ધુમાડો – રાકેશ હાંસલિયા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ભલે આજ છે આ ચલમનો ધુમાડો,
કદી એ જ બનશે અગમનો ધુમાડો !

નથી આયનામાં ચહેરો કળાતો,
નડે છે બધાંને અહમનો ધુમાડો !

હૃદયમાં, ગલીમાં, નગરમાં, જગતમાં,
સકળમાં ભમે છે ભરમનો ધુમાડો !

થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ?
નડે છે નજરને ધરમનો ધુમાડો !

નહીં સાથ છોડે ભવોભવ બધાંનો,
સદા સંગ રહે છે કરમનો ધુમાડો !

હવામાં ભળ્યું છે કશું તો સુગંધી,
હશે ધૂપ જેવો પરમનો ધુમાડો !?

કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ;
અહીં સૌ કરે છે જનમનો ધુમાડો !

મહેકે છે તેથી જ લોબાન જેવું,
નથી આ ગઝલ કૈં કલમનો ધુમાડો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ધુમાડો – રાકેશ હાંસલિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.