અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)

[ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ પોતાની જીવનસંગિની વિશે કહેલી વાતોના સુંદર લેખોનું આ પુસ્તક છે ‘મારી જીવનસંગિની’. પ્રસ્તુત લેખ આ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. તેનું સંપાદન રેખાબેન ભટ્ટે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]એ[/dc]ક વખત અચાનક મારા પિતાશ્રી સી.એન. સંસ્થાના કલાવર્ગમાં આવી પહોંચ્યા. કહ્યું ‘આવતા મે માસની પાંચમી તારીખે તારાં લગ્ન છે. 5-5-50.’ હું ત્યારે S.S.Cની પરીક્ષા આપી પૂ. રસિકભાઈ પાસે ચિત્ર શીખવા રહેલો (અમદાવાદ). હું વિવાહિત હતો એટલે મને બોર્ડિંગમાં ન રાખે. મેં મુ.શ્રી ઝીણાભાઈ દેસાઈને વાત કરી. મારે ચિત્ર શીખવું છે. રહેવાની મુશ્કેલી છે. તેમણે સવાલ કર્યો. ક્યાં રહીશ ? મેં કહ્યું કોઈ જગા નથી, તમારે ત્યાં રાખો. સાહેબે રહેવા જમવાનું ગોઠવી દીધું. મુ. વિદ્યાબેન પ્રેમથી જમાડે. હું ઘરની શોભાનાં નાનાં મોટા કામ કરી દેતો. બસ, હું ચિત્રને માર્ગે ચઢી ગયો. સવારથી સાંજ સુધી ચીતરતો.

ત્યાં લગ્નની વાત આવી, પાટો બદલાઈ ગયો. ત્યારે મારી ઉંમર 19 વર્ષની અને શારદાની 15 વર્ષની, બસ ઘેર જવાનું હતું. પિતાશ્રી એક ઘોડાગાડી લઈ આવ્યા. બધા સામાન સાથે એ ઘોડાગાડીમાં બેસી સી.એન. બહાર નીકળ્યો, એ દશ્ય પૂર્ણપણે યાદ છે. જાણે સિનેમાની એક ઘટના. સાત ધોરણ પૂરાં કરી અમદાવાદ આવ્યો ત્યારે થનાર પત્નીને બે પાંચ વખત જોયેલી. માત્ર જોયેલી. તે જમાનામાં મળાતું નહિ. વાત તો ક્યાંથી ? નાનકડી એ છોકરી સાથેના સહજીવનની ક્યારેક કલ્પનાઓ આવતી. સ્વપ્નવત તે વાગોળતો.

અમદાવાદ આવતા પૂર્વે દાદા અમરતલાલ મને ઉપરના માળે લઈ ગયા. બેસાડ્યો. લોટીમાં પાણી હતું. કહ્યું : ‘તું અમદાવાદ ભણવા જાય છે. ત્યાં તને છોકરીઓ પણ મળશે. પરિચય પણ થશે. નજીક આવે ત્યારે યાદ કરજે કે તું વિવાહિત છે. ચાલ હાથમાં પાણી લે કે શારદા સિવાયની કોઈ પણ છોકરી મારે મા બહેન સમાન છે.’ મેં પાણી મૂક્યું. આ સ્વીકૃતિ મારા મનમાં બેસી ગઈ ને સંગિની સહીસલામત થઈ ગઈ. નવમા ધોરણમાં હું ડીબેટને લીધે સ્ટેજ પર આવતો. ચિત્ર પણ સારું કરતો. વર્ગમાં મંત્રી તો ખરો જ અને પછી મહામંત્રી પણ થયો. ચિત્રમાં તો ઓળઘોળ હતો. ચિત્ર મારા જીવનનું ધ્યેય બની ચૂકેલું. છોકરીઓના પરિચય વધતા જતા હતા. મળવા હળવાનું વધ્યું. મિત્રતા પણ થઈ. ઘેર આવવાનાં નિમંત્રણ પણ મળતાં. ખાસ કરીને પ્રવાસ પર્યટનમાં નજીક આવવાનું સહજ બનતું. તારંગાના પ્રવાસથી ઘેર આવવાનું કોઈને ય મન નહોતું. ટાઉનહોલ પાસે સૌ છૂટાં પડ્યાં. એ અંધારામાં આવજો, આવજોના અવાજો ગુંજતા હતા. સ્નેહીજનો એકબીજાને પ્રત્યુત્તરો આપતા હતા. અવાજ માત્ર આવજો હતો.

[stextbox id=”warning” float=”true” align=”right” width=”250″]પરણ્યા પછી ચાર વર્ષ જુદાં હતાં. મારો અભ્યાસ ચાલુ હતો. હું એને લાંબા લાંબા પત્રો લખતો. તે જવાબ ન આપે. હું અકળાઈ ઊઠતો, રોજ પોસ્ટમેનની રાહ જોતો. તેને માટે પત્ર લખવો ને નાખવા જવું બન્ને છાની ને શરમની વાત હતી. હું તે સમજી શકતો નહોતો. આજે મને લાગે છે કે મારી વધુ પડતી અપેક્ષા હતી. હું આદર્શઘેલો કાંઈ કાંઈ લખું તે શું સમજી શકે ? તે ઓછા બોલી હતી. હું બોલકણો. હું વક્તાને તે શ્રોતા. પણ તે કામગરી હતી. લગ્ન કરી અમે મોટરમાં બેઠાં તુરત તે પિયરથી આપેલી બધી વસ્તુઓ ગોઠવવા માંડી. મને તરત થયું કે આ મારું ઘર વ્યવસ્થિત રાખશે.[/stextbox] મુ. ઝીણાભાઈ અમને જીવન ઘડતર માટે સતત પ્રાર્થના મંદિરમાં નવી નવી વાર્તા કહે. શાળામાં આવતા મહેમાનો પણ જીવન ઘડતરની વાતો કરે. સાહિત્ય અને કલાની પણ વાત કરે. મુ. ઝીણાભાઈના આગ્રહથી મેં એક બાબત સ્વીકારી. રોજનીશી લખેલી ને સાચું લખવું. રોજ રાત્રે તે લખીને સૂઈ જતો. તે નવમા ધોરણથી લખતો. રોજનીશીમાં એક જગ્યાએ લખ્યું છે : ‘બીજી છોકરીઓ મારી નજીક આવે ત્યારે બન્ને વચ્ચે શારદારૂપી પડદો આવી જતો અને હું એક જગ્યાએ અટકી જતો.’ રોજનીશીમાં ઘણા પ્રસંગો છે જેમાં સામીપ્ય હોય પરંતુ મારે શારદાને પરણવાનું છે ને દાદાને વચન આપ્યું છે તે ભૂલાતું નહિ. ક્યારેક વિચારયુદ્ધ થતું પણ પાછો ભણતરમાં લાગી જતો. પ્રવૃત્તિ ખૂબ રહેતી એટલે સ્થિરતા રહેતી. પાછળથી લખ્યું છે ‘હું દૂર દરિયો ડહોળીશ પણ લાંગરીશ તો મારા બંદરે’ એ તો લખ્યું પાકટ વયે.

પરણ્યા પછી અમે ચાર વર્ષ એક બીજાથી દૂર હતાં. માત્ર રજાઓમાં મળતાં. એ તો હજી નાની હતી. એની હાજરી મને ગમતી. આદર્શની થોડી વાતો કરતાં. તેમાં તેને એક પ્રસ્તાવ મૂક્યો. રોજ ગાંધીજીની આત્મકથાનું એક પ્રકરણ વાંચીને જ સૂવાનું. આજે લાગે છે કે મેં એની કેવી સજા કરી. પરંતુ તે સાથે જીવન ઘડતરની વાતો થતી. એ હતી ઓછા બોલી એટલે હું વક્તા ને તે શ્રોતા. મને ગુજરાત કોલેજમાં કલા વિભાગનાં ઈનામ મળતાં ત્યારે ક્યારેક તેને હાજર રાખતો. બહેનો જ તેને સંભાળી લેતી. આમાંથી તેને જીવનના વિશાળ ફલકનો અનુભવ મળતો. ભણેલા માણસોનો સંગ મળતો. એનું ભણતર તો આઠમા ધોરણ સુધીનું હતું પરંતુ આવા પ્રસંગોથી તે સહચારિણી બનતી રહી. જૂના સંબંધો હવે સ્વરૂપ બદલતા ગયા. ભૂંસાતા ગયા. નવો સંબંધ દ્રઢ થતો ગયો. તેને ભણાવવા પ્રયત્ન કર્યો પણ ઘરનાનોય સાથ ન મળ્યો ને તે બાબત પર વિરામચિહ્ન મુકાઈ ગયું. હા, તેને વાંચવાનો શોખ એટલે તેણે સરસ્વતીચંદ્ર જેવું પુસ્તક પણ વાંચેલું. કોણ જાણે કેમ પણ તે મને ઓછું ભણેલી છે તેવું લાગ્યું નથી. જરૂરી બધું જ સંભાળી લે. મનેય સાચવ્યો ને સંભાળ્યો. તે સરસ રસોઈ બનાવી જમાડે ને કોઈ ફરિયાદ નહિ. પૈસા ઓછા હોય ત્યારે હું ગુસ્સે થાઉં, તેવી પળોમાં કહે ચિંતા ન કરશો ‘મારી પાસે છે’ પિયરના પૈસા જ સ્તો. હું સતત મારા આદર્શને પહોંચવા મહેનત કરતો. ચિતરવાનો નશો આજ સુધી રહ્યો. પરિણામે હૂંફ સિવાય મને કોઈ અપેક્ષા જ નહોતી. હું ક્યારેક તેને કહેતો ‘તું મને ગમે છે એટલે સ્થિરતાને બળ મળે છે. ગમતી એટલે ક્યારેક મોડેલ તરીકે લેતો. તેના ખાસાં પોટ્રેઈટ કર્યાં. મારા પોટ્રેઈટ્સમાં ઉત્તમ પોટ્રેઈટ તેનું છે જે મારા પુસ્તક ‘કલાયાત્રી નટુ પરીખ’માં છાપ્યું.

પરણ્યા પછી ચાર વર્ષ જુદાં હતાં. મારો અભ્યાસ ચાલુ હતો. હું એને લાંબા લાંબા પત્રો લખતો. તે જવાબ ન આપે. હું અકળાઈ ઊઠતો, રોજ પોસ્ટમેનની રાહ જોતો. તેને માટે પત્ર લખવો ને નાખવા જવું બન્ને છાની ને શરમની વાત હતી. હું તે સમજી શકતો નહોતો. આજે મને લાગે છે કે મારી વધુ પડતી અપેક્ષા હતી. હું આદર્શઘેલો કાંઈ કાંઈ લખું તે શું સમજી શકે ? તે ઓછા બોલી હતી. હું બોલકણો. હું વક્તાને તે શ્રોતા. પણ તે કામગરી હતી. લગ્ન કરી અમે મોટરમાં બેઠાં તુરત તે પિયરથી આપેલી બધી વસ્તુઓ ગોઠવવા માંડી. મને તરત થયું કે આ મારું ઘર વ્યવસ્થિત રાખશે. એ મારી જીવનસંગિની હતી એવો ખ્યાલ ત્યારે મને ન હતો. એ મારી ગૃહિણી હતી. એ બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલે. સરસ રસોઈ જમાડે. ભરવરસાદ હોય તો તે બાળકોને લેવા શાળાએ જાય. મારા મિત્રોને આવકારે ને જમાડે. તેની દાળ તો મિત્રો (ગજેન્દ્ર શાહ) આજે ય વખાણે. મારા ઘરને સુંદર રાખે. ઉતાવળમાં પીંછીંઓ રંગવાળી રહી હોય તો ધોઈ નાખે. એણે ઘરનો ભાર મારા પર કદી નાખ્યો નથી. બસ મારું કામ માત્ર ચિત્રકામ અને લેખન. તેનો શોખ વાચન, નવી સાડી ને કપડાં ખરીદવાં. મોડેલ તરીકે બેસે ત્યારે નવી સાડી માગે. એ બાબત મને ગમતી. વાચનમાં મારે ત્યાં નવચેતન આવતું. બસ વાર્તાઓ વાંચ્યા કરે, અમે ચર્ચા કરીએ. હું વાંચતો હોઉં ને કાંઈક સરસ આવે તો રસોડામાં પહોંચી જાઉં ને પેરેગ્રાફ સંભળાવું. હું આચાર્ય રજનીશનો ભક્ત. તેને ગમે કે ન ગમે પણ ઠેઠ પૂના સુધી આવેલી. હું સતત પરિવર્તનશીલ, કલ્પનામાં ઉડવાની ટેવ, તે વાસ્તવ જગત જોનારી. સમયે અમે સાથે થઈ ગયાં.

નવચેતનનું ઈલસ્ટ્રેશન કરતો. છેલ્લા દિવસ સુધી કામ થયું ન હોય પછી ગૂંચવાઈ જઉં. આઈવરી પેપર લઈ તેને જરૂરી પોઝમાં બેસાડી પેન્સિલિંગ કરી લઉં. બોલાવું તો રસોડાનું કામ પડતું મૂકી આવવામાં તે જરાય આનાકાની ન કરે. બોલવાનું જ ઓછું પછી શું ! મેં પાંચેક વર્ષ ઈલેસ્ટ્રેશન કર્યું. પછી છોડ્યું ને પોટ્રેઈટ તરફ વળ્યો. તે રૂપાળી નહોતી. પણ ઘાટીલી હતી. ગોળમટોળ હતી. પોટ્રેઈટની કળા વિશે વાંચું ને અખતરા કરું. તે માટે મોડેલ જોઈએ અને એ બેસે. આજે મારી પાસે તેનાં ખાસાં પોટ્રેઈટ્સ છે. બસ, જીવનમાં સાથ અને સંગાથ સ્વાભાવિક હતો. ચિત્રકાર શાંતિ શાહના કહેવા મુજબ મારાં બધા પોટ્રેઈટ્સમાં શારદાનું પોટ્રેઈટ ઉત્તમ હતું. તે થોડી શ્યામ ખરી પણ ચામડી તેજસ્વી. કોલેજની કોઈ છોકરી ઘેર લઈ આવું ને પોટ્રેઈટ કરું તો મોડેલને પ્રેમથી જમાડે. જરાય મોં ન ચઢાવે, ટીકા પણ નહિ.

આજે એ નથી એટલે એની ખોટ સાલે છે. પણ એને યાદ કરું ત્યારે મેં એને ક્યાંક ક્યાંક દુઃખી કરેલી તેનું દુઃખ થાય છે. જેનું કારણ હતું મારો માલિકી ભાવ. જીવનમાં એવી પળો આવી કે મારા માલિકી ભાવને લીધે સંઘર્ષ થયો. હું સમજતો ને સમજાવતો કે માલિકી ભાવ એ પણ પ્રેમને લીધે જ છે. એ એનો જ વિકૃત આયામ છે. આચાર્ય રજનીશની ત્રણેક વર્ષ કેસેટ સાંભળ્યા પછી પૂના જઈ આવ્યાં – બધા. પછી એક દિવસ એને બેસાડી કહ્યું : ‘હવે તને જેમ જીવવું હોય તેમ જીવવાની છૂટ છે, કદી નહિ ટોકું.’ એ માત્ર હસી. એની બેનપણીએ કહ્યું : ‘થોડા વહેલા કહેવું હતું ને ?’ હાલ હું 78 વર્ષનો છું. સમજું છું કે જીવનના વિશાળ વહેતા પ્રવાહમાં અવરોધો તો આવે જ. ક્યાંક નવા પ્રવાહો ખલેલ પણ કરે ત્યારે લાગણી નહિ પણ બુદ્ધિથી કે સન્મિત્રો દ્વારા મૂળ પ્રવાહને જાળવતાં શીખવું પડે. એક બીજાને માફ કરવાં ને ગમતાનો કરવો ગુલાલ જ મહત્વનું છે.

ચિત્રકાર તો સૌંદર્યનો ઉપાસક હોય. સતત તેથી તરબોળ રહેવા ઈચ્છતો હોય, ને તેની કદર પણ કરે. અમારે ક્યાંય ઉત્સવમાં કે લગ્ન પ્રસંગે જવાનું હોય ત્યારે અમે રિવાજ રાખેલો કે તૈયાર થયા પછી તે પહેલાં મારી પાસે આવે, સાડીમાં તે કેવાં લાગે છે ! અમે અવારનવાર પ્રવાસમાં જઈએ. ક્યાંક નહિ તો તારંગા તો ખરું જ. હું ચીતરું ને તે મદદમાં. ચીતરી લઉં એટલે બધું જ સમાલી લે. હું કૂતરાંથી બીઉં, વાંદરાંથી બીઉં, એ જંગલમાંય શાંતિથી બેસે, કાંઈ નહિ તો નવકાર ગણે, તારંગામાં વાંદરા આવે તો હું ગભરાઉં. તે કહે તમતમારે કામ કરો. હું બેઠી છું. એક સાંજે અમદાવાદ ફરવા ગયેલાં. ત્રણ ડાઘિયા ફરી વળ્યા. મને સ્વસ્થ રહેવા સૂચના આપી. તેણે કૂતરાંને ડચકાર્યાં, પંપાળ્યાં. અમે બચીને ઘેર આવ્યાં. તેણે મને જીવનભર સાચવ્યો.

1972માં હું ટી.બી.નો ભોગ બનેલો, બે મહિના ઘેર રહ્યો. તેણે ખૂબ સેવા કરી. દવાઓ આપવી, માલિશ કરવી, લીમડાના પાણીથી નવડાવવો, મારી ચાદર ઉકાળીને ધોવી. ખબર જોનારને આવકારવા, ડૉક્ટરને ત્યાં સાથે આવવું. છેલ્લે ડૉ. તુલસીદાસ પટેલને કહ્યું, એને તપાસી લો, એ નરવી હતી. એવી ને એવી. તુલસીદાસ પટેલે કહ્યું સેવા કરનારને કશું ન થાય. બસ એક ઘટના બની ને જીવનભર તેની સામે ઝૂકી ગયો. એ નથી પણ એનો સ્નેહ ક્યારેક ક્યારેક આંસુરૂપે હાજર થાય છે. સંગ અખંડ છે.

[કુલ પાન : 208. (મોટી સાઈઝ, પાકું પૂઠું) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બુનનો બ્રુનો – પુષ્પાબેન ગજેન્દ્રભાઈ ગોસ્વામી
પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ Next »   

8 પ્રતિભાવો : અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)

 1. Ajay Modi says:

  કોઈ જશે ચઢે ને કોઈ મૂંગે સહે
  પણ તાળી તો બે હાથે જ પડે

 2. Neha says:

  agree with Ajay Bhai

 3. Dhiren I Solanki says:

  સાચે જ, જ્યારે આપણી પાસેથી કોઇ નજીકન વ્યક્તિ દૂર ચાલી જાય છે ત્યારે તેની ખોટ ખૂબ જ વર્તાય છે. તેના ન હોવા પછી તે સમજાય છે.

 4. devina says:

  sundar article…

 5. Vijay says:

  very nice….i love this from all this article

 6. Khushi says:

  Very nice….Hope in current generation people should start understand things like Saath and Sangath 🙂

 7. Mamta says:

  very nice touchy article. It is very inspiring to appreciate the other half.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.