લીલાં મરચાંનો આઈસ્ક્રીમ – ગુણવંત શાહ

[ સ્વસ્થ જીવનની ઝંખના રાખનારા સૌને માટે ખાસ વસાવવા અને વાંચવાલાયક તથા મિત્રો, સ્વજનો અને પરિવારને ભેટમાં આપવા લાયક અદ્દભુત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકની 12થી વધુ આવૃત્તિઓ થઈ છે અને તેની 39,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]

[dc]આ[/dc]પણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ હોય છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, તેટલા પ્રમાણમાં છાશ નથી પિવાતી. તાજી છાશ બધી રીતે પૌષ્ટિક છે. ટીવી પર તાજી છાશની જાહેરખબર કદી નહીં આવે. જાહેરખબર તો તે જ ચીજની આવે, જેના વગર આપણું કશુંય નહીં અટકે.

કાવ્યશાસ્ત્રમાં ‘વિરોધાભાસ’ અર્થાલંકાર છે. જેમાં માત્ર દેખીતો વિરોધ પ્રગટ થતો હોય છે. આપણા સમાજમાં આવા અર્થાલંકારોની ખોટ નથી. જે સમાજમાં ધાર્મિક સ્થાનકોની સંખ્યા પ્રાથમિક નિશાળોની સંખ્યા કરતાં ઘણી વધારે હોય ત્યાં ગરીબોની સંખ્યા ધનવાનોની સંખ્યા કરતાં ઓછી શી રીતે હોઈ શકે ? અહીં માથાં પણ ફૂટે અને બૉમ્બ પણ ફૂટે. અહીં પાણીની પરબો ઘટતી જાય છે અને મધુશાલાઓ વધતી જાય છે. વ્હિસ્કીની જાહેરખબર સાથે યુવાનોને જોશ ચડે એવા સ્વરમાં શબ્દો ટીવી પરથી વહેતા થાય છે : ‘કુછ કર દિખાના હૈ’. ગુટખા અને ગૉળપાપડી વચ્ચેની ટક્કરમાં ગુટખા જીતી રહ્યા છે. હવે નવો ગુટખો બજારમાં આવ્યો છે, જેનું નામ છે : કારગિલ ગુટખા. યુદ્ધમોરચે શહીદ થયેલા જવાનને કૉલેજિયન યુવાનો ગુટખા ખાઈને અંજલિ આપી રહ્યા છે. ગુજરાતમાં ગાંડા બાવળોનો વિસ્તાર વધતો જાય છે અને ઘેઘૂર વડલાઓની શોભા ઘટતી જાય છે.

વડોદરામાં હવે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ બજારમાં મળે છે. લીલાં મરચાંને શુદ્ધ ઘીમાં સાંતળીને ક્રશ કર્યા બાદ આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવે છે. સાંભળવા મળ્યું કે સુરતમાં ભિંડા, કારેલાં અને ટીંડોળાનો ઉપયોગ પણ આઈસ્ક્રીમમાં કરવામાં આવે છે. એ જ રીતે ફળફળાદિમાં સક્કરટેટી, તડબૂચ, જાંબુડા, દ્રાક્ષ, લીંબુ, સીતાફળ, કેરી અને પાઈનેપલ તો આઈસ્ક્રીમમાં ભળી ચૂક્યાં છે. જીવનની માફક આઈસ્ક્રીમમાં પણ શું શું ન ભળી શકે ? વાત સાચી છે, તોય લીલાં મરચાંનો આઈસ્ક્રીમ હોઈ શકે તે વાત મનમાં ઝટ બેસતી નથી. ‘શરીફ બદમાશ’ જેવો એ વદતોવ્યાઘાત ગણાય. માધુર્ય વળી તીખું હોઈ શકે ?

[stextbox id=”black” float=”true” align=”right” width=”250″]વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે….[/stextbox] સમગ્ર જીવન વિરોધાભાસથી ભરેલું છે. કોમળતા અને કઠોરતા જીવનમાં અડખેપડખે વસે છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે સહઅસિત્વ જોવા મળે છે. સમાજમાં અખંદ સૌભાગ્યવતી વિધવાઓ પણ હોય છે અને ગંગાસ્વરૂપ ગૃહિણીઓ પણ હોય છે. લોકો શેમ્પૂની બાટલીના આકારને જુએ છે, શેમ્પૂની ગુણવત્તાને નથી જોતા. બહારના દેખાવને કારણે અંદરની વાસ્તવિકતા ઢંકાઈ જાય છે. કારેલું કડવું હોય છે, પરંતુ કારેલાનું શાક ક્યારેક ગળચટું હોય છે. કેરીનું અસ્તિત્વ સ્વાદ અને સુગંધથી ભરેલું છે. કેરી જેવી છે તેવી રહે તેમાં મજા શી ? આવી માનસિકતામાંથી અથાણાંની શોધ થઈ. કેરીનું આયખું ટૂંકું હોય છે, પરંતુ અથાણું લાંબું જીવે છે. માણસની ખાસિયત રહી છે કે જે બાબત જેવી હોય તેવી ન રહેવી જોઈએ. ગુલાબનું ફૂલ કેવળ ફૂલ તરીકે રહે તે માણસને ન ગમ્યું તેથી ગુલકંદની શોધ થઈ. સ્ત્રીમાંથી પત્નીનું સર્જન થયું અને વળી ગણિકાનું નિર્માણ પણ થયું. માણસને કેવળ રમતગમતનું મનોરંજન ઓછું પડ્યું તેથી રમતો સાથે જુગાર જોડાઈ ગયો. જગતના રાજકારણમાં બે જ બાબતો વારાફરતી ચાલ્યા કરે છે : શાંતિ માટેનું યુદ્ધ અને યુદ્ધમય શાંતિ. 1967’68માં વિયેટનામ યુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરે બેનટ્રે નામના ગામ પર સખત બૉમ્બમારો કરેલો. પાછળથી અમેરિકન લશ્કરના અધિકારીએ જણાવેલું કે ‘ગામને બચાવી લેવા માટે’ એમ કરવું જરૂરી હતું.

કઠોપનિષદ તરફથી આપણને બે શબ્દો મળ્યા : શ્રેયસ અને પ્રેયસ. જે કલ્યાણકારી હોય તે શ્રેયસ અને જે પ્રિય હોય તે પ્રેયસ. શ્રેયસ અને પ્રેયસ વચ્ચે બાપેમાર્યાં વેર જામી પડ્યાં. જે બાબતો આપણને પ્રિય લાગે તે બાબતો કલ્યાણવિરોધી જ હોય એવું કહેવામાં આવ્યું. જે કશુંક મનગમતું હોય તેનાથી દૂર રહેવાનો જ ઉપદેશ થયો. માણસની મૂંઝવણ વધી પડી. ગુંડાઓની પજવણી કરતાંય મોટી પજવણી ધર્મના ઉપદેશકો તરફથી થઈ છે. પરિણામે પ્રેમવિરોધી, સહજવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી ધર્મના અત્યાચારો વધી પડ્યા. આવો માણસવિરોધી ઉપદેશ અસહ્ય બને ત્યારે શરાબનાં માનપાન વધી જાય છે. ઉપદેશકો માણસને સુખેથી જીવવા દેતા નથી તેથી અંધશ્રદ્ધાનો નશો રાહત આપનારો જણાય છે. એક પતિ મજાકમાં મને વારંવાર કહે છે : ‘મારી પત્ની સંપૂર્ણપણે મારા કાબૂમાં છે. હું એને ઊંચા સાદે કહી દઉં છું કે આજે બધાં વાસણ હું જ માંજી નાખીશ. બિચારી તરત માની જાય છે. ક્યારેક તો હું ગુસ્સામાં આવીને એને કહી દઉં છું કે ખબરદાર, આજે હું જ કપડાં ધોઈશ અને વળી કચરા-પોતું પણ હું જ પતાવી દઈશ. એ બીચારી મને દબાતા સાદે કહે છે કે જેવી સ્વામીની મરજી.’

ક્યારેક લાગે છે કે સમગ્ર સંસાર લીલાં મરચાંના આઈસ્ક્રીમ જેવો છે. મરચાંનો પણ પોતીકો સ્વાદ હોય છે. મધુર, ઠંડા, થીજેલા દૂધનો પણ પોતીકો સ્વાદ હોય છે. બંને ભેગાં મળે તેમાં સમન્વય નથી. પતિ-પત્નીનું કજોડું જીવન વેંઢારતું રહે તેમાં સુમેળનું સૌંદર્ય નથી હોતું. એવું બને ત્યારે બાવાનાં બેઉ બગડે છે. ભગવદગીતામાં બંને બાજુથી રખડી ગયેલા માણસ માટે મજાનો શબ્દ છે : ‘ઉભયવિભ્રષ્ટ.’ નથી સંસાર છૂટતો અને નથી સંન્યાસ જામતો. ગંગા અને જમુના મળે તેને સંગમ કહેવાય, પરંતુ મોટી ગટર ગંગામાં ભળે તેને પ્રદૂષણ કહેવાય. આયુર્વેદમાં પથ્યાપથ્યનો વિવેક અગત્યનો ગણાયો છે. એ જ રીતે વિરુદ્ધ આહાર ત્યજવા યોગ્ય ગણાયો છે. ડુંગળી અને દૂધ સાથોસાથ ન લેવાય. આવી વાત બીજી કોઈ ચિકિત્સાપદ્ધતિમાં નથી થઈ. માણસને વિરોધાભાસ અર્થાલંકાર ગમે છે. એને યુદ્ધની કથા ‘રમ્ય’ લાગે છે. એને આશ્રમોમાં પૈસાની ભરમાર હોય તે ગમે છે. વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે.

પથ્યાપથ્ય વિવેક જાળવવાની સલાહ આયુર્વેદ આપે છે. સ્વાદનો અનાદર નથી, પરંતુ સહજ સ્વાદની જગ્યાએ જ્યારે અસહજ અતિરેકો થાય ત્યારે કશુંક ખોરવાય છે. આયુર્વેદમાં સ્વાદનો વિરોધ નથી, પરંતુ યોગ્ય આહાર-વિહારનો આદર છે. મરચાંનો આઈસ્ક્રીમ કદાચ ‘વિરુદ્ધાહાર’ સાબિત થાય એમ બને. કોઈ અનુભવી વૈદરાજને પૂછવું સારું. આપણો સ્વાદ આપણા કહ્યામાં હોય ત્યાં સુધી એ સહજ સ્વાદ ગણાય, પરંતુ આપણે જ્યારે સ્વાદના કહ્યામાં હોઈએ ત્યારે પ્રશ્નો ઊભા થાય છે.

[કુલ પાન : 151. કિંમત રૂ. 95. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “લીલાં મરચાંનો આઈસ્ક્રીમ – ગુણવંત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.