાખલ થવાવાળી હકીકતના- ઉચ્ચારણ વખતે વક્તા અને શ્રોતાના ચહેરા પર જે ભાવ જોવા મળે તે અન્યથા દુર્લભ. બંને ગંભીર તો હોય તે તો સમજ્યા, કારણ કે આવા સમાચાર કંઈ તાળીઓ લઈદઈ હાહાઠીઠી કરતાં ન વહેંચાય. પરંતુ જીવનની અનિશ્ચિતતા, પ્રસંગની કટોકટી અને આજે કોઈ બીજું આઈસીયુમાં છે, કાલે આપણે પણ હોઈ શકીએ, એ સંભાવના વક્તા-શ્રોતાને મૂળસોતી હચમચાવવા માટે પર્યાપ્ત છે. આઈસીયુમાં દાખલ થયેલી વ્યક્તિ અતિપરિચિત કે અલ્પપરિચિત હોઈ શકે છતાં એથી મનમાં જે ખળભળાટ પેદા થાય છે તે તો સરખો જ હોય.

આમ તો આઈસીયુમાં મુલાકાતીઓનું નિયંત્રણ હોય છે અને હૉસ્પિટલનું વહીવટીતંત્ર વળી જો એકદમ સાબદું હોય તો તો અંદર પ્રવેશી મુખદર્શન કરીને જ પાછાં આવી જવાની તકેદારી રાખવી પડે, પણ માનવસંબંધો માટે સુખ્યાત એવા આપણા સમાજમાં ક્યારેક જરા અલગ સ્થિતિ સર્જાઈ શકે. આ એક એવી ઘટનાનો આંખે દેખ્યો હેવાલ છે. એમાં અતિશયોક્તિ બિલકુલ નથી અને જરૂર પડે તો ‘ગીતા’ પર હાથ રાખી ‘હું જે કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું’ એમ જાહેર કરીશ.
****

સવારના દસેકનો સમય, મળસકે એક વડીલ આઈસીયુમાં દાખલ થયા છે. એમને શ્વાસની તકલીફ છે, અને વેન્ટીલેટર પર મૂક્યા છે. તજજ્ઞ આવીને એમને તપાસે છે. એમના તથા એમની આસપાસ વીંટળાયેલા મદદનીશોના ચહેરા પરની ગંભીરતાથી પરિસ્થિતિનું જોખમ પામી શકાય એવું છે. ડૉક્ટર બહાર આવે છે. વડીલના આપ્તજનો ડૉક્ટરની છેક પાસે આવી ઊભા રહે છે. ડોક્ટર ધીમા અને સ્પષ્ટ અવાજે કહે છે : ‘તમારે જેમને ખબર આપવા જેવી હોય તેમને આપી દો. સ્થિતિ ક્રીટીકલ છે…’ આટલા શબ્દો વીજળીવેગે કુટુંબીજનોમાં પ્રસરી જાય છે. હવે પરિવારના મુખ્ય કર્તાહર્તા રંગમંચ પર ભારે પગલે પ્રવેશે છે. નવી આવી પડેલી જવાબદારીના ભાનથી નમી ગયેલા, ક્ષુબ્ધ.
‘સાહેબ, એમ પૂછવાનું કે જાણે તાત્કાલિક બોલાવી લઈએ કે એકાદ દા’ડો થાય તો વાંધો નથી ?’
કાગળિયામાં મોં રાખીને ઊભેલા ડૉક્ટર સામે પૂછે છે : ‘એ તો શી રીતે કહું ? ક્રીટીકલ છે એટલું કહું. પછીનું તમારે વિચારવાનું.’

મુખ્ય વ્યક્તિને ખભે ઘણા ઝળૂંબતા હતા. ડૉક્ટરના બોલ સાંભળીને સહુ કાર્યાન્વિત થયા. થેલામાંથી, પર્સમાંથી ફટાફટ ડાયરીઓ નીકળવા માંડી.
‘એમ કરો. મુંબઈ ખબર આપી દો. રાત સુધીમાં જે ગાડી મળે તેમાં નીકળી આવે. કાલ સવાર લગીમાં આવી તો જાય….’
‘મુંબઈનું તમે કરો જેન્તીલાલ, પણ વડોદરા અને વલસાડ આપણા નાનાભાઈ અને કીકીફોઈને બી કહેવાનું છે. એ તો તરત આવી લાગહે…’
‘ટ્રેન નીં ને બસમાં હો અવાય.’
‘અલ્યા, નવસારી છોટુકાકાને કીધું ? એમને તો તરત જ ખબર આપ્યાની ઉતી !’
‘નથી છોટુકાકા આટલે. લંડન એમની જયનાને તાં છે.’
‘પણ એમનો મનુ તો આટલે ખરો કે નંઈ ? એને કેઈ દો. ખરાબ લાગે…. તરત ફોન કરો. છે નંબર ?’ આઈસીયુની બહાર કલબલાટ મચી ગયો. જતાં-આવતાં બધાં આ ધમાલ જોઈ રહ્યાં. વીસેક મિનિટમાં આખો ઝમેલો પોતપોતાને ભાગે આવેલાં કામ કરવા વેરવિખેર થઈ ગયો. આઈસીયુમાં ચિંતાગ્રસ્ત ચહેરાઓની આવનજાવન ચાલુ રહી. લગભગ સાડાઅગિયારે વડીલનાં સંબંધીઓનો પહેલો જથ્થો આઈસીયુ પાસે આવી ઊભો. એ કદાચ છોટુકાકાને ત્યાંનો મનુ-પરિવાર હોઈ શકે. કુલ માથાં ત્રણ.

[stextbox id=”grey” float=”true” width=”250″]જીવનની અનિશ્ચિતતા, પ્રસંગની કટોકટી અને આજે કોઈ બીજું આઈસીયુમાં છે, કાલે આપણે પણ હોઈ શકીએ, એ સંભાવના વક્તા-શ્રોતાને મૂળસોતી હચમચાવવા માટે પર્યાપ્ત છે. આઈસીયુમાં દાખલ થયેલી વ્યક્તિ અતિપરિચિત કે અલ્પપરિચિત હોઈ શકે છતાં એથી મનમાં જે ખળભળાટ પેદા થાય છે તે તો સરખો જ હોય.
[/stextbox]‘તમે બે જઈ આવો પહેલાં….’
મનુ અને એની પત્ની ભણી હાથ કરતાં એકે સૂચન કર્યું. ચહેરા પર ઉચિત ગાંભીર્ય સાથે બંને વડીલની પથારી નજીક પહોંચ્યાં. વડીલને હલબલાવી દેતો એક તીણો અવાજ સહુને કાને પડ્યો.
‘બાપા, આ છોટુકાકાનો મનુ આઈવો છે. ઓળખો કે ? આપડા છોટુકાકાનો મનુ….’
સ્થળનો ઉલ્લેખ જરૂરી લાગવાથી એક જણે ફોડ પાડ્યો, ‘ઠેઠ નવહારીથી આઈવો, નવહારીથી…. તમને જોવા…. આપડે એને ઘેર હો ગયેલા, ઈયાદ છે ?’

જીવનમરણનો જંગ ચાલતો હોય ત્યાં નવહારીની મનુસ્મૃતિ વડીલ માટે બિલકુલ અપ્રસ્તુત હોવા છતાં વડીલ એ પ્રતિભાવ આપી શકવાની સ્થિતિમાં નહોતા. મનુ નામધારી વ્યક્તિ સપત્ની બહાર ગઈ કે તરત કોસંબાથી આવેલાં વડીલનાં દૂ…રનાં બેન આઈસીયુમાં પેઠાં. પેઠાં કે તત્કાલ રડવા મંડ્યાં. બધાંએ પોતાને નાકે આંગળી મૂકી ચૂપ-ચૂપના ઈશારા કર્યા, પણ એ રડતાં અટક્યાં નહીં, ઊલટું અવાજ વધારે મોટો કર્યો. અંતે એમને બહાર ધકેલ્યાં. એક દોઢને સુમારે, જ્યારે બધાં જંપી ગયેલાં ત્યારે મુંબઈથી મોટરમાં મારમાર કરતાં સંબંધીઓનો બીજો જથ્થો હલ્લા બોલની અદામાં ધસી પડ્યો. ‘કેમ છે, કેમ છે,’ ના સવાલના ધોધ સામે એક સલામત ઉત્તર અપાયો.
‘ઠીક છે. આરામ કરે છે. તમતમારે ચાપાણી કરી આવો….’
‘અમને તો કંઈ થાક નથી લાગ્યો. તમારે આરામની જરૂર છે. દિવસોના ઉજાગરા હશે…. અમે બેઠાં છીએ, તમે જરાય આરામ…..’
‘અમારે તો બેસવું પડે. તમે અજાણ્યાં, કંઈ જરૂર પડે મૂકે તો….’
‘અરે વીણા, મુંબઈ ફોન કરી દે, મોબાઈલ છે ને ? કહી દે કે પહોંચી ગયાં છીએ. અંદર જઈએ ?’

જવાબ મેળવ્યા વિના જ મુંબઈના સમૂહના નેતા આઈસીયુમાં દાખલ થઈ ગયા. વડીલને અધખુલ્લી આંખે આમતેમ જોતાં દીઠા એટલે એમનો ઉત્સાહ વધી ગયો.
‘બાપા ! હું જસવંત… મુંબઈવાળો જસવંત !’
વડીલની આંખો પોતાના પર ઠરે એવી આશાએ વડીલની સાવ સામે એ જઈ ઊભા. ત્યાં સુધીમાં વડીલે આંખનો દરવાજો બંધ કરી દીધો. ઝંખવાઈ ગયેલા જસવંત ખિન્ન ચહેરે બહાર નીકળી ગયા પણ મહત્વની જાહેરાત કરવાનો આ અવસર ચૂકવા દેવાનો નહોતો. આઈસીયુની બહાર જઈ ચિંતિત સ્વજનોને એમણે કહ્યું : ‘નથી ઓળખતા કોઈને…. ગંભીર છે.’ આટલું મોંમાંથી નીકળ્યું કે લાગલાં જ બેચાર જણ- મહિલાઓ જ તો, રડવા લાગ્યાં. આઈસીયુનું બારણું જેટલી વાર ખૂલે તેટલી વાર રુદનના રેલા અંદર પહોંચે.

‘પ્લીઝ, આ રીતે તો બીમાર વ્યક્તિનું મનોબળ તૂટી જાય. અંદર બીજા માંદા લોકોયે છે ! પ્લીઝ…’ કોઈ શાણા મુલાકાતીની ટકોરથી રડવાનું ઓછું થયું. જેને જ્યાં ઠીક લાગ્યું ત્યાં સહુ ગોઠવાયાં.
‘નીચેથી ચાબા મંગાવો, ભ’ઈ !’
‘સાથે કંઈ ખાવાનું બી, જે મળે તે…. આપડે તો હવે આટલે જ બેઠાં છીએ !’
‘એમ હોય કંઈ મુરબ્બી ! ઘેર બધ્ધી વેવસ્થા કરેલી છે….’
‘ના, અમે તો મલવા જ આવેલા તે મલી લીધું, આવું ને આવું રેય તો રાતે ચાલી જવાના….’ એક પક્ષે રોકાઈ જવાનો આગ્રહ અને બીજે પક્ષે પાછાં નીકળી જવાનો નિર્ધાર – બેય વચ્ચે ખેંચતાણ ચાલી. દરમિયાન ચા-કૉફી અને પેટીસ-ફાફડા આવી ગયાં. ધ્યાનનું કેન્દ્ર બદલાયું.
‘લેવ બધ્ધાં જ, જરા તાકાત આવી જાય. થાકેલાં છો તમે લોક…’

બધાં એક રોચક પ્રવૃત્તિમાં નિમગ્ન બન્યાં. પછી આઈસીયુનું બારણું જ્યારે જ્યારે ખૂલ્યું ત્યારે ત્યારે ફાફડા-પેટીસ અને મસાલા ચાની સુગંધ બેરોકટોક આઈસીયુમાં પ્રવેશી, વેન્ટીલેટર પરના વડીલને પૃથ્વીલોકના રસપ્રદ પદાર્થોનું સ્મરણ કરાવતી !

[કુલ પાન : 127 (પાકું પૂઠું). કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આઈસીયુ – હિમાંશી શેલત”

Copy Protected by Chetan's WP-Copyprotect.