- ReadGujarati.com - http://www.readgujarati.com -

ટેકરીઓની સાખે – હર્ષદ કાપડિયા

[ ટૂંકા લલિત નિબંધોના પુસ્તક ‘અતીતનો રણકાર’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ઘ[/dc]રની સામે એક નાની ટેકરી હોવી જોઈએ. દિવસના કે રાતના જુદા-જુદા પ્રહરમાં એને જોતા રહીએ. દરેક પ્રહરમાં એનું રૂપ અલગ-અલગ લાગે અને એને જોઈને મનમાં વિવિધ ભાવ જાગે. ટેકરી પૂર્વ તરફ હોય તો સવારે સૂર્યના આગમન પહેલાં ટેકરીના અસ્તિત્વનો ઉદય શરૂ થઈ જાય. નજર સામેના કેન્વાસ પર એના બાહ્ય આકારની રેખાઓ ધીમેધીમે ઊપસવા માંડે ને થોડી વારમાં ટેકરી પ્રસન્ન વદને નજર સામે ગોઠવાઈ જાય. પછી સૂર્ય માથે ન ચઢે ત્યાં સુધી એ રમતી રહે. એના માથા પરનું એકાદ વૃક્ષ લીલી બોપટ્ટી બનીને એની શોભા વધારતું હોય. ક્યારેક એમાંથી પંખીઓનું ઝુંડ ઊડે અને ટેકરી તાળીઓ પાડતી ખિલખિલાટ હસી પડે. એમાંય વળી પંખીઓની બે પંક્તિઓ ‘વી’ આકારમાં ઊડે ત્યારે તો ટેકરી બે હાથ ઊંચા કરીને કૂદતી હોય એવું ભાસે. શિરામણ ટાણે ગાય ટેકરી પર ચરવા આવી પહોંચે. તલ્લીન થઈને ચરતી ગાય પૂંછડું હલાવે ત્યારે તો ટેકરીના હરખનો પાર ન રહે, પણ બપોર થતાં સુધીમાં તો એની આ હરખ ઝાકળની જેમ ઊડી જાય. એ આંખ મીંચીને સ્થિતપ્રજ્ઞ બની જાય.

ઘરની ઓશરીમાંથી દેખાતી અને ઘરની બારીમાંથી દેખાતી ટેકરીનાં રૂપ વચ્ચે પણ ઘણો ફરક પડે. ઓશરીમાંથી દેખાતી ટેકરીની મુદ્રામાં ફોટો પડાવવા ઊભી રહેતી બાળકીનો અણસાર વર્તાય. જ્યારે બારીમાંથી ડોકિયું કરતી ટેકરી સંતાકૂકડીની રમત રમ્યા કરે. જોકે એનામાં આપણને આશ્ચર્યચકિત કરી દેવાની ક્ષમતા વધારે હોય. તેમ બારીમાંથી અચાનક નજર કરો ત્યારે એ શું કરતી હશે એ કહેવાય નહીં. કાં તો એ વાદળની ફર ટોપી પહેરીને બેઠી હોય અને હિમાલયની નકલ કરતી હોય અથવા તો એકીટશે આકાશને તાકી રહી હોય અથવા બકરીઓ સાથે પકડદાવ રમતી હોય. પહેલા વરસાદમાં ભીંજાતી અને થોડા દિવસ પછી લીલા વાઘા પહેરતી ટેકરી, રાતે તારા ગણતી ટેકરી બારીમાંથી વધારે આત્મીય લાગે. આંગણામાંથી તો આખી ટેકરી દેખાય. પાશ્ચાદભૂમાં રહેલા આકાશનું કૅન્વાસ એના નાનકડા સ્વરૂપને વધારે નાનકડું બનાવી દે. તમને એની પરની પગદંડી દેખાયા કરે. એનો વાંકોચૂકો આકાર ટેકરીના આખા અસ્તિત્વમાં થોડીક ગતિ પૂરી દે. એમાંય જ્યારે ટેકરી લીલીછમ બનીને બેઠી હોય ત્યારે તો પેલી પગદંડી આકાશમાંથી પડીને થીજી ગયેલી વીજળી જેવી લાગે. આંગણામાંથી દેખાતી ટેકરી તમારી સામે હંમેશાં મોકળા મને ઊભી રહે.

ઘરની પશ્ચિમ દિશામાં ગોઠવાયેલી ટેકરી પર પહેલાં ઉજાસની અલૌકિક આભા વરતાય. પછી એની પર ઉજાસ રેલાય. એ ઘડીએ ટેકરી ઈશ્વરની વિરાટ મૂર્તિ જેવી દેખાય. એના ચહેરા પર સૌમ્ય સ્મિત પ્રગટ્યું હોય. પછી સૂર્યના તડકાનો અભિષેક થાય ત્યારે તો બાહુબલિનું સ્વરૂપ યાદ આવે. દૂધની જેમ તડકાની ધાર થતી હોય તો એને પવિત્ર માનીને ગંગાજળની જેમ સાચવી રાખવા મન લલચાત. આવી ટેકરી નજર સામે હોય તો દેવની મૂર્તિની શી જરૂર ? ટેકરીને જોઈને ઈશ્વર યાદ આવે ને ટેકરીને મનોમન વંદન કરી લેવાય. આમ છતાં આપણા દેશની લગભગ બધી ટેકરીઓ પર મંદિર જોવા મળે. ટેકરી પર મંદિર, મંદિર પર ફરકતી ધજા, તળેટીથી ટોચ સુધીનાં પગથિયાં…. આ દશ્ય તો આપણા વ્યક્તિત્વનું એક પાસું છે. આપણે ટેકરી કે પર્વત પર મંદિરો શા માટે બાંધતાં હોઈશું ? ત્યાંથી આકાશ અને આકાશમાં વસતો ઈશ્વર વધારે નિકટ લાગતો હશે ? શિખર પર પહોંચ્યા પછી નીચેની સૃષ્ટિ જોઈને, ઊર્ધ્વગમનનો કે કશુંક સિદ્ધ કર્યાનો અનુભવ થતો હશે ? ઢળતી બપોરે સૂર્યને માથા પરથી પીઠ પાછળ ઢાળી દીધા પછી આપણી પશ્ચિમ બાજુની ટેકરી હળવીફૂલ બને ને એની છાયા આપણા સુધી લંબાય ત્યારે તો એને ટપલી માર્યાનો કે એને સ્પર્શ કર્યાનો અનુભવ થાય. સૂર્યાસ્ત પછી એની પર છવાતા આછા અંધકારમાં વિષાદની છાંટ ભળી જાય. ચોમાસામાં ટેકરી પરની ગતિવિધિ વધારે હોય. ઘાસનાં અંકૂર ફૂટતા હોય, એ પવનના સંગીતને વધુ મધુર બનાવતા હોય, વરસાદ પડે ત્યારે ટેકરી અને વૃક્ષ, ઘાસ અને પથ્થર એમાં નહાતાં હોય. જાણે ટેકરીનું આખું અસ્તિત્વ સાર્થક થતું લાગે. એ લીલી ચૂંદડી ઓઢીને નવોઢા બનીને બેસે, પરંતુ ઉનાળામાં એનો ચહેરો નંખાઈ જાય. એનો ભૂખરો પોશાક એને શોકગ્રસ્ત બનાવી દે.

તમે મુંબઈથી અમદાવાદ સુધીના નવા બંધાતા હાઈવે પર પ્રવાસ કરો તો ટેકરીઓની અવદશા જોવા મળે. ઠેરઠેર પડખાં કપાયેલી ટેકરીઓ દેખાય. એક જરાક મોટી ટેકરીનું તો મસ્તક જ વાઢી લેવાયું હતું. ફક્ત એનું ધડ ઊભું હતું. પેલા શિરચ્છેદ થયેલા રાજાનું ધડ લડતું રહ્યું હતું એ યાદ આવી ગયું. પણ આ ટેકરી કોની સામે લડવાની ? અને એનો શિરચ્છેદ નહોતો થયો ત્યારે પણ એ ક્યાં લડતી હતી ? બીજી એક ટેકરીની વધારે અવદશા હતી. એની ઉપર થોડાક મજૂરો ચઢી ગયા હતા અને ખાટકીની અદાથી ટેકરીને ખોતરી રહ્યા હતા. એક ટેકરીના પગ પાસે વૃક્ષોનાં શબ પડ્યાં હતાં જાણે કે દ્રૌપદી કૌરવોએ હણેલા પોતાના પુત્રોના શબ પાસે ઊભી રહીને કલ્પાંત કરતી હતી. હાઈવે પરની એક ટેકરી એવી પ્રતીક્ષા કરતી હતી કે રામ આવે ને અહલ્યા બનાવે. કદાચ કોઈક ત્રસ્ત ટેકરી સીતાની જેમ ધરતી પાસે મારગ પણ માગતી હશે. હાઈવે પરની ટેકરીઓને મુંબઈની ટેકરીઓની વેદનાની ક્યાંથી ખબર હોય ? ટેકરીઓ પર વસી ગયેલી વસાહતો જોઈને મડદાં પર બેઠેલાં ગીધ યાદ આવે. આ બધી ટેકરીઓની કાયા કોહવાઈ રહી છે અને એમાં જીવાતો પડી છે.

નાનકડી ટેકરી હોય, એની પાસેની નદી વહેતી હોય, એની પર નાનો પુલ હોય તો ભયોભયો. ટેકરીઓની સાખે કોઈકને ફૂલ આપ્યાની યાદ આપણા કવિને આવ્યા કરે છે, પણ ટેકરી ઘર પાસે જ હોય તો ? એ આપણા પ્રેમ, ઉષ્મા, વિષાદ, વિયોગ, મિલનની સાક્ષી બની જાય. એને જોઈને આ બધી લાગણીઓ વધુ ઉત્કટતાથી અનુભવાય. ટેકરી પણ આપણાં સ્પંદન પારખતી થઈ જાય. ખરેખર, ઘરની પાસે એક ટેકરી હોવી જોઈએ.

[ કુલ પાન : 160. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]