રાજી થવાનું અઘરું નથી – રોહિત શાહ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

[dc]રા[/dc]જી થવા માટે એ જરૂરી નથી કે આપણું ઈચ્છેલું બધું જ આપણને મળી જાય. ઈચ્છેલું બધું જ મળી જાય તો પછી અપેક્ષા અને પ્રતીક્ષા બંને ખતમ થઈ જાય. હવે ઘડીભર કલ્પના તો કરી જુઓ કે જીવનમાં આપણને કશી અપેક્ષા જ ન હોય- આપણું કોઈ ખ્વાબ જ ન રહ્યું હોય તો પછી પ્રતીક્ષા શેની કરવાની ? અને પ્રતીક્ષા વગર જીવન જીવવાનો મૂડ જામે ખરો ? મારી પ્રાર્થના તો એવી જ હોવાની કે મારી ઈચ્છાઓને પ્રતીક્ષાનું કાયમી વરદાન મળે. ક્યારેક અધૂરા રહીને છલકાતા રહેવાની મજા પણ માણવી જોઈએ. પૂર્ણ થઈ ગયા પછી તો શાંત રહેવાની સજા વેઠવી પડે ! શાંત રહે એને શાંતિ મળે એ વાત ગળે ઊતરે એવી નથી !

રાજી થવા માટે એ પણ જરૂરી નથી કે આપણે સવર્જ્ઞ બની જઈએ. આપણે સર્વજ્ઞ નથી એટલે જ નવી-નવી જિજ્ઞાસાઓ આપણને જલસા કરાવે છે. કશું જાણવાનું કે કશું શીખવાનું બાકી ન હોય એવી પરિસ્થિતિને હું તો અભિશાપ માનું છું. સવર્જ્ઞ વ્યક્તિની પીડાનો આપણને અંદાજ નથી. સહદેવ સવર્જ્ઞ નહોતો, માત્ર ત્રિકાળજ્ઞાની હતો તોય એની વ્યથા કેવી-કેટલી અસહ્ય હતી ! કવિ કાન્તનું ‘અતિજ્ઞાન’ કાવ્ય વાંચ્યું છે ને ? એ જાણતો હતો કે આવતી કાલે ભરી સભામાં રજસ્વલા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થવાનું છે છતાં પોતે કાંઈ જ કરી શકતો નથી. (કોઈ પૂછે નહિ ત્યાં સુધી સામે ચાલીને એ કોઈને કશું જ ન કહી શકે એવી શરત હતી. જો શરતનો ભંગ કરે તો એનું ત્રિકાળજ્ઞાન નષ્ટ થઈ જાય ! મન એ નથી સમજાતું કે પત્ની-દ્રૌપદીની ઈજ્જત બચાવવી મહત્વની ગણાય કે જ્ઞાન બચાવવું મહત્વનું ગણાય ? જે જ્ઞાન પોતાની પત્નીની આબરૂ લૂંટાતી ન બચાવી શકે એવા જ્ઞાનનું રક્ષણ કરવામાં વળી શું ડહાપણ ?) ખેર, આપણે થોડા-થોડા અજ્ઞાની રહીએ તો જ્ઞાનની તરસનો આહલાદ માણી શકીએ ને !

[stextbox id=”warning” float=”true” align=”right” width=”250″]રાજી થવા માટે એ પણ જરૂરી નથી કે કોઈ આપણને સુખી કરે. બીજાઓ આપણને સુખી કરે એવી અપેક્ષા પણ દુઃખનું પ્રબળ કારણ છે. ખરેખર રાજી થવું જ હોય તો આપણે બીજા લોકોને સુખી કરવા માટેના શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. આ એક વાતમાં હું તમને પર્મેનન્ટ-લાઈફ ટાઈમ ગૅરંટી આપવા તૈયાર છું કે, બીજાને સુખી કરી જોજો, એમ કરવાથી તમને જે સુખ-આનંદ અને રાજીપો મળશે તે અનબિલિવેબલ હશે.[/stextbox] રાજી થવા માટે એ પણ જરૂરી નથી કે આપણો જીવનપંથ સરળ અને સફળ હોય. સરળતા તો એવા લોકો ઝંખે જે સાહસહીન હોય. સફળતા જ મળે એવી ઝંખના એ લોકો રાખે કે જેઓ નિષ્ફળતાથી ડરી જનારા, ડરપોક હોય. સરળતા આપણને કમજોર બનાવે છે અને સંકટો-સમસ્યાઓ આપણને સામર્થ્યવાન બનાવે છે. સરળ અને સુંવાળો માર્ગ છેવટે તો ક્યાંય પહોંચતો નથી. કાંટાળા માર્ગે ચાલવાની, વિકટ કેડીએ સૌ પ્રથમ પગલું પાડવાની, સમસ્યાઓ સામે ઝઝૂમવાની જે મજા છે એ કાયર લોકો શું જાણે ? કોલંબસ ભૂલો પડે અને અમેરિકા ખંડ શોધ્યાનો રોમાંચ માણી શકે. જે માણસ કદી ભૂલો જ નથી પડ્યો એને સાચા રસ્તે પ્રવાસ કર્યાનો આનંદ મળે ખરો ? સાચો પ્રવાસી કદી પૅકેજ ટૂરમાં પ્રવાસ કરવાનું પસંદ ન જ કરે. બીજાની દોરવણી પ્રમાણે, બીજાએ ગોઠવેલી વ્યવસ્થા પ્રમાણે, નિશ્ચિત સગવડો સહિતનો પ્રવાસ રોમાંચક ન જ હોય. મર્યાદિત સગવડો કરતાં અમર્યાદિત અગવડો મળે- ઉસ કા મઝા હી કુછ ઔર હૈ !

રાજી થવા માટે એ પણ જરૂરી નથી કે કોઈ આપણને સુખી કરે. બીજાઓ આપણને સુખી કરે એવી અપેક્ષા પણ દુઃખનું પ્રબળ કારણ છે. ખરેખર રાજી થવું જ હોય તો આપણે બીજા લોકોને સુખી કરવા માટેના શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. આ એક વાતમાં હું તમને પર્મેનન્ટ-લાઈફ ટાઈમ ગૅરંટી આપવા તૈયાર છું કે, બીજાને સુખી કરી જોજો, એમ કરવાથી તમને જે સુખ-આનંદ અને રાજીપો મળશે તે અનબિલિવેબલ હશે. આ વાંચ્યા પછી એમ નથી લાગતું કે રાજી થવા માટે આપણે સાવ જ ખોટા માર્ગે દોડી રહ્યા છીએ ? હવે ખોટા રસ્તે આગળ વધવું કે સાચો રસ્તો જાણ્યા પછી પાછા વળવું એ તો આપણા જ હાથમાં છે ને ! એક વાત યાદ રહે કે કોઈપણ ભૂલ સુધારવા માટે કશું મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. ભૂલ સુધારવા માટે વર્તમાનની ક્ષણ જ શ્રેષ્ઠ મુહૂર્ત હોય છે.

એક પિતા-પુત્ર રસ્તેથી પસાર થતા હતા. સામે એક ભિખારી છોકરો મળ્યો. પિતાએ એ ભિખારીને પૂછ્યું :
‘હજી તો તારી ભણવાની ઉંમર છે. તું અત્યારથી ભીખ માગવા નીકળી પડ્યો ?’
પેલા છોકરાએ કહ્યું : ‘શેઠ, ભણવા માટે જ ભીખ માગું છું. મારે સ્કૂલની ફી ભરવા થોડી રકમ ભેગી કરવાની છે.’ પિતા-પુત્ર એ ભિખારીના શબ્દોમાં છલકાતી લાચારી સાંભળી રહ્યા. પછી પિતાએ ભિખારીને પૂછ્યું :
‘ફી માટે તારે કેટલી રકમની જરૂર છે ?’
‘પાંચ સો રૂપિયા….’
પિતાએ પાંચ સો રૂપિયા કાઢીને ભિખારીના હાથમાં મૂકતાં કહ્યું, ‘લે, પૂરી રકમ હું તને આપું છું. હવે ભીખ ન માગીશ. ખંત દઈને ભણજે….’ ભિખારી વંદન કરીને ગયો, પછી પુત્ર બોલ્યો :
‘પપ્પા ! દુનિયામાં લાખો ગરીબો અને ભિખારીઓ છે. તમે આ એક છોકરાને ભણવાની ફી આપો એથી શો ફરક પડી જાય ?’
પિતા બોલ્યા : ‘બેટા, દુનિયાના ગરીબોની મને ખબર નથી, પરંતુ આ એક છોકરા માટે તો કેટલો મોટો ફરક પડી જાય !’ સુખનાં સમીકરણો સમજવાં હોય તો આવી સંવેદના જોઈએ.

આપણે આપણા રોજિંદા કૌટુંબિક જીવનમાં અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે કોઈ મારી લાગણીને સમજતું નથી. હું સૌના માટે ઢસરડા કરું છું છતાં કોઈને મારી કદર નથી. આપણી ફરિયાદ વાજબી હોય તોય, આપણું વર્તન ખોટું હોય છે. બીજાઓની લાગણી સમજવામાં આપણે જરાય કચાશ ન રાખવા કટિબદ્ધ થઈએ એ જરૂરી છે. કશીક ગેરસમજ હોય, કોઈ પૂર્વગ્રહ હોય તો એ દૂર થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ અને આપણી નિષ્ઠા વહાવતા રહીએ. ધારો કે, કોઈ વખત આપણને ધારેલું રિઝલ્ટ ન મળે એવું ય બને. તોપણ આપણે આપણાં સ્વજનોને જરાય અન્યાય નથી કર્યો, તેમની ઉપેક્ષાઓ વેઠીનેય તેમને સુખી કરવા કોશિશ કરી છે એવા સંતોષ સાથે જગતમાંથી વિદાય લેવાનું સદભાગ્ય તો મળશે ને ! એટલુંય ઓછું નથી હોં ! વિદાયની ક્ષણે-મૃત્યુની ક્ષણે આપણને જરાય ‘ગિલ્ટ ફીલ’ ન થાય તો સમજવું કે જીવનનો ફેરો સફળ થયો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “રાજી થવાનું અઘરું નથી – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.