ભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ

[ ભારતમાં અવતરેલા ઉત્તમ મહાપુરુષો, ઋષિઓ અને સંતોના જીવનની ટૂંકી ઝાંખી કરાવતા સુંદર પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિના સર્જકો’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] યોગીશ્વર યાજ્ઞવલ્ક્ય

[dc]યો[/dc]ગીશ્વર યાજ્ઞવલ્યં નારાયણં નમસ્કૃત્ય – આ મંત્ર પ્રમાણે પ્રથમ નમસ્કાર યોગીશ્વર યાજ્ઞવલ્ક્યને અને ત્યાર પછી નારાયણને નમસ્કાર. આવી મહત્તા યાજ્ઞવલ્ક્યની છે. યાજ્ઞવલ્ક્યને ભારતીય તત્વજ્ઞાનના પિતા કહી શકાય. યાજ્ઞવલ્ક્યનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં થયો હતો એવી એક રૂઢ માન્યતા છે. જન્મેજય (પરીક્ષિતનો પુત્ર) રાજાના સમકાલીન હોવાથી યાજ્ઞવલ્ક્યનો સમય આશરે 4,000 વર્ષ પહેલાનો ગણાય. પિતાનું નામ દેવરાત. માતા-સુનંદા. દેવરાતના બીજા નામો બ્રહ્મરાત, યાજ્ઞવલ્ક્ય, વાજ-સનિ પણ હતા. પૌરાણિક કથાઓ મુજબ યાજ્ઞવલ્ક્યને બ્રહ્માના અંશાવતાર કહ્યા છે. કેટલેક ઠેકાણે એમને સૂર્યના અવતાર તરીકે પણ વર્ણવ્યા છે. એમની જન્મ તિથિ શ્રાવણ સુદ પૂર્ણિમા (બળેવ) છે.

યાજ્ઞવલ્ક્યના ઉપનયન સંસ્કાર પછી વડનગરમાં જ વિદગ્ધ (પંડિત) શાકલ્ય ઋષિનું શિષ્યત્વ સ્વીકારી ઋગવેદનું અધ્યયન કર્યું. આનર્તના રાજા સુપ્રિયને ત્યાં ગુરુના આદેશથી પ્રાતઃ વિધિ કરવા ગયા પરંતુ રાજાના અપમાનજનક વર્તનથી પાછા આવ્યા. ગુરુ ગુસ્સે થયા ત્યારે યાજ્ઞવલ્ક્યે ગુરુએ શીખવાડેલો ઋગવેદ ઓકી નાખી ગુરુનો પરિત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યાર પછી માતામહ મહર્ષિ વૈશંપાયન પાસે શીખેલો યુજુર્વેદ પણ ગુરુ સાથે થયેલા વિખવાદને પરિણામે ઓકી નાખ્યો અને ગુરુનો ત્યાગ કર્યો.

યાજ્ઞવલ્ક્યે નક્કી કર્યું કે હવે મનુષ્યને ગુરુ નહીં બનાવું. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા તપસ્યા કરી. સૂર્ય ભગવાને તપસ્યાથી સંતુષ્ટ થઈ ઘોડારૂપે પ્રગટ થઈ હજુ સુધી કોઈને મળ્યો નહોતો એવો યજુર્વેદના મંત્રોનો ઉપદેશ આપ્યો, જે શુક્લ નામે જાણીતો છે. શુક્લ યજુર્વેદની આ શાખા વાજસનેય સંહિતા નામે પ્રસિદ્ધ થઈ જેના દષ્ટા યાજ્ઞવલ્ક્ય છે. વાજસનેયી સંહિતાના આચાર્ય હોવાથી ‘વાજસનેય’ નામે પણ યાજ્ઞવલ્ક્ય જાણીતા છે. સૂર્ય ભગવાનની સલાહથી ગૃહસ્થાશ્રમ લેવાનું સ્વીકાર્યું અને કાત્યાયની નામે સુંદર, સદગુણી કન્યા સાથે લગ્ન કર્યા. જનકની સભામાં દિગ્વિજય પછી બ્રહ્મવાદિની મૈત્રેયી સાથે લગ્ન કર્યા હતા. આકસ્મિક કારણે મહાસમર્થ પિપ્પલાદ યાજ્ઞવલ્ક્યનો દ્વેષ કરવા લાગ્યા અને યાજ્ઞવલ્ક્યને મારી નાંખવા કૃત્યા મોકલી. યાજ્ઞવલ્ક્યે શંકર ભગવાનનું શરણ લીધું. કૃત્યા શાંત થઈ ગઈ. શંકર ભગવાને યાજ્ઞવલ્ક્યને ‘યોગીશ્વર’ની પદવી આપી.

વૈદેહના જાની જનક શાલાંગને યાજ્ઞવલ્ક્યની કીર્તિ સાંભળી, ગુરુ બનાવી બ્રહ્મવિદ્યા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ બ્રહ્મવિદ કોણ નક્કી કરવા સભા બોલાવી જાહેર કર્યું, ‘જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની હોય તે જેના પ્રત્યેક શિંગડે દસ-દસ સોનામહોરો બાંધી છે એવી આ હજાર ગાયો લઈ જાય.’ કોઈ ઋષિ આગળ ન આવ્યા. યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્ય સામશ્રવાને ગાયો પોતાના આશ્રમમાં લઈ જવા કહ્યું. પછી આર્તભાગ, ભુજ્યુ, ઉષસ્ત, કહોલ, ઉદ્દાલક, ગાર્ગી સાથે શાસ્ત્રાર્થ થયો અને યાજ્ઞવલ્ક્ય વિજયી ઠર્યા. (બૃહ. ઉપ. અ. 3) જનકને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. સૂર્યે યાજ્ઞવલ્ક્યને વરદાન આપ્યું હતું કે જે કોઈ તારી વીસ વખત નિંદા કરશે એનું શિર જમીન પર પડી જશે. યાજ્ઞવલ્ક્યના આદ્યગુરુ શાકલ્યથી યાજ્ઞવલ્ક્યનો જનકની સભાનો વિજય જીરવાયો નહીં. દલીલોથી યાજ્ઞવલ્ક્યને હરાવી શકાય એ શક્ય નહોતું તેથી ક્રોધમાં આવી નિંદા કરવા લાગ્યાં. જ્યારે નિંદાનો આંકડો વીસ પર પહોંચ્યો ત્યારે એનું માથું જમીન પર કપાઈ પડ્યું.

યાજ્ઞવલ્ક્યને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. કાત્યાયનીને ગૃહસંપત્તિ, ભૂમિ, આશ્રમનો વહીવટ સોંપ્યો અને મૈત્રેયીની ઈચ્છા જાણી અંતે આત્મજ્ઞાન આપ્યું. યાજ્ઞવલ્ક્ય પછી એમના પુત્ર કાત્યાયને પિતાનું કાર્ય આગળ ચલાવ્યું.

યાજ્ઞવલ્ક્યના ગ્રંથો : શુકલ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય શિક્ષા, યાજ્ઞવલ્ક્ય ગીતા, પ્રતિજ્ઞા સૂત્ર, બૃહદારણ્યક ઉપનિષદના અ. 2, 3, 4માં યાજ્ઞવલક્યનો શાસ્ત્રાર્થ, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ આધારિત વારસાહકનો દાયભાગ સિદ્ધાંત અદાલતો આજે પણ માન્ય કરે છે. યાજ્ઞવલ્ક્યમાં ત્યાગ, તપસ્યા, સદાચાર, ઉત્તમકોટિની ભક્તિ, સંયમ, નિર્ભયતા, વાકપટુતા, અગાધ વિદ્વતા, વિનમ્રતા, વિષય પ્રતિપાદનની વિશિષ્ટ શૈલી જોવા મળે છે. તેઓ સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની, સગુણ-નિર્ગુણ બન્નેના ઉપાસક, પરંપરા બદલીને નવો માર્ગ સ્થાપનારા ક્રાંતિકારી, અનુપમ ચમત્કારીયોગી અને આદિત્યમતના પ્રવર્તક હતા. વ્યવહારશાસ્ત્ર-મંત્રશાસ્ત્ર-રાજ્યતંત્ર-દંડનીતિ-યોગ શાસ્ત્ર- સમાજહિત સંવર્ધક વિદ્યાઓના નિષ્ણાત હતા. શતપથ બ્રાહ્મણ દ્વારા કર્મકાંડના પ્રકાંડ પંડિત, બૃહદારણ્યક ઉપનિષદ દ્વારા અધિકારી તત્વવેત્તા, આચાર-વ્યવહાર-પ્રાયશ્ચિતના નિયમો દર્શાવતી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ દ્વારા ધર્મશાસ્ત્રવેત્તા તરીકે યાજ્ઞવલ્ક્ય પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્ક્ય પછી એવા સમર્થ તેજસ્વી ઋષિ પેદા થયા નથી. એમના પ્રદાનથી હિંદુધર્મ, વેદવિદ્યા, બ્રહ્મજ્ઞાનનું રહસ્ય જગત સારી રીતે સમજતું થયું, આમ તેઓએ સાંસ્કૃતિક ચિરંજીવિતા સ્થાપિત કરી. સૂર્યના પ્રિય શિષ્ય પોતાના કાળમાં જ્ઞાન-વિજ્ઞાનના ભાસ્કર હતા.
.
[2] આચાર્ય ચાણક્ય

‘વાલ્મીકિ અને વ્યાસ પછી જૂનામાં જૂનો લોકપ્રિય કવિ હોવાનું ચાણક્ય જ માન ધરાવે છે.’ – કેશવ હ. ધ્રુવ. ચાણક્ય ધર્મનો અવતાર હતા, બૃહસ્પતિ સમાન વિદ્વાન હતા. આદર્શ રાષ્ટ્ર, આદર્શ રાજ્યચિત્ર અને સુસંગઠિત અખંડ ભારતીય સામ્રાજ્યની પોતાની કલ્પનાને એ મહાપુરુષે ચોવીસ વર્ષમાં સાકાર કરી બતાવી. ચંદ્રગુપ્ત મૌર્યમાં આદર્શ રાજ્યચરિત્રનું નિર્માણ કરી બતાવ્યું, તત્કાલીન તેમ જ ભાવિ પેઢીના માર્ગદર્શન માટે ‘અર્થશાસ્ત્ર’ની રચના કરી, પોતપોતાના ક્ષુદ્ર સ્વાર્થોને કારણે આપસમાં લડતા નાનાં નાનાં રાજ્યોને એક છત્ર નીચે લાવી અખંડ ભારતીય સામ્રાજ્યની સ્થાપના કરી.

ચાણક્યના અંગત જીવન વિષે પ્રમાણભૂત માહિતી મળતી નથી. ચાણક્યનું વ્યક્તિવાચક નામ વિષ્ણુગુપ્ત. ચણક નામના બ્રાહ્મણનો પુત્ર અથવા ચણક નામના સ્થળનો રહેવાસી એટલે ચાણક્ય. કુટિલ ગોત્રનો હોવાથી યા તો કુટિલ ઋષિઓનો પૌત્ર હોવાને કારણે કૌટિલ્ય નામ હતું. આ ઉપરાંત વાત્સાયન, મલ્લિનાગ, દ્રામિલ, પક્ષિલસ્વામી, અંગુલ, વરાનક અને કાત્યાયન નામો પણ જોવા મળે છે.

ચાણક્ય તક્ષશિલાનો રહેવાસી હતો અને ત્યાં જ અધ્યયન અને અધ્યાપન કર્યું હતું. મગધ, પાટલિપુત્ર એનું કાર્યક્ષેત્ર હતું. ચાણક્ય કાળા રંગના, લાલ આંખોવાળા અને દેખાવે કદરુપા હતા એમ કહેવાય છે. ચાણક્યનો જન્મ ઈ.સ પૂર્વે 350ની આજુબાજુ હોય એ શક્ય છે. ચાણક્ય વેદ, દર્શન, દંડનીતિ, વાર્તા, કલાઓ, ગણિત, રસાયણ, આયુર્વેદ, શાસ્ત્રવિદ્યા વ. અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા. મહાબુદ્ધિમાન, ક્રોધી, ધીર, રાજકાર્યમાં અતિકુશળ, ખટપટી, મુત્સદી, ચિંતનશીલ અને પરમ કર્મઠ વ્યક્તિ હતા. રાજકારણમાં કૂટનીતિનો ઉપયોગ કરવામાં મનાતા હતા પરંતુ એમાં પોતાનો સ્વાર્થ ન હતો. આત્મવિશ્વાસ, સરળ અંતઃકરણ, દરેક પ્રસંગને પોતાના હેતુ માટે ફેરવી નાખવાની કુનેહ, ગુણોની કદર, સતત જાગૃત, સાદાઈ, અંગત મહત્વાકાંક્ષા કે સત્તાનો મોહ રાખ્યો ન હતો. તેઓ સખત, કડક અને કોઈવાર ઘાતક પણ થતા. સાધનોની શુદ્ધિનો આગ્રહ રાખ્યા વિના પોતાનો હેતુ સિદ્ધ કરવા કોઈપણ માર્ગ લેતા. દીર્ઘદષ્ટિ, પ્રતિભા, હિંમતથી શત્રુઓની બધી યોજનાઓ નિષ્ફળ બનાવી શકતા.

ચંદ્રગુપ્ત પણ દાસી પુત્ર હતો. નંદરાજાઓ શૂદ્ર, બ્રાહ્મણ દ્વેષી, મદાંધ હતા. ચંદ્રગુપ્તની મહત્વકાંક્ષા જોઈ ધનનંદે એને રાજ્યમાંથી હદપાર કર્યો હતો અને ચાણક્યનું રાજદરબારમાં ધનનંદે અપમાન કર્યું હતું એટલે ચાણક્યે પ્રતિજ્ઞા કરી હતી કે નંદવંશનો નાશ કર્યા પછી જ શિખા બાંધીશ. ચંદ્રગુપ્ત અને ચાણક્યનો મેળાપ થાય છે. સિકંદરના મૃત્યુ પછી ચાણક્યના માર્ગદર્શનથી સેલ્યુક્સને હરાવી ધનનંદને મારી નાખ્યો અને ઈ.સ પૂર્વે 322માં ચન્દ્રગુપ્તે ગાદીએ બેસીને, મોર્યવંશની સ્થાપના કરી. ચાણક્યે ચંદ્રગુપ્તના ગુરુ અને પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું. ચંદ્રગુપ્ત પ્રાચીન ભારતનો પહેલો ઐતિહાસિક સમ્રાટ હતો. ચાણક્યે પોતાની અસાધારણ બુદ્ધિ પ્રતિભાથી રાજનીતિનો પાયો સખત મજબૂત બનાવ્યો છે. ગુપ્ત વંશની કેટલીક પેઢીઓ આજની અપેક્ષાએ કેટલાયગણા અધિક વિશાળ ભારત પર સદીઓ સુધી શાસન કરવામાં સમર્થ થઈ. ચાણક્યના શાસન કૌટિલ્યનો આ વિજય હતો.

ચાણક્યના ગ્રંથો : ‘અર્થશાસ્ત્ર’ (6000 શ્લોક), ‘રાજનીતિ શાસ્ત્ર’ (1000 શ્લોક), ‘નીતિદર્પણ’ (348 શ્લોક), ‘લઘુ ચાણક્ય’ (108 શ્લોક), ‘વૃદ્ધ ચાણક્ય’ (250 શ્લોક), ‘ચાણક્ય સૂત્રો’ (571 સૂત્રો). આ ઉપરાંત ‘વાત્સાયન કામશાસ્ત્ર’, જ્યોતિષ પર ‘વિષ્ણુગુપ્ત સિદ્ધાંત’, આયુર્વેદ પર ‘વૈદ્યજીવન’ વ. ગ્રંથો એમના મનાય છે.

કૌટિલ્ય અર્થશાસ્ત્ર : આ જગતપ્રસિદ્ધ ગ્રંથ ચાણક્યના કીર્તિકળશ સમાન છે. આ ગ્રંથમાં 15 વિભાગો, 150 અધ્યાયો છે. ગ્રંથ રચના ઈ.સ. પૂર્વે 300ની આસપાસ. ગ્રંથમાં વર્ણાશ્રમધર્મ, રાજાના કર્તવ્યો, મંત્રી-પુરોહિત, દંડનીતિ, યુદ્ધનીતિસેના, કોષવૃદ્ધિ (કરવેરા અને તેનો વિનિયોગ), કૃષિ, પશુપાલન, વ્યાપાર, નગરવ્યવસ્થા, કાયદાઓ અને તેનો અમલ, દૂતસંસ્થા વ. વિષયો દ્વારા રાજનીતિ અને તેના સફળ વહીવટ માટે જરૂરી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. સ્ત્રીઓ, કેદીઓ, વૃદ્ધો, વ્યાધિગ્રસ્ત, બાળકો, ખેડૂત-કારીગરોના હિતો, કેળવણી, સામાજિક પ્રશ્નો વ. બાબતમાં અને પ્રજાના સર્વાંગી કલ્યાણ માટે જે જે કરવું આવશ્યક હોય તે તમામ વિષે નિરૂપણ કરેલું છે. કૌટિલ્ય નિરંકુશ રાજસત્તાની હિમાયત કરે છે, છતાં રાજામાં હોવા જરૂરી ગુણ, કર્તવ્યોનાપાલન પર ખૂબ ભાર મૂક્યો છે. વૃદ્ધો, અનુભવીઓ, પુરોહિત, મંત્રીઓ સાથે સલાહ મંત્રણા કરવા જણાવ્યું છે. રાજા કર્તવ્યપાલન ચૂકે તો દંડપાત્ર ગણાતો હતો. આજના લોકતંત્ર કરતાં કૌટિલ્ય અપેક્ષિત રાજસત્તા વધુ જવાબદારીપૂર્ણ, પ્રગતિશીલ અને કલ્યાણકારી હતી. બાવીસસો વર્ષ પૂર્વે રચાયેલા આ કાલજયી ગ્રંથના ઘણા સિદ્ધાંતો આજે પણ મહત્વના છે. આ ગ્રંથમાં પ્રાચીન આચાર્યોના મતોની ચર્ચા છે. ઈ.સ. પૂર્વેના ભારતના સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક જીવન વિષે અગત્યની માહિતી આ ગ્રંથમાં આપેલી છે.

બિંદુસારના સમયમાં ચાણક્ય હયાત હતો અને ત્યારપછી સંન્યાસ લીધો હોય એમ અનુમાન કરાયું છે. ચાણક્ય એ ભારતના રાજનૈતિક ગુરુ હતા.

[કુલ પાન : 104. (મોટી સાઈઝ, પાકું પૂઠું) કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.