સમય સાથે સંગત – સંકલિત

[1] દિવસનું આયોજન – વિમલાતાઈ

[dc]મા[/dc]ણસે પોતાના દિવસનું આયોજન કરતાં શીખવું જોઈએ.
‘દિવસનું આયોજન’ શું સૂચવે છે ? તે સૂચવે છે કે સમયને વેડફશો નહીં. આળસ અને પ્રમાદમાં એક પણ મિનિટ વેડફાવી જોઈએ નહીં કારણ કે આળસ આપણા આખાય ચેતાતંત્રમાં અને શરીરના રસાયણમાં એક પ્રકારની સુસ્તી ભરી દેશે. આ સુસ્તી વૈશ્વિક ઊર્જા મેળવવા માટે જરૂરી એવી શરીરની એક ખાસ વ્યવસ્થાને ખોરવી દેશે. આ આળસ અને પ્રમાદને કારણે વાતાવરણમાં રહેલી અત્યંત વેગવાન અને ઊંડાણવાળી વૈશ્વિક ઊર્જા મેળવવા માટે જરૂરી એવા શરીરના વ્યવસ્થાતંત્રમાં નિષ્ક્રિયતા આવી જશે. શરીરે આવી ઊર્જા પ્રાપ્ત કરવા તૈયાર રહેવું જોઈએ. શરીર જો આળસુ અને પ્રમાદી હશે અને તેનો પ્રતિભાવ ધીમો હશે તો તે ઊર્જાનો પ્રતિભાવ પણ ધીમો મળશે. આ ઊર્જા પૂર્ણપણે તથા પ્રભાવપૂર્ણ રીતે કામ નહીં કરે. તેથી આપણે આપણા શરીરરૂપી સાધનને હંમેશાં તૈયાર અને સંવેદનશીલ રાખવું જોઈએ. એ વાતનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે તેની સંવેદનશીલતાને જરાપણ નુકશાન ન થાય.

આ જ કારણથી આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. આપણે આપણા દિવસનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણી જરૂરિયાતો માટે આપણે પૂરતો સમય આપી શકીએ અને આપણું રોજબરોજનું જીવન ચોક્કસાઈપૂર્વક તથા તાલબદ્ધ રીતે જીવી શકીએ. આનાથી આપણું શારીરિક સ્તર શિસ્તપૂર્ણ બને છે. તેમાં અનિયમિતતામાંથી જન્મતા કોઈપણ પડકારોનો ત્વરિત તથા પૂર્ણતાથી સામનો કરવાની ક્ષમતા ઊભી થાય છે. એવું નથી કે માણસ આધ્યાત્મિક સત્યને નથી સમજતો. પરંતુ માણસ તે જે સમજે છે તે પ્રમાણે જીવી શકતો નથી કારણ કે તેના રોજિંદા જીવનમાં અનિયમિત અને વેરવિખેર વર્તણૂકથી તેની સંવેદના લાગણીશૂન્ય બની ગઈ છે. એકવાર શારીરિક સ્તરે આ અનિયમિતતા અને વેરવિખેરપણું પ્રસરી જાય છે પછી તે ભાવનાઓને તથા વિચારોને પણ અવ્યવસ્થિત બનાવી મૂકે છે.

ચોક્કસાઈપણાની કળાને શીખી લીધા પછી માણસે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે તે બધાં જ જરૂરી કામો તેના યોગ્ય સમયે કરે. કામને પાછળ ધકેલવાની પ્રક્રિયામાંથી જ ચિંતા અને ડર જન્મે છે. યોગ્ય સમયે કરેલું યોગ્ય કામ અનેક માનસિક તાણમાંથી છુટકારો આપે છે. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] ગાંધીજી અને શાસ્ત્રીજી – પ્રા. હરિવદન કલ્યાણજી કાપડિયા

એક દિવસ ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતી રહ્યા હતા. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી બહારગામથી આશ્રમમાં આવ્યા. ગાંધીજીની નજર શાસ્ત્રીજીની કફની પર પડી. તે જોઈને ગાંધીજી બોલ્યા :
‘લાલ બહાદુર, તમારી કફની ફાટી ગઈ છે.’
શાસ્ત્રીજીએ કહ્યું : ‘હા બાપુ, મને ખબર તો હતી, પણ સમય ન મળ્યો કે જઈને એને સિવડાવી દઉં. અહીંથી ગયા પછી સિવડાવી દઈશ.’

ગાંધીજીએ કહ્યું : ‘તમે લાંબી મુસાફરી કરી આવ્યા છો. એટલે થાક્યા હશો. સૌથી પહેલાં તમે સ્નાન કરી લો. એનાથી તમારો થાક દૂર થશે અને તમને ઠીક લાગશે.’ શાસ્ત્રીજી કફની કાઢી ગાદી પર મૂકી સ્નાન કરવા ચાલ્યા ગયા. એમના ગયા પછી ગાંધીજીએ સોય-દોરાથી શાસ્ત્રીજીની ફાટેલી કફની સીવી દીધી અને ખૂંટી પર ટાંગી દીધી. શાસ્ત્રીજી સ્નાન પતાવી, ધ્યાન કરી આવ્યા તો કફની ત્યાં નહોતી. ગાંધીજીએ ઈશારો કરીને ખૂંટી પર ટાંગેલી કફની તરફ નિર્દેશ કર્યો. શાસ્ત્રીજીએ કફની પહેરતાં જોયું કે કફની સીવેલી હતી. તેઓ ગાંધીજીને કંઈ પૂછે તે પહેલાં જ ગાંધીજી બોલ્યા, ‘લાલ બહાદુર, આઝાદી તો આપણને ત્યારે મળશે જ્યારે બધા લોકો એકમેક પર નિર્ભર ન રહીને પોતાનું કામ સ્વયં કરવા લાગશે. જ્યારે આપણે આટલું નાનું કામ પણ બીજા પર છોડી દઈશું, તો દેશનું શું થશે, પૂરી આઝાદી આપણને કેમ મળશે ?’ શાસ્ત્રીજી આ બનાવ પછી એમનું પોતાનું કોઈ પણ કામ બીજાના ભરોસે છોડતા નહોતા. મંત્રી બન્યા પછી પણ ગાંધીજીની આ શીખ એમણે યાદ રાખી અને પોતાનાં કપડાં સ્વયં ધોતા હતા. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)
.

[3] જસ્ટ, એક મિનિટ….. – રાજુ અંધારિયા

વિશ્વવિખ્યાત પિયાનોવાદક પેત્રોવ્સ્કીની આ વાત છે.
એમની મુલાકાતે એક વખત થોડા વિદ્યાર્થી આવ્યા, સાથે એમના સંગીતશિક્ષક પણ હતા. પેત્રોવ્સ્કીની થોડી કર્ણપ્રિય સંગીતરચના વિશે શરૂઆતમાં ચર્ચા થઈ. એ પછી સંગીતશિક્ષકે પોતાના વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય એવો કોઈ સંદેશ આપવા પેત્રોવ્સ્કીને વિનંતી કરી. કોઈ ચીલાચાલુ સંદેશો આપવાને બદલે પેત્રોવ્સ્કીએ તો પોતાના જીવનભરના અનુભવના નિચોડ રૂપે જે સંદેશો આપ્યો એ જગમશહૂર બન્યો. એમણે કહ્યું :

‘જીવનમાં સફળતા મેળવવા સતત પ્રવૃત્તિશીલ રહો. આજનું કામ કદી કાલ પર ન ટાળો. આટલી સફળતા બાદ પણ હું હજીય દરરોજ આઠથી દસ કલાક પિયાનો વગાડી રિયાજ કરું છું. હું ખાતરીપૂર્વક કહું છું કે એક દિવસ માટે પણ હું મારો રિયાજ છોડી દઉં તો મને મારા કાર્યમાં પહેલાં કરતાં ઊતરતાપણું દેખાવા લાગે. બે દિવસ માટે રિયાજ છોડી દઉં તો મારા સમીક્ષકોને એમાં કશીક ઊણપ દેખાવા લાગે ને ત્રણ દિવસ માટે રિયાજ ન કરું તો જગતભરના શ્રોતાઓને એમાં નબળાપણું દેખાવા લાગે !’

સારાંશ એ જ કે મુલતવીપણાનાં માઠાં ફળ. વિલંબ એટલે સમય, શક્તિ અને નાણાંનો નર્યો વેડફાટ. આજનું કામ આવતી કાલ પર છોડવું એટલે બમણો બોજો વેંઢારવાની પલાયનવૃત્તિ ઉપરાંત જ્યારે કોઈ પણ કલાકાર પોતાના કૌવત પર મુસ્તાક થઈ જઈને સાધના છોડી દે ત્યારે એની કળામાં આગળ જતાં ઊણપ આવવાની જ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સમય સાથે સંગત – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.