[ ભારતમાં ઉનાળાની ઋતુ જામી છે. ઉનાળો એટલે કેરીની ઋતુ. મોડેમોડેથી પણ આમરસનો સ્વાદ સૌ લઈ રહ્યા છે ત્યારે પ્રસ્તુત છે ‘આંબો’ નામનો આ નિબંધ શ્રી માવજીભાઈ મહેશ્વરી લિખિત ‘બોર’ નામના પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી માવજીભાઈનો (અંજાર, કચ્છ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2836 244146 અથવા આ સરનામે hemmrug@yahoo.co.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[dc]બ[/dc]હાર કેરી વેચવા નીકળેલો બૂમો પાડે છે.
મને ખબર છે કે નિરાશ જ થવાનું છે. છતાં હું મને રોકી શકતો નથી. હું પાકવા આવેલી એક કેરી ઉપાડી સૂંઘું છું. વેચનાર યુવાનના ગાલે મીઠાં ખંજન પડે છે. એ કહે છે- ‘સાહેબ, હુંગવાના જમાના ગયા. અવે તો બસ રંગ જોઈને લઈ લેવી. ખાટીના નીકળે એની ગારંટી મારી.’ મને એ યુવાનની વેપારી કુશળતા ગમી જાય છે. એણે સાચું જ કહી દીધું. એ જમાનો વહી ગયો. એ સુગંધી જમાનો ! પણ આ મન છે કે માનતું જ નથી. ફરી કરીને જઈ ચડે છે ત્યાં જ.
મારા બાળપણની યાદોનો પ્રદેશ. માંડવી મુન્દ્રાનો એ કંઠીપટ્ટ ! આંબાનો પ્રદેશ. એ વખતે તો કોશનીય ખેતી થઈ શકતી. ધરતીના ધાવણ સુકાયાં ન હતાં. કચ્છમાં બિદડા ગામ આંબા માટે પ્રખ્યાત. બિદડાના આંબાનું વજન પડે. અમે દુકાળનાં માર્યા બિદડા આવેલા. હું કચ્છના સુક્કા વિસ્તારની દેશીબાવળ, ખેર-ખીજડાથી ભરેલી ભોંયથી ટેવાયેલો. બિદડા ગામની લીલી કુંજાર વાડીઓના રસ્તા હોળીની આસપાસ આંબાના મોરથી સુગંધના દરિયા બની જતા. સુક્કાભઠ્ઠ પ્રદેશથી ટેવાયેલી મારી આંખોમાં એ બધું માંડ માંડ સમાતું. ગામના ‘વથાણ’માં આવેલી નિશાળની બારીમાંથી ચોકમાં ઊભેલી બકાલાની હાથલારીઓ પર ઢગલા થયેલી કેરીઓ જોઈને છેલ્લી દાઢ ડૂબું ડૂબું થઈ જતી. નાનકડી બાળ કેરી કેવી હોય એ તો હરેશે બતાવ્યું. હરેશ મારો નવોસવો ભાઈબંધ. એની વાડી હતી. હરેશે આપેલી કેરી રીશેષ પડવા સુધીમાં તો ચડ્ડીના ખીસ્સામાં વધીને વડ થઈ ગઈ. નિશાળની પાછલી ભીંત પાસે ઊભા રહીને કેરીને જોયા કરેલી. ટેરવાંએ કાચી કેરીનો સ્પર્શ પહેલી વાર અનુભવ્યો. હરેશ નાનકડું ચપ્પું લાવેલો. એણે ચિરીયા કરીને મીઠું ભભરાવ્યું. મેં કેરી કાપીને જોયું તો, જાણે આખુંય બ્રહ્માંડ અંદર સમાયેલું હતું. અંદર આકાર લેતા ગોટલાના સફેદ ભાગને હું જોઈ જ રહ્યો. શી ખબર પણ મને ખાવાની ઈચ્છા ન થઈ. હરેશે ધરાર ખવડાવી. કાનમાંથી ધુમાડા નીકળી ગયા. અમારી ક્રિયાને રસપૂર્વક જોઈ રહેલી બે કન્યાઓની જીભને શું થયું હશે તે આજે સમજાય છે. હરેશની આંખો ચકોર ! હાં ખેંણીં આય ? (લે ખાવી છે ?) કશાય સંકોચ વગર અમારી સહપાઠી કન્યાઓ કેરી લઈ જરા દૂર જઈ મોજથી ખાધી. કેરીની આપ-લેનો કોઈ મહત્વ ન હતું. મહત્વની વાત એ હતી કે સીસકારા લેતી, આંખો પટપટાવતી કન્યાઓની કીકીમાં એક સ્વરૂપવાન યુવતી ચૂપચાપ જોઈ રહી હતી. એની ન તો પેલી કન્યાઓને ખબર હતી કે ન અમને !
પાકેલા આંબાને કેરી કહેવાય એની જાણ છેક હાઈસ્કૂલમાં થઈ. મને તો એમ કે કાચી એટલે કેરી અને પાકો એટલે આંબો. ચીમનભાઈ સાહેબની ખટ્ટમીઠી ભાષા હજીય યાદ છે : ‘અલ્યા ડફોળ ! એને આંબો ન કે’વાય. આંબો એટલે તો ઝાડ. એના ફળને કેરી કહેવાય. હમજ્યો ?’ હમજ્યા હવે ! ફેરવી દીધું પીછડું બાર વરસના ખટ્ટમીઠા ચિત્ર પર. થોડી વાર તો ચીમનભાઈ સાહેબ સામે બાઘા થઈને જોયે રાખેલું. છતાં હશે, સાહેબ કહે એ સાચું. બસ ત્યારથી શબ્દ અર્થ અનુભૂતિની આગળ આવીને ઊભા રહે છે. છતાં જીભમાં કાણાં પાડી દેતો પેલો લીલોરંગ અને હોઠના છેડેથી ખમીસ પર રેલાતો કેસરિયો રંગ હજીય માંહ્યલી કોર એવાને એવા જ રહ્યા છે. પણ એ રંગ હવે શોધવા કઈ બજારમાં ?
ઉનાળો આવે. મેરાઉ, શીરવા, રાયણ, કોડાય, બિદડા ખાખરની વાડીઓમાંથી ઊતરતો ફાલ માંડવીમાં ઠલવાય. માંડવીની સાંકડી એક બજારને ‘આંબા બજાર’ એવું નામ મળી જાય. વૈશાખ મહિનામાં આખી બજાર ફોરતી હોય. ખરીદવાની ઈચ્છા ન હોય તોય સુગંધ લેણું કરવા લલચાવે. ઘઉંની પીળી પરાત પર વેપારી કેરીનો ‘પાલો’ કરે. દરરોજ સાંજે સવારે ઉથલાવે. સુગંધના ધોધ વછૂટે. ચાની પેટીના ખોખામાં પૂરાઈને એ સુગંધ ગામડે ગામડે પહોંચે, ગામડાની કાવડિયાધારી પ્રજા પહેલી ખરીદાર બને. એ પહેલાં તો ગામના છોકરાને એનો લાભ મળે. ઘરમાં આંબો આવે તે પહેલા ફળિયાના છોકરાને વહેંચાય. તેમાંય ભીમ અગિયારસના દિવસે છોકરાને જલસા થઈ પડે. ભીમે આમ્રરસ માણ્યો હશે કે કેમ પણ એના નામની એકાદશીએ છોકરાઓ ખટમધૂરો સ્વાદ ભરપૂર માણે. જેઠ મહિનો ચાલતો હોય, વેકેશન પૂરું થયું હોય. નિશાળો તાજી તાજી ખૂલી હોય. નવા નામ મંડતાં હોય ત્યારે છોકરાને નિશાળ બેસાડવાની ખુશીમાં નિશાળિયાને આંબા કહેવાય. નિશાળમાં મળેલો આંબો જીવને તળે ઉપર કરવા માંડે. કોઈક તો આંબાનું ઉપરનું કાળું ટપકું નખ વડે હટાવી સહેજ દબાવીને થોડો રસ જીભ પર રેલાવા દે. કચ્છના એ ચુસણિયા આંબા હવે ઝાઝાં રહ્યાં નથી. જે બચ્યા છે તે કેશર, આફૂસ અને બીજી જાતો સામે બિચારા થઈ જોઈ રહ્યા છે. કારણ કે, દેશી આંબાના ગોટલા પર થતા રેસા લોકોને માફક આવતા નથી. લોકોને આજે બધું લિસ્સું જોઈએ છે ભલે ને રંગ સુગંધ વગરનું હોય !
બાળપણનું એક વરસ આંબાનો ગઢ ગણતાં બિડદા ગામમાં વીત્યું. ઉનાળાનું લાંબુ વેકેશન વધુ લાંબું એટલે થઈ ગયું કે એ વરસ નવનિર્માણવાળું વરસ હતું. (આ તો પછીથી ભાન થઈ ત્યારે તો એટલા માટે મજા આવી ગયેલી કે પરીક્ષા લેવાઈ ન હતી.) બાપુજી ખેડવા જાય. મારે સાથે જવાનું. રામ મા’રાજની વાડીઓમાં હારબંધ ઊભેલા આંબાના ઝાડમાં શાખ પડેલી કેરી એટલે જાણે સો વોલ્ટનો કેસરિયો બલ્બ ! રામ મા’રાજ હેતાળ માણસ. મને નવરો ધૂપ આંટા મારતો જોઈ એમણે બાપાને કહેલું : ‘આ છોરો આંબા ઉતારવામાં કામ આવે તેમ છે.’ બાપુજી તો ઉદાર ખેડૂ. બોલ્યા, ‘લઈ જાવ ને તમારો જ છે.’ બંદાની છાતી ગજગજ ફૂલે. રામ મા’રાજ સવારે આવી ગયા હોય. એમની બે-ત્રણ વાડીઓ. એક એક ઝાડ પર ચડવાનું. મા’રાજ બતાવે તે આંબો તોડવાનો. હું કોઈ ખજાનો શોધવા નીકળ્યો હોઉં તેમ ઝીણી આંખે ડાળે ડાળ તપાસું. આંબો તોડ્યા પછી એનો રસ ટપકવા લાગે. એક દિવસ ગાલ પર રસના ટીપાં પડેલાં જોઈ મા’રાજની આંખોમાં ચિંતા પેઠી. આમ એ ચુસ્ત બ્રાહ્મણ. મને અડવાનું ટાળે. પણ મારા ગાલે પડેલા રસ ઉપર ભીની માટી લગાવતી વખતે એ મારા બાપા બની જાય. મશ્કરીય કરે : છોરા ધ્યાન રખ. હી ધાગ ન વેંધા ત કોય બાયડી પ ન ડીંઘો. (છોરા ધ્યાન રાખ, આ ડાઘ નહીં જાય તો કોઈ બાયડીય નહીં દે.)
આંબાનો રસ ચામડી પર સફેદ ડાઘ પાડી દે ત્યારે જાણેલું. રામ મા’રાજ મારી મહેનતથી હરખાય. પણ વાડીના ઝાંપે ઊભેલા લચી પડેલા એક આંબા પર ચડવા ન દે એનું મને ભારે આશ્ચર્ય એ આંબા પર કેરીઓ ઝગારા મારે. મોં તોડી લે તેવો લાલ રંગ. પણ મારા’જ કહે : ‘આ ઝાડની કેરી ન ખવાય.’ મેં જીદ કરી તો એમણે ઢેખાળો મારી એક પાકો આંબો પાડ્યો. મને આપતા કહે : ‘લે ખા. થા. રાજી.’ મેં આંગળીઓથી દબાવી ઢીલું કરી આંબાની આંખ હટાવી મોઢામાં રસ જવા દીધો. મા’રાજની આંખો મારા ચહેરા પર. જાણે આખા ગામની વાડીઓના આંબાની ખટાશ એ ફળમાં ભેગી થઈ હોય એટલું એ ખાટું હતું, મારી હાલત જોઈ મારાજ હસ્યા કરે. મને સમજાઈ ગયું. મા’રાજ એ ઝાડ શા માટે છોડી દેતા હતા. એ ઝાડ ખાટું હતું. મારાજ કહે : ‘મીઠાં ભેગાં થોડા ખાટાં નાખી દઈએ તો હાલ્યા જાય. પણ લોકોના પૈસા મફતના તો નથી ને.’ રામ મા’રાજનો ન્યાય આજે યાદ આવે છે. આજે નબળું સબળું પધરાવી દેતાં વેપારીઓના કારસ્તાન જાણવા મળે છે ત્યાર ઉજળાં દિલવાળા રામ મા’રાજ યાદ આવે છે. કઈ નિશાળો એ પેઢીને ઈમાનદારી શીખવતી હતી ?
નિશાળે જતી વખતે મહિને માસે એકાદવાર દસેક પૈસા વાપરવા મળતા. પૈસા હોય ત્યારે વટથી બજાર વચ્ચેથી જાવાનું. ગામનો બકાલી મેઘરાજ સવારે પાલો ખોલવામાં વ્યસ્ત હોય. દસ પૈસાનો પિતળીયો સિક્કો આંબો અપાવી દેતો. નિશાળ પાસે આવેલી તળાવડીની પાળ પર ઘટાટોપ કેરડાંમાં સંતાઈને આંબો ચૂસવાની મજામાં પ્રાર્થનામાં મોડા પડવાની બીક ભૂલાઈ જતી. હાથ મોં ધોઈએ તોય ‘સબૂત’ રહી જાય. ભીમજી સાહેબનો ઘેરો અવાજ થર થર ધ્રુજાવે. છતાં હોઠ પર ચોંટેલા પેલા ખટમધૂરા રસની સુગંધ આવ્યા કરે.
હજી પણ એ સુગંધ દરમાં ભરાયેલ અડિયેલ સાપની જેમ મનમાં ભરાઈ પડી છે. કેટલુંય સમજાવ્યું તોય બહાર નીકળવાનું નામ લેતી નથી. શાક માર્કેટમાં આંખોને મોહી લેતાં રંગવાળી કેરીઓના ઢગલા દેખાય છે. પણ હાથમાં લેતાં કશોય આનંદ થતો નથી. ઘરમાં આવેલી કેસર કેરીની પેટી છેક પૂરી થાય ત્યાં સુધી અણસારેય આવવા દેતી નથી કે હું અહીં છું. નહીંતર આંબો છાનો રહે ખરો ? અફસોસનો ઢગલો મોટો થતો જાય છે. સુગંધ હતી, રંગ હતો, ઈચ્છાઓ હતી ત્યારે ખરીદવા કશુંય ન હતું. હવે ખિસ્સાં ભરેલાં છે ત્યારે બધું રંગહીન, ગંધહીન થતું ચાલ્યું છે. સમયનો તકાજો છે શું કરવું ?
ક્યારેક બિદડા જવાનું થાય છે. આંબાના મોટાં મોટાં ઝાડ જૂના થઈ ગયાં છે. એને વાવનારા, ઉછેરનારા ચાલ્યા ગયા. નવી પેઢીઓને નવી જાતો મળી. હવે બિદડાનું કોઈ નામ નથી લેતું. બિદડાની વાડીઓમાં બાકી બચેલા દેશી આંબાના વૃક્ષો નવી જાતોને ચૂપચાપ જોયા કરે છે. હવે કેરીની શાખ જોવાતી નથી. એનો પાલો થાતો નથી. એને દબાવી દબાવી કોઈ ઘોળતું નથી. નિશાળની પાળી પર બેઠેલું કોઈ બાળક કેરી ચૂસતું નથી. તે મેન્ગો બ્રાન્ડની કોલ્ડ્રીંક્સ ગટગટાવી જાય છે. એમાં ન કપડાં બગડે છે કે ન હાથ. બસ નથી તો એક પેલી સુગંધ ! એ સુગંધ લઈ ગયો પવન. બાળપણમાં વાયેલો વાયરો સુગંધ ઉડાડી ગયો કોઈ અજાણ્યા દેશમાં. જ્યાં કોઈ રીતે પહોંચી શકાય તેમ નથી. હવે જોયા કરવા, નીત નવા રંગ જોયા કરવા.
બહાર કેરીવાળો બૂમો પાડે છે. ભીતર અકળાયેલો છોરો ચીસ પાડી શકતો નથી.
[કુલ પાન : 87. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200. ઈ-મેલ : divinebooks@gmail.com ]
18 thoughts on “આંબો – માવજી મહેશ્વરી”
કેરી ની તો વાત જ અનેરી છે.ખુબ જ સરસ.
“રસહીન ધરા થઈ છે, દયાહીન થયો ન્રુપ,
નહી તો ના બને આવુ કહી ને માતા રડી પડી.”
ગ્રામમાતા ની યાદ આવી ગઈ.
“સુગંધ હતી, રંગ હતો, ઈચ્છાઓ હતી ત્યારે ખરીદવા કશુંય ન હતું. હવે ખિસ્સાં ભરેલાં છે ત્યારે બધું રંગહીન, ગંધહીન થતું ચાલ્યું છે.”
અતિ સુંદર નિબંધ…
માવજી મહેશ્વરીએ ખૂબ રસાળ શૈલીમાં આંબો…નિબંધ લખ્યો છે. લેખકને અભિનંદન.
મિત્રો અત્રે મારે એક વાત કરવી છે.
એક સમય હતો જ્યારે રેતાળ પ્રદેશની ઓળખ ધરાવતા કચ્છમાં ખેતીના પાક બહુ ઓછા થતા ત્યારે પણ કચ્છની કેરી અને એ કેરીનો રંગ, સ્વાદ અને કદથી લોકો અંજાઇ જાતા… અને આજે કચ્છની એ દેશી કેરીની જગ્યા “કેસર” કેરીએ લઇ લીધી છે.
સરસ નિબંધ.દ.ગુજરાતના ખેડૂતો આજે ય કચ્છની કલમોનો જ આગ્રહ રાખે છે.જો કે કેસર ને હાફુસે દેશી કેરીઓની મજા ભૂલાવી દીધી એ વાત એક્દમ સાચી.દર વરસે ઋતુઓની મહેરબાની જોતાં જે કેરી મળશે તે ચલાવી લેવી પડશે!
અફસોસનો ઢગલો મોટો થતો જાય છે. સુગંધ હતી, રંગ હતો, ઈચ્છાઓ હતી ત્યારે ખરીદવા કશુંય ન હતું. હવે ખિસ્સાં ભરેલાં છે ત્યારે બધું રંગહીન, ગંધહીન થતું ચાલ્યું છે. સમયનો તકાજો છે શું કરવું ?
માવજી ભાઈ બહુ જ સુંદર લેખ અને વળી વાસ્તવિક આપનાં લેખો અખંડ આનંદ માં
વાંચ્યા છે, હાલ ઘણા વખતથી અ આ માં આપે કંઈ લખ્યું નથી ?
કેરી વિશેનાં લેખ માટે ધન્યવાદ
ાકબર અલી નરસી
mavjibha keri ane aambe jo farak aaj khabar pyo,kutch ji keri chusela asanja vadil aaj pan aambe ji gotli chuse vaneta, asanke se aghro lageto ,bahuj saras nibandh…
દેવીના
માડૂ જે મનજો તાગ નિતો ગિનિ સગાજે. પાંકે કિઈ વસ્તુ કુલા પસન આય તેંજો કોય ગણિત નાંય. ડેખીતો કોય કારણ પ નિતો વે.હા, માડૂ જો બચપણ જિતે પસાર થ્યો વે નેં બચપણમેં જુકો ખ્યોં તા તેર પાંજી CD રાઈ થીંધી વેતી, ઉનમેંજીકીં છાપાજેતો સે સજી જમાર રેતો. હી મિડે અલ્ટ્રા સાયન્સ આય. કેંકે સમજાય ન સગાજે. અનુભૂતિજો વિષય આય. એતરે આંજા વડીલ પ સચા ઐં ને ઐં પ સચા અયો. તકલીફ કુરો આય ક હિકડો માડુ પિંઢજી અનુભૂતિ પિરમાણે બ્યેકે હલેજો ચેતો. એતરે ધુનિયામેં હરેક માડૂ કુધરતજો હિકડો સ્વતંત્ર સેલ આય. પાં મિડે અલગ ઐંયું. એતરે ધુનિયામેં કીં ખોટો નાંય, તીં કીં સચો નાંય. હરેક માડૂજી પિંઢજી ધુનિયા આય. જેંજો ઉ રાજા આય. બ્યો કુરો ? આંજે વડીલેં કે ચોજા આઉં ભોજાય જો ઐંયાં.
KHUB SARAS MAVJIBAHI BEST OFF LUCK
mahesvari bhai thankyou.mane maru balpan yad karavi didhu.
રીડ ગુજરાતી પર પ્રતિભાવ પાઠવનારા તમામ મિત્રો, તમારા સ્નેહનું ઋણી છું.
Dear Mavjibhai,
Really curious to know what you said to Devina. By the way we do not get any good mangoes in US like what we used to get it in India.
Ashish Dave
કચ્છ નો લેખ વચિ ને મને મારિ માતૃભુમિ નિ યાદ અવિ ગઈ. Thanks Mavjibhai..
પ્રિય આશિષ
દેવીના ને મેં જે લખ્યું છે તે અમારી બેયની માતૃભાષા કચ્છીમાં છે એટલે તમને સમજાયું નથી.
મને એ જાણીને નવાઈ લાગી કે તમને અમેરિકા જેવા દેશમાં પણ સારી કેરી ખાવા નથી મળતી. જોકે ટ્રાંસ્પોટ્રેશન એટલું ઝડપી બનતું જાય છ કે કોઈ પણ સારી વસ્તુની અછત રહેવાની. હા, તમને જો સારી કેરી ખાવી હોય તો મે મહીનાનો અભિયાન વિકલી વાંચી જજો એમા બધુ જ છે, મને ચોક્કસ ખબર નથી કે કઈ તારીખનો અંક છે. પણ ૧૫ મે પહેલા નો છે. એ સિવાય કચ્છમાં બટુકસિંહ જાડેજા છે, જેઓને કેરી પર પ્રયોગ બદાલ એવોર્ડ મળેલા છે. એ સારી કેરી પકવે છે. કુશળ હશો.
તમારિ વાર્તા વાન્ચિને મારુ બાલપન અને મારુ ગામ વાવ ડી યાદ આવિ ગયુ.
ત્યારે ફલ મા ફક્ત કેરિ અને બોર અને જામ્ફલ જોએલા.
વૅકેસન આમ્બા સાચવવા મા જતૂઊ.
પાણી નૅ જીરામીટાની પડીકી લઇનૅ મીત્રૉ સાટૅ પહૉચી જવાનૂ.
રાજૅન મહૅશ્વ્રરી
બ હૅ રી ન્
માવજીભાઈ,
આપના આંબાની સુવાસ મનને તરબતર કરી ગઈ. … પરંતુ, દુઃખ સાથે જણાવવું પડે છે કે — આવા સુમધુર ફળ આપતા, ફળોના રાજા ગણાતા આંબા — લગભગ દરેક પ્રદેશમાં કેમ કાપી નાખવામાં આવ્યા ? માત્ર લાકડાની લાલચે ? આજકાલ દેશી કેરી જોવા જ મળતી નથી !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Mavji Bhai feeling good by reading your all Articles and Short Stories. We are very unfortunate to have missed the Fragrance of Mangoes from Kutcher.