- ReadGujarati.com - http://www.readgujarati.com -

રાજવી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બે તપેલી, એક લોઢી, પાટલી, વેલણ હતાં,
મ્હેલમાં ચૂલો ને જૂનાં બારણાં બળતણ હતાં.

ને હતી તલવાર જે ભંગારમાં પણ જાય ના,
પૂર્વજોના સાંભળેલાં યાદ સમરાંગણ હતાં.

આખરી જાહોજલાલીના પુરાવા રૂપ કૈં,
સાવ તારેતાર મોંઘા ખેસ ને પ્હેરણ હતાં.

આખરી કારજ કર્યું’તું ગીરવે મૂકી બધું,
ચીપ સોનાની મઢ્યા એ આખરી કંકણ હતાં.

છોડવું’તું ગામ પણ છૂટી ગયું આખું જગત,
રાજવીને રાજ સાથે પ્રાણનાં સગપણ હતાં.