સાહિત્યસંચય – સંકલિત

[1] શિયાળો, બા ને અમે બધાં – નરેન્દ્ર ગોસ્વામી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

[dc]શિ[/dc]યાળાનાં ઝાકળભીનાં તીવ્ર ઠંડીનાં મોજાંઓએ કાળા ડિબાંગ અંધકારને પોતાનો પર્યાય બનાવી, નગરને ક્યારનુંયે શાંત અને સ્થિર કરી દીધું છે ! સર્વત્ર સૂનકાર છે. બંગલાઓ ‘ઢીમ’ થઈ ગયા છે જાણે ! સડકો પર ચૂપચાપ સૂનકાર વ્યાપી ગયો છે. સડકો પરની બત્તીઓના ઝગમગાટને ઝાકળ પૂરેપૂરું વીંટળાઈ ગયું છે ! મને યાદ આવે છે દૂર દૂરનું મારું વતન ! મારું ગામ, ખેતરો, ગામને ફરતી નદી, નાની નાની ટેકરીઓ, વંકાતી કેડીઓ ને કાગડા-ચકલાંના કલરવ મઢેલાં લીલાંછમ વૃક્ષો !

મને યાદ આવે છે મારું-અમારું મકાન. ઠીક ઠીક મોટું કહેવાય તેવું લીમડાંનાં વૃક્ષોવાળું રૂપાળું ફળિયું, માટીની દીવાલોવાળું દેશી નળિયાંથી છજાયેલું ડેલીબંધ મકાન, વૃક્ષોએ ટીંગાતી ઠીબ, ફળિયામાં-શણિયાંના પડદા બાંધેલું ઢાળિયું, ફળિયાની વચોવચ તુલસીનો ક્યારો, ગમાણની લગોલગ કંતાનોથી ઢંકાયેલી ભૂરી અને તેનાં જાફરાં ગલૂડિયાં માટેની પથ્થર ગોઠવેલી બખોલ. આ બધાને ઢંકાઈને રહેતો શિયાળો અને તેની તીવ્ર ઠંડી અમારા બાળપણમાં અમારા સૌનું મોટું આશ્ચર્ય બની રહેતું. હાડ ગાળી નાખતી ઠંડીમાં આ બધું અમને ખૂબ ગમતું ! ઊતરી આવતી ઠંડીમાં જડ-ચેતન સાથેનો અમારો સ્પર્શ ગજબના સ્નેહની પ્રગાઢતા આપતો બની રહેતો ! ઉઘાડો શિયાળો અમને દઝાડતો નહીં, ખૂબ ખૂબ વહાલો લાગતો ! વહાલપની ઠંડી, શીતલહેરો દરેક સાથેના સંબંધ પ્રગાઢ બનાવી દેતી હતી !

અને આ બધામાં ‘બા’ તો !
વરસતી શિયાળાની એ તીવ્ર ઠંડીમાં આખી રાત ફર્યાં કરે. ઘડીક ગાય પાસે જાય, દરજી પાસે ખાસ તૈયાર કરાવેલી ઝૂલ ઓઢાડે, ભૂરી અને તેનાં જાફરાં ગલૂડિયાંને ઢાંકે ! સાંજ થતાં તો તાપણાં તૈયાર હોય ! સીમમાંથી વીણેલાં લાકડાં ને અડાયાં છાણાંથી ભડભડ બળતી લાલ લાલ જ્યોતની ધૂમ્રસેરોથી સજ્જ એક નહીં પણ બે-ત્રણ તાપણાં ! દાદા-દાદીના ઓરડામાં તાપણું, રસોડામાં તાપણું, પરસાળમાં તાપણું, ઢાળિયામાં તાપણું, તાપણામાં બા રીંગણાં શેકે ! ચૂલે બાજરાના રોટલા ! શિયાળાની ઠંડીમાં ઓગળતી એમની સુગંધ ! રાત આખી બા જાગ્યા કરે, દાદા-દાદીને ઊનની બનેલી પાતળી ગોદડી ઓઢાડે, ઊનના બનેલા કામળા અમને ! શાલ, ગરમ, ટોપીઓ તો ખરી જ અને બા અમને સ્વેટર વગરના તો ના જ રાખે ! બા બહુ ધ્યાન રાખે !

…પણ આજે તો, બા નથી. એ અમારું રૂપકડું ગામ નથી. ફળિયાંને ડેલી બંધ મકાનો નથી, એ ભૂરી અને તેનાં જાફરાં ગલૂડિયાં નથી…. તાપણાં નથી, રીંગણાં ને બાજરાની રસ નિર્ઝરતી તરબતર સુગંધ નથી. બાળપણ નથી ! …. પણ આજે તો…. શહેરમાં રહું છું. રહીએ છીએ. શહેરો છે, બંગલાઓ છે, વિશાળ સડકો છે. હીટર છે, ફ્રિઝર છે, ગેસચૂલાઓ છે…. પણ શાંતિ નથી… દોડધામ અને ગતિ છે. આધુનિક ટૅકનોલોજીની ઉપલબ્ધિઓવાળું જીવન છે. શિયાળાને તેમાં કેદ કરવામાં આવ્યો છે. શિયાળાની તીવ્ર ઠંડી સ્પર્શે છે. પણ શિયાળાની લિજ્જત ને હૂંફાળાપણું નદારદ છે. પત્ની ગેસચૂલા પર રીંગણા શેકી રહી છે. ને હું મારા ટેબલ પર ડાયરીમાં શિયાળાને ઉતારી રહ્યો છું ! મારા વીતી ગયેલા બાળપણને બોલાવી રહ્યો છું ! પત્ની પૂછે છે : ‘તમે ત્યાં ટેબલ પર, મૂંગા બની કેમ બેસી રહ્યા છો !’ ખાળવા છતાં ન ખાળી શક્યો તે આંસુઓને લૂછી, કહ્યું : ‘કાંઈ નહીં, આ તો શિયાળો છે ને !’

.

[2] રાઘવ-એક દ્રષ્ટાંત – રૂત્વી વ્યાસ મહેતા

[ રીડગુજરાતીને આ સત્યઘટના પર આધારિત (પાત્રોનાં નામ બદલ્યાં છે) કૃતિ મોકલવા માટે રૂત્વીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rut1984@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘સૂશ્રુષા સોસાયટી’ના નામથી જ જણાઈ આવે કે તેમાં વસતા લોકો કેટલા મૃદુ અને સેવાભાવી હશે. પરંતુ સત્ય કાંઈ અલગ જ હતું. દસ બંગલાની સોસાયટીમાં માત્ર એક ઘર સિવાય કોઈ આ નામને સાર્થક કરતું ન હતું. સોસાયટીની બહાર મોટા તખ્તા પર કંડારેલુ નામ સોસાયટીના લોકો માટે કોઈ બીજી લિપિમાં હોય એમ લાગતું હતું.

આજે સોસાયટીના સેક્રેટરી શ્રીમાન ગોર્વધનરામ જોષી જાણે કોઈ દેશના સૈન્યના વડા હોય એમ કોઈ ફેરિયા સોસાયટીની હદ ના ઓળંગે તેનો કડક જાપ્તો રાખતા હતા. પણ હા, એમના થોડા ઘણા હિતેચ્છુઓ એમાં અપવાદ હતા.
‘એય છોકરા આમ શું હાલી આવે છે….. આ બોર્ડ નથી વંચાતું ? ભિખારીઓને સોસાયટીમાં આવવાની મનાઈ છે.’ સેક્રેટરીના કરડાકી ભર્યા હોંકારાથી જાણે કોઈ ચોર રંગે હાથ પકડાઈ ગયો હોય એમ રાઘવ ધ્રૂજી ઊઠ્યો અને ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટ્યો. આ રાઘવ એટલે દસ વર્ષનો સાક્ષાત ધરતીપરનો દરીદ્ર નારાયણ. કાળા કોલસા જેવો એનો વાન. વિખરાયેલા અસ્તવ્યસ્ત વાળ. દોરડી જેવા હાથ-પગ પણ પેટ જાણે ગાગર ! સદાય વહેતું નાક તેના આ દેખાવને સંપૂર્ણ કરી દેતું. કારમી ગરીબી અને બાળકના ભરણપોષણથી છેડો છૂટો કરવા રાઘવના મા-બાપ એને એક મેઘલી રાતે ઊંઘતો મૂકીને પોતાના દેશ ચાલી નીકળ્યા. નિરાધાર પરિસ્થિતિમાં પણ રાઘવે ખુમારીથી જીવવાનું પસંદ કર્યું અને ભીખ માંગવા કરતા મા-બાપના ફાટેલા પ્લાસ્ટિકની ડોલ-તગારા સાંધવાના ધંધાથી કામ શરૂ કર્યું .

તેની અને સેક્રેટરી મહોદય વચ્ચે એક અતૂટ સંબંધ હતો ઉંદર-બિલાડીનો ! રાઘવને જોતાં જ સેક્રેટરી જાણે કોઈ અજાતશત્રુ દીઠો હોય તેમ રાડો પાડી તેને હડધૂત કરતા. બીજી બાજુ રાઘવ પણ એટલો જિદ્દી કે તેમનું લોહી ઉકાળવામાં કોઈ કચાશ ના રાખતો. રાઘવને જેઠ મહિનાની ગરમી જેવા જીવનમાં વિસામો મળતો હોય તો એકમાત્ર હંસાબેન ના ઘરે. ‘સૂશ્રુષા સોસાયટી’નું એકમાત્ર એવું ઘર કે જે આર્થિક રીતે બાકીના ઘરો કરતાં ઊણું ઊતરે પણ વ્યવહારિકતામાં સવાયું. મધ્યમવર્ગી હંસાબેન પાઠપૂજા અને મંદિરોમાં ચંપલ ઘસીને દાન પેટીઓ ઉભરાવા કરતા જનસેવામાં શ્રદ્ધા રાખતા. તેઓ રાઘવને મદદ કાજે તેને પોતાની અને સંબંધીઓની ડોલ અને તગારા સાંધવાનું કામ સોંપતા. કોઈકવાર તેને જમાડતા તો કોઈકવાર બિમાર હોય તો દવા પણ કરી દેતા. હંસાબેન આ માટે હંમેશા સોસાયટીમાં ટીકાપાત્ર બનતા. એક દિવસ જ્યારે ગોર્વધનરામના સિતારા આકાશમાં તેજ હતા ત્યારે સોસાયટીના હિત માટે રાઘવ સહિત સંધાય અજાણ્યાઓને સોસાયટીને પાવન કરવા પર તેમણે મનાઈ હુકમ ફરમાવી દીધો. આમાં શ્રીમાન ગોર્વધનરામના પરિચિત ફેરિયાઓ બાકાત હતા.

આ બનાવ બાદ રાઘવ પંદર દિન લગી સોસાયટીમાં દીઠો નહીં. વૈશાખ મહિનાની બળબળતી બપોરે એક દિવસ અચાનક રાઘવ સોસાયટીમાં આવી ચઢયો. હજુ સેક્રેટરી એને જોઈને લાકડી જ ઉઠાવવા જતાં હતાં ત્યાં તેમનાં પત્ની હાંફ્ળા-ફાંફ્ળા થતાં ત્યાં દોડી આવ્યાં અને બોલ્યાં : ‘અરે સાંભળો સો ? એના પર પસે હાથ સફાયો કરજો. પહેલા ગાડિયું કાઢો. આપડા રાહુલની નિહાળેથી ફુન હતો કે ઈ દાદર પરથી ગબડી ગિયો સે અને ઈને મોંથામાં વાગ્યું સે…’ આ સાંભળતા જ સેક્રેટરી લાકડી છોડીને હાંફ્ળા-ફાંફ્ળા થતાં ઉતાવળમાં ઘરને તાળું મારી નીકળી ગયાં. થોડીવારમાં સેક્રેટરીનો કાફલો ઘરે આવી પહોંચ્યો. ચાવી ના મળતાં સેક્રેટરી રઘવાયા થઈ ગયા અને ગાડી, પર્સ, ખિસ્સા, બધું જ ફંફોળી માર્યું. ત્યાં તો ઘરનું તાળું પણ ખુલ્લું જોતાં તેમને માથે આભ ફાટી ગયું.

ઘરના ચોગાનમાં રાઘવ ને જોતાં જ એમની આંખોમાં લોહી ધસી આવ્યું…..
‘ચોર સાલા….. મેં તને સોસાયટીમાં ઘૂસવા ના દીધો એટલે તે મારા ઘરમાં ચોરી કરી ? તું તો આ લાકડી ને જ લાયક છે…’ તેમણે બધા સોસાયટીવાળાને ભેગાં કર્યા ને કહ્યું :
‘જોયું ને હંસાબેન, આ બધું તમારા પરાક્રમે…. તમે આને પેંધો ના પાડયો હોત તો !’
અને એટલામાં રાઘવે હિબકાં ભરતા મારથી સોળ પડેલા હાથે હંસાબેનને સેક્રેટરીના ઘરની ચાવી આપતા કહ્યું કે : ‘બેન, અહીંની રોજી-રોટી બંધ થતાં હું સદાય માટે મારા મામાના દેશે જતો હતો અને એટલે છેલ્લી વાર તમને મળવા આવ્યો હતો. આ સાહેબથી જલ્દી જલ્દી માં ચાવી ઘરના ઝાંપા પાસે પડી ગઈ હતી અને ઘરનું તાળું પણ બરાબર બંધ નહતું. તેમનો પસ્તીવાળો મારી પાસે ચાવી માંગતો હતો અને અંદર જવા કોશિશ કરતો હતો પણ મેં ચાવી ના આપી અને બૂમો પાડવાની ધમકી આપી એટલે તે ગભરાઈને નાસી છૂટયો. એથી સાહેબ ના આવે ત્યાં સુધી ઘરમાં કોઈ પેહે નહીં તેનું ધ્યાન રાખતો હતો. બેન, હું ગરીબ છું પણ ચોર નથી..’

આ સાંભળતા જ સેક્રેટરી ભોંઠાં પડી ગયા અને શરમથી પાણી પાણી થઈ ગયા. એમણે જે જનમેદની એકઠી કરી હતી એમની સામે જ નીચા મોંએ ઘર ભણી વાટ પકડી. એ દિવસે એ ખાખી બંગાળી કશું પણ ન હોવા છતાં જીતી ગયો અને સેક્રેટરી ધનવાન હોવા છતા પણ હારી ગયા. પરંતુ એ દિવસથી આજની ઘડી લગી રાઘવે એ સોસાયટીમાં પગ માંડ્યો નથી. એ કઈ દિશા ભણી ગયો કે શું કરે છે તેની કોઈને જાણ નથી. આજના જમાનામાં ચોર લોકો જ્યારે ફેરિયા કે બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે ત્યારે તેઓ એ નથી જાણતા કે એમના આવા કૃત્યથી સાચી રીતે આ વ્યવસાય પર નભનારા લોકોની તો રોજી-રોટી જ છીનવાઈ જાય છે.

Leave a Reply to Nikul H.Thaker Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સાહિત્યસંચય – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.