આજ ફરી પાછા મોરલા બોલે – કનુ અંધારિયા

[ ‘આજ ફરી પાછા મોરલા બોલે’ પુસ્તકમાંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી કનુભાઈ અંધારિયાના સુપુત્રી મારિષાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રતિભાવ માટે આપ તેમનો આ નંબર પર +91 9898898179 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોને અંતે આપવામાં આવી છે.]

[1] હાથલિયો થોર

કાન મેં તો પાળ્યો છે હાથલિયો થોર,
તારી એક વાંસળી ને તારો એક મોર.
કાન મેં તો….

પાને-પાને એને કાંટાઓ ઊગિયા,
લીલીછમ વાડ હોય એવું !
નરસિંહના નાથ મને આવી સમજાવ,
મારે જીવવું તો કેમ કરી જીવવું ?
લોક મેણાં મારે છે મને ચારેકોર.
કાન મેં તો…..

ગોવર્ધનધારી તું આવીને બેસ,
મારી હૈયાની સાવ અરે પાસે,
તું મારો નાથ અને હું તારી ગોપી છું,
એથી હું નાચું ઉલ્લાસે,
હવે ચિતડાનો થાને રે ચોર
કાન મેં તો…..
.

[2] તું આવે હું રાજી

તું આવે હું રાજી,
મારે વિદુરની છે ભાજી.

કૃષ્ણકનૈયો મારે મન છે, રાધા ! ચિત્તનો ચોર,
તું ને હું તો પામર જીવડાં આપણું કેટલું જોર ?
મીયાંબીબી રાજી તો ક્યા કરેગા કાજી ?
તું આવે હું….

વરસોનાં છો વરસ જતાં રે હું સખી નહીં ભૂલું,
તારાં સ્મરણોની સંગાથે ગુલમ્હોરે જૈ ઝૂલું,
તમે નથી ને તોય તમારી યાદ હજી છે તાજી.
તું આવે હું…..

તું ચાલી ગઈ અમે જુદા, તો એ છે તારી ભ્રમણા,
તું ભૂલી ગઈ, સાથ સેવ્યાં’તાં કેવાં-કેવાં શમણાં !
તેં કીધું મેં માની લીધું, સદા કીધું કે હાજી.
તું આવે હું…..
.

[3] ગમે છે

મને ગીત ગાવાં તમારાં ગમે છે,
દરિયાને જેવા કિનારા ગમે છે.

સરળ જિન્દગાની ગમે ના હૃદયને,
ચમક પણ ગમે છે, તિખારા ગમે છે.

ગમે છે મુસીબત, ગમે છે જુદાઈ,
વિરહ કેરી રાતે સિતારા ગમે છે.

પચાવી ઝહર જે શકે છે જગતનાં,
શંકરની જેવા પિનારા ગમે છે.

વણથંભી રાહે કરે છે સફર જે,
મને એની સાથે જનારા ગમે છે.

[કુલ પાન : 98. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન અને અસ્મિતા કૉમ્પ્યુનિકેશન. 105, ગોલ્ડસોક, સેફાયર બિલ્ડિંગ પાછળ, ઈસ્કોન આર્કેડ પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન : +91 9879972787. ઈ-મેઈલ : bjbhatt1@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “આજ ફરી પાછા મોરલા બોલે – કનુ અંધારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.