શાંત પ્રસન્નમૂર્તિ : મોરારિબાપુ – નગીનદાસ સંઘવી

[‘કૉફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 8 એપ્રિલ, 2012ના રોજ યોજાયેલા ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ના છેલ્લા મણકામાં મોરારિબાપુનો પરિચય આદરણીય શ્રી નગીનદાસ સંઘવીએ આપ્યો હતો જેનો આ પ્રસ્તુત લેખ ‘નવનીત સમર્પણ’ મે-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]આ[/dc]પણી પરંપરા-પિતામહ ભીષ્મનું બાણશય્યા પ્રવચન કે ભગવાન બુદ્ધનું પરિનિબ્બાન સુત્ત. આ પરંપરાને સજીવન કરીને ભાઈ અવિનાશ પારેખે છેલ્લાં બે વરસમાં આપણને અનેક મહાનુભાવોનાં આત્મદર્શન કરાવ્યાં છે. આ માળાની આજે સમાપ્તિ થાય છે. માળા પૂરી થયા પછી તેના પરાવર્તન માટે મેરુમણિનો સ્પર્શ કરવો પડે છે. આ મેરુમણિ વ્યાખ્યાન મોરારિબાપુ આપવાના છે. અને આ સૂરજની ઓળખાણ કરાવવા માટે અવિનાશભાઈએ આગિયાની પસંદગી કરી છે. બાપુને વિશેષણોની એલર્જી છે. સંત, વિશ્વસંત, રામાયણમર્મજ્ઞ જેવાં વિશેષણો બાપુ ભારપૂર્વક કઢાવી નાખે છે.

મોરારિબાપુની ઓળખાણ આપવી અઘરી છે. બાપુ શાંત મૂર્તિ છે અને શાંત જળ હંમેશાં વધારે ગહનગંભીર હોય છે. Still waters run deep. ખળખળ અવાજે વહેતાં ઝરણાં હંમેશાં છીછરાં હોય છે પણ પૂરે ચડેલી નદી બે કાંઠે ભરાઈને વહેતી હોય ત્યારે હંમેશાં ચૂપ હોય છે. સતત ઘુઘવાટા કરતો સાગર પૂરેપૂરો ભરાઈ જાય અથવા પૂરેપૂરો ઠલવાઈ જાય ત્યારે – ખારવાની ભાષા વાપરું તો સભર હોય કે નિખાર હોય ત્યારે બાર-બાર મિનિટ તદ્દન નિઃશબ્દ થઈ જાય છે. બાપુ મૌનના માણસ છે. કલાકો-દિવસો-મહિનાઓ સુધી ચૂપચાપ બેસી શકે છે. અને વાણી વહાવે ત્યારે પ્રખર વક્તા બની જાય છે. બાપુનું વાણીસ્વરૂપ – તેમની કથાઓમાં, અગણિત પ્રવચનોમાં, અંતરંગ સાથીઓની ગોઠડીઓમાં અને સહજ વાતચીતમાં પ્રગટ થાય છે.

બાપુ વક્તા છે તેના કરતાં અનેકગણા વધારે ઉત્તમ શ્રોતા છે. નમ્રભાવે, નીચે બેસીને, બરાબર ધ્યાનપૂર્વક સાંભળે છે અને સાંભળે તેમાંથી સોય ઝાટકીને સારતત્વ ગ્રહણ કરી લે છે. વિદ્વાન માટે સંસ્કૃત ભાષામાં બહુશ્રુત- બહુ સાંભળનાર અથવા ઘણું સાંભળેલો એવો શબ્દપ્રયોગ થાય છે. બાપુને પુસ્તક કરતાં મસ્તક વાંચવાનું વધારે ફાવે છે અને વધારે ગમે છે તેવું તેમણે વારંવાર કહ્યું છે.

[stextbox id=”download” float=”true” width=”250″]બાપુ પરંપરના પ્લેટફોર્મ પર ઊભા છે પણ આ પરંપરાનો વપરાશ પરંપરાને સુધારવા માટે, તેને વધારે મુલાયમ બનાવવા માટે કરે છે. બસો વરસ અગાઉ રાજા રામમોહન રોયથી શરૂ થયેલી આ મથામણ બાપુ આજે કરી રહ્યા છે. ગંગાજળને શુદ્ધ કરવા માટે ગંગાજળ વપરાય છે તેમ પરંપરાને પરિશુદ્ધ કરવા માટે બાપુ પરંપરા પર આધાર રાખે છે. નદીના સતત વહેતા પ્રવાહમાં રૂઢિના કાળમીંઢ પથ્થરો પણ ઘસાઈ જાય છે. રૂઢિગત પરંપરાને સુધારવા માટે બાપુ પોતાની અદ્દભુત વાકશક્તિનો જે વપરાશ કરે છે તે તો માત્ર સાંભળનાર જ સમજી શકે….[/stextbox] બાપુ સતત વિકસતા રહ્યા છે. સતત પરિવર્તનશીલ હોય છે. જૂના મોરારિબાપુને શોધવાની પળોજણમાં પડવા જેવું નથી. એપ્રિલની આઠમી તારીખના મોરારિબાપુ પણ આવતી કાલે જોવા મળવાના નથી. રામકથા તો બાપુ અગણિત વરસોથી કરે છે. તેમના જૂના શ્રોતાઓ જાણે છે કે કથા એની એ છે, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. માત્ર વર્ણનથી શરૂ થયેલી કથા આજે કેવળ વિષયપ્રધાન તત્વચર્ચા બની ગઈ છે અને કથાને તો ઝડપભેર, ક્યારેક તો જેમતેમ પતાવી દેવામાં આવે છે. બાકીનો બધો સમય સંવાદ અને મનન ચાલતાં રહે છે. કથાની વિધિઓ એક પછી એક નાબૂદ થતી જાય છે. પોથીયાત્રામાં બાપુ જતા નથી, રામજનમ વખતનું પારણું અદશ્ય થઈ ગયું છે. કથા ચીલાચાલુ ધાર્મિક અનુષ્ઠાન મટીને તત્વજ્ઞાનની વિદ્યાપીઠ બનતી જાય છે અને આ વિદ્યાપીઠની સામાજિક નિસ્બતમાં સતત ઉમેરણ થતાં જાય છે. શાળા, આશ્રમો, ઈસ્પિતાલો માટે કથા કરનાર લોકો અનેક છે અને આવી કથાઓ બાપુએ પણ કરી છે. પણ સંડાસો બાંધવાનું ભંડોળ ઊભું કરવા માટેની કથા માત્ર મોરારિબાપુએ કરી છે અને માત્ર મોરારિબાપુ જ કરી શકે. એક જમાનામાં બાપુના ઘર અને આશ્રમની ગ્રિલમાં રામનાં ધનુષ્ય અને બાણ હતાં. બાણ ગયાં અને હવે તો ધનુષ્ય પણ ખસેડી લેવામાં આવ્યાં છે. હજુ ગઈ કાલ સુધી રામની, ધર્મની અને તુલસીદાસની જય બોલાવનાર બાપુને જયઘોષમાં રાવણના પરાજયની દુર્ગંધ આવે છે. તેમણે જયઘોષ બંધ કરીને પ્રિયઘોષ શરૂ કર્યો છે. રાવણની આખી સેના રામનાં હથિયાર છોડાવી શકી નહીં પણ મોરારિબાપુએ તો રામ પાસે હથિયાર હેઠાં મુકાવ્યાં છે. બાપુના મંદિરમાં શસ્ત્રત્યાગી રામ બિરાજે છે, કારણ કે દુશ્મનાવટથી ન થાય તે પ્રેમભક્તિથી કરી શકાય છે તેવી શ્રદ્ધા બાપુ ધરાવે છે. આ શ્રદ્ધા તેમને સેતુપુરુષ બનાવે છે. કોમ વચ્ચે, ધર્મ વચ્ચે સેતુ સાધવો તેમનો ઉદ્દેશ છે. 2002ના રમખાણ પછી તરત જ બાપુનગરમાં કાઢેલી શાંતિયાત્રા હોય કે અમદાવાદમાં મીની પાકિસ્તાન કહેવાતા જુહાપુરાની મધરાતની સભા હોય, બાપુ જાતે જાય છે.

દેખાવ પરથી બાપુ પરંપરાના માણસ દેખાય છે, તેમની માળા, તેમની ચાખડી, તેમનો પહેરવેશ આધુનિક જમાનાથી જુદાં છે. બાપુ પરંપરના પ્લેટફોર્મ પર ઊભા છે પણ આ પરંપરાનો વપરાશ પરંપરાને સુધારવા માટે, તેને વધારે મુલાયમ બનાવવા માટે કરે છે. બસો વરસ અગાઉ રાજા રામમોહન રોયથી શરૂ થયેલી આ મથામણ બાપુ આજે કરી રહ્યા છે. ગંગાજળને શુદ્ધ કરવા માટે ગંગાજળ વપરાય છે તેમ પરંપરાને પરિશુદ્ધ કરવા માટે બાપુ પરંપરા પર આધાર રાખે છે. નદીના સતત વહેતા પ્રવાહમાં રૂઢિના કાળમીંઢ પથ્થરો પણ ઘસાઈ જાય છે. રૂઢિગત પરંપરાને સુધારવા માટે બાપુ પોતાની અદ્દભુત વાકશક્તિનો જે વપરાશ કરે છે તે તો માત્ર સાંભળનાર જ સમજી શકે. બાપુ કંઠી બાંધતા નથી. ભક્તો બનાવતા નથી. બાપુને ભક્તો બનાવવાનું ગમતું નથી. પોતાને સાંભળનાર ભક્તો નથી પણ માત્ર શ્રોતા જ છે. અપવાસ, વ્રતવરતોલા, ભૂતપ્રેત, ડાકલાં, માદળિયાં, બાધાઆખડીનાં ચક્કરમાં પીસાતી આમજનતાને બાપુ હસાવી, ફુલાવી, રમાડીને છોડાવે છે. બાપુ રૂઢિઓને હસી કાઢે છે અને ઉપહાસનો માર હંમેશાં વધારે સખત હોય છે. સુધારકોના ઘણાઘાતી પ્રહારો કરતાં બાપુની વ્યંગકથાઓના પ્રભાવથી શ્રોતાઓ અંધશ્રદ્ધામાંથી જાગ્રત શ્રદ્ધા સુધી પહોંચે છે અને બાપુ તેમાં સક્રિય ભાગ ભજવે છે. બારડોલીના આદિવાસી છોકરાના દેવીના વાળ ઉતારી આપવા માટે બાપુ જાતે હજામતનું કામ કરતાં અચકાતા નથી.

બાપુની સરળતા, ઉદારતા બધે જોઈ શકાય છે પણ તેમની એપ્રોચેબિલિટી જાણવી હોય તો તલગાજરડા જવું પડે. બાપુ વૈષ્ણવ થવાની સતત મથામણ કરે છે. પારકી પીડાના સતત સહભાગી બને છે. છેલ્લાં પંદર વરસના મારા પરિચયમાં મેં એકપણ વખત બાપુના મોઢે કોઈની નિંદા સાંભળી નથી. નાની સહજ વાતમાં પણ તેમની જીભે અસત્યનું ઉચ્ચારણ થતું નથી. બાપુ સતત પ્રવૃત્તિમય હોય છે. મોટા રજવાડાને શરમાવે અને ભારે પડે તેવા ઉપક્રમો સતત કરે છે અને કરાવે છે અને છતાં તેમને થાક લાગતો નથી, કારણ કે તેમણે અસંગવૃત્તિ કેળવી લીધી છે અને તેથી હરહંમેશ પ્રસન્ન હોય છે. મેં કદી બાપુનું સોગિયું મોઢું જોયું નથી અને બાપુની હાજરીમાં કોઈ સોગિયું મોઢું રાખી શકે નહીં તેટલી હાસ્યછોળ કાયમ ઊડતી હોય છે.

તેમની આ શક્તિ અને ઓજસનું મૂળ તેમના વણલોભી સ્વભાવમાં છે. અનેકોની પાસેથી અનેક ચીજોનો સ્વીકાર કરવા છતાં તેમને આમાંથી કશું જોઈતું નથી. તેમની કોઈ ચાહત નથી. તેથી બાપુ બધાના પર સમાન ભાવે સ્નેહ વહાવે છે અને દરેકને એમ જ લાગે કે બાપુને મારા પર વિશેષ ભાવ છે. બાપુને ગમતા કબીરથી પૂરું કરીએ :

ચાહ નહીં, ચાહત નહીં મનવા બેપરવાહ
જીનકો કુછ નહીં ચાહીએ વો શાહનદાશાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “શાંત પ્રસન્નમૂર્તિ : મોરારિબાપુ – નગીનદાસ સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.