પુકારને કી હદોં તક હમ પુકાર તો આયેં ! – કાન્તિ શાહ

[ આદરણીય સર્વોદય અગ્રણી કાન્તિભાઈ શાહનું (પિંડવળ) તા. 29-એપ્રિલ-2012ના રોજ દુઃખદ અવસાન થયું છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’, ‘આનંદચર્યા’ સહિત તેમના અનેક પુસ્તકોથી વાચકો પરિચિત છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ‘સર્વોદયનાં 100 વરસ’ નામના તેમના ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને અહીં શ્રદ્ધાંજલિરૂપે સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]વિ[/dc]નોબા કેટલીક વાર અમુક વાતનો મર્મ પોતાની આગવી ઢબે પકડી લઈને એવી રીતે રજૂ કરતા કે આપણા ચિત્તમાં એકદમ વીજ-ઝબકાર થઈને તે મર્મ તુરત આપણી નજરમાં આવી જતો. એક વાર એમણે પંડિત નહેરુને પૂછ્યું કે તમે (‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં) લખ્યું છે કે અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા અને ગ્રંથમાં તમે અકબર માટે આઠ-દસ પાનાં ફાળવ્યાં છે, જ્યારે તુલસીદાસનો ઉલ્લેખ બે-ચાર લાઈનમાં જ આવી જાય છે. તો ખરું જોતાં, અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા કે તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા ? ખાસ કરીને આખા ઉત્તર ભારતનું સાંસ્કૃતિક ઘડતર કોણે કર્યું ? – તુલસીદાસે કે અકબરે ?

નહેરુ થોડા વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા : વાત તો તમારી સાચી છે. પ્રજા ઉપર ઘેરો પ્રભાવ તુલસીદાસજીનો જ આજ સુધી છે, અકબરનો નહીં. પરંતુ ઈતિહાસ આવી રીતે રાજાઓના નામે લખવાની એક પ્રથા પડી ગઈ છે. તે ખોટી છે. તમે કહ્યું એ રીતે જ વિચારવું જોઈએ. વિનોબા એમ પણ કહેતા કે ઈતિહાસ એટલે માનવસમાજની હલચલનો, ગતિવિધિઓનો દસ્તાવેજ. ‘ઈતિ હ આસ’ – એટલે કે આવું આવું બન્યું. તો તેમાં માત્ર રાજાઓ આવ્યા ને રાજાઓ ગયા, એટલું જ નથી. માનવસમાજમાં જાતજાતની ઘટનાઓ બની છે. ખાસ કરીને તો માણસનો વિકાસ કેવી કેવી રીતે થયો. માણસના વિચારો, માણસની વિવેકબુદ્ધિ કઈ કઈ રીતે આગળ વધી, એવું બધું ઈતિહાસમાં વધુ મહત્વનું છે. એટલે ઈતિહાસમાં પણ માણસના વૈચારિક વિકાસની, સાંસ્કૃતિક વિકાસની હલચલનો પ્રજાકીય ઈતિહાસ વધુ મહત્વનો છે અને માણસજાતના વિકાસ માટે વધુ ઉપયોગી છે.

આપણે હમણાં જે 100 વરસના ઈતિહાસ ઉપર એક દષ્ટિપાત કર્યો, તે આવી દષ્ટિએ. આ સો વરસમાં રાજકીય ઊથલપાથલો તો અનેક થઈ, પણ તેની વચ્ચે સર્વોદય વિચારધારાના વિકાસની, તેની આરોહણયાત્રાની એક સળંગ સુરેખ સેર પકડી લેવાનો આપણે પ્રયાસ કર્યો. આંદોલનાત્મક ઘટનાઓમાં પણ ક્રિયાકલાપો, કાર્યક્રમો વગેરેની ચર્ચામાં પડ્યા વિના વૈચારિક સેર પકડી લેવાની આપણી કોશિશ રહી. આમ કરવું બહુ જરૂરી છે. છેલ્લાં 100 વરસમાં માણસના ને સમાજના ઘડતરમાં સર્વોદયે પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન કર્યું છે, ખાસ કરીને સોળમી સદીથી યુરોપમાં રેનેસાં (પુનર્જાગૃતિ, પુનરુત્થાન)ની શરૂઆત થઈ અને જે પરિબળો ઊભાં થયાં, તેના સંદર્ભમાં એક નવો જુવાળ આવ્યો. પુનરુત્થાનની એક લહર ઊઠી. મનુષ્યને કેન્દ્રમાં રાખીને જીવન પ્રત્યેના એક નવા અભિગમનો આરંભ થયો. માનવ-મુક્તિનો અને માનવ-ગરિમાનો નારો ઊઠ્યો. પરંતુ દુર્ભાગ્યે આ પુનરુત્થાન અવળી દિશામાં ફંટાઈ ગયું. આ નવા જુવાળે માણસને ઘણાં બંધનોમાંથી મુક્ત જરૂર કર્યો, પણ સાથે સાથે તેણે ઘણાં અદશ્ય બંધનોમાં પાછો જકડી લીધો. માનવ-મુક્તિ અને માનવ-ગરિમાની વાત ક્યાંય બાજુએ રહી ગઈ. મનુષ્ય કેન્દ્રમાં રહેવાને બદલે મનુષ્ય તો ક્યાંય બાજુએ હડસેલાઈ ગયો અને બીજી કેટલીયે અવાંતર વસ્તુઓ જ કેન્દ્રમાં આવી ગઈ !

આવા સંજોગોમાં ગાંધીનું સર્વોદય-દર્શન એ પથભ્રષ્ટ થઈ ગયેલ યુરોપિયન ‘રેનેસાં’ને ફરી સાચા મારગે લાવવાનો જબ્બર પુરુષાર્થ કરનારું જાણે એક ‘કરેક્ટિવ-રૉકેટ’ છે. આમ, સર્વોદય એ એક ખોટી ફિલસૂફી સામેનો વિદ્રોહ છે, તો સાથોસાથ તેને હઠાવીને તેની જગ્યાએ માણસજાત માટે એક કલ્યાણકારી નવી ફિલસૂફી છે. અહીં આપણે આ ફિલસૂફીના ઉદ્દભવ ને આરોહણનાં 100 વરસના ઈતિહાસ ઉપર એક દષ્ટિપાત કરી લીધો. આજે પણ આ બે ફિલસૂફી વચ્ચેનો બૃહદ સંઘર્ષ કાયમ છે એટલું જ નહિ, આજે તો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે આવું વિહંગાવલોકન જરૂરી તેમ જ અત્યંત ઉપયોગી છે. આવા વિહંગાવલોકનથી એક પસ્પૅક્ટિવ મળે છે, યથાર્થ દર્શન થાય છે, એક સમગ્ર નકશો નજર સામે આવે છે, જુદી જુદી વસ્તુઓ તેના યથાયોગ્ય પરિમાણમાં જોઈ શકાય છે. સાથોસાથ એક સમ્યક આકલન થઈ શકે છે, વ્યાપક પરિપ્રેક્ષ્યમાં યથાર્થ મૂલ્યાંકન કરી શકાય છે, વિશાળ ફલક ઉપર આગળનું વિચારવામાં મદદ મળે છે. આવું એક વિહંગાવલોકન આપણે કર્યું. ચાર દાયકા ગાંધીની મથામણના, ત્રણ દાયકા વિનોબાના ભગીરથ પુરુષાર્થના (તેની અંતર્ગત જયપ્રકાશ-કાંડનુંયે ઉદ્દબોધક અવલોકન કરી લીધું) બે દાયકા વિપરીત ઝંઝાવાતી વાયરાના અને છેલ્લે ‘જમાનો પડખું ફેરવે છે’નાં એંધાણ આપતો એક દાયકો – આમ, આપણી એક શતાબ્દીની યાત્રા થઈ.

આ સર્વોદયની આરોહણયાત્રા છે. એવરેસ્ટનું દર્શન થયું છે, અને હવે તેને નજર સામે રાખીને તેને આંબવા આરોહણયાત્રા ચાલી રહી છે. ક્યારેક વિપરીત ઝંઝાવાતો વચ્ચે એવરેસ્ટનું દર્શન ઓઝલ કે ધૂંધળું પણ થઈ જાય છે. યાત્રા અતિશય કપરી પણ બની જાય છે, તેમ છતાં પેલું દર્શન દિલમાં એવું ઘર કરી ગયું છે કે જંપવા દેતું નથી, પગ વાળીને બેસવા દેતું નથી. પૉરો ખાતું, એક એક મુકામ કરતું આરોહણ સતત ચાલ્યા કરે છે. હવે આ યાત્રા સર્વોદય પૂરતી સીમિત નથી. અદ્યતન વિશ્વપ્રવાહો તેમજ અનેક મનીષી-ચિંતક-કર્મશીલોનું તેને સમર્થન છે, સહયોગ છે, સાયુજ્ય છે. માનવ-કલ્યાણ માટે મથતા સહુની આ સહયાત્રા છે. દરેક સંવેદનશીલ પ્રબુદ્ધ માણસનું અંતર કહે છે કે આજે આ દુનિયા છે તેવી નહીં હોવી જોઈએ. આ દુનિયા ધરમૂળથી બદલાવી જોઈએ. માણસને શોભે એવી દુનિયા કેવી હોય ? – તે ગાંધીએ સર્વોદય વિચારધારામાં જેની આછી-પાતળી રૂપરેખા દોરી આપી છે, એવી હોય. આજે દુનિયાભરમાં એક જાગતિક બિરાદરી પાંગરી રહી છે. તે કહે છે કે આના કરતાં જુદી દુનિયા ઊભી કરવાનું સંભવ છે – another world is possible. સર્વોદય વિચારધારામાં કાંઈક માર્ગ જડી શકે તેમ છે.

સુપ્રસિદ્ધ જર્મન અણુ-વિજ્ઞાની હાઈજનબર્ગ કહે છે : ‘In the west we have built a big and beautiful ship. It has all the possible comforts, yet something is missing. It has no compass and does not know where it is heading. Man like Gandhi has found it. Why cannot we install this compass in our ship ?’ – ‘પશ્ચિમમાં આપણે એક મોટું ને સરસ મજાનું જહાજ બાંધ્યું છે. તેમાં શક્ય તેટલી બધી જ સુખસગવડ હજરાહજૂર છે, અને તેમ છતાં કંઈક ખૂટે છે. તેમાં હોકાયંત્ર નથી તથા આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તેની ખબર નથી. ગાંધી જેવા માણસે તે શોધ્યું છે. તો તે હોકાયંત્ર આપણે આપણા જહાજમાં કેમ ન બેસાડી શકીએ ?’ હિંસાથી ત્રસ્ત, માણસને કચડી નાખતી વિષમતાથી ગ્રસ્ત અને માણસને ભ્રમિત કરી મૂકતી વિપુલતામાં વ્યસ્ત આજની બેબાકળી દુનિયામાં સર્વોદય માટેની વિશ્વ-ભૂખ વર્તાઈ રહી છે. અલબત્ત, સર્વોદય તો હજી સમાજ-વિજ્ઞાનના ક્ષેત્રે નવી ખોજ કરનારું એક નવું દર્શન છે, અને તે દર્શનને ધરતી ઉપર ચરિતાર્થ કરી દેખાડવાની દિશામાં હજી ઝાઝું કાંઈ કરી શકાયું નથી. પરંતુ આવી બાબતમાં આપણો અભિગમ અને દષ્ટિકોણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક હોવો ઘટે. દાખલા તરીકે સૂર્ય ઊર્જાની ખોજમાં પડેલા વિજ્ઞાનીનો દષ્ટિકોણ કેવો હોય છે ? તે એમ નથી વિચારતો કે ફોટોવૉલ્ટિક સેલ આટલાં વરસો પછીયે હજી સમાજવ્યાપી બની શક્યો નથી, અથવા તો તેનું તંત્રવિજ્ઞાન હજી પ્રાથમિક અવસ્થામાં છે, અથવા તેનું સંશોધન અતિશય ખર્ચાળ છે, માટે એ ખોજમાં શું લાગી રહેવું ? તેને બદલે એ તો ઊર્જાના ક્ષેત્રમાં એક ભારે મોટી છલાંગ રૂપે તથા અંતિમ તરણોપાય રૂપે સૂર્ય-ઊર્જાનાં સંશોધન-વિકાસ ચાલુ જ રાખે છે. આવી જ રીતે સમાજ-વિજ્ઞાનના ક્ષેત્રે પ્રેમ ને અહિંસાના પરિબળના પ્રયોગો પ્રત્યે પણ આપણો અભિગમ આવો જ હોવો જોઈએ. એ ખોજ ગમે તેવી પ્રાથમિક અવસ્થામાં હોય અને તેને માટે આજે ગમે તેવી પ્રતિકૂળતા જણાતી હોય, તો પણ તે ખોજ માટેની મથામણ અવિરત ચાલુ જ રહેવી જોઈએ. માનવજાતનું ભાવિ તેના ઉપર નભેલું છે.

[stextbox id=”download” float=”true” width=”250″]વિનોબા કેટલીક વાર અમુક વાતનો મર્મ પોતાની આગવી ઢબે પકડી લઈને એવી રીતે રજૂ કરતા કે આપણા ચિત્તમાં એકદમ વીજ-ઝબકાર થઈને તે મર્મ તુરત આપણી નજરમાં આવી જતો. એક વાર એમણે પંડિત નહેરુને પૂછ્યું કે તમે (‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં) લખ્યું છે કે અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા અને ગ્રંથમાં તમે અકબર માટે આઠ-દસ પાનાં ફાળવ્યાં છે, જ્યારે તુલસીદાસનો ઉલ્લેખ બે-ચાર લાઈનમાં જ આવી જાય છે. તો ખરું જોતાં, અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા કે તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા ? ખાસ કરીને આખા ઉત્તર ભારતનું સાંસ્કૃતિક ઘડતર કોણે કર્યું ? – તુલસીદાસે કે અકબરે ?[/stextbox] દુનિયામાંથી હિંસાને નેસ્તનાબૂદ કરવી અને ‘જય ગ્રામ અને જય જગત’ના પાયા ઉપર અહિંસક સમાજરચના ઊભી કરવી એ સર્વોદય સામેનું ધ્યેય છે. સમાજમાં સામુદાયિક અહિંસાની પ્રસ્થાપના એ આજની વિશ્વ-આકાંક્ષા છે. શોષણ-મુક્તિ અને શાસન-મુક્તિ વિના આ આકાંક્ષા ફળીભૂત થઈ શકવાની નથી. સર્વોદય વિચારધારા શોષણ-મુક્તિ અને શાસન-મુક્તિનો માર્ગ દાખવે છે તેમ જ તે માટેની પ્રક્રિયા પ્રસ્તુત કરે છે. 100 વરસમાં સર્વોદયનું વિચાર-બીજ ઠીક ઠીક પાંગરીને સૌષ્ઠવપૂર્ણ છોડ બન્યું છે અને તેની જડ પાકી થઈ છે. નવી નવી સર્વોદય વિચારધારાનું 100 વરસમાં ઘણું ઊંડું ખેડાણ થયું છે તથા તેનું સર્વાંગી સ્વરૂપ સમાજ સામે પ્રસ્તુત થયું છે. બીજ રૂપ વિચારોનો ઘણો વિકાસ થયો અને તેનું બૃહદ ને ગહન ભાષ્ય થયું. વિનોબા કહે છે : ‘ગીતામાં “બીજં અવ્યયમ” કહ્યું છે. અવ્યય બીજ એટલે જ વિચાર-બીજ. તેને નિત્ય નવા અંકુર ફૂટતા રહે છે. તેની માવજત કરવી જોઈએ. તેની ઉપાસના કરવી જોઈએ. આપણા તપનું ખાતર તેને દેવું જોઈએ. અને તે એવી શ્રદ્ધાથી દેવું જોઈએ કે એ બીજ ઊગશે જ, ફૂલશે-ફાલશે જ, અને વિશ્વ આખામાં ફેલાશે….. ગાંધીએ આવું વિચાર-બીજ (સર્વોદયનું) વાવ્યું છે, ઉત્તમ બલિદાનનું ખાતર દીધું છે. તેના ઉપર હરિનામનું પાણી પણ વરસ્યું. આ વિચાર-બીજ અંકુરિત થયા વગર નહીં રહે, પરિપુષ્ટ થયા વગર નહીં રહે. હિંદુસ્તાનમાં તેના ઉપર અમલ થશે અને તે દુનિયા આખીમાં ફેલાશે.’

આપણી સામે આ સર્વોદયનું મિશન છે. ધૈર્યપૂર્વક ને સાતત્યપૂર્વક એકનિષ્ઠાથી તેને આગળ વધારવાનું છે. ખરેખર, આ ભગીરથ કામ છે, માનવ-ઉત્ક્રાંતિને સાચી દિશામાં આગળ વધારવાનું કામ છે. આપણી મોટી જવાબદારીનું ભાન કરાવતાં સર્વોદયના એક અઠંગ ઉપાસક એવા ધીરેન્દ્ર મજુમદારે કહ્યું છે : ‘આપણી આ વાસ્કો-ડી-ગામાની યાત્રા છે. લક્ષ્ય સ્પષ્ટ છે, પરંતુ માર્ગ અણજાણ્યો છે, અપરિચિત છે. ધૈર્ય ને સાતત્ય સાથે નવો માર્ગ શોધવો પડશે, અને તેને માટે આપણાં હાડકાં ગાળી નાખવાની તૈયારી હોવી જોઈશે. એક નવી તેમજ બુનિયાદી માનવીય સંસ્કૃતિના અધિષ્ઠાનનું આ કામ છે. આવા અધિષ્ઠાન માટે આજની જાગતિક પરિસ્થિતિ અત્યંત અનુકૂળ છે. પરંતુ આ માટે લોકમાનસ તૈયાર કરવા આપણે એ જ રીતે લોકોમાં હળી-ભળી જવું પડશે, જેવી રીતે દહીં બનાવવા મેળવણે દૂધમાં ભળી જવું પડે છે. નવા દર્શનને દઢપણે લોકમાનસમાં રોપવા માટે આ અનિવાર્ય છે. સાથોસાથ આપણી પોતાની અંદર અધ્યયન, ચિંતન ને મનનથી વિચારની સફાઈ સતત કરતા રહેવી પડશે. જેવી રીતે ઉપનિષદકાળમાં નવીન સંસ્કૃતિના નિર્માણ માટે હજારો ઋષિ-મુનિઓએ પોતાનાં હાડકાં ગાળી નાખ્યાં હતાં, તેવી જ રીતે આજે પણ નવીન સંસ્કૃતિના નિર્માણની સાધનામાં પોતાના હાડકાં ગાળી નાખવાની તૈયારીવાળા હજારો સેવકોની જરૂર પડશે.’

આ બધા સેવકો હવે ઘણી બધી રીતે સુસજ્જ હોવા જોઈશે. સર્વોદયના ઉદ્દભવ વખતે હતી તેના કરતાં પરિસ્થિતિ આજે ઘણી વધારે જટિલ ને પેચીદી, ઘણી વધારે અટપટી ને સંકુલ બની ગઈ છે. તેને પહોંચી વળવા શ્રદ્ધા ને ભાવનાની તો જરૂર છે જ (એરિક ફ્રોમે કહી છે એવી શ્રદ્ધા – જે હજી સાક્ષાત નથી થયું, તેના વિશેની દઢ પ્રતીતિ, જે હજી ગર્ભમાં છે તેના નવજન્મ વિશેની શ્રદ્ધા); પરંતુ સાથોસાથ વિશ્વ-પ્રવાહો વિશેનું સમ્યક આકલન કરી શકતી સૂક્ષ્મ ને તીક્ષ્ણ બુદ્ધિની પણ એટલી જ જરૂર છે. સર્વોદય વિજ્ઞાન ને અધ્યાત્મનો સમન્વય કરવા માગે છે. તેમાં સ્વાભાવિક રીતે જ દિમાગ ને દિલનો સમન્વય અભિપ્રેત છે જ.

[કુલ પાન : 144. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પુકારને કી હદોં તક હમ પુકાર તો આયેં ! – કાન્તિ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.