મને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ

[ 2006ની આસપાસના સમયમાં ‘વિપ્રો’ કંપનીમાં કામ કરતા કર્મચારીની આ એક સત્યઘટના છે. (પાત્રોનાં નામ કાલ્પનિક છે.) અંગ્રેજીમાં લખાયેલી અને ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થયેલી આ કૃતિના મૂળ લેખકનું નામ પ્રાપ્ય નથી પરંતુ રીડગુજરાતી.કોમ સુધી આ સુંદર કૃતિ પહોંચાડવા બદલ શ્રી પ્રણવભાઈ વર્માનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. 2006 માં પ્રકાશિત કરાયેલી આ કૃતિ અત્રે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે.]

[dc]અ[/dc]મારા લગ્ન પારસ્પરિક સંમતિથી થયેલા અને તે પણ ખૂબ પારંપરિક રીતે. લગ્ન પહેલાં અમારા બંન્નેના માતા-પિતાએ બધી જ બાબતો અંગે કાળજીપૂર્વક વાતચીત કરી લીધી હતી. મારી ફકત એક શરત હતી કે તેને નોકરી કરવામાં રસ હોવો જોઈએ. એ પછી તો જન્માક્ષર અને ફોટોગ્રાફની આપ-લે થઈ. બધું નક્કી થઈ ગયું એ પછી એક્વાર મેં ફોન પર તેની સાથે વાત કરી. અમારી વાત જાણે કે બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હતી. તે બેંગલોરની એક કૉલેજમાં લૅક્ચરર હતી અને તેને મન કેમેસ્ટ્રીનો વિષય હિન્દી ફિલ્મો કરતાં વધારે અગત્યનો હતો.

મને ઑફિસમાંથી ફક્ત દશ દિવસની રજાઓ મળી હતી. વધારે રજાઓ મળે એમ હતું નહીં તેથી વિવાહ કરવાનો સમય જ નહોતો. સીધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. છેવટે બધી તૈયારીઓ થઈ ગઈ. આ બધું આમ અચાનક જ ફટાફટ બની ગયું હોય એવું મને લાગ્યું. અમારાં લગ્ન સુખરૂપે થઈ ગયાં પરંતુ એ પછી બે દિવસમાં અમારે પરદેશ જવાનું થયું. જતી વખતે એ તો એટલું બધું રડી કે જાણે અમે ફરી કોઈ દિવસ ઈન્ડિયા પાછા ન આવવાના હોય ! પ્લેનમાં પણ તેણે મારી સાથે કોઈ વાતચીત ન કરી. મને લાગ્યું કે ભારતની છોકરીઓ માટે આ સહજ છે. મેં વિચાર્યું કે ધીમે ધીમે તે એમાંથી બહાર આવીને પોતાને ઍડજેસ્ટ કરી લેશે.

ઘરે પહોંચ્યા પછી પણ તેણે મારી સાથે કોઈ જ વાત ન કરી. તે ટી.વીનું રીમોટ લઈને એક ખૂણામાં બેસી ગઈ. શરૂઆતના થોડા દિવસોમાં મારે પ્રોજેક્ટના કામથી સતત બહાર રહેવાનું થતું. હું રાત્રે મોડો ઘરે આવતો. મેં તેના મુડને ગંભીરતાથી ન લીધો. પરંતુ એક અઠવાડિયા પછી મેં તેની પાસે બેસીને તેને શાંતિથી પૂછ્યું કે
‘શું થયું છે તને? શું કોઈ તકલીફ છે?’
‘તમે મને અંહીયા કેમ લાવ્યા છો?’ તેણે મારી સામે જોઈને કહ્યું.
‘એટલે? તું શું કહેવા માગે છે હું સમજ્યો નહિ.’
‘મને ઘરે જવું છે.’
‘આ પણ તારું ઘર જ છે ને!’
‘ના. મને મારા ઘરે જવું છે. પ્લીઝ, મને ટિકિટ લાવી આપો.’

‘જો સાંભળ. ઘર કોને યાદ ના આવે? પરદેશમાં દરેકને પોતાનું ઘર યાદ આવે. હું જ્યારે પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે મને પણ તારી જેમ થતું હતું. આ તો સહજ છે. તું ધીમે ધીમે એમ કરતાં અહીં ભળી જઈશ. હું હમણાં પ્રોજેક્ટના કામમાં ખૂબ વ્યસ્ત છું. એટલે માફી ચાહું છું. પરંતુ હું તને અહીં મારા મિત્રો અને તેમના ઘરના લોકો સાથે ઓળખાણ કરાવીશ. એ લોકો બહુ પ્રેમાળ અને મળતાવળા સ્વભાવના છે. ચલ, હવે ચિંતા છોડીને એક ડાહી છોકરી જેવી થઈ જા તો !!’ મેં હસીને કહ્યું.

‘મને આ જ્ગ્યાથી નફરત છે. મને મારી મિત્રો, મારું કુટુંબ, મારી કૉલેજ અને હું જેમને ઓળખું છું એ બધા લોકો બહુ યાદ આવે છે. એમાંનું કોઈ અંહી નથી. મારે બસ ઘરે જવું છે.’

‘તું એક મિનિટ જરા વિચાર કર. પોતાની જાતને જરા પૂછ. આખરે તારી ઈચ્છા શું છે? શું તારે કાયમ માટે અંહીથી જવું છે? ફરી કદી અંહી નથી આવવું?’ મેં મારા મન પર કાબૂ રાખીને શાંતિથી ફરી એકવાર પૂછ્યું.
‘હા’
‘અરે! તું પાગલ છે?’
‘તમે જો એમ માનતા હોવ કે હું પાગલ છું, તો હા, હું છું.’
‘ભલે. તું જો મારા પ્રશ્નનો જવાબ ન આપે તો કાંઈ નહિ પણ તેમ છતાં હું તારી સાથે ચોખવટ કરી લેવા માંગુ છું કે શું તારા જીવનમાં કોઈ બીજું છે ? એવી કોઈ વાત છે?’
‘ના. એવી કોઈ વાત નથી. મને બસ ઘરે જવું છે. તમે મને ઘરે નહીં મોકલો તો હું 911 નંબર લગાવી પોલીસ બોલાવીશ’ તેણે ગુસ્સામાં કહ્યું.

‘તું પહેલા શાંત થા. ફરી એકવાર શાંતિથી વિચાર. તું તારા મમ્મી-પપ્પાનો વિચાર કર. હજી તો આપણા લગ્નને એક મહિનો પણ નથી થયો અને તુ ઘરે પાછી જઈશ તો એ લોકોને કેવું લાગશે? તું પહેલેથી જ જાણતી હતી કે તારે અહીં આવવાનું છે. મેં તને આ વાત લગ્ન પહેલા કરેલી. તારો શું વિચાર છે? જો તું ઘરે પાછી જતી રહીશ તો આપણા લગ્નજીવનનું શું થશે?

‘હું તમને કોઈ દોષ નથી દેતી. બધો દોષ મારો છે, બસ !! આ મારી ભૂલ હતી. હું મારા કુટુંબથી આટલે દૂર આટલો સમય કોઈપણ હિસાબે રહી જ ન શકું. તમને જો ઈચ્છા હોય તો તમે ઈન્ડિયા આવો.’

‘અરે ! કુટુંબ તો મારે પણ છે. તું સાવ મૂર્ખામી ભરેલી વાત કરે છે. થોડા સમયમાં તો આપણી ગ્રીનકાર્ડની અરજી પણ મંજૂર થઈ જશે.’

બીજે દિવસે પણ તે પોતાની વાત પર મક્કમ રહી. મેં મારા ધરનાં સભ્યોને આ વાતની જાણ કરી. તેમણે માત્ર એટલું કહ્યું કે ‘જે કરવું હોય તેનો નિર્ણય તારે તારી જાતે કરવાનો છે. અમે તારી સાથે છીએ.’ હું વધારે ગુંચવાયો. છેવટે બીજે દિવસે સાંજે મેં ટિકિટ બુક કરાવીને તેના હાથમાં મૂકી. તેની ફ્લાઈટ બે દિવસ પછીની હતી. છેક સુધી તેના મનને કોઈ બદલી શક્યું નહીં. એ તો જાણે નાના બાળકની જેમ રડતી હતી ! અંતે એ પાછી ગઈ.

એના ગયા પછી મને એની યાદ સતાવે એવું તો એણે કંઈ કર્યું નહોતું પરંતુ તેમ છતાં મારો અંતરાત્મા મને ડંખી રહ્યો હતો કે મેં એને આટલી જલ્દી પાછી મોકલી દીધી એ ખોટું કર્યું. મેં એ બધી વાતો ભૂલી જવાની ઘણી કોશિશ કરી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું મારી જાતને વધારે દોષી માનવા લાગ્યો. એકવાર મેં એને ફોન કર્યો. તેણે મને ચોખ્ખું કહ્યું કે તે મને જરાય દોષી નથી માનતી. પરંતુ તેમ છતાં તે કોઈપણ ભોગે પોતાનું શહેર છોડવા તૈયાર નથી. તેના માતાપિતાએ ખરાદિલથી મારી માફી માંગી પરંતુ આ બાબતમાં કશું કરવા માટે તેઓ લાચાર હતા. જીવનમાં બીજી મુશ્કેલીઓ અને સંઘર્ષો તો મારે પણ હતા. પરંતુ અન્ય કોઈ બાબત આટલી ગંભીર નહતી. વળી, દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ તો હોય છે જ. કોઈને એક તો કોઈને વધારે.

આ અગાઉ પણ હું ઘણી છોકરીઓ સાથે સંપર્કમાં આવેલો. તેમના સ્વભાવને ઓળખીને તેમની સાથે ભળી જતો. મારી સાથે હાઈસ્કુલમાં ભણતી એક છોકરીનો ફોન નંબર મેં સાહસ કરીને શોધી કાઢેલો. એ પછી કૉલેજમાં જેને બધા ‘કૉલેજની રાણી’ કહેતા અને બીજા લોકો તેની સાથે વાત કરતાં પણ ખચકાતાં એવી એક સુંદર છોકરી સાથે વાત કરતાં હું કદી ખચકાયો નહતો. ત્યારબાદ ઈન્ડિયામાં મારા ઘરની નજીક રહેતી એક છોકરી અહીં મારી સાથે અમેરિકામાં યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે તેની ઘરે પણ હું ઘણીવાર જતો. તેને અને તેના ઘરના સભ્યોને હું જ્યારે મળુ ત્યારે હું જાણે મારા પોતાના ઘરે આવ્યો હોવું એવું મને લાગતું. એ બધું તો સમય જતાં ભૂલાઈ ગયું. પરંતુ અંજલિને હું આ રીતે ભૂલી શકું એમ નહતો, કારણકે એ તો મારી પત્ની હતી. ઘણા વિચારોને અંતે મેં અમેરિકાની નોકરી છોડીને ભારત પાછા જવાનો નિશ્ચય કર્યો. હું પાછો જવાનો છું એ વાત મેં કોઈને કરી નહીં કારણકે મારે અંજલિને સરપ્રાઈઝ આપવી હતી.

છેવટ હું ભારત આવ્યો. મેં મારો બધો સામાન ઘરે મૂક્યો અને ત્યાંથી સીધો જ હું અંજલિ જે કૉલેજમાં ભણાવતી હતી ત્યાં જઈ પહોંચ્યો. ચોકીદારે મને અંદર જવા ન દીધો એટલે હું કલાસ પૂરો થવાની રાહ જોતો બહાર ઊભો રહ્યો. એટલામાં તે એકલી ચાલતી-ચાલતી બહાર આવી. તેનાથી ચોપડીઓ ભરેલી ભારી બૅગ ઊંચકાતી નહોતી. એટલે એ ધીમે ધીમે ઊંચકવાનો પ્રયત્ન કરતાં ચાલી રહી હતી. તે બસ-સ્ટૉપ તરફ જઈ રહી હતી. હું ધીમા પગલે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને પછી મેં એને પાછળથી ધીમે રહીને પૂછયું કે, ‘હું તમારી આ બૅગ ઊંચકી લઉં તો તમને વાંધો તો નથી ને ?’ મારો અવાજ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે મારી તરફ મોં ફેરવ્યું. મને જોઈને તેની આંખો ચમકી ઊઠી. હું નક્કી નહોતો કરી શક્તો કે તેને પ્રેમથી આલિંગનમાં લઈ લઉં કે નહીં? હું ફકત સ્મિત કરતો તેને જોતો ઊભો રહ્યો. તેના મોં પર હજારો પ્રશ્નાર્થ ચિન્હો તરતા હતા. મેં એને કહ્યું, ‘હું આ શહેરમાં તારી સાથે એક અઠવાડિયું ફરવા માંગુ છું. તું મને એવી વસ્તુઓ બતાવ જે તું છોડી ને જવા નહોતી માંગતી.’

એ એક અઠવાડિયું તો જાણે ક્ષણભરમાં પસાર થઈ ગયું. આ દિવસો માં હું સતત તેની જોડે રહ્યો અને તેના જીવનનો એક પ્રોજેક્ટની જેમ અભ્યાસ કર્યો.

એની જોડે બધા ઘરે બાળકની જેમ વર્તતા હતા. તે બહુ લાડકોડમાં અને સુખસાહેબીમાં ઊછરેલી એમ મને લાગ્યું. રોજ સવારે તેને કોફીનો કપ તેના ટેબલ પર આપવામાં આવતો. તેની માટે ઈસ્ત્રી કરેલો ડ્રેસ પણ તૈયાર રાખવામાં આવતો. ઘરેથી કૉલેજ પહોંચવામાં રોજ તેને એક કલાક બસની મુસાફરી કરવી પડતી અને હંમેશાં તેમાં તે બારી તરફની સીટ પર બેસીને ચોપડી વાંચવામાં મશગુલ થઈ જતી. એક દિવસ તો એ કૉલેજમાં લૅકચર લઈને સાંજ સુધીમાં ખૂબ થાકી ગઈ. બસની ગિરદીમાં તેનાથી ભારે બૅગ પકડીને ઊભા નહોતું રહેવાતુ. માંડ-માંડ તે ઘરે પહોંચી, નાસ્તો કર્યો અને થાક ઊતર્યો એટલે એ પોતાની મિત્રને ત્યાં ગઈ. કેટલીકવાર એ ઘરે ટી.વી અને મ્યુઝીક સાંભળીને સાંજનો સમય પસાર કરતી. પપ્પા ઘરે આવે ત્યારે એ એમની સાથે થોડી વાર વાતો કરતી અને પછી બધા ભેગાં મળીને સાથે જમતાં. એ પછી એની મમ્મી એને સુવાડવા એની સાથે જતી. રજાના દિવસોએ પણ આ નિત્યક્રમમાં કોઈ મોટો ફેરફાર ન થતો. બસ, તે મોડી ઊઠતી, મોડેથી નાસ્તો કરતી અને તે પછી તેની બહેનપણીઓ જોડે ફોન પર થોડા ગપ્પાં મારતી. રજાના દિવસે સાંજે તે મંદિર જતી અને તે પછી સંગીતના કલાસમાં. રાત્રે પરિવારના બધા સભ્યો બહાર જમતાં અને થોડા મોડેથી ઘરે આવતા. બસ. આ એનું જીવન હતું. આમ તો એ એક એવું જીવન જીવી રહી હતી જેની દરેક મનુષ્યને ઈચ્છા હોય – એકદમ સરળ, સંતોષી અને શાંત. હું તો તેના જીવનમાં વિલન જેવો હતો.

એક દિવસ મેં એને કહ્યું કે ‘મેં તારા જીવનને બરાબર નજીકથી જોયું છે. હું તારી ઈચ્છા જાણવા માંગુ છું કે જો આપણે આ જ શહેરમાં તારા માતા-પિતાથી અલગ થોડે દૂર સાથે રહીએ તો?’ તેની ઈચ્છા અમારા બંન્નેના માતા-પિતાથી દૂર અલગ રહેવાની હતી જે મેં માન્ય રાખી. થોડા સમયમાં અમે એક નાનક્ડું ઍપાર્ટમેન્ટ લઈ લીધું. ઘરમાં તો એને કોઈ જ કામ આવડતું નહોતું. દરેક વાત તેને શીખવાડવી પડતી. કોઈકવાર તે થોડું ઘણું શીખવાની કોશિશ પણ કરતી. પરંતુ તેને એ સમજાવવાનું ઘણું અઘરું હતું કે તેને એક પતિ છે અને તેની પોતાની ઘર પ્રત્યે અમુક ફરજો પણ છે. રોજ સવારે મારે એની કોફી તૈયાર કરીને તેના પલંગ સુધી પહોંચાડવી પડતી. અમુકવાર તે પોતે કોઈ નિયમ બનાવતી અને જાતે જ તે નિયમ તોડી પણ નાખતી. તેને મારી તો કંઈ પડેલી જ નહોતી. કેટલીકવાર તો એ રાત્રે ઘરે ન આવતી અને મને જાણ કર્યા વગર કૉલેજથી સીધી તેના માતા-પિતાને ઘરે જતી રહેતી. બીજે દિવસે મારે એને લેવા એની ઘરે જવું પડતું. તેનું વર્તન બાળકો જેવું હતું.

આવું ઘણા સમય સુધી ચાલ્યું પરંતુ એ પછી તેને ધીમે ધીમે લગ્ન જીવનનો અર્થ સમજાવવા લાગ્યો. એ પછી તો એ સવારે મારાથી પહેલાં ઊઠવા લાગી. જમવાનું બનાવવાનો પ્રયત્ન કરવા લાગી. મારી સાથે ફિલ્મ જોવા પણ આવતી, ક્રિકેટ રમતી અને કોઈકવાર આનંદથી મારી આંખમાં આંસુ લાવી દેતી! તે દિવસે દિવસે પરિપક્વ બની રહી હતી.

છેલ્લે એ દિવસ આવ્યો જેની માટે મેં આ તપ કર્યું હતું. એક દિવસ તેણે સામેથી જ મારી માફી માંગી. ભૂતકાળમાં કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ મેં તેની આંખોમાં નિહાળ્યો. તેની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. મેં તેની પાસે જઈને તેને સાંત્વન આપ્યું. હવે મારી સામે એવી પત્ની ઊભી હતી જેની મને પહેલેથી કલ્પના હતી.

આજે હું સુખરૂપ અને સંતોષપૂર્વક મારું જીવન વ્યતિત કરું છું. એ તો હજી પહેલાની વાતોને યાદ કરીને રડી પડે છે અને પોતે કર્યાનો પસ્તાવો કરે છે. હું ઘણીવાર મજાકમાં તેને યાદ કરાવ્યા કરું છું અને કહું છું કે તેં પેલા દિવસે પોલીસને બોલાવવાની કેવી ધમકી આપેલી…હું તો ખરેખર ડરી ગયો હતો, હોં !! અને એ ખડખડાટ હસી પડે છે.

ઘણીવાર હું વિચારું છું કે જો હું પાછો ન આવ્યો હોત તો મારું જીવન કેવું થઈ ગયું હોત! આટલી સીધી, સરળ અને ભોળી છોકરીને મેં ગુમાવી હોત. પણ મને લાગે છે કે અમુક વાતો ન વિચારીએ એ જ સારું છે. હું મારા જીવનમાંથી એટલું શીખ્યો કે સંબંધો આત્મીયતા અને પ્રેમથી બંધાય છે અને પ્રેમ સમય માંગે છે… આજે આટલા સમય પછી મને મારો પ્રેમ પરત મળ્યો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “મને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.