આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

[ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2012માંથી સાભાર.]

[dc]લો[/dc]કસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :

ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.
****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ
****
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય.
****
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.
****

દૂધ, અનાજ અને કઠોળ માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે. અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે :

ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી,
મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી.
****

ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે, તેવાં ભોજન થાય.
****

ઘઉં એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો, લાડવા, રોટલી, ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ, લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી દીધા છે !

રામનામ લાડવા, ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.

અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :

કાળી છું પણ કામણગારી, લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજ સ્વાદ.

બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી :

બલિહારી તુજ બાજરા, જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન

કિંવદિંત કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું છે કે, ‘બુઢ્ઢા થયા જુવાન.’ બાજરીની બીજી પણ કહેવતો છે (1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો). (2) બાજરી કહે હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું. હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.

બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે. (1) મગના ભાવે મરી વેચાય. (2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ? (3) મગમાંથી પગ ફૂટ્યા. (4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. (5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ? (6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. (7) એક મગની બે ફાડ્ય. (8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.

ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :

જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.

જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.

જુવાર કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું. જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે કે, ‘હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.’

લોકકવિ ચોખાની ઓળખ આ રીતે આપે છે :

ચોખો કહે કે હું ધોળોદાણો, મારા માથે અણી,
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી.

ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને ‘શાલિ’ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :

સાઠી ચાવલ ભેંસ દૂધ, ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નીસરણી ચાર.

આયુર્વેદની દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા, બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે. ચોખાની પણ કહેવતો જુઓ. (1) ચોખો ચંપાય ને દાળ દબાય. (2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી. એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :

તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.
****

તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તેના જોઈ લ્યો ઢંગ.

તુવેરની દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે. શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ વાટીને તેનું પાણી પાવામાં આવે છે. એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?

ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય.
****

ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય તો બને મલ્લનો ધણી.

કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં, પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે, ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :

ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.

અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :

અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
****

અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
****

અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.

સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.

દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :

મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.

મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,

મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ

મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે. ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :

મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે,
વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.

મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :

લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.

આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે. એનું પણ કહેવત જોડકણું :

બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.

આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ. આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે. આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી
વિશેષ નોંધ – તંત્રી Next »   

18 પ્રતિભાવો : આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

 1. Ashish Makwana says:

  excellent..hats off!!!

 2. Dinesh Gohil says:

  ખુબજ સરસ

 3. સુંદર….આપણી રોજીંદા અનાજ – કઠોળ સાથે જ આટલી વાતો પહેલીવાર વાંચી

 4. દરેક અનાજ ના ગુણ જાણ્યા

 5. sumeet says:

  ખુબજ સરસ સાહેબ..

 6. Hemantkumar Jani says:

  લુપ્ત થઇ રહેલા લોક સાહિત્યને મુરબ્બિ શ્રી.જોરાવર્સિન્હ જાડેજા જેવા ગ્યાનિ લોક્સાહિત્યકાર વધુ અને વધુ લોક્ભોગ્ય બનાવે છે. તેમના દરેક લેખ્ માં થી
  કાઠિયાવાડ ની ખુશ્બો આવે છે.. સલામ સાહેબ્…

 7. dinesh jethva says:

  very nice

 8. ખૂબ જ સુંદર માહિતી ઘણા સમય પછી જોવા મળી

 9. ABCL Patel says:

  Superb…… Excellent….

 10. Harikrishna Patel says:

  સુપર્બ ઉત્તમ્

 11. durgesh oza says:

  તંદુરસ્તી જાળવવાનો,તાજામાજા રહેવાનો સુંદર સંદેશ હસતા રમતા,કહેવતો દ્વારા મુકવા બદલ લેખક શ્રી જોરાવરભાઈને તેમ જ શ્રી મૃગેશભાઈને અભિનંદન. આમેય કહેવત થોડામાં ઘણું ને અર્થસભર કહી જાય છે ને વાત કે વાર્તા વગેરેને વધુ તેજ અને રસ આપી જાય છે.વાહ.. અભિનંદન. મજા પડી ગઈ.

 12. Jyoti Thakkar says:

  very good .

 13. Vasudev Joshi says:

  ખુબ સરસ
  એક કેહવત મા કુમ્ભાર ને સાળૉ નહિ ને બદલે કુવારા ને સાળો નહિ આવે.

  • કાલિદાસ વ.પટેલ { વાગોસણા } says:

   વાસુદેવભાઈ,
   આપની વાત સાચી છે — ‘ કુંભારને ‘ બદલે ” કુંવારાને ” હોવું જોઈએ.
   કાલિદાસ વ.પટેલ { વાગોસણા }

 14. kalpesh says:

  સરસ

 15. ujjval says:

  એક પ્રશ્ન ઃ કહેવત નો અર્થ ઃ રોતલો ખાવાનો છે કે થક થક કરવાનુ છે

 16. Dilip Surani says:

  વાહ ખુબ જ સરસ માહિતી મળી….આભાર

 17. મજા પડી ગઇ સાહેબ!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.