- ReadGujarati.com - http://www.readgujarati.com -

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012 – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

મે માસનો મધ્યાહ્ન એટલે રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆત. વર્ષ 2007થી આ ઉપક્રમ શરૂ થયો છે અને પ્રતિવર્ષ આશરે 50-60 જેટલા વાચકમિત્રો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે માત્ર નવોદિતો માટે જ છે. જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આમાં ભાગ લઈ શકતા નથી. તેથી કરીને ‘વિદ્વાન લેખકોની આગળ આપણું લખાણ તો કેવું લાગશે ?’ એવો સ્પર્ધકનો સંકોચ દૂર થાય છે. આ માત્ર વાર્તા-સ્પર્ધા નથી, આ તો એક પ્રકારનો ટ્રેનિંગ કોર્સ છે. આ માધ્યમથી આખું વર્ષ રીડગુજરાતી વાંચનારો વાચક અને જેણે ક્યારેય કશું લખ્યું નથી, તે પોતાને ચકાસી શકે છે. પોતે લખવાની કોશિશ કરી શકે છે. તેને પોતાના જેવા સ્પર્ધકોની વાર્તાઓ તો જોવા મળે જ છે પરંતુ એ સાથે નિર્ણાયકોના જરૂરી સૂચનો પણ મળે છે.

કોઈ પણ ભાષાને સમય અનુસાર નવી કલમની જરૂર હોય છે. આ રીતે જો નવા યુવાનો લખતા થઈ શકે તો તેમના દ્વારા ભાષાની બહુ મોટી સેવા થઈ શકે. ગુજરાતી ભાષાને નવા વિષયો અને પ્રસંગો મળે, નવી વાર્તાઓ મળે અને સાહિત્યનું ઝરણું સતત વહેતું રહે. જેમણે કદી લખ્યું ન હોય એમને કદાચ એમ થાય કે એકદમ તો લખવાનું કેવી રીતે શરૂ કરવું ? – પરંતુ શરૂઆત કરવી એટલું કઠીન કામ નથી. કોઈક નજરે ચઢેલી ઘટનાઓ કે પ્રસંગોને વાર્તાસ્વરૂપમાં ઢાળીને મંગલાચરણ કરી શકાય છે. આપણા ઉત્તમ વાર્તાકારોની શૈલીનો ઝીણવટપૂર્વકનો અભ્યાસપણ આમાં મદદરૂપ થઈ શકે છે. કોઈ પણ વિષય પર ટૂંકીવાર્તા લખવા માટે બે મહિનાનો સમય પૂરતો છે. વિદેશમાં વસતા વાચકો પણ પોતાના અનુભવોને આધારે આ સ્પર્ધામાં ભાગ લેશે તો ગુજરાતી સાહિત્યને ખૂબ જ નવા વિષયો પ્રાપ્ત થશે.

મિત્રો, ઘણાબધા વાચકો સ્પર્ધાની સમાપ્તિ પછી એમ પૂછતા હોય છે કે બધી જ વાર્તાઓને રીડગુજરાતી પર સ્થાન આપવામાં કેમ નથી આવતું ? હકીકતે આ સ્પર્ધા એ વાર્તા-લેખનનો એક પ્રયાસ છે. તેથી તમામ વાર્તાઓ પૂર્ણરૂપે વાર્તા ન કહી શકાય તેવી પણ હોઈ શકે. ક્યાંક ભાષાની સજ્જતા ન હોય તો ક્યાંક એમાંનું વાર્તાતત્વ જ ગાયબ હોય ! નવોદિતોની સ્પર્ધા હોય એટલે આમ થવું સ્વાભાવિક છે પરંતુ તે છતાં વિજેતાઓની વાર્તાઓ તથા કેટલીક ચૂંટેલી વાર્તાઓને વર્ષ દરમિયાન જરૂરથી પ્રકાશિત કરવામાં આવે છે. એ વાતનો પણ અપાર આનંદ છે કે રીડગુજરાતીને નવોદિત સ્પર્ધકો તરફથી કેટલીક ઉત્તમ વાર્તાઓ પણ પ્રાપ્ત થઈ છે.

વાર્તા-સ્પર્ધાના નિયમો તથા અન્ય તમામ વિગતો માટે આ લેખના અંતે લીન્ક આપવામાં આવી છે. સ્પર્ધાનું સ્વરૂપ હંમેશની જેમ યથાવત રાખવામાં આવ્યું છે. વાર્તાઓ મોકલવા માટેની અંતિમ તારીખ 17મી જુલાઈ, 2012 છે. પરંતુ સૌ સ્પર્ધકોને વિનંતી કે તેઓ છેલ્લા દિવસો સુધી રાહ ન જોતાં પોતાની કૃતિ જેમ બને તેમ જલ્દીથી મોકલી આપે. પરદેશથી ભાગ લેનાર સ્પર્ધકોને આ માટે ખાસ વિનંતી. આ ઉપરાંત, વાર્તાનું સ્વરૂપ બરાબર જળવાય એ માટે પ્રતિવર્ષ કેટલાક સૂચનો આપવામાં આવે છે, જેની અહીં ફરી પુનરુક્તિ કરું છું :

[1] નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.

[2] વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.

[3] વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.

[4] વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.

[5] વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

વિશેષમાં, વાર્તા-સ્પર્ધામાં પ્રતિવર્ષ રૂ. 3001, રૂ. 2001 અને રૂ. 1001 એમ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવે છે. આ પુરસ્કારની રકમ ઉપરાંત તમામ નિર્ણાયકોને વાર્તાઓની કોપી વગેરે મોકલવાનો ઈતર વ્યવસ્થાપન ખર્ચ – એમ કુલ મળીને રૂ. 7500 જેટલો ખર્ચ થતો હોય છે. જે દાતાઓ આ સ્પર્ધા માટે યોગદાન કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની યથાશક્તિ પત્ર-પુષ્પરૂપે પોતાનું યોગદાન અહીં ક્લિક કરીને ઓનલાઈન ડોનેશન સુવિધા દ્વારા (Click Here [1]) અથવા મારો shah_mrugesh@yahoo.com પર સંપર્ક કરીને પહોંચાડી શકે છે.

સ્પર્ધાની તમામ વિગતો આપ અહીં ક્લિક કરીને જોઈ શકો છો : Click Here [2]

સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ સાથે તમામ વાચકમિત્રોને પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256.