જીવન પોતપોતાનાં – મહેશ દવે

[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘મનોમન’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[dc]હું[/dc] ઊછર્યો છું મુંબઈની ચાલીમાં. પચાસ-સાઠ વર્ષ પહેલાંના મુંબઈમાં મધ્યમ વર્ગના ગુજરાતીઓ ચાલીઓમાં જ રહેતા. જોકે ‘ચાલી’ કરતાં સહેજ ઊંચા દેખાતા ‘ચાલી’ને ‘માળો’ કહેતા. માળામાં હોય ભાડાની નાની-મોટી ઓરડીઓ, આસપાસ વાડકી-વહેવાર રાખતો પાડોશ, ‘કૉમન લૅટ્રીન્સ’, ઘરની નાનકડી ચોકડીમાં બે લોટા પાણી નાખી નહાઈ લેવાનું અને એવું બધું. આગળની પેઢીના ખભા પર બેસી પછીની પેઢી આગળ વધે છે, તેમ હું પણ જરા ભણી-ગણી મધ્યમ વર્ગના ઉપલા ‘બ્રેકેટ’માં આવી ગયો.

મારાં લગ્ન પછી ‘લેડી-લક’થી કંઈ મહેરબાની હશે તે મુંબઈમાં વિકસી રહેલા નવા વિસ્તારમાં હું એક બેડરૂમનો ઑનરશિપ ફલૅટ લઈ શક્યો. આજે તો એ વિસ્તાર મુંબઈના પૉશ એરિયામાં એક ગણાય છે અને મારા ફલૅટની કિંમત સાઠ-સિત્તેર લાખ અંકાય છે. આવી ઊંચી કિંમતે આ વિસ્તારમાં હું કદી ફલૅટ ખરીદી ન શકત, પણ સસ્તાઈના સમયમાં તાણીતૂંસીને નાણાં એકઠાં કરી ફલૅટ લેતાં લેવાઈ ગયો.

પૉશ વિસ્તારની સાથે સાથે તેના ગુણો-દૂષણો, સગવડ-અગવડો આવે છે. જાતે કામ કરી લેવાનું સારું ન દેખાય, છૂટક કામ કરનાર ઘાટી મળે નહીં, મળે તો તેની અનિયમિતતા ને આડોડાઈ સહેવાં પડે એટલે સવિતા ક્યારની કહ્યા કરતી હતી કે ઘરઘાટી રાખો. પણ ઘરઘાટી એટલે સારો એવો પગાર, તેને ઘરમાં રાખવાનો અને ચા-પાણી ને ખાવા-પીવાનું આપણે માથે. એ બધું પોસાય એવું નહોતું. એટલામાં વળી બાજુવાળાનો ઘરઘાટી એક સરસ દરખાસ્ત લાવ્યો. એના કોઈ દૂરના સગાની દસેક વર્ષની છોકરી રહેવા ને કામ કરવા આવે તેમ હતી. બાપ મરી ગયો હતો, ઘરમાં કોઈ કમાનાર નહોતું, મા અહીંતહીં કામ કરી પૂરું કરતી હતી. અમે રાખવા માગતાં હોઈએ તો છોકરીને ગામડેથી બોલાવવા તે તૈયાર હતો. પ્રસ્તાવ સરસ હતો. છોકરી નાની એટલે પગાર ઓછો, તેનું ખાવા-પીવાનું પણ ભારે ન પડે. આમ દસ વર્ષની કુશી અમારે ત્યાં કામ કરવા આવી. બાજુવાળાનો ઘરઘાટી તો ક્યારનોય ચાલ્યો ગયો, પણ કુશી મારે ત્યાં નવ વર્ષથી કામ કરે છે. શરૂઆતમાં આવડત ઓછી હતી, પણ ધીમે ધીમે બધું શીખી ગઈ.

મારી દીકરી સોનલ કુશીથી એકાદ બે વર્ષે મોટી. અલબત્ત, એ તો વિસ્તારના શિરસ્તા પ્રમાણે ઈંગ્લિશ મીડિયમમાં ભણવા જતી, ફૅશન પ્રમાણેનાં કપડાં પહેરતી અને ફૂલફટાક થઈને ફરતી. પણ સરખી ઉંમર અને ઘરમાં બીજી ‘કંપની’ નહોતી એટલે સોનલ અને કુશી લગભગ બહેનપણી જેવાં થઈ ગયાં હતાં. સોનલનાં કપડાં જૂનાં થાય એટલે કુશીને પહેરવા મળતાં. કુશી સહેજ દેખાવડી પણ ખરી. હોશિયાર હતી એટલે બોલાવે-ચલાવે પણ ચબરાક થઈ ગઈ હતી. ઘરનું બધું કામકાજ સંભાળે – કચરા, પોતાં, ફોન લેવામૂકવા; દૂધવાળા, છાપાવાળા, ધોબીના હિસાબ રાખવા-પતાવવા અને સીધીસાદી રસોઈ પણ કરી લેતી. સવિતા એને નવી નવી વાનગી શીખવતી. સોનલ એને ફૅશનેબલ વાનગીઓ શિખવાડતી. મારી સ્થિતિ પણ સુધરી હતી એટલે કુશી ઉપરાંત વાસણ-કપડાં માટે છૂટી કામવાળી પણ રાખી હતી. સાંજ પડે ને કુશી અચૂક એકાદ કલાક બહાર જતી. પાસે જ આવેલા જાહેર બગીચામાં તેના જેવા બીજા નોકરચાકર ભેગા થતા. સાથે બેસી ગપ્પાં મારતાં. બપોરે ને રાતે ટીવી જોવાનો કુશીને ભારે શોખ. એમાં તેને સવિતાની ‘કંપની’ મળતી. સોનલ તો વળી કુશીની ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઈડ થઈ ગઈ હતી. બીજા નોકરો, લિફટમૅન વગેરેથી સાવધ રહેવા તે કુશીને સલાહ આપતી. મને ઘણી વાર વિચાર આવતો આ કુશી મારા કરતાં સુખી છે. વગર રોકાણે સાઠ-સિત્તેર લાખનો ફલૅટ મારા કરતાં વધારે સમય એ ભોગવે છે. વગર ખર્ચે સારું ખાવા-પીવા, પહેરવા-ઓઢવાનું તેને મળે છે. ધીમે ધીમે વધતો ગયેલો તેનો પગાર એ તેની પૂરેપૂરી બચત. જોકે એ રકમ એ તેની માને અને માના મૃત્યુ પછી નાનાં ભાઈ-ભાંડુઓ માટે મોકલી આપતી.

[stextbox id=”warning” float=”true” align=”right” width=”250″]પૉશ વિસ્તારની સાથે સાથે તેના ગુણો-દૂષણો, સગવડ-અગવડો આવે છે. જાતે કામ કરી લેવાનું સારું ન દેખાય, છૂટક કામ કરનાર ઘાટી મળે નહીં, મળે તો તેની અનિયમિતતા ને આડોડાઈ સહેવાં પડે એટલે સવિતા ક્યારની કહ્યા કરતી હતી કે ઘરઘાટી રાખો. પણ ઘરઘાટી એટલે સારો એવો પગાર, તેને ઘરમાં રાખવાનો અને ચા-પાણી ને ખાવા-પીવાનું આપણે માથે. એ બધું પોસાય એવું નહોતું.[/stextbox] કુશી મોટી થતી ગઈ તેમ તેમ સવિતાની ચિંતા વધ્યે જતી હતી. ‘આ છોકરી પરણીને એના સાસરે જતી રહેશે પછી ઘરમાં નોકરનું શું ?’ કુશી વગર પોતે સાવ નિઃસહાય થઈ જવાની એ સવિતાની ફિકર. કુશી વિશે સોનલની ચિંતા બીજી હતી. ‘લગ્ન થઈ ગયા પછી કોઈ ગરીબ ઘરમાં કુશીનું કેમ નભશે ? અહીં તેને બાદશાહી હતી, એવી સાહેબી ગામડાગામના કોઈ ગરીબ ઝૂંપડામાં કે મુંબઈની કોઈ ચાલીમાં ક્યાંથી મળવાની ?’ હું નિર્લેપ ભાવે બંનેની ચિંતા સાંભળતો, પણ સમજતો કે ‘પડશે એવા દેવાશે’ એ માત્ર વ્યવહારુ મંત્ર જ નથી, પણ મનુષ્યજીવનની અનિવાર્ય નિયતિ છે. બધાએ સંજોગોને અનુકૂળ થવું પડે છે.

….અને અંતે એ દિવસ આવી ગયો. કુશીના મામાએ કુશી માટે એમની નાતનો છોકરો ખોળી કાઢ્યો હતો. પણજીથી થોડાક દૂરના ગામે એ રહેતો હતો. ત્યાંથી એસ.ટી. બસમાં પણજીના કોઈ કારખાનામાં રોજ નોકરી કરવા જતો અને રાતે પાછો ઘેર આવતો. હરખપદૂડી સોનલ તો કુશીનાં લગ્નમાં હાજરી આપવા તૈયાર થઈ ગઈ, પણ મેં એને સમજાવી. નાનકડા ગામમાં લગ્નના કામકાજ ને ધમાલમાં કુશી પર સોનલની સરભરાનો બોજ નાખવાનું વાજબી નહોતું. મેં એને વચન આપ્યું કે ક્યારેક આપણે ગોવા ફરવા જઈશું ત્યારે કુશીને ઘેર મળવા જરૂર જઈશું. સોનલે લગ્ન માટે કુશીને સારાં સારાં કપડાં આપ્યાં. સવિતાએ થોડું આર્ટિફિશિયલ ઘરેણું અપાવ્યું અને મેં સવિતાથી છાની રીતે કુશીને ઠીક ઠીક ગણાય એવી રકમ આપી…. ને કુશીબાઈ સિધાવ્યાં સાસરે. સોનલે તેના સાસરવાસનું પાક્કું સરનામું લઈ લીધું. દરમિયાન સોનલ બી.કૉમ થઈ ગઈ અને તેણે સેક્રેટરિયલ ડિપ્લોમા પણ મેળવ્યો હતો. સારી નોકરીમાં જોડાઈ હતી. તેનાં લગ્નનું પણ નક્કી કર્યું હતું.

કુશીનાં લગ્ન પછી બેએક વર્ષે અમે ગોવા ફરવા ગયાં હતાં. ગોવા કરતાંય કુશીનું ઘર અને સંસાર જોવાનું સોનલને ભારે કુતૂહલ હતું. ત્રણ-ચાર દિવસ ગોવામાં ફરી લીધું પછી ટૅક્સી કરી અમે કુશીના ઘરે જવા નીકળ્યાં. ગામ તો સારું હતું. ચારે બાજુ હરિયાળી, જ્યાં ત્યાં વૃક્ષો પર ફણસ, વિલાયતી જાંબુ ને એવાં ફળો ઝળૂંબતાં હતાં. નારિયેળી તો પુષ્કળ. સોનલ તો રાજી રાજી, પણ શોધતાં શોધતાં અમે કુશીના ઘેર પહોંચ્યાં ત્યારે સોનલનો બધો નશો ઊતરી ગયો.

ગામના ઉકરડા જેવી જગાએ ઝૂંપડપટ્ટી જેવા સ્થળે કુશીનું ઝૂંપડું હતું. બાજુમાંથી જ ખુલ્લી ગટરની નીક વહેતી હતી. સોનલે નાકે રૂમાલ દાબ્યો. સવિતાને થયું, ‘અહીં ક્યાં આવી ભરાણાં ?’ હાથમાં સૂપડા સાથે ઝાટકવાનું અનાજ લઈ કુશી આંગણામાં બેઠી હતી. એક છેડે એક ઘરડો માણસ ખાંસતો ને બીડી તાણતો બેઠો હતો. કુશી ઊભી થઈ ગઈ. અમને આવકાર આપ્યો. અમારા બેસવા માટે બહાર જ કાથીનો ખાટલો ઢાળી તેના પર ગંદું ગોદડું પાથર્યું. કચવાતા મને અમે બેઠાં. મેં વિવેક ખાતર એક ઘૂંટડો પાણી પીધું. સવિતા અને સોનલે પાણી પીવાનું ટાળ્યું. ચાની ના પાડી. ઝૂંપડામાં ખૂણામાં ખાટલામાં કોઈક સૂતું હતું. પછી ખબર પડી કે એ કુશીની માંદી સાસુ હતી અને બહાર બેઠેલો બુઢ્ઢો કુશીનો બહેરો સસરો હતો. કુશીનો સંસાર જોઈ સોનલ દુઃખી દુઃખી થઈ ગઈ. મારી લાગણી પણ કંઈક એવી જ હતી, પણ મારી સમજણ સહેજ પીઢ હતી. સવિતાને કદાચ થતું હશે, ‘આ લોકો આપણે ત્યાં સાહેબી કરે, પણ એમના ઘરમાં છે કંઈ ઠેકાણાં ?’ સોનલે કુશીની બધી વિગત જાણી. સાવ ઓછી આવકમાં કુશી ઘર ચલાવતી હતી. પોતે પણ નાનુંમોટું કામ કરી આવકમાં ઉમેરો કરતી હતી અને એમ નભ્યે જતું હતું. સાસુ-સસરાનો કોઈ ત્રાસ નહોતો. હા, નવરો (ધણીનું મરાઠી) ક્યારેક દારૂ પી મારઝૂડ કરતો.

સોનલનો ઊછળી રહેતો પિત્તો મારાથી અછાનો ન રહ્યો. આવો ભાર વેંઢારવા અને બેહાલ રીતે જીવવા માટે એ કુશીને વઢી. મુંબઈ આવવા ઑફર મૂકી, ‘થોડા વખતમાં જ મારાં લગ્ન થવાનાં છે. અમે પતિ-પત્ની સાસુ-સસરાથી જુદાં રહેવાનાં છીએ. ત્યાં તને કામે રાખી લઈશ.’
કુશી આછું હસી, બોલી, ‘ના… રે… બહેન, હું અહીં સુખી છું.’
‘આવી મુશ્કેલીઓ અને આટલું બધું કામ છતાં ?’ સોનલે ગુસ્સાથી પૂછ્યું. કુશીના જવાબે સોનલને ને મને ચમકાવી દીધાં. તેણે કહ્યું :
‘બહેન, કામ તો ત્યાં પણ કરતી હતી – પણ બીજા માટે. અહીં કામ કરું છું પોતાનાં માણસો માટે.’
‘પણ તારો ‘નવરો’ તને મારે…..’
સોનલને વચ્ચેથી જ કાપી કુશીએ કહ્યું : ‘એ તો ચાલે. બહુ થાકી ગયો હોય, દારૂ પીને આવ્યો હોય ત્યારે આપણો માણસ થોડો ગુસ્સો કાઢી લે, તેમાં શું થયું ? પછી એય શાંત ને આપણેય શાંત.’

સોનલ પાસે જવાબ નહોતો. બિચારી સોનલને કદાચ ખ્યાલ નહોતો કે ઊંચા સભ્ય સમાજમાં પણ મારઝૂડ કરતાંય વધારે વાગે એવાં મહેણાં-ટોણાં ને ક્રોધી વેણો સાંભળવા છતાં સ્ત્રીઓ હસીખુશીથી રહેતી હતી. ટૅક્સીમાં પાછાં ફર્યાં ત્યારે અમે ત્રણે ચૂપ હતાં, ગુમસૂમ હતાં – સૌ પોતપોતાની રીતે.

[કુલ પાન : 94. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ 380006. ફોન : +91 79 26560504.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “જીવન પોતપોતાનાં – મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.