[ આમ જુઓ તો આ વાર્તા તેના મધ્યભાગ સુધી સાવ સામાન્ય અને નિયત ગતિથી ચાલે છે. પરંતુ એ પછીથી તેમાં ધીમે ધીમે બદલાવ આવે છે અને છેવટે તેનો અંત કલ્પનામાં ન આવે તેવો બેજોડ છે. વાર્તાકથનની તે વિશિષ્ટતા છે. સુખ નામના પ્રદેશની ચાવી મેળવવા નાયિકાને કેવું પગલું ભરવું પડે છે તેની આ કથા છે. આ એક વાર્તા જ છે પરંતુ કોઈક અંતરિયાળ ગામોમાં તમે જઈને જોશો તો તમે પણ બોલી ઊઠશો કે : ‘સત્યમેવ જયતે !’ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ. હિતાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. તેઓ અભ્યાસે Ph.D છે અને હાલમાં પોતાનું મોટું પ્લેગૃપ ચલાવી રહ્યા છે. તેમનો એક કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો છે. આપ તેમનો આ સરનામે hita.mehta07@gmail.com અથવા આ નંબર પર +91 9898345639 સંપર્ક કરી શકો છો.]
[dc]રૂ[/dc]પા અગાસીનાં દરવાજાની બારસાખને ટેકે અધુકડી બેઠી હતી. તેની આંખો ભાવ શૂન્ય હતી. તે આકાશ તરફ શૂન્યમાં તાકી રહી હતી. અગાસીમાં વહેતો સાંજનો ઠંડો પવન તેનાં ચહેરાને શાતા આપવા પ્રયત્ન કરતો હતો તથા તેની અલકલટને આમથી તેમ ગાલ પર સ્પર્શ કરાવીને જાણે તેને હસાવવા કોશિશ કરી રહ્યો હતો. પરંતુ રૂપા આ બધાથી બે ખબર શૂન્યમનસ્ક બેઠી હતી.
‘સુખ શું છે ?’ તે પોતાની જાતને પૂછી રહી હતી. ‘સુખ ક્યારે મળશે ? એવું કંઈક હોય તો મારા ભાગે કટકો પણ કેમ નથી આવતો ?’ મનમાં અસંખ્ય પ્રશ્નોની વણઝાર હતી. આ રૂપા કે જેને કદાચ પોતાનું સાચું નામ યાદ નથી. સમજણ આવી ત્યારથી રૂપલી શબ્દ જ તેના કાને પડ્યો છે. નાનપણથી જ સુખ નામનાં પ્રદેશની જાણે શોધમાં રહી. જન્મ આપતાં જ મા મૃત્યુ પામી. આગળ ત્રણ ભાંડરડાં મૂકીને. પેદા કરેલા બાળકો ઉપર બાપને કોઈ વ્હાલ નહીં. તેમાં રૂપલીનાં જન્મથી માનું મૃત્યુ થતા બાપને રૂપલી વધુ અળખામણી બની. બાળકોનાં સુખ માટે નહીં પરંતુ પોતાની જરૂરિયાત માટે બાપે બીજા લગ્ન કર્યાં. આમ પણ ગામડાગામમાં આ કઈ નવાઈની વાત નહોતી. ઘરમાં ગરીબી આંટા મારે અને તેમાં નવીમાનું વધતું જતું પેટ. સ્વાભાવિક છે કે જૂનીનાં બાળકો નવીને હવે ભારરૂપ લાગવા લાગે. આમ પણ પહેલેથી કોઈ લાગણી ના હોય અને તેમાંય વધતા જતા પેટનું કારણ. રસ્તો કાઢવો જ રહ્યો, નહીં તો ક્યાંક બીજી પણ જતી રહેશે તો ? એવા ભયથી બાપે બે બાળકોને મામાની ઘરે મૂકી આવવાનું નક્કી કર્યું. તેમાં રૂપલીનો તથા તેની મોટી બહેનનો વારો આવી ગયો.
મામા-મામીની નામરજી છતાં પરાણે આવી પડેલ બન્ને ભાણીઓએ ક્યારેય સુખ નામનો પ્રદેશ જોયો નહોતો. રૂપલી દેખાવડી હતી. ભણવાનું તો તે વિચારી પણ શકે તેમ નહોતી. પરંતુ તેનામાં હોંશિયારી હતી. પરંતુ સતત અવહેલના, મહેણાં, માર અને ગાળોના વરસાદ તથા કામનાં ઢસરડાંએ તેને થોડી ક્રોધી બનાવી દીધી હતી. માનસિક તથા શારીરિક યાતનાએ મોટી બહેનને ઠરેલ અને સહનશીલ બનાવી હતી, જ્યારે રૂપલીને બળવાખોર માનસની બનાવી દીધી હતી. ‘આપણો અસ્તરીનો અવતાર જ સહન કરી લેવાનો છે રૂપલી….’ ક્યારેક મા બની જતી મોટી બહેન કહેતી. રૂપલી કંઈ જવાબ ન આપતી. સમય વીતતો ગયો અને મજૂરની જેમ કામ કરતા અને ઢોરની જેમ માર ખાતા બંન્ને બહેનો જુવાનીને આંબી ગઈ. ઓગણીસ વર્ષની મોટી બહેનને મામા-મામીએ એક બીજવર સાથે સારો એવો દલ્લો લઈ પરણાવી દીધી. ત્યારે ગાળ અને મારથી મૂઢ થઈ ગયેલી રૂપલી ધ્રુસકે-ધ્રુસકે રડી હતી.
રૂપલી એકલી પડી ગઈ હતી પરંતુ બે જ વર્ષમાં રૂપલીનો પણ વારો આવ્યો. બાજુના જ ગામડામાંથી બે સ્ત્રી તથા એક પુરુષ તેને જોવા આવ્યા. મામા-મામીએ મહેમાનોની આગોતરી જાણ રૂપલીને કરી હતી. મામા-મામી મહેમાનોની મહેમાનગતિ કરવામાં લાગ્યા. ગામડાગામમાં બન્ને કુટુંબની મુલાકાત એ જ નક્કી કરવાનું નિમિત્ત બનતી હોય છે. શહેરોની જેમ કોઈ અંગત મુલાકાત હોતી નથી. પરંતુ અહીં તો મુરતિયાને જોઈને રૂપલી બઘવાઈ ગઈ. તે યુવક નહોતો પણ પુરુષ જ હતો. તેનાથી કદાચ દસેક વર્ષ મોટો. રૂપલીએ ક્યાસ કાઢી લીધો. પુરુષનું-મુરતિયાનું નામ ચંદુ હતું. તેની સામે જોતાં રૂપલીને તેની નજરમાં એવા સાપોલિયા દેખાયા કે રૂપલી મોં ફેરવી ગઈ. ચંદુ રૂપલીને ઉપરથી નીચે એવી રીતે જોતો હતો કે જાણે કોઈ વસ્તુ ખરીદતા પહેલાં ગ્રાહક ચીજવસ્તુને જોતો હોય. મહેમાનો ગયા. ઘરમાં સ્ત્રીઓએ પહેરેલા દાગીનાની ચર્ચા ચાલી. ઘર સાવ પાતળું નથી તે નક્કી થયું.
અંતે રૂપલી પરણી ગઈ. કહો કે પરણાવાઈ ગઈ. રૂપલીનું હા-ના કરતું મન દલીલે ચઢ્યું, ‘મૂઈ, અહીં પણ ક્યાં સુખ છે ? સાસરે એમ પણ બને કે સાસુ મા જેવી હોય ! બાકી મરદનું તો શું ? ધીમે-ધીમે ગમવા માંડશે !’ બાળોતિયાની બળેલી રૂપલી ફરી સુખ નામના પ્રદેશની આશાએ પરણી ગઈ. રૂપલીને કોઈ સખી તો મામીએ થવા નહોતી દીધી કે જેને વળગીને રડી શકાય અને મૈયર છોડતા બીજા કોઈ રડાવે એવા સંબંધો નહોતા. હા, બાપ પ્રસંગે આવી ગયો… ફરજરૂપે. પરંતુ દીકરીને બાપ માટે કે બાપને દીકરી માટે કોઈ એવી લાગણી નહોતી.
‘અલી બીજવરની વહુને કંકુ પગલાં નહોય બઈ, આ વિધિ તો પહેલીવારમાં જ હોય….’ ઘરના ઉંબરે પગ મૂકતાં પહેલાં સ્ત્રીવૃંદમાંથી એક અવાજ આવ્યો. નવોઢા રૂપલીનાં પહેલા પગલે જ કાળજે ઘસરડો લાગ્યો. તો શું ચંદુ બીજવર છે ? શું મામા-મામીએ મને છેતરી કે એ લોકોએ મામા-મામીને છેતર્યા ?
‘વહુભા, હાલ્યા આવો સીધે-સીધા ઘરમાં…. બીજીને શેનાં લાડ હોય ?’ કર્કશ અવાજથી રૂપલીની તંદ્રા તૂટી. આ શબ્દ સાસુનાં હતાં. રૂપલી હોઠ ભીંસીને તેનો ગુસ્સો ગળી ગઈ.
ઉંબરાના અપશુકન આ બે વર્ષમાં બીજમાંથી વટવૃક્ષ બનીને ફૂલ્યાફાલ્યા. ધણીમાં પણ એને જીવનસાથીનાં દર્શન ન થયા. એ જ ગાળો અને વાકબાણોથી દિવસ શરૂ થઈ પૂરો થતો અને રાત્રે વરૂ જેવો ધણી. હવે તો રૂપલીને સુખ નામનો પ્રદેશ ઝાંઝવાનાં જળ જેવો લાગતો.
‘રૂપા…. ઓ રૂપલી….’
ઝબકીને જાગી રૂપલી. અગાસીએ બેઠાબેઠા કેટલો સમય વહી ગયો તેની ખબર પણ ન રહી. અગાસીમાં રાતનું અંધારું ઉતરી આવ્યું હતું.
‘કામચોર…. ઉપર શું દાટ્યું છે ? આટલી બૂમો પાડું છું તે સાંભળતી જ નથી ?’ ભારે શરીરવાળા સાસુ ઉપર ચડતાં, હાંફતા-હાંફતા બૂમો પાડતા હતા. સટાક કરતી રૂપલી ઊભી થઈ ગઈ.
‘શું છે ?’ છણકો કરતાં બોલી.
‘પાછી પૂછે છે શું છે ? કોને પૂછીને અગાસીએ ગઈ’તી ? કામ કોણ કરશે, તારો બાપ ?’ કમરે હાથ દઈ બીજો હાથ લાંબો કરી સાસુ ઊંચા અવાજે બોલ્યા. કંઈ પણ જવાબ આપ્યા વિના રૂપલી સડસડાટ પગથિયાં ઉતરી રસોડામાં ચાલી ગઈ. ઘરમાં જેઠ-જેઠાણી, સાસુ, પતિ એમ ચાર જ જણ હતા. પરંતુ રૂપલીને થતું, દુઃખ દેવા માટે આમાંની એક વ્યક્તિ પણ પૂરતી હતી. જેઠાણી ખમતીધર ઘરની દીકરી હતી અને તેને હિસાબે બન્ને ભાઈઓ વચ્ચે કરિયાણાની નાની હાટડી થઈ હતી તેથી સાસુનાં ચાર હાથ જેઠાણી પર હતા. કંઈ બોલ્યા વિના રૂપલી કામ આટોપવા લાગી.
‘અમે ખાઈ લીધું, તું જલદી ખાઈ લે… માતાજીએ જવું છે…’
‘ત્યાં શું કરવા ?’ અણગમાથી રૂપલી બોલી. તેને ત્યાં જવું જરાયે નહોતું ગમતું. ત્યાં માતાજીને નામે નાટક થતા હોય તેવું તેને લાગતું. ગામની રેવામા ધૂણતી અને સાથે બે-ત્રણ ભુવા પણ ધૂણતા અને ભૂવી રેવામાનું જાડું શરીર, છૂટ્ટાવાળ અને લાલઘૂમ આંખો જોઈને રૂપલી ડરી જતી.
‘શું કરવા તે….. બે વરહ થ્યા, તારા પગલા ભારે નથ થતા તે….’
‘એ તો પહેલીનાં પણ ક્યાં થ્યા’તા ?’ શબ્દો રૂપલી ગળી ગઈ. પહેલી પાંચ વરસ રહી પણ પછી ફારગતી થઈ હતી એવી ધીમે ધીમે રૂપલીને ખબર પડી હતી. તેને પણ બાળક નહોતું. રાત્રે પરાણે જેઠાણી સાસુ સાથે તેણે ‘માતાજી’એ જવું પડ્યું. ભૂવી રેવામાં, ભૂવા વગેરે ધૂણતા હતા અને સામે ગામલોક એકઠું થયું હતું. વારાફરતી ગામલોક તેને પગે લાગતા હતા. પોતાની સમસ્યા રજૂ કરી તેના સમાધાન શોધતા હતા. ગરીબ અને અભણ પ્રજા કદાચ સુખ નામનાં તાળાની ચાવી શોધવાનો પ્રયત્ન કરતી હતી.
અંતે રૂપલીનો વારો આવ્યો. રેવામાની આંખો, મોટા ચાલ્લાવાળું કપાળ, છૂટ્ટાવાળ જોઈને રૂપલી ડરી ગઈ. સાસુ અને જેઠાણી રેવામાને પગે લાગી. રૂપલીને આગળ ધરી.
‘મા…. કુખ ખાલી છે.’
‘કંઈ બોલમા, મને બધી ખબર છે.’ રૂપલી સામે ત્રાટક કરતા ભૂવીમા બોલ્યાં, ‘પંડમાં પહેલી વહુ ઘૂસી છે. કંઈ થવા નહીં દે. ત્રણ અમાસ અહીં રૂપલીને લઈ આવો. મારી-મારીને એને કાઢ્યે જ છૂટકો….’
‘ભલે મા…. બીજુ કંઈ ?’ સાસુ હાથ જોડી ઊભા હતા.
‘બીજું, વિધિ માટે આવો ત્યારે પાંચ શેર ઘઉં, બાજરી, ચોખા અને બે કિલો ઘી….’
‘ભલે મા….’ વળી સાસુ-જેઠાણી નમી પડ્યા. ન નમી રૂપલી. તે સન્ન થઈ ગઈ. સાસુ અને જેઠાણીને ધક્કે વિચારશૂન્ય હાલતમાં ઘેર પહોંચી. તેણે અગાઉ પણ જોયું હતું. ગામડામાં આવું થતું રહેતું. અનેક નિર્દોષ સ્ત્રીને કારણવગર ચાબુકે-ચાબુકે ભૂવાઓ ફટકારતા તે સમયે સ્ત્રીની કારમી ચીસોથી વાતાવરણ ભરાઈ જતું અને વેદના-પીડાનાં અતિરેકથી જ્યારે સ્ત્રી બેભાન થઈ જતી ત્યારે ભૂવાઓ ‘કામ થઈ ગયું’ જાહેર કરતાં.
ઘરે પહોંચતા બાર વાગી ગયા હતા. રૂપલી યંત્રવત તેના ઓરડામાં પ્રવેશી. તેનું મોં સફેદ પૂણી જેવું થઈ ગયું હતું. તે ખૂબ ગભરાયેલી હતી. ચંદુએ તેના પર તરાપ મારી અને વિચારમગ્ન રૂપલીનાં હાથમાં તેનાં નહોર ભરાયા. તેણે ચીસ નાંખી પરંતુ ચંદુને તેની કોઈ અસર નહોતી.
‘છોડો મને…. શાંતિ લેવા દો….’ રૂપલી ખિજાયેલ સ્વરે બોલી.
‘તને છોડવા માટે ઘરમાં ઘાલી છે ?….’ વરૂ વધુ ભૂરાયું થતું હતું.
‘છોડ…..’ આજે રૂપલીને ખરેખર જુગુપ્સા અને ગુસ્સો- બંને લાગણી થતી હતી. તેણે ચંદુને રીતસરનો ધક્કો માર્યો. અણધાર્યા પ્રહારથી ચંદુ વધુ ગિન્નાયો.
‘સાલ્લી…. ધણીને ધક્કો મારે છે ?…’ ચંદુનું મોં જોઈ રૂપલી સમજી ગઈ કે વાત બગડશે. મન પર લગામ રાખીને તે નરમાશથી બોલી, ‘મારે તમને એક વાત કહેવી છે….’
‘હં… તે બોલી નાખ….’ આકળો થયેલો ચંદુ ઊંચા અવાજે બોલ્યો.
‘આજે મા-ભાભી ભૂવીમા પાસે મને લઈ ગયા’તા. ભૂવીમા ત્રણ અમાસ મને ત્યાં લઈ જવાનું કહે છે…’
‘તો ?’ અત્યારે ચંદુને આ બધી વાતો ક્ષુલ્લક લાગતી હતી.
‘ચંદુ, મારે ત્યાં નથ જાવું. ત્યાં ખૂબ મારે છે. છોકરા થાવા હશે તો થાશે પણ તું કંઈ કર. મારે એવો માર નથી ખાવો….’ રૂપલી રીતસર કરગરી ઊઠી.
‘તે જવુંય પડે… જણતર નથી થતું તને તો…..’ તોરમાં બોલતાં ચંદુએ તેને નજીક ખેંચવાનો પ્રયત્ન કર્યો. હવે રૂપલીને ધીરજ ન રહી. આ તે ધણી છે કે જાનવર ? ઝાટકાથી હાથ છોડાવી, તલવારની ધાર જેવા અવાજે રૂપલી બોલી, ‘તે આગલીને પણ ક્યાં થયું’તું, તું જ…..’
‘રૂ….પ…લી…. કમ…જા..ત….’ ચંદુનાં દાંત કચકચી ગયા. ચહેરો કરડો થઈ ગયો અને હાથ ઊંચો થયો રૂપલીને ફટકારવા….
‘ખબરદાર….’ સટાક કરતી રૂપલી ઊભી થઈ ગઈ અને ચંદુનો હાથ મજબુતાઈથી પકડી લીધો, ‘ખબરદાર મારા પર હાથ ઉપાડ્યો છે તો….’ તીણા અવાજે અને લાલઘૂમ આંખે સામે ઊભેલી રૂપલીને જોઈ ચંદુ સ્તબ્ધ થઈ ગયો. રૂપલીનું આવું રૂપ તેણે પહેલાં ક્યારેય નહોતું જોયું. બધો જુસ્સો ઓસરી ગયો અને હાથ ઢીલો પડી ગયો.
‘બૈરી સામે શૂરો થાય છે…. સાલ્લા…નપાણીયા….’ બોલતા જોરથી ઝાટકો મારી ચંદુનો હાથ છોડી, એક ભયંકર નફરત ભરી નજરે ચંદુ સામે જોઈ સડસડાટ ઓરડાની બહાર નીકળી, ઉપર અગાસીએ પહોંચી ગઈ. અગાસીનું બારણું બંધ કરી તે ત્યાં જ બેસી પડી. તેનું હૈયું ભરાઈ આવ્યું. તે બે ગોઠણ વચ્ચે માથુ મૂકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. તે ક્યાંય સુધી રડતી રહી. ધીમે-ધીમે તેનાં ખભા ધ્રુજતા બંધ થયાં. તેનાં હીબકાં શાંત થયાં. તેનું હૈયું ખાલી થઈ ગયું. દિવાલને અઢેલી માથું ટેકવી તે વિચારતી રહી. આકાશ તરફ તકાયેલી આંખો જાણે ઈશ્વર પાસે મદદ માંગતી હતી. અમાસને દિવસે શું થઈ શકે તે વિચારથી તે ભયભીત હતી. આ ભૂવા અને ભૂવીમા… કેવા ઠાઠથી જીવતા હતા. બધા તેને લળી-લળીને પગે લાગતા હતા. ગામ લોકોની કૃપાથી ભંડાર પૈસાથી અને કોઠાર અનાજથી ભરેલો રહેતો. આ જ ભૂવાનાં નામે ઓળખાતા પુરુષો દિવસે ચરસ-ગાંજો પીને આડાઅવળા પડ્યા રહેતા તો ભૂવીમા વિશે તો અનેક વાતો કર્ણોપકર્ણ તેણે સાંભળી હતી. આવી કક્ષાની વ્યક્તિને માના આશીર્વાદ હોય ખરા ? અને હંમેશા વળગાડ ફક્ત સ્ત્રીઓને જ શું કામ થતો ? ગામમાં તેણે ક્યારેય પુરુષોને કંઈ વળગ્યું કે મારઝૂડ તો સાંભળી નહોતી ! આજે રૂપલીનાં મનમાં પ્રશ્નો ઉપર પ્રશ્નો જાગતા હતાં. એકાએક રૂપલીનાં મગજમાં ચમકારો થયો. તેની આંખો ચમકી, હાથની મૂઠ્ઠીઓ વળી ગઈ, શરીર ટટ્ટાર થઈ ગયું અને તે અગાસીમાં જ નિરાંતે ઊંઘી ગઈ.
‘સાંભળ્યું કંઈ ?’ ગામમાં બધા એકબીજાને કહેતા.
‘શું ?’ સાંભળનાર પૂછતો.
‘રૂપલીને માતાજી પધાર્યા છે.’
‘હેં !!!’
બીજે દિવસે ચારે બાજુ એક જ વાત હતી. ચંદુની વહુ રૂપલીને માતાજી પધાર્યા છે. વાત વાયુવેગે પ્રસરી ગઈ. ઘડીમાં તો આખું ગામ ચંદુને ફળિયે ભેગું થઈ ગયું. બધા હાથ જોડી ઊભા હતા. વચ્ચે રૂપલી છૂટ્ટાવાળ સાથે ઠેકડા મારી-મારીને ધૂણતી હતી, હાકોટા-પડકારા કરતી હતી.
‘માડી તું કોણ…?’ ડરતાં ડરતાં રૂપલીનાં સાસુ બોલ્યા. તેની બાજુમાં જેઠાણી, ચંદુ અને પાછળ આખું ગામલોક હતું.
‘મા છું…. આખા ગામની મા….’ શરીરને વળી ઝાટકો આપતા તે બોલી, ‘હું ગામનું રક્ષણ કરવા આવી છું. હું તમારા બધાની મા. આજથી તમે બધા મારા છોરૂં. માને પોતાનું છોરું ના હોય- ભક્તો જ એનાં છોરું.’
‘જય માતાજી…..’ જય ઘોષ થયો.
‘પણ સામે તમે શું માંગશો મા ?’ કોઈ વડીલ જેવા લાગતા પુરુષે ડરતાં ડરતાં મહત્વનો સવાલ પૂછ્યો.
‘કંઈ નહીં, બસ હવે મારાથી આ ખોરડે ન રહેવાય. ગામમાં એક નાનું ખોરડું બનાવો. હું ભક્તો માટે ત્યાં રહીશ.’ બંધ આંખે ધ્રૂજતા ધ્રૂજતા રૂપલી બોલી.
‘ના મા, તારા રખોપા અમને હોય તો તારી જવાબદારી અમારી મા…. બોલો જય માતાજી….’ બીજા વડીલ બોલ્યા.
‘જય માતાજી….’ ગામ લોકોએ પ્રતિસાદ આપ્યો. ચંદુ અને ઘરનાં મોં વકાસીને જોતા રહ્યા.
બસ, હવે રૂપામા આખા ગામમાં પૂજાય છે. હવે રૂપામાનાં ભંડાર અને કોઠાર ગામવાસીઓની મહેરબાનીથી ભરેલા છે. કોઈ ગાળ તો શું ઊંચા અવાજે પણ બોલતું નથી. તેનાં પગ પાસે મસ્તક નમાવી આશીર્વાદ લે છે… તેના ઘરવાળાં સુદ્ધાં. રૂપાને હવે કોઈ દુઃખ નથી. કદાચ તેને સુખ નામના તાળાની ચાવી મળી ગઈ છે.
33 thoughts on “સુખ નામનો પ્રદેશ – ડૉ. હિતા વાય. મહેતા”
ખુબ જ સરસ.દરેક સમસ્યા નો ઉપાય હોય જ છે.
સમસ્યાઓ ઉકેલવામાં વિલંબ ન કરવો જોઈએ
Story na starting ma bharat ni paristhiti janavi che….kanya ne bijvar sathe lagn karavi ne rs. Melvi le che….ant kaik alag j hato…overall good story
ડો.હિતા મહેતા. મિત્રો. આપ સૌ માટે આ નામ નવુ હશે, (કદાચ હુ ખોટો પણ હોઇ શકુ.) મુખ્ય વાત પર આવુ તો હિતાબેન નો પરિચય રીડગુજરાતી.કોમ પરની લિંક પર કરી જ આપ્યો છે.
તેઓ મારા ખાસ મિત્ર છે, કવિયત્રી સાથે લેખીકા પણ એટલે એમણે એક ટુંકી વાર્તા લખી છે જે મને એક વાંચક તરીકે ગમી છે! આપ પણ આ રચનાથી પરિચીત થશો તો ખ્યાલ આવશે કે ધર્મ, અંધ્ધશ્રધ્ધા અને સામાજીક ઉચ-નીચના ભેદભાવે હિતાબહેન એ એક રૂપલી નામની સ્ત્રીનાં જીવનમાં કેવી રીતે વર્ણવ્યા છે. અને આજના સમય સુધી ચાલી આવતી દંભી પ્રથાને કઇ રીતે પ્રસ્તુત કરી છે. આભાર
ચોટદાર! ખૂબ ગમ્યુ
વાહ ,,, મોટાભાગે ભુવા આવી રીતે જ બનતા હોય છે ,,,, સુંદર વાર્તા
સુંદર વાર્તા.
ખોટા દંભ અને આડંબર માં રાચતા લોકો ખરા ખોટા નો ભેદ જે ભૂલી જાય એ વાત જ ભયંકર છે.
આપનુ ઉપનામ ગમ્યુ.
બહુ જ પ્રેક્ટિક્લ અને રિઅલ લાઈફ સ્ટોરી લાગે એવી વાર્તા! ખુબ જ લાંબા સમય પછી ગુજરાતી વાન્ચ્યુ… આભાર!
આપણા સમાજની કુરુપતા ખુલ્લી પાડી આપતી વાર્તા….હિતાબહેને આખી વાત સરસ રીતે મૂકી છે,તે માટે અભિનંદન.
Really true. Khabar nahi, apana Bharat ma ket ketla kurivajo,andhshradhha chhe ?
શરૂઆત થી અંત સુધી જકડી રાખે એવી વાર્તા અને સુંદર નિરૂપણ
What a story hey – My salute to’ Rupa Ma ‘for solving her problem
perhaps this was the only way out under the circumstances
‘આપ પણ આ રચનાથી પરિચીત થશો તો ખ્યાલ આવશે કે ધર્મ, અંધ્ધશ્રધ્ધા અને સામાજીક ઉચ-નીચના ભેદભાવે હિતાબહેન એ એક રૂપલી નામની સ્ત્રીનાં જીવનમાં કેવી રીતે વર્ણવ્યા છે. અને આજના સમય સુધી ચાલી આવતી દંભી પ્રથાને કઇ રીતે પ્રસ્તુત કરી છે.’
so rightly described
મજા આવી ગઇ…..
Heart touch true story……
Many women have been becoming victims of such evils.
Such stories bring awareness in society.
Thank you.
આપનિ આ વાર્ત ખુબજ પસન્દ આવિ….
ખુબ જ સરસ …નારેીન જિવનનેી વેદનાને ખુબ જ સરસ રેીતે રજુ કરેી..
ખુબ જ સરસ… રજુઆત ખરેખર સુંદર ઢબે થૈ છે..
a very heart touching story…enjoyed a lot will be waiting for more stories
ખુબ જ સરસ લખ્યુ મેમ …. nice
khub j saras story che
tame khub j sari story kahi amne.
ek nari ni vedna su hoy te khabhar padi…
my heartiest congratulations.This story should reach to the society believes in BHUVA/BHUVIS. Good lesson for them. Keep it up and give more & more lessons to our society and “SEWA KARO”
dear heetaben,
really very nicee artical with easy words.
we see many times in life that words are weep and tears are speek.
heartly congratulation to you.
regards!
dr bhavna and gaurang.
આજના જમાનામા પણ આ વાત એટલિ જ સાચિ છે. અભિનન્દન્ .
ખુબજ સુઁદર મજા આવેી ગઈ…
good touchy story.attempt to find happiness.good narration.simple but good story.congrats.-durgesh oza porbandar
ખુબ સરસ લેખ
વાહ વાહ કયા બાત હૈ……….
Very good story.
સરસ વાર્તા. Very touching.
ખુબ જ સુંદર વર્ણન્ અને વાર્તાનો અંત એથેી પણ સુંદર અને અપેક્ષિત ન હોય તેવો. આ રચના બદલ લેખિકા ને ઘણા અભિનંદન/
Very good story heart teaching nice