- ReadGujarati.com - http://www.readgujarati.com -

પ્રતિબિંબ – સંસ્કૃતિરાણી દેસાઈ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

એક દિવસ અરીસા સામે જોઈને ઊભી રહી
ત્યારે પ્રતિબિંબ આવ્યું જ નહીં
‘એમ તે કેમ ચાલે ?’
થોડી વારે આવીને ઊભું રહ્યું મારી સામે.
‘આખો વખત થોડી થોડી વારે
કામ છોડીને આવવું પડે છે મારે.
નથી ફાવતું મને
નહીં આવું હું.’
બહુ મનાવ્યું
ત્યારે નક્કી થયું કે
એ આવીને ઊભું રહે અરીસા સામે
ત્યારે મારે પણ આવીને ઊભા રહેવું.

જા જા કરાય તેને માટે
આપણું કામ છોડીને
આખો દિવસ ?
છેવટે સમજૂતી થઈ ગઈ
હું અરીસા સામે જઈને ઊભી રહું
ત્યારે જો એને આવવાનું મન હશે
તો આવશે.