આશાનાં અંકુર – અનુ. સોનલ પરીખ

[ જિંદગીને આવકારતા લાગણીશીલ પ્રસંગો પર આધારિત પુસ્તક ‘આશાના અંકુર’માંથી આ વાર્તા-પ્રસંગ સાભાર લેવામાં આવ્યાં છે. અંગ્રેજી પુસ્તક ‘ચિકન સૂપ ફોર ધ સોલ II’ શ્રેણીના આ પુસ્તકનું સંપાદન જેક કેન્ફિલ્ડ અને માર્ક વિક્ટર હેન્સને કર્યું છે, જેનો અનુવાદ સોનલબેન પરીખે (મુંબઈ) કર્યો છે. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જાદુઈ વાક્ય – એમ. સ્કોટ પેક

[dcઆ[/dc] એક વાર્તા છે. કદાચ દંતકથા હોય. દંતકથાઓની જેમ તેના ઘણા રૂપાંતર જોવા મળે છે, પણ તેનો મૂળ સ્ત્રોત એ વાર્તા છે જે અત્યારે હું કહું છું. મને યાદ નથી. મને એ કોઈએ કહી હતી કે પછી મેં ક્યાંક વાંચી હતી – ક્યારે, ક્યાં તે પણ જાણતો નથી. તેમાં મેં સુધારાવધારા કર્યા હોય તેવું પણ બને, પણ મને જે યાદ છે તે કહું છું. તેનું નામ છે ‘જાદુઈ વાક્ય.’

આ વાર્તા એક મઠની છે. જૂના જમાનાના મઠ જેવો જ એ મઠ હતો, પણ એની હાલત ખૂબ ખરાબ હતી. સત્તરમી-અઢારમી સદીના મઠવિરોધી વાતાવરણ અને ઓગણીસમી સદીની ધર્મનિરપેક્ષતાના પરિણામે ધીમે ધીમે મઠો બંધ થવા માંડ્યા હતા. આ મઠમાં પણ પાંચ જ સાધુ બચ્યા હતા. બધા 70 વર્ષથી મોટી ઉંમરના હતા, એટલે આ મઠનો અંત પણ નજીકમાં હતો. મઠની આજુબાજુ ગાઢ જંગલ હતું. જંગલમાં એક ઝૂંપડી અને તેમાં એક ફકીર રહે. લાંબા સમયની ધાર્મિક અને કઠોર જીવનશૈલીને પરિણામે વૃદ્ધ સાધુઓ થોડા એકલવાયા થઈ ગયા હતા.

[stextbox id=”grey” float=”true” width=”250″]આસપાસ પ્રકૃતિ રમણીય હતી. નાનાં નાનાં ખુશહાલ ગામડાં વસેલાં હતાં. ક્યારેક લોકો ફરવા નીકળતા તો મઠ તરફ આવી ચડતા. મઠની આસપાસ કોઈ અવર્ણનીય આભાનો અનુભવ હવે તેમને થતો અને તેમના પગ આપોઆપ મઠ તરફ વળતા. તેઓ ધ્યાન કરતા, પ્રાર્થના કરતા. આ આભા સાધુઓના મનમાં જાગેલી શ્રદ્ધાની હતી. મઠની હવામાં એક આકર્ષણ હતું, એક પવિત્ર સૌંદર્ય હતું. એક વાર ત્યાં આવેલ વ્યક્તિ ફરી પણ આવવા પ્રેરાતી અને મિત્રો-સ્વજનોને પણ લઈ આવતી. ધીરે ધીરે મઠ ભરચક રહેવા લાગ્યો. યુવાનો પણ આવતા ગયા. કોઈ કોઈ પૂછવા લાગ્યા કે અમે પણ દીક્ષા લઈએ – અહીં રહેવા આવીએ ? થોડા વર્ષમાં મઠ યુવાન સાધુઓની પ્રવૃત્તિઓથી ધમધમતો થયો. મઠને મળેલા નવા જીવનનું શ્રેય ફકીરના એક વાક્યને જતું હતું – ‘મસીહા તમારામાંનો જ એક છે.’ આ એક વાક્યે મઠને એક તેજ, એક ગતિ, એક આધ્યાત્મિકતા આપ્યાં હતાં – તેમાં પ્રાણ પૂર્યો હતો.[/stextbox] ફકીર મસ્ત મૌલા જેવો હતો. ક્યારેક જંગલોમાં રહે, ક્યારેક લાંબી તીર્થયાત્રાએ ચાલ્યો જાય. એક વાર ફકીર લાંબા, દેશાટન પછી પાછો પોતાની ઝૂંપડીમાં આવ્યો ત્યારે એક સાધુ તેને મળવા ગયો. ખબરઅંતર પૂછ્યા પછી તેણે ફકીરને પોતાની ચિંતા જણાવતાં કહ્યું કે અમારા બધાના મૃત્યુ પછી આ મઠ ખંડેર બની જશે. શું કરવું સમજાતું નથી. ફકીરે કહ્યું : ‘તમારું દુઃખ હું સમજું છું, પણ હવે લોકો બદલાઈ ગયા છે જાણે તેમનામાંથી આત્મા ચાલ્યો ગયો છે. મંદિરોમાં પણ ભાગ્યે જ કોઈ જાય છે.’ બન્નેએ આ પરિસ્થિતિ પર થોડાં આંસુ વહાવ્યાં, ધર્મગ્રંથનો પાઠ કર્યો અને પછી એકબીજાને ભેટીને બન્ને છૂટા પડ્યા. ‘સારું થયું આટલાં વર્ષે આપણે મળ્યા.’ સાધુ બોલ્યા. ‘પણ મારો હેતુ સિદ્ધ થયો નથી. મને એવું કંઈ નહીં કહો જેનાથી મૃત્યુ વખતે મારો જીવ આ બધામાં અટવાઈ ન રહે – હું શાંતિથી દેહ છોડી શકું ?’
‘હું શું કહું ? પણ એટલું જાણી લેજો કે તમારામાંથી જ કોઈ એક મસીહા (ઉદ્ધારક – ઈસુ માટે મસીહા શબ્દ વપરાય છે.) છે.’ સાધુ પાછો આવ્યો ત્યારે મઠના બીજા સાધુઓ તેને પૂછવા લાગ્યા, ‘શું થયું ? માર્ગ મળ્યો ?’
‘ના. અમે પછી રડ્યા, ધર્મગ્રંથનો પાઠ કર્યો. છૂટા પડતી વખતે તે એક વાક્ય બોલ્યા – ‘મસીહા તમારામાંથી જ એક છે. આ વાક્યનો અર્થ હું સમજી શકતો નથી.’

દિવસો-સપ્તાહો-મહિનાઓ સુધી સાધુઓ ફકીરના આ વાક્યનો અર્થ શોધવા પ્રયત્ન કરતા રહ્યા. ‘મસીહા અમારામાંનો જ એક – પણ કોણ ? ફાધર એબોટ ? તેઓ મઠના અધિપતિ છે, પણ બ્રધર થોમસ પણ હોઈ શકે. તે અત્યંત પવિત્ર છે. તેની આસપાસ જાણે એક તેજોવલય રચાયેલું હોય છે. બ્રધર એલર્ડ પણ હોઈ શકે. તે લોકોના મન જીતી શકે છે. તેમનામાં પવિત્રતા જગાડી શકે છે. એ નહીં તો પછી બ્રધર ફિલીપ હોઈ શકે. તે પોતાનું અસ્તિત્વ એવી રીતે વીસરી ગયો છે, જાણે તે છે જ નહીં. આવો નિરંહકારી જ મસીહા હોઈ શકે. હું તો મસીહા ન હોઈ શકું – હું તો સીધોસાદો સાધુ છું – હું મસીહા ? ઓ ઈશ્વર, હું એટલો સમર્થ નથી.’ દરેક આમ વિચારતા રહ્યા. પરિણામ એ આવ્યું કે તેઓ પરસ્પર અત્યંત આદર અને શ્રદ્ધાપૂર્વક વર્તતા થઈ ગયા. દરેકમાં તેમને મસીહા નજર આવતા હતા.

આસપાસ પ્રકૃતિ રમણીય હતી. નાનાં નાનાં ખુશહાલ ગામડાં વસેલાં હતાં. ક્યારેક લોકો ફરવા નીકળતા તો મઠ તરફ આવી ચડતા. મઠની આસપાસ કોઈ અવર્ણનીય આભાનો અનુભવ હવે તેમને થતો અને તેમના પગ આપોઆપ મઠ તરફ વળતા. તેઓ ધ્યાન કરતા, પ્રાર્થના કરતા. આ આભા સાધુઓના મનમાં જાગેલી શ્રદ્ધાની હતી. મઠની હવામાં એક આકર્ષણ હતું, એક પવિત્ર સૌંદર્ય હતું. એક વાર ત્યાં આવેલ વ્યક્તિ ફરી પણ આવવા પ્રેરાતી અને મિત્રો-સ્વજનોને પણ લઈ આવતી. ધીરે ધીરે મઠ ભરચક રહેવા લાગ્યો. યુવાનો પણ આવતા ગયા. કોઈ કોઈ પૂછવા લાગ્યા કે અમે પણ દીક્ષા લઈએ – અહીં રહેવા આવીએ ? થોડા વર્ષમાં મઠ યુવાન સાધુઓની પ્રવૃત્તિઓથી ધમધમતો થયો. મઠને મળેલા નવા જીવનનું શ્રેય ફકીરના એક વાક્યને જતું હતું – ‘મસીહા તમારામાંનો જ એક છે.’ આ એક વાક્યે મઠને એક તેજ, એક ગતિ, એક આધ્યાત્મિકતા આપ્યાં હતાં – તેમાં પ્રાણ પૂર્યો હતો.
.

[2] પ્રેમ તમને કદી છોડતો નથી – સ્ટેનલી ડી. મોલસન

બે ભાઈઓ અને બે બહેનો સાથે એક સાધારણ, નોર્મલ પરિવારમાં મારો ઉછેર થયો ત્યારે અમારી પાસે ઝાઝા પૈસા નહોતા છતાં અમારાં માતાપિતા દર રવિવારે અમને ફરવા લઈ જતા કે પ્રાણીઘર પણ બતાવતા. મારી મા ખૂબ પ્રેમાળ અને કાળજી લેનારી મહિલા હતી. તે અમને જ નહીં, બીજાઓને પણ દિલથી મદદ કરતી. ઘવાયેલા ને બીમાર પ્રાણીઓને પણ તે કાળજીપૂર્વક સંભાળતી. પાંચ બાળકોને સંભાળતી છતાં બીજાને મદદ કરવાનો સમય તેને હંમેશાં મળતો. નાનપણની વાત યાદ કરું તો મારાં માતાપિતા અમને પાંચ બાળકોનાં માબાપ જેવાં નહીં, પણ પ્રેમીઓ જેવાં લાગતાં. જાણે હમણાં જ તેમના લગ્ન થયાં હોય તેવું આકર્ષણ ને પ્રેમ તેમની વચ્ચે હતાં.

એક રાત્રે હું સૂતો હતો – 27 મે, 1973નો એ દિવસ રવિવાર હતો. મારાં માતાપિતા મિત્રો સાથે બહાર ગયાં હતાં. તેઓ પાછાં આવ્યાં તેનો અવાજ આવ્યો. તેઓ હસતાં હતાં, વાતો કરતાં હતાં. હું સૂતો રહ્યો. ખબર નહીં કેમ મને તે રાત્રે દુઃસ્વપ્નો આવ્યાં. સવારે દિવસ વાદળિયો હતો. મા હજુ સૂતી હતી. અમે બધાં તૈયાર થયાં ને શાળામાં ગયાં. ત્યાં કંઈ ગમ્યું નહીં. બધું ખાલી ખાલી લાગતું હતું. હું ઘરે આવ્યો. ‘હાય મોમ. હું આવી ગયો.’ જવાબ નહીં. ઘર ખાલી, નિર્જન. હું ગભરાયો. ધ્રૂજતા પગે દાદર ચડ્યો. તેમનો રૂમ ખાલી હતો. ‘મા ?’ મેં જોયું તો મા જમીન પર પડેલી હતી. મેં તેને ઢંઢોળી પણ તે ઊઠી નહીં. તે મૃત્યુ પામી હતી. હું દોડીને નીચે ગયો. મારી બહેન ઘણી વાર પછી ઘરે આવી ત્યાં સુધી ત્યાં જ બેઠો રહ્યો. તે દોડીને ઉપર ગઈ ને દોડીને પાછી આવી. ઘરમાં પોલીસ આવી. મારા પિતાએ તેમને બધું જણાવ્યું. ઍમ્બ્યુલન્સ આવી. માના શરીરને તેમાં ક્યાંક લઈ જવામાં આવ્યું. હું બેઠો બેઠો બધું જોતો હતો. રડી શકતો નહોતો. મારા પિતા થોડા કલાકોમાં જ અચાનક વૃદ્ધ દેખાવા માંડ્યા.

ત્યાર પછીના દિવસે એટલે કે મંગળવાર, 29 મે, 1973ના દિવસે મારો 11મો જન્મદિન હતો. કોઈ ગીત, કોઈ પાર્ટી, કોઈ કેક – કશું ન થયું. અમે સૌ ચૂપ હતાં. ડાઈનિંગ ટેબલ પર પડેલું ખાવાનું મોંમાં મૂકવાનું કોઈને મન થતું નહોતું. મને થતું હતું કે મારો જન્મદિન વહેલો આવ્યો હોત તો કદાચ મા બચી ગઈ હોત. જો હું થોડો મોટો હોત તો તેને બચાવી શક્યો હોત… આ અપરાધભાવ મને ઘણાં વર્ષ પીડતો રહ્યો. મેં આ કર્યું હોત તો – તે કર્યું હોત તો – આવા જ વિચાર આવે. હું તોફાની હતો. તેને કેટલી હેરાન કરતો તેના વિચાર આવે. મેં તેને હેરાન કરી તેથી જ ઈશ્વરે તેને બોલાવી લીધી તેવું થાય. તેથી જ તો મને ‘ગુડ બાય’ કહેવાની તક પણ ન મળી. તેનું ઉષ્માભર્યું આલિંગન, તેના પરફ્યુમની આછી સુગંધ, તેનાં મીઠાં ચુંબન – હું મોડી રાત સુધી જાગ્યા કરતો. હા, મારાં તોફાનોની જ આ સજા હતી.

29 મે, 1989ના દિવસે મારો 27મો જન્મદિન આવ્યો. હું ખૂબ ઉદાસ હતો, ખૂબ ખાલી હતો. હજી હું માના મૃત્યુની છાયામાંથી બહાર નહોતો નીકળ્યો. લાગણીઓના તોફાનમાં ઘેરાઈને જીવતો હતો. ઈશ્વર પરનો ગુસ્સો ઊતર્યો નહોતો. ‘શા માટે તમે તેને લઈ લીધી ?’ મને ગુડ બાય કહેવા પણ ન મળ્યું. મને તે કેટલી વહાલી હતી તો પણ…. એક વાર મારે તેને ભેટવું છે, એક જ વાર…. આઈ હેઈટ યૂ.’ હું રડતો રડતો ઈશ્વર પર શાપ વરસાવી રહ્યો હતો અને અચાનક…. અચાનક મને કશુંક અનુભવાયું. બે નરમ હાથો મારા ફરતે વીંટળાયા. ભુલાયેલી એક મીઠી સુગંધ આવી. માની હાજરી, માનો સ્પર્શ…. આ બધું મને અનુભવાયું. જે ઈશ્વર પર હું શાપ વરસાવતો હતો તેણે જ મને માની હાજરીની એક પળ પાછી આપી. રડતા બાળકને સાંભળવા માને મોકલી આપી.

બસ, ત્યારથી આજ સુધી તે મારી સાથે જ છે, મારા મનમાં જીવે છે. તેને હું અત્યંત ચાહું છું. તે હંમેશાં મારા મનમાં હોય છે. તેથી જ જ્યારે હું હારી ગયો હતો, માનતો હતો કે તે ચાલી ગઈ ત્યારે તેણે મને ભાન કરાવ્યું કે તેનો પ્રેમ કદી મને છોડીને જાય નહીં.

[ કુલ પાન : 96. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આશાનાં અંકુર – અનુ. સોનલ પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.