- ReadGujarati.com - http://www.readgujarati.com -

બુનનો બ્રુનો – પુષ્પાબેન ગજેન્દ્રભાઈ ગોસ્વામી

[ રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક પ્રસંગ મોકલવા માટે પુષ્પાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sky3kids@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]ખરે બ્રુનોને મારા ભાઈના ખેતરમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો. મારી દીકરી સોનાએ હા ભણી. બ્રુનો આમ તો એનો જ હતો ને ? બ્રુનો વિના ગમશે નહીં એમ કહેવા આવેલી સોનાને બ્રુનોએ પપ્પા પર હુમલો કર્યાનું દ્રશ્ય યાદ આવતાં અનાયાસ જ વિચારમુદ્રામાં અટવાઈ ગઈ.

મારા પતિ ઈન્દ્રના ડાબા હાથે અને ત્રણ દાઢોના ખાડામાંથી નીકળતું લોહી અને વલુરીયા જોઈને મારો પણ જીવ એનામાંથી ઊઠી ગયો. કાંઈ નહીં, ભાઈ ને ત્યાં જ છે ને ? મન થશે ત્યારે જોઈ આવી શું – એમ માનીને ભાઈની જીપમાં વિદાય કર્યો. જીપની બારીમાંથી ગરીબડો બ્રુનો અમ સૌને તાકી રહ્યો હતો. એ દેખાતો ઓજલ થયો ત્યાં સુધી અમે સૌ પણ તાકી રહ્યાં. પોતાના બાળકને સોંપતા જે વલોપાત થાય તેવો જ હૃદયદ્રાવક આ પ્રસંગ હતો. ‘આવતા અઠવાડિયે બ્રુનોની ખબર લેવા જઈશું’ ઇન્દ્રના સાંત્વનથી મને અને સોનાને સારું લાગ્યું.

ગામના ચાર રસ્તા આવ્યા એટલે ઇન્દ્રએ પૂછી લીધું : ‘સીધા ઘરે જવુ છે કે ખેતરમાં ?’ અમારા મનના ભાવ એમણે એક જ સેકન્ડમાં પારખી લીધા અને મંગલમ સીનેમાથી સીધા જ રસ્તે મારુતીકારને ખેતરના નેળિયામાં થી કુવા પાસે લઈને મજુરોની ઓરડી નજીક ઊભી રાખી. બ્રુનોને શોધતા અમે સૌ ઓરડીની પાછળના ભાગે રીતસર દોડતા જ ગયા. કાથીનો ખાટલો બિછાવી, ધૂળ ઉપર પાણી છંટાવીને ભિયા અમારી રાહ જ જોતા હતાં. ‘આવો બુન…. પધારો સાહેબ….’ એવા વ્હાલભર્યા સ્વાગતમાં ધ્યાન ન આપતાં, સાંકળથી બાંધેલો બ્રુનો અમારી પાસે આવવા ખેંચમતાણ સાથે લાડથી ઉહકારા કરી રહ્યો હતો એમાં જ અમે ખોવાઈ ગયા. એની એક આંખ સોજાથી પુરાઈ ગઈ હતી. થોડો અશક્ત જણાતો હતો, પણ સોનાને એણે તાલી તો આપી જ !!

આટલા દિવસમાં શું ખાધું, શુ કર્યું, વગેરે જાણ્યું. ભિયાએ સાદ કર્યો એટલે ‘બુન આયા સી’ કરતો ભાગિયો નાગજી ક્યારામાંથી પોણત કરવાનું છોડીને દોટ મૂકીને કુવા પર આવ્યો. નાગજી બ્રુનો ને ‘બુન નો’ કહેતો એટલે કે બુનનો આપેલો છે માટે.
‘બુન તમે ચંત્યા નો કરતાં. શેઠ ઘણો હાચવે સે… એ થોડા દન મો તો વશેરા જેવો થૈ જાહે…’
‘બ્રુનો તો સુખમાં આયો સ હો સોનબા…’ માથે હાથ મૂકીને મામીએ પણ દિલાસો આપ્યો.

[stextbox id=”black” float=”true” width=”250″]બ્રુનો પણ એના નામથી એવો હેવાઈ ગયો કે નામ સાંભળતાં જ ગેલમાં આવી જાય અને દોડતો આવીને લાડ કરવાં લાગે. દૂધ પીવડાવવું, નવડાવવો, રોટલી, બિસ્કિટ ખવડાવવું વગેરેમાં માથે કામ વધ્યા છતાં સંતાનોની ખુશીમાં કામનો બોજ વહી જતો. દિવસો પસાર થતા ગયાં અને બ્રુનો અમારી બધાની સાથે હળી ગયો. તંદુરસ્ત પણ ઘણો. આઈસ-ક્યુબનો રસિયો એટલે જેટલી વાર ફ્રિજ ખૂલે કે તરત ગમે ત્યાંથી આવી જાય. તોફાન-મસ્તી, લાડકોડ તો જાણે અમારું જ બાળક ! માણસિયો થઈ ગયેલો એટલે અમારા પલંગ નીચે જ સૂઈ જાય.[/stextbox] મારા પતિની અમદાવાદથી હિંમતનગર ટ્રાન્સફર થઈ હતી એટલે દર ત્રીજા દિવસે પાછા આવતાં. મારા ત્રણ સંતાનો અભ્યાસમાં વ્યસ્ત અને ઘર નવું નવું બદલેલું જેથી એકલવાયું લાગતું. ખાસ તો સોનાને. એક દિવસ પપ્પાએ ગલુડિયાંની વાત કરી. હિંમતનગરથી આવતાં ઘડકણ ગામમાં એક ફાર્મના માલિક શ્રી પ્રહલાદભાઈ એમના મિત્ર થયેલા. એમને ત્યાં દેશી-આલ્સેશીયન મિક્સ એવા છ-સાત ગલુડીયાં થયેલાં. વાતવાતમાં માંગણી થઈ, ‘સાહેબ… આપને માટે ‘ના’ હોય ?’ અને દસ દિવસનું બચ્ચુ ગાડીમાં મૂકી દીધું અને આવ્યા નવા મહેમાન અમારા સોફા પર !! ગોળમટોળ ભદ્દો, રાતડુ, જાડી પૂંછડી. બે દિવસ તો ઊંઘ્યા જ કર્યું. ‘ઉ…ઉ….’ એમ કરે. નાની ગોદડી ઓઢાડી. બધાએ ખૂબ જ વહાલ કર્યું. સવારથી જ કકુ અને સોના એના જાગવાની રાહ જુએ. પછી તો કૂદમકૂદી શરૂ થઈ જાય. કકૂએ તાલી આપવાની ટ્રેનિંગ શરૂ કરી અને શીખી પણ ગયો. ગળે નાનો પટ્ટો પણ આવી ગયો અને એ પણ પાછો ઘૂઘરી વાળો ! રોજ નવડાવવાનું, ખાવા-પીવાનું નિયમિત ! નામકરણ વિધિ માટે વિચારાયું. ઘણા સૂચનો બાદ સોનાએ ‘બ્રુનો’ નામ પાડ્યું. બ્રુનો પણ એના નામથી એવો હેવાઈ ગયો કે નામ સાંભળતાં જ ગેલમાં આવી જાય અને દોડતો આવીને લાડ કરવાં લાગે. દૂધ પીવડાવવું, નવડાવવો, રોટલી, બિસ્કિટ ખવડાવવું વગેરેમાં માથે કામ વધ્યા છતાં સંતાનોની ખુશીમાં કામનો બોજ વહી જતો. દિવસો પસાર થતા ગયાં અને બ્રુનો અમારી બધાની સાથે હળી ગયો. તંદુરસ્ત પણ ઘણો. આઈસ-ક્યુબનો રસિયો એટલે જેટલી વાર ફ્રિજ ખૂલે કે તરત ગમે ત્યાંથી આવી જાય. તોફાન-મસ્તી, લાડકોડ તો જાણે અમારું જ બાળક ! માણસિયો થઈ ગયેલો એટલે અમારા પલંગ નીચે જ સૂઈ જાય.

એક દિવસની વાત છે. મેં માખણમાંથી ઘી બનાવેલું. આદત મુજબ ચિટુએ ચાટવાનું વાસણ બ્રુનો આગળ મુક્યું. એ જ ટાઈમે ઇન્દ્ર એમની રૂમમાં જવા ત્યાંથી પસાર થયા અને બ્રુનોએ માની લીધું હશે કે મારો ખોરાક પડાવી લેવા આવ્યાં. એમનું ધ્યાન બ્રુનો પર જાય એ પહેલા બ્રુનો એકદમ આક્રમક થઈને એમની ઉપર ત્રાટક્યો અને ડરામણા ઘૂરકાટ સાથે હુમલો કર્યો. મારા બન્ને દીકરા પણ એમની મદદે આવ્યાં અને આ તો જાણે જંગલી જાનવર સાથેની લડાઈ. માંડ માંડ એક રૂમમાં પૂર્યો.

સવારે શાંત થયો. શૂરાતન ઊતરી ગયું હતું અને ગુનેગારના ભાવ હતા એના ચહેરા પર જાણે ! પશુઓના જાણકાર ભિયાના ખેતરમાં મોકલવાનો મનોમન નિર્ણય લેવાઈ ગયો હતો. હમણાં બે મહિનામાં વારંવાર બાને ત્યાં જવાનું થયું. ખાસ તો બ્રુનો ને જોવા માટે જ તો ! હવે તો ખેતર જ એનું રહેઠાણ અને એ ખેતરનો ચોકીદાર ! બા એને ‘ભુનિયો’ કહેતાં. ભિયા એ ‘બ્રુના આ…આ…’ એમ હાંક મારી એટલે દોડતો આવીને ઊભો રહી ગયો. અમને જોઈને ખૂબ જ લાડ કર્યું. ભિયાના ચહેરા પર ટ્રેનિંગ અને સાચવણીના સંતોષનો ભાવ હતો. અમને પણ ‘બ્રુનો મજા કરે છે….. કદાવર થયો છે….’ એવા સમાચાર આવ્યાં કરતાં. શેરડીના ખેતરમાં બેઠેલો જોરદાર ફોટો પણ મોકલેલો. પરંતુ એ પછી, ખેતરમાંથી કદાચ ગમે તે ખાવાની આદત હશે અને કોઈક ઝેરી વસ્તુ ખાઈ ગયો અને એમાંથી ધીમે ધીમે એનું આખું શરીર પાકી ગયું અને લોહી નીતરવા લાગ્યું. પ્રાણીઓના ડોક્ટરની સારવાર શરૂ કરી છતાં પણ ઝેરની અસરથી શરીર કહોવાઈ ગયું હતું. છેલ્લે જ્યારે અમે જોયો ત્યારે બ્રુનો ન્હોતો પણ રક્તપિતના દર્દી જેવું શરીર ઘાસની પથારીમાં તરફડતું હતું. જોવાની અને ઓળખવાની શક્તિ ગુમાવી બેસેલા બ્રુનોને અમારી આંખો જોઈ ના શકી. એના આત્માની શાંતિ અને મુક્તિ માટે ગાયોને ઘાસચારો અને કૂતરાઓને મણ રોટલાની માનતા સાથે ભગવાનને ખૂબ આજીજી અને પ્રાર્થના કરી.

અમારો સૌનો માનીતો અને વ્હાલો બ્રુનો સદાયને માટે સૂઈ ગયો. ખેતરના એક ખૂણે તેના શબને સમાધિ આપીને અંતિમક્રિયા પૂર્ણ કરી. બ્રુનોનું અવસાન થયું ત્યારે સોનાની બારમા ધોરણની પરીક્ષા હતી એટલે ભિયા થોડા દિવસ પછી અમદાવાદ આવ્યા. જીભ પર મણ મણનો બોજો લાગવાં છતાં જીવ કાઠો કરીને સોનાના રૂમમાં જઈ કહ્યું કે ‘બકા, તારો બુનિયો ગયા અઠવાડિયે ગુજરી ગયો’. સોનાની સાથે અમે બધાં રડી પડ્યાં. અંજળપાણી પૂરા થયાં. બ્રુનો અમર થઈ ગયો. બ્રુનો કોનો હતો ? સોનાનો, ભીયાનો, બુનનો ? બ્રુનો અમારા સૌનો હતો. 15 વર્ષ થયાં આ વાતને, પણ હજુ ગઈ કાલની વાત હોય એવું લાગે છે. એક અબોલ જીવ આટલી ઊંડી અમારા બધાના મન પર અસર કરી જશે તેવી ખબર ન હતી.