પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ

[ દીકરીઓને પત્રરૂપે લખાયેલા લેખોના પુસ્તક ‘દીકરી નામે અવસર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]બે[/dc]ટા, આંગણામાં આજે એક ખિસકોલીને જોઈને એકલા એકલા હસી પડ્યો. તું યાદ આવી ગઈ. યાદ છે તને, તું રસોડામાં આવીને દાળ, શાક ચાખતી ને પછી સ્વાદમાં જે ખૂટતું હોય એ ઉમેરી દેતી. ત્યારે દાદીમા લડતાં ને કહેતાં, ‘આમ ચાખ ચાખ કરીશને તો આવતા જન્મે ખિસકોલી થઈશ !’ યાદ છે ? આ ખિસકોલી પણ બોરસલ્લીનું પાકેલું ફળ એ હાથમાં લઈને જે મસ્તીથી ખાતી હતી ! એ વખતે તને દાદીમાનું વાક્ય નહોતું સમજાતું. તને એમ થતું હતું કે દાદીમા તને ખિસકોલી કહીને ચીડવે છે. ભોજનની વાનગીઓને ચાખવામાં ખોટું શું એ તારી દલીલ હતી. જમવા બેસતા પહેલાં કે જમાડતાં પહેલાં વસ્તુ ચાખી લીધી હોય તો સ્વાદની ખબર પડે ને જો કૈં સુધારા-વધારા કરવા જેવા લાગે તો સમયસર થઈ જાય. જમનારને ય મજા આવે ને જમાડનાર પણ રાજી રહે. કોઈ બીજું જમતી વખતે ભૂલ કાઢે કે ધ્યાન દોરે એના કરતાં જાતે જ ચાખીને સુધારી લેવામાં શો વાંધો ?

પણ દાદીમાને વાંધો હતો ! એ તને ટોકતાં ને તું ચીડાતી. પણ પછી મમ્મીએ તને સમજાવેલું કે બેટા, દાદીમા તને ટોકે છે, કારણ કે એ તને ચાહે છે, કારણ એ તને perfect બનાવવા માગે છે. એ માને છે કે રાંધનારનો હાથ જ એવો બેઠેલો હોય કે બધું પ્રમાણસર જ પડે ! એ તો રાંધણકળાનું પુસ્તક જુએ ને અકળાય. રસોઈ શૉમાં એક tablespoonને બે tablespoon સાંભળે કે હસે ! એમનો આગ્રહ એ હતો કે પ્રમાણભાન તમારી ચપટીમાં જ આવી જવું જોઈએ. આંખ બંધ કરીને મસાલો કરો ને તો ય વાનગી સ્વાદિષ્ટ જ બનવી જોઈએ ને દાદીમાનો એમાં વટ હતો એ તો તું ય જાણે જ છે ને ! આસપાસનાં કેટલાં ઘેર એ અથાણાંનો મસાલો કરવા જતાં ? નવી નવી પરણીને આવેલી છોકરીઓ ગૂંચવાય તો એમને મદદ કરે. બાર મહિનાના અથાણાનો સ્વાદ બગડે તો વરસ બગડે. પણ દાદીમાનો પૂરેપૂરો confidence ! ચમચીને બદલે ચપટી ભરે એટલે તમને ન ગમે, પણ એ કહે કે મારી ચપટી મારું પ્રમાણમાપ છે. એના વગર હું ગૂંચવાઉં….

તને પણ અથાણું બનાવવાની કેટલી રીત શીખવી છે, એમણે ! ને એક બહુ જ મહત્વની સલાહ પણ આપી છે, એ તને યાદ હોય જ. એમણે કહેલું કે, આ ઘેર હું છું, તારી મમ્મી છે, આપણે ત્યાં અથાણાં બનાવવાની એક રીત છે. એનો એક સ્વાદ છે, જે ઘરનાને ગોઠી ગયો છે. આવી જ સહુના ઘેર પરંપરા હોય જ. ને જ્યાં ઘરમાં કોઈ વડીલ હોય ત્યાં એનો આગ્રહ પણ હોય. આવા વખતે તમારાં સાસુની હાજરીમાં, મમ્મીને ફોન કરીને રીત પૂછો તો એમને જરૂર ઓછું આવે. આપણા ઘેર આપણો સ્વાદ, એમના ઘેર એમનો સ્વાદ. અહીંનું જ બધું સારું એવું ન હોય ! તને એવું લાગે, કારણ કે તું અહીં આટલાં વર્ષો ઊછરી છે. એવું જ તારા વરને એની માના ને દાદીના હાથનું અથાણું ભાવતું હોય એવું બને ને ! આપણે એ શીખી લેવાનું. પાંચ વાર પૂછવાનું ને શીખવાનો ઉત્સાહ બતાડવાનો. તો એમને ગમે. અહીં તો તને ભાવતું અથાણું બને જ છે ને બરણીમાં તારે ત્યાં પણ લઈ જઈ શકે, પણ એવું કરતી વખતે એમનું મન ન દુભાય તે જોવાનું. એમનું અથાણું અહીં લેતા આવવાનું. બંને સ્વાદ માણવાના, પણ એની સરખામણી નહીં કરવાની. બંનેમાં માનો હેતભર્યો હાથ છે. બંનેમાં પોતપોતાના વડીલો પાસેથી મળેલી પરંપરાનો સ્વાદ છે. આ સ્વાદ એમની ઓળખ છે.

[stextbox id=”download” float=”true” width=”250″]કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. સાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે.[/stextbox] કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. એમને વખાણીને જ તું તારા સ્વાદની જગ્યા કરી શકે. દાદીમા એમની વહાલી ખિસકોલીને એટલે જ ટોકતાં કે જેથી ભવિષ્યમાં કોઈ બીજું એને ના કહી જાય. આપણે સહુ જાણીએ છીએ કે એમને એમના હાથ અને એમની રાંધણકળા માટે બહુ ગર્વ છે. એમનાથી સારું કોઈ બનાવી શકે એવું માનવા એ તૈયાર નથી હોતાં. તારી મમ્મીની પુરણપોળી એમની વેઢમીથી સારી જ હોય છે. એ પુરણપોળીમાં કેસર નાખે ને મમ્મી એલચી. એમની વચ્ચેનો આ ઝઘડો સદાય મીઠો જ રહ્યો. એનું કારણ તારી મમ્મીનો સ્વભાવ. એ સામેથી જ કહે, ‘બા, મને તો તમારી બનાવેલી જ પુરણપોળી ભાવે !’ ને દાદીમા કહે કે એને વેઢમી કહેવાય ! ને મમ્મી કહે, હા બા ! વેઢમી !

બેટા, પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે. દાદીમા વેઢમી ઉતારીને મમ્મીને જમાડે- ઘીમાં બોળીને ! સાસુ-વહુના સંબંધને મીઠો બનાવવાની આ રીત, રસોઈશૉવાળાને ક્યાંથી ખબર હોય ! સવાલ ઝુકવાનો કે ઝુકાવવાનો નથી, નમવાનો છે. નમે તે સૌને ગમે. ઝૂકેલી બોરડીને સહુ કોઈ ઝૂડે એ પણ સાચું, પણ એવું થાય ત્યારે પણ કાંટાને ભૂલીને બોર વહેંચવાનો આનંદ લઈએ તો ઝૂડનારા થાકે. બોરનો સ્વાદ માણે ને પછી બોરડીને સાચવવા પોતે જ સક્રિય થાય. કાંટા વગાડવા માટે નથી. બોર તો વહેંચવા માટે જ છે. ખવાય નહીં તો ય ખરી તો પડવાના જ છે. તો શું કામ ખવડાવીને રાજી ન થવું ? કાંટા વગાડી શકવાની શક્તિ અને બોર ખવડાવી શકવાની સમૃદ્ધિમાંથી શાનું ગૌરવ કરવું છે એ બોરડીના પોતાના હાથમાં છે.

સાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. સાસુમા પોતાના પરિવારના સ્વાદનો ખજાનો ભલે ખુલ્લો મૂકી દે. એની માલિકી તો પોતાની જ રાખવાના. એમનાં વખાણ કદાચ ન કરો તો ય. એમની સામે તમારી મમ્મીને ફોન કરીને રીત પૂછવામાં આવે તો એમને અવશ્ય ખોટું લાગશે. એ અથાણું એમને બાર મહિના આ અવિનયની યાદ અપાવશે ને પરિણામે એનો સારો સ્વાદ પણ એમને ભાવશે નહીં. સાસુમા સાથે સંવાદ સાધો, સ્વાદ આપોઆપ આવી જશે. અહીંનું ને ત્યાંનું અથાણું એ બંને પરિવારની પરંપરાનું દ્યોતક છે. એનો આનંદ લેવો હોય તો એનો આદર કરવો, બસ !

[કુલ પાન : 128. (પાકું પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : The 35 MM, 3-એ, ચંદ્ર કોલોની, સી.જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26764903. ઈ-મેઈલ : the35mm@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.